Monday, 30 December 2013

રામલીલા…હિન્દુ સંસ્કૃતિનો અતુલ્ય વારસો...

બહુ ગાજેલી-ચાલેલી ફિલ્મરામલીલા’ ‘એટલી બધી સારી નથી કે પછી અદ્ભુત છેથી લઈને એકવાર ચાલે અને બચ્ચને ઉપરાછાપરી ત્રણવાર જોઈજેવા પરસ્પર વિરોધી રિવ્યુઝ છતાં વટ કે સાથે સો કરોડ ક્લબમાં દાખલ થઈ ગઈ. સંજય લીલા ભણસાલીએ ડિરેક્ટર કરતાં સંગીતકાર તરીકે જ્યાં મોટો મીર માર્યો છે એવી ફિલ્મ સિનેમેટોગ્રાફીથી લઈને આર્ટ ડિરેક્શન અને અભિનયથી લઈને ડાયલોગ્સ સુધીના તમામ મોરચે વિજયી સાબિત થાય છે. એવરેજ ગુજરાતીએ કદી જોયા હોય એવા દોઢિયા-ગરબાના સ્ટેપ્સ, હિમાલયન ફ્લાવર વેલીના તમામ રંગો ચૂંટીને વેરી દીધા હોય એવા રંગબેરંગી કોસ્ચ્યુમ્સ અને ગુજરાતમાં સૌથી વધુ પ્રવાસીઓને ખેંચી લાવતા કચ્છના નયનરમ્ય લોકાલ્સ. નેશનલ-ઈન્ટરનેશનલ લેવલ પર ગરવી ગુજરાતનું આનાથી વધુ સારું બ્રાન્ડિંગ શું હોઈ શકે? ખેર, વાત ભણસાલીની રામલીલાની નથી માંડવી. વાત કરવાની છે મર્યાદા પુરુષોત્તમ રાજા રામના જીવનકવન પર ભજવાતી ભાતિગળ રામલીલાની.


રંગો-છંદો-ગીતો-નૃત્યોના અદ્ભુત સમન્વય દ્વારા શ્રીરામના જીવનને તાદૃશ્ય કરતી કળા એટલે રામલીલા. સામાન્ રીતે સમીસાંજથી શરૂ થતો નાટ્ય પ્રયોગ મોડી રાત સુધી ચાલતો હોય છે. દશેરાના તહેવાર પર રામલીલા એક રાતથી લઈને એક અઠવાડિયા સુધી અને ક્યાંક તો એક મહિના સુધી પણ ભજવાતી હોય છે. રામલીલાને રસાળ અને નાટ્યાત્મક રૂપ આપવા માટે કાવ્યાત્મક સંવાદો, ભારે વસ્ત્રાભૂષણો અને મેક-અપનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે. રાવણ, રાવણના ભાઈ કુંભકર્ણ અને દીકરા મેઘનાદના પૂતળા બાળવા સાથે રામલીલાની પૂર્ણાહુતિ થતી હોય છે.

રામલીલાનો ઈતિહાસ જોઈએ તો, મહર્ષિ વાલ્ક્મિકી દ્વારા સંસ્કૃતમાં લખાયેલ રામાયણને સોળમી સદીમાં અવધી ભાષામાં રૂપાંતરિત કરીને સંત તુલસીદાસે મહાગાથાને લોક-ભોગ્ય રૂપ આપ્યું હતું. અવધી ભાષા દૈવી ગણાતી હોવાથી બ્રાહ્મણો દ્વારા તેમનો સખત વિરોધ થયો હતો. જોકે ભાષાની સરળતાને લીધે ઉત્તર ભારતના જનસામાન્યએ તુલસીદાસ રચિત રામાયણને તરત વધાવી લીધી હતી. એવું માનવામાં આવે છે કે ૧૬૨૩માં તુલસીદાસના દેહાવસાન બાદ તેમના અનુયાયીઓએ રામલીલા ભજવવાની શરૂઆત કરી હતી. કેટલાક ઈતિહાસવિદો તો રામલીલાનો પ્રારંભ છેક તેરમી સદીમાં ગણાવી ક્યાંક વધુ પાછળના ભૂતકાળમાં લઈ જાય છે. મુઘલ બાદશાહ અકબર રામલીલા જોતા હોવાનો ઉલ્લેખ પણ ઈતિહાસમાં જોવા મળે છે. છેક ત્યારથી લઈને વર્તમાન સુધી રામલીલા ભારતવર્ષમાં ભજવાતી આવી છે. પૂર્વી, કોશાલી અને વૈશ્વારી તરીકે પણ જાણીતી અવધી બોલીને હિન્દી ભાષા સાથે નજીકનું સગપણ છે. ઉત્તર પ્રદેશના અવધ પ્રાંત ઉપરાંત દિલ્હી, મધ્ય પ્રદેશ અને બિહારમાં અવધીનું ખાસ્સું ચલણ છે. પ્રદેશો રામલીલાના કેન્દ્રસ્થાનો પણ છે. રામલીલા ઉત્સવ ઉત્તર ભારતમાં હજારો લોકોને રોજગાર પૂરો પાડે છે


જે વાત રામલીલાને અન્ય નાટ્ય સ્વરૂપોથી જુદી પાડે છે તે છે કે દર્શકો બહુ આસાનીથી રામલીલાનો હિસ્સો બની શકે છે. સ્ટેજ પર કલાકારો જ્યારે રામાયણના પાત્રોના પ્રસસ્તિગાન ગાતા હોય છે ત્યારે તેઓ દર્શકોને પણ સમૂહગાન માટે પ્રોત્સાહિત કરે છે. રાવણની ધારદાર તલવારથી ઘાયલ થતા જટાયુ સ્ટેજ પરથી ઉછળીને દર્શકોમાં જઈ પડે છે. સ્ટેજ ઉપર તેમની જરૂર ના હોય ત્યારે વાનર બનેલા કલાકારો દર્શકોમાં જઈને બેસે છે. અયોધ્યાનો મહેલ છોડીને જંગલમાં જતી વખતે રામ, સીતા અને લક્ષ્મણ સ્ટેજ પરથી ઉતરી દર્શકો વચ્ચેથી ચાલતા પસાર થાય છે. પ્રકારની તરકીબોને લીધે એક સામાન્ય દર્શક પોતાની જાતને રામલીલાનો એક હિસ્સો સમજે છે અને પોતાની જાતને કલાકારો સાથે સાંકળી શકે છે. નજીકથી પસાર થતા રામ, સીતા અને લક્ષ્મણને જોઈ દર્શકો તેમના ચરણસ્પર્શ માટે પડાપડી કરે છે. શ્રીરામના વનગમન વખતે તો સમગ્ર વાતાવરણમાં એવો ભક્તિભાવપૂર્ણ માહોલ સર્જાય છે કે પ્રેક્ષકો રીતસર રડી પડે છે. ઘણા પ્રેક્ષકો ઢગલાબંધ ફૂલો લઈ આવે છે અને અયોધ્યા પાછા ફરતા શ્રીરામનું સ્વાગત કરવા માટે તેમના પર ફૂલોની વર્ષા કરે છે.

રામલીલા ભજવતી સંસ્થાઓમંડળીનામે ઓળખાય છે. દિલ્હીમાં સૌથી વધુ મંડળીઓ દ્વારા રામલીલા ભજવવામાં આવે છે. એમાં પણ ઐતિહાસિક લાલ કિલ્લા પરલવ-કુશ રામલીલામંડળી દ્વારા ભજવાતી રામલીલા તો છેક બહાદુર શાહ ઝફરના જમાનામાં શરૂ થઈ હતી. રામલીલાનું ૨૦૦૪માં સાધના ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને દુનિયાના ૧૦૦થી વધુ દેશોએ નિહાળ્યું હતું. લાલ કિલ્લા પાસે આવેલા સુભાષ મેદાનમાં આયોજિત થતા રામલીલા મહોત્સવમાં કવિ સંમેલન, સત્સંગ અને ભજન-કીર્તનના કાર્યક્રમો પણ યોજાય છે. છેલ્લા દિવસે રામલીલા અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેનારા કલાકારોને પ્રોત્સાહનરૂપે ઈનામો પણ આપવામાં આવે છે. ભવ્ય આતશબાજી સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થતી હોય છે. નેતા-અભિનેતાથી લઈને જાણીતા સામાજિક કાર્યકરો અને ઉદ્યોગપતિઓ રામલીલાની મુલાકાત લેતા હોય છે. ગયા વર્ષે હેમામાલિનીએ રામલીલામાં નૃત્ય કર્યું હતું. આટલી વિખ્યાત હસ્તી પરર્ફોમ કરે ઈવેન્ટ કેવી ભવ્ય હશે એનો અંદાજ હવે લગાવો!

વ્રજ પ્રદેશ કહેવાતા મથુરા અને વૃંદાવનની રામલીલા કૃષ્ણમય હોય છે. અહીં રામની રામલીલા કૃષ્ણનીરાસલીલાસ્ટાઈલમાં ભજવાતી હોય છે, જેમાં વસ્ત્રાભૂષણથી લઈને નૃત્યો અને સંવાદો સુધી બધુ વધારે ગ્રાન્ડ અને ડ્રામેટિક હોય છે. રામલીલાની એક અલગ ફ્લેવર માણવી હોય તો ચિત્રકૂટ જઈ શકાય, જ્યાં દશેરાના તહેવારને બદલે ફેબ્રુઆરીમાં આવતા મહાશિવરાત્રિના તહેવાર પર રામલીલાનું આયોજન કરવામાં આવે છે અને તે પણ પાંચ વર્ષે ફક્ત એક વાર!

હિન્દુઓ જે ધરતી પર પ્રાણત્યાગની ખેવના કરે છે કાશીના પડોશી એવા રામનગરમાં વિશાળ ફલક પર યોજાતી રામલીલા તેની ભવ્યતા માટે વિશ્વભરમાં જાણીતી છે. અહીં કોઈ એક સ્ટેજ કે સ્થળે રામલીલા ભજવાતી નથી, બલ્કે આખું રામનગર એક સ્ટેજ બની જાય છે! એક મહિના સુધી ચાલતા મેગા-મહોત્સવ દરમ્યાન રામનગરના અગલ-અલગ સ્થળે રામલીલાના પ્રસંગો ભજવાય છે. રામ-સીતાના લગ્ન અસલી મહેલમાં થાય છે અને લગ્ન દરમ્યાન નગરના ધનવાનો તેમના મોંઘા આભૂષણો કલાકારોને પહેરવા માટે આપે છે! રામ-સીતા-લક્ષ્મણ અહીં વનવાસ માટે સાચુકલા વનમાં જાય છે અને લંકાદહન માટે એક ઠેકડો મારીને હનુમાન દરિયાને બદલે સ્થાનિક જળાશયને (ક્રેન અને વાયર્સને સહારે સ્તો) ઓળંગી જાય છે! લંકા તો સાચુકલો કિલ્લો હોય. વિશાળ મેદાનમાં યોજાતા યુદ્ધ દરમ્યાન ઘોડા, હાથી, ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

કાશી નરેશ મહારાજા ઉદિત નારાયણ સિંહ દ્વારા ૧૮૩૦માં ભવ્યાતિભવ્ય રામલીલા શરૂ કરાયેલી. ત્યારબાદ તેમના વારસદારોએ પરંપરા જાળવી રાખી છે. આજે પણ અહીં રોયલ ફેમિલીના સભ્યો મોંઘેરી કારમાં કે હાથી ઉપર બેસીને પધારે પછી રામલીલાની શરૂઆત થાય છે. અહીં પ્રેક્ષકોની સંખ્યા લાખ સુધી પહોંચી જાય છે! ખ્યાતિ તો પાછી એવી કે વિદેશીઓ ખાસ રામલીલાનો અભ્યાસ કરવા રામનગરમાં ડેરા જમાવે છે. સમાજથી અલગ-થલગ રહેનારા હજારો સાધુઓ પણ રામલીલા જોવા ઉમટી પડે છે. ‘રામાયણીકહેવાતો સાધુસમૂહ રામધૂન અને ભજનો દ્વારા સમગ્ર વાતાવરણને ભક્તિરસમાં તરબોળ કરી દે છે. સાચા ઘરેણાં અને ભવ્યતમ સેટ્સ ઉપરાંત કલાકારો માટે તૈયાર કરાયેલા ડિઝાઈનર વસ્ત્રો અને ચકાચોંધ કરી દેતી લાઈટિંગ-સાઉન્ડ ઈફેક્ટ્સ રામલીલાને જીવનમાં કદી ભૂલાય એવું સંભારણું બનાવી દે છે. કેટલાક સેટ્સ તો કાયમી ધોરણે બનાવી દેવામાં આવ્યા છે અને વર્ષ દરમ્યાન તેમની જાળવણી ખર્ચાળ પણ પુરવાર થાય છે. રામલીલાની અન્ય વિશેષતા છે કે વિવિધ પાત્રો ભજવવા માટે સ્થાનિક લોકોને લેવામાં આવે છે. બાકાયદા ઓડિશન થાય છે અને પસંદ કરાયેલા કલાકારોએ અઠવાડિયાઓ સુધી અભિનય અને કસરત (ચુસ્ત દેખાવા માટે)ની તાલીમ લેવી પડે છે!    

દાયકાઓથી રામલીલા ભજવવા માટે મંડળીઓને રાજકીય પીઠબળ (અને ફંડ પણ) મળતા રહ્યા છે. કયા સ્થળે ભજવાતી રામલીલા વધુ ભવ્ય છે વિશે પણ ગાઈ-વગાડીને જાહેરાત કરવામાં આવતી રહી છે. ઉત્તર પ્રદેશમાં ભજવાતી રામલીલા સ્થાનિક રાજકારણીઓ માટે સત્તાના પ્રદર્શનનું માધ્યમ બની ગઈ છે.

બધી રામલીલા ભવ્ય અને ખર્ચાળ હોય એવું નથી. દિલ્હીના ગોપાલ શર્મન ગ્રુપઆયોજિત રામલીલામાં મોંઘા સેટ્ અને વસ્ત્રો જોવા નહિ મળે. સમાજને શ્રીરામના જીવન દ્વારા જે સંદેશ આપવાનો હોય છે એના ઉપર તેઓ ધ્યાન કેન્દ્રિત કરે છે. ચોટદાર સંવાદો માટે જાણીતી એમની રામલીલાના ઘણાં પાત્રો ઝુપડપટ્ટીના બાળકો ભજવતા હોય છે. રામ-સીતા અને લક્ષ્મણ જેવા મુખ્ય પાત્રો ચૌદ વર્ષની ઉંમરથી નીચેના બાળકો ભજવે છે. તૈયારીરૂપે તેમણે તન-મનના શુદ્ધિકરણ માટે ઉપવાસ અને વિવિધ ધાર્મિક નીતિનિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડે છે. ચંદનના લેપ અને ફૂલ-હાર વડે તેમના શરીરને શણગારવામાં આવે છે. હનુમાન અને રાવણ જેવા પાત્રોને કદાવર દેખાડવા માટે પુખ્તવયના કલાકારોને લેવામાં આવે છે.

