Sunday 14 October 2018

ફિલ્મ રિવ્યૂઃ ‘તુંબાડ’… ડર-ખૌફ-હોરરનો એક અભૂતપૂર્વ અધ્યાય… review by: Mayur Patel



આ વાંચનાર પૈકી ઘણાને તો ખબર જ નહીં હોય કે ‘તુંબાડ’ જેવી કોઈ ફિલ્મ થિયેટર્સમાં ચાલી પણ રહી છે, જેને ખબર હશે એનેય એમ થશે કે, સાલુ આવું તે કેવું નામ ‘તુંબાડ’? ફિલ્મની વાર્તા ૧૯૧૮થી શરૂ થઈને ૧૯૪૭ સુધીના મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં સ્થિત નાનકડા ગામ ‘તુંબાડ’માં આકાર લે છે, માટે ‘તુંબાડ’. સિમ્પલ. કંઈક ગેબી રહસ્ય ધરબીને બેઠેલું કોંકણસ્થ બ્રાહ્મણ કુટુંબ… સોનું મેળવવાની લાલચમાં ફનાફાતિયા થઈ જતી જિંદગીઓ… આસામાનમાંથી સતત વરસતા વરસાદ સાથે ત્રાટકેલો એક ભયંકર શ્રાપ… અને શરીરના અંગેઅંગમાંથી ડરનું લખલખું દોડી જાય એવી ખૌફનાક પ્રસ્તુતિ… ‘તુંબાડ’ એક અવિસ્મરણીય અને અભૂતપૂર્વ અનુભવ બની રહે છે.

હિન્દી સિનેમામાં ‘હોરર ફિલ્મ બનાવો એટલે અમુક ટિપિકલ તત્વો તો નાંખવા જ પડે’ એવી માન્યતા કોણ જાણે ક્યાંથી વળગી ગઈ છે!!! રામસે બ્રધર્સે કબર ફાડીને બેઠા થતાં ભૂતોનો સિલસિલો શરૂ કરેલો જે ટીવીની વાહિયાત હોરર સિરિયલોમાં આજે પણ જારી છે. રામ ગોપાલ વર્મા અને પછી વિક્રમ ભટ્ટે વળી મહિલાઓને કેન્દ્રસ્થાને રાખીને હોરર એલિમેન્ટને એનકેશ કર્યા. હાથમાં મીણબત્તી લઈને થરથર ધ્રૂજવું અને ભૂત પાછળ પડ્યું હોય તોય ફૂલઓન મેકઅપ કર્યા પછી જ ચીસાચીસ કરવી એ હિરોઇનની બંધારણીય ફરજ. (યાદ આવે છે, ઉર્મિલાઓ અને બિપાશાઓ??) હોરર હોય એટલે ભૂતે કોઈકના શરીરમાં ઘૂસીને એનો કબજો લઈ લેવું તો ફરજિયાત. જાદુ-ટોના, કાલાજાદૂ ને ઝાડફૂંક કરવાવાળો કે વાળીની હાજરી પણ અનિવાર્ય. એ ભૂતભગાવો બાવા/બાવીઓ પાછા ભૂત કરતાંય વધુ ડરામણા ગેટઅપમાં પ્રગટ થઈને અમથીઅમથી ચિલ્લમચિલ્લી કરતા રહે છે. ક્લાઇમેક્સમાં થોડી નાસભાગ, ચીસાચીસનો ડોઝ તો કેમ ચૂકાય. ભૂત દેખાય કે ન દેખાય પણ વીજળી તો પડવી જ જોઈએ, ઈલેક્ટ્રિસિટી તો જવી જ જોઈએ, કાચના ઝુમ્મરોનો ભૂક્કો તો બોલવો જ જોઈએ… ચવાઈને ચુથ્થો થઈ ગયેલા આવા ગતકડાં જોઈ જોઈને આપણે બધાં જ કંટાળી ગયા છીએ, એવા માહોલમાં ‘તુંબાડ’ એક નવીન પ્રકારની હોરર-ફીલ લઈને આવી છે. એવું તો શું છે આ ‘તુંબાડ’માં કે જેણે જેણે આ ફિલ્મ જોઈ છે એ એના પર ફિદા ફિદા થઈ ગયા છે? ચલો, પતા કરતે હૈ…

‘તુંબાડ’માં અંધકાર છે. લગભગ આખી ફિલ્મમાં અંધેરા કાયમ રહે છે… માનવીની બહારનો અંધકાર અને મનની અંદરનો ગૂઢ અંધકાર… ડરને પ્રેઝન્ટ કરતા ‘કાળા’ કલર, શૌર્યનું પ્રતિક ‘કેસરી’ રંગ અને મોતનો મેસેજ આપતો ‘લાલ’ રંગ અહીં અફલાતૂન રીતે પ્રયોજાયા છે. લાંબી લાંબી અંધારી પરસાળો અને ગુફાઓમાં ઝુલતા ફાનસો… એ ફાનસોમાંથી રેલાતું આછું-પાતળું કેસરી અજવાળું… સદીઓનું રહસ્ય ધરબીને બેઠેલી કથ્થઈ ધૂળ… ખંડેર બની બેઠેલા મહેલો… સતત વરસતો અપુશકનિયાળ વરસાદ… અંધારામાં ઉછળતી જિસ્માની વાસનાઓ… સુવર્ણ મુદ્રાની કાનને વ્હાલ કરતી ખનક અને એ ખનકને હાંસિલ કરવા માટે ખેલાતી જાનની બાજી… શેતાન સાથેનો જંગ… મોત સામે ભીડાતી બાથ… લાલચ, લોભ, હવસ… આ બધાં જ તત્વોનું પરફેક્ટ, કાતિલ કોમ્બિનેશન એટલે ‘તુંબાડ’… 

ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ જ એ છે કે આ એક સંપૂર્ણ ભારતીય ફિલ્મ છે. હોલિવુડની હોરર ફિલ્મોમાંથી ઉછીના લેવાયેલા કોઈ પણ ગિમિક્સ અહીં નથી. શ્રીપાદ નારાયણ પેંડસેની મરાઠી નવલકથા 'તુમ્બાડચે ખોટ' પરથી બનેલી આ ફિલ્મ પોતીકી એટલા માટે લાગે છે કેમકે અહીં દેવો અને દાનવોની ફેન્ટસી છે, સુવર્ણમુદ્રા માટે ખેલાતું સાહસ છે, ઈન્ડિયન માયથોલોજીનું અભિન્ન અંગ એવો શ્રાપ પણ છે અને સારા વિરુદ્ધ નરસાનો જંગ પણ… આપણે બધાં જ આવી લોકકથાઓ, કિસ્સાઓ, વાર્તાઓ વિશે સાંભળીને મોટા થયા છીએ, માટે ‘તુંબાડ’ ઓરિજિનલ ઇન્ડિયન પ્રોડક્ટ લાગે છે. (હિન્દી હોરર ફિલ્મો જોતી વખતે થિયેટરમાં હસાહસ થતી હોય છે, કેમ કે ફિલ્મ ડરામણી હોવાને બદલે કોમેડી વધારે હોય છે. મજાલ છે કે એક પણ દર્શક ‘તુંબાડ’ જોતી વખતે હસે. ભાઈસા’બ, એવી ફાટે છે આ ફિલ્મમાં કે પેલું મજાકિયું હાસ્ય તો ક્યાંનું ક્યાં ગાયબ થઈ જાય!!)

સલામ મારવી પડે કેમેરામેન પંકજ કુમારને જેના કેમેરા થકી ૧૦૦ વર્ષ જૂનું મહારાષ્ટ્ર સાંગોપાંગ જીવંત થઈ ઊઠ્યું છે. ફિલ્મની એકેએક ફ્રેમ જાણે કે કોઈ દૈવી ચિત્રકારે અત્યંત કાળજીપૂર્વક ચીતરી હોય એટલી સુંદર. અને જ્યાં હોરર બતાવવાનું આવ્યું છે ત્યાં પણ (ફિલ્મનું હોરર એલિમેન્ટ ભૂત છે, પ્રેત છે, શેતાન છે, રાક્ષસ છે કે પછી બીજું કંઈ, એ તમે જ નક્કી કરજો. એ જે છે એ બહુ જ સ્પેશિયલ છે, હિન્દી ફિલ્મોમાં અગાઉ કદી બતાવાયું નથી, માટે એનો ફોડ ન જ પાડીએ) કેમેરાએ કમાલની વિઝ્યુઅલ ટ્રિટ આપી છે. હકીકતમાં તો ફિલ્મમાં પેલું ગેબી તત્વ સ્ક્રીન પર આવીને ડરાવે એના કરતા વધુ ડર તો ફિલ્મમાં બતાવાયેલા વાતાવરણને લીધે સર્જાય છે. ઇન શોર્ટ, હોલિવુડના લેવલની સિનેમેટોગ્રાફી.

ફિલ્મની પ્રોડક્શન વેલ્યૂ માતબર. સેટ ડિઝાઇનિંગ, કોસ્ચ્યુમ્સ, મેકઅપ… બધું જ સોલિડ. મેકઅપનો વિશેષ ઉલ્લેખ કરવો પડે એમ છે કેમકે અહીં જોઈને હસવું આવે એવા ચહેરાને બદલે ખરેખર છળી મરાય એવા રાક્ષસી-શેતાની ચહેરાઓ બનાવાયા છે મેકઅપ થકી. ફક્ત પાંચ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મની વી.એફ.એક્સ. (કમ્પ્યુટર ગ્રાફિક્સ) પણ પ્રભાવશાળી લાગી. ‘હસ્તર’ના સર્જન પાછળ થોડો વધુ ખર્ચો કર્યો હોત તો ઓર મજા આવત… એમ થયું, પણ એ પાત્રને લાલ રંગે એ પ્રકારે રંગ્યો છે કે અલ્ટિમેટ રિઝલ્ટ જબરજસ્ત અસરકારક બન્યું છે.

જેસ્પર કિડનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફાડૂ… કેમેરાવર્ક અને મ્યુઝિકનું કોમ્બિનેશન જ દર્શકની ફેં…ફાડી નાંખે છે, ભૂત તો બાજુ પર રહ્યું. રાહી અનિલ બર્વે અને આનંદ ગાંધીનું ડિરેક્શન એટલું જબરજસ્ત કે દર્શકને સીટ પરથી સહેજ પણ ચસકવા ન દે. નિર્માતા આનંદ એલ. રાય અને સોહમ શાહનો આભાર કે આવી ઓફબીટ ફિલ્મ બનાવી આપણી સમક્ષ મૂકી. તમામ કલાકારો પાત્રોચિત. ‘વિનાયક રાવ’ના મુખ્ય રોલમાં ‘સોહમ શાહ’ અદ્‍ભુત કામ કરી ગયા છે. માનવીને સ્પર્શતા ગ્રે શેડને એમણે બખૂબી પડદે દેખાડ્યો છે. વિનાયકની લાલચ, લંપટતા, જંગલીપણુ એને અત્યંત વાસ્તવિક ઓપ આપે છે. એના પુત્રના રોલમાં નાનકડો મોહમ્મદ સમાદ પણ એક નંબર. 

ઇન્ટરવલ પહેલા ફિલ્મ ઘણા પ્રશ્નો મૂકતