Thursday, 22 May 2014

એથલિટ કમ મોડેલ કમ એક્ટ્રેસ એમી મુલિન્સ

બંને પગે વિકલાંગ એમીએ સાબિત કરી દીધું કે હકારાત્મક વલણ હોય તો માણસ એક સાથે અનેક ક્ષેત્રે સફળતાના ઝંડા લહેરાવી શકે છે

૨૦ જુલાઈ, ૧૯૭૬માં અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના એલેનટાઉન શહેરમાં જન્મી એક બાળકી. ઈશ્વરે સુંદર, હૃષ્ટપુષ્ટ શરીર તો આપ્યું પણ સાથે એક ખોડ પણ આપી. બાળકી ફિબ્યુલર હેમિમેલિયા નામની બીમારી લઈને જન્મી હતી. તેના બંને પગમાં ઘૂંટણની નીચે ફિલ્યુલા નામનું હાડકું જ નહોતું. આવા પગે બાળકીએ આખું જીવન વ્હીલચેરમાં વિતાવવું પડે એમ હતું. ઓપરેશન વડે તેના ખામીયુક્ત પગ કાપી નાખવામાં આવે તો પ્રોસ્થેટિક લેગ્સ પહેરી તે ચાલી શકે એમ હતી, એટલે તે ફક્ત એક વર્ષની હતી ત્યારે તેના પગ ઘૂંટણ નીચેથી કાપી નાખવામાં આવ્યા. બે વર્ષની વયથી એ બાળકી પ્રોસ્થેટિક પગ પહેરવા લાગી. આગળ જતાં એ જ વિકલાંગ બાળકી એમી મુલિન્સ નામે વિશ્વ વિખ્યાત સેલિબ્રિટી બનવાની હતી.

એમીને નાનપણથી રમતગમતમાં વિશેષ રસ. શાળામાં તે સ્વિમિંગ, બાઇકિંગ, સોફ્ટબોલ, સોકર, સ્કિઇંગમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતી. ફક્ત મોજ ખાતર રમતોમાં ભાગ લેતી એમીને એકવાર ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓ માટેના એક રમતોત્સવમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું. કોઈપણ પ્રકારની તૈયારી વિના એમી રમતોત્સવમાં ભાગ લેવા પહોંચી ગઈ. ત્યાં હાજર તમામ સ્પર્ધકોમાં ફક્ત એમીના પ્રોસ્થેટિક લેગ્સ લાકડાંના હતા, બાકી તમામે મેટલના મોંઘા પ્રોસ્થેટિક્સ પહેર્યાં હતાં. ઉપરાંત તમામ સ્પર્ધકો ફક્ત એક પગે અપંગ હતાં, તેમનો બીજો પગ સાબૂત હતો. એમીના જીતવાના ચાન્સ બહુ ઓછા હતા, છતાં તેણે દૃઢ મનોબળ થકી દોડની સ્પર્ધામાં ભાગ લીધો અને સ્પર્ધા જીતી બતાવી! એટલું નહીં પણ દોડ માટેનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ તોડ્યો. બીજે વર્ષે સ્પર્ધામાં એણે લાંબી કૂદમાં પણ નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. સફળતાને પગલે તેણે સ્પોર્ટ્સમાં કેરિયર બનાવવાનું નક્કી કર્યું.
એલેનટાઉનમાં શાળાકીય અભ્યાસ પતાવ્યા બાદ એમીએ વધુ અભ્યાસ માટે વોશિંગ્ટન શહેરની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. એન.સી... (નેશનલ કોલેજિએટ એથલેટિક એસોસિએશન) એક એવી બિન-સરકારી અમેરિકન સંસ્થા છે જે અમેરિકા અને કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં રમતોત્સવોનું આયોજન કરે છે. સ્પર્ધામાં એમી માટે ચિત્તાના પગની રચનાનો અભ્યાસ કરીને પ્રોસ્થેટિક લેગ્સ બનાવવામાં આવ્યા. કાર્બન ફાઇબરના બનેલા પ્રકારના અત્યાધુનિક પ્રોસ્થેટિક્સ વાપરનાર તે વિશ્વની પહેલી વ્યક્તિ હતી. પ્રોસ્થેટિક લેગ્સને સહારે તેણે એન.સી... આયોજિત ટ્રેક એન્ડ ફિલ્ડ રમતોત્સવમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને લાંબી કૂદમાં વિશ્વ વિક્રમો બનાવ્યાં.

અમેરિકાના સંરક્ષણ મંત્રાલય દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ પ્રકારની સ્કોલરશિપ આપવામાં આવે છે. આખા દેશમાંથી દર વર્ષે ફક્ત ત્રણ વિદ્યાર્થીઓની માટે પસંદગી કરવામાં આવે છે અને તેમને અમેરિકાના સંરક્ષણ ડિપાર્ટમેન્ટપેન્ટાગોનમાં ઇન્ટર્નશિપ કરવાનો દુર્લભ મોકો મળે છે. સ્કોલરશિપ અને ઇન્ટર્નશિપ માટે એમી પસંદગી પામી ત્યારે તેની વય હતી ફક્ત ૧૭ વર્ષ, જે એક રેકોર્ડ હતો.
૧૯૯૬ની એટલાન્ટા પેરાલિમ્પિકમાં તેણે ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને લાંબી કૂદમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યાં, જે બદલ તેને એથલિટ ઓફ ધી યરના ઇલકાબથી નવાજવામાં આવી. ‘લાઇફમેગેઝિને તેની સફળતાની સરસ નોંધ લીધા બાદ સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડમેગેઝિને તેના પર ૧૦ પાનાનો વિશેષ લેખ છાપ્યો