હિન્દુ ધર્મ વિશ્વમાં જ્યાં-જ્યાં ફેલાયો છે ત્યાં-ત્યાં રામલીલાનું આયોજન સૈકાઓથી કરવામાં આવે છે. દેશોમાં ફિજી, મોરેશિયસ, સાઉથ આફ્રિકા, કેનેડા, સુરિનામ, ત્રિનિતાદ એન્ડ ટોબેગો, ઈંગ્લેન્ડ, અમેરિકા, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ગુયાના, નેપાળ, પાકિસ્તાન, લાઓસ, થાઈલેન્ડ અને કમ્બોડિયાનો સમાવેશ થાય છે. બૌદ્ધ ધર્મ પાળતા દક્ષિણ-પૂર્વી દેશોમાં જે રામાયણ પ્રચલિત છે એમાં દશરથને કાશીના રાજા ગણવામાં આવ્યા છે અને રાવણનું પાત્ર હોવાથી સીતાહરણ અને લંકાદહન જેવા કોઈ પ્રસંગોનો ઉલ્લેખ નથી. દેશોમાં ભજવાતી રામલીલામાં રામ વનવાસ પૂરો કરીને કાશી પાછા ફરે છે અને સુખેથી રાજ કરે છે એવું બતાવવામાં આવે છે. મુસ્લિમ દેશ મલેશિયામાં ભજવાતી રામલીલામાં રાવણ શિવભક્તને બદલે અલ્લાહનો બંદો બતાવાયો છે! અહીં રાવણહનન રામને બદલે લક્ષ્મણ દ્વારા થાય છે.     

વિદેશોમાં પણ રામલીલા હિન્દીમાં ભજવાય છે અને દૃશ્ય દરમ્યાન એક ખાસ કલાકાર સંવાદોનું અંગ્રેજી કે સ્થાનિક ભાષામાં ભાષાંતર કરતો જાય છે. રામલીલાનો વૈશ્વિક પ્રભાવ જોતા વર્ષ ૨૦૦૫માં યુનેસ્કોએ તેને ઐતિહાસિક ધરોહર તરીકે માન્યતા આપી હતી. જાહેરાતને પગલે ભારત સરકારે આઈ.જી.એન.સી.. (ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્) પાસેરામલીલા- ધી ટ્રેડિશનલ પર્ફોર્મન્સ ઓફ રામાયણનામની બે કલાક લાંબી એક સુંદર ડોક્યુમેન્ટ્રી તૈયાર કરાવડાવી હતી. અયોધ્યા, વારાણસી, વૃંદાવન, અલ્મોરા, સતના, મધુબની અને રામનગરમાં આયોજિત થતી રામલીલાને યુનેસ્કો દ્વારા વિશિષ્ટ ગણવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયેલી હિંસા માટે કવાલ નામનું ગામ કારણરૂપ બન્યું હતું. ગામની છેડતીની ઘટનાને કારણે થયેલા વિવાદમાં ત્રણ હત્યા થયા પછી સમગ્ર જિલ્લામાં હિંસા ફેલાઈ ગઈ હતી. હિંસામાં ૪૭ લોકોના મોત થયા હતા અને હજારો લોકો બેઘર બની ગયા હતા. લગભગ ૬૬ વર્ષથી અહીં હિન્દુઓ અને મુસ્લિમો ભેગા મળીને રામલીલાનું આયોજન કરતા આવ્યા છે. હિંસા પછી ચારે તરફ બનેલા અવિશ્વાસના વાતાવરણ વચ્ચે પણ કવાલ ગામમાં બંને સમુદાયના લોકોએ પરંપરાગત રામલીલાનું આયોજન કર્યું હતું. તેમનો હેતુ સમાજને સંદેશ આપવાનો હતો કે ઘૃણાની આગમાં સળગ્યા પછી પણ તેમનો પારસ્પરિક વિશ્વાસ અગાઉની જેમ અતૂટ રહ્યો છે. ૧૯૭૨થી લખનૌમાં યોજાતી રામલીલાનું આયોજન તો સંપૂર્ણપણે મુસ્લિમ સમુદાયના લોકો કરે છે. કોમી એખલાસના આનાથી વધુ સારા ઉદાહરણ કયા હોઈ શકે? દરેક ધર્મના લોકોને આકર્ષતી રામલીલા જાત-પાત અને આભડછેટની વાડાબંધીથી ખરેખર પર છે.

નોંધઃ ૩૧ ડિસેમ્બર૨૦૧૩ના રોજ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'કલ્ચર ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.