૧૯૯૮માં એમીએ ઈતિહાસ અને રાજકારણમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી કોલેજ પૂરી કરી. રમતજગતમાં સફળતા મળતા દેખાવે અત્યંત આકર્ષક એમીને મોડેલિંગની ઓફર મળવા લાગી. ૧૯૯૮માં તેણે જાણીતા બ્રિટિશ ડિઝાઇનર એલેકઝાન્ડર મેક્વીન માટે લંડનમાં રેમ્પવોકિંગ કર્યું. તમામ સુપર મોડૅલ્સ વચ્ચે મીડિયાએ એમીની નોંધ લીધી અને તેની મોડેલિંગ કરિયરની ભવ્ય શરૂઆત થઈ. ફેશન મેગેઝિન ડેઝ્ડ એન્ડ કન્ફ્યુઝડના કવર પેજ પર ચમક્યા બાદ તેણે હાર્પર બાઝાર, વોગ, એલે અને ગ્લેમર જેવા અનેક ફેશન મેગેઝિન્સના કવર પેજ પર સ્થાન મેળવ્યું. બ્યુટી પ્રોડક્ટ બનાવતી જાણીતી બ્રાન્ડ લોરિઆલ માટે પણ તેણે મોડેલિંગ કર્યું. ૨૦૧૦માં પીપલ મેગેઝિને તેને વિશ્વની સૌથી વધુ સુંદર ૫૦ હસ્તીઓમાં સ્થાન આપ્યું.


સ્પોર્ટ્સ અને મોડેલિંગ ક્ષેત્રે સફળતાના ઝંડા ખોડ્યા બાદ ૨૦૦૨માં એમીએ એક્ટિંગમાં ઝંપલાવ્યું. તેની પહેલી ફિલ્મ હતી ક્રેમાસ્ટર ૩ જેને વિવેચકોની ભારે પ્રસંશા સાંપડી. આ કળાત્મક અને વિચારપ્રેરક ફિલ્મમાં તેણેચિત્તા વુમનનો રોલ ભજવ્યો હતો. ૨૦૦૨થી ૨૦૧૩ સુધીમાં એમીએ કુલ ફિલ્મો કરી જેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ક્વિડ પ્રો ક્વો, રોબ ધી મોપ ઉલ્લેખનીય છે. ૨૦૧૪ના એક વર્ષમાં તેની ફિલ્મો રજૂ થવાની છે. ફિલ્મો ઉપરાંત તે ટીવી સિરિયલો પણ કરે છે. ફિલ્મોમાં આવ્યા બાદ સમયના અભાવે તેણે મોડેલિંગ ઓછું કરી દીધું પરંતુ મેક્વીન માટે તે ૨૦૧૦ (મેક્વીનના અવસાન) સુધી મોડેલિંગ કરતી રહી.

અમેરિકાની મહાન મહિલા ટેનિસ ખેલાડી બિલી જીન કિંગ દ્વારા સ્થાપિતવિમેન્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના પ્રમુખપદને તેણે ૨૦૦૭થી ૨૦૦૯ સુધી શોભાવ્યું. ૨૦૧૨ની લંડન ઓલોમ્પિક અને પેરાલિમ્પિકમાં તેને અમેરિકન ટીમની લીડર બનવાનું બહુમાન પ્રાપ્ત થયું હતું.


એમી વિખ્યાત લેખક સલમાન રશદીની સારી મિત્ર છે. થોડા સમય પહેલા બંને વચ્ચે મિત્રતાથી વિશેષ કંઈક હોવાની અફવા ચગી હતી. ૩૭ વર્ષીય એમી હાલમાં ન્યુ યોર્ક શહેરમાં રહે છે. તેની પાસે અલગ આકાર-પ્રકારના ઘણા પ્રોસ્થેટિક લેગ્સ છે. જરૂરિયાત અને પ્રસંગ અનુસાર તે પોતાના શરીરનું કદ ઓછું-વત્તું કરતી રહે છે. પ્રેરણાત્મક પ્રવચનો આપી તે ચેરિટી ભેગી કરે છે. તે અનેક સખાવતી કાર્યો સાથે સંકળાયેલી છે. એથલેટિક્સના વિકાસ માટે તેણે અન્ય ખેલાડીઓના સહકારથીસ્પાયર ઇન્સ્ટિટ્યુટની સ્થાપના કરી છે. ઉપરાંત તેણેહોપનામની સંસ્થાની પણ રચના કરી છે જે રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા તત્પર વિકલાંગોને ટ્રેનિંગ અને માર્ગદર્શન પૂરું પાડે છે.

માઇલસ્ટોન
આત્મવિશ્વાસ કોઈપણ સ્ત્રી માટે સૌથી સુંદર જણસ છે, એક એવી જણસ જે તેના શરીરના કોઈપણ અંગ કરતાં વધુ સુંદર અને મહત્ત્વપૂર્ણ છે.
-- એમી મુલિન્સ

નોંધઃ એપ્રિલ ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'સન્ડે ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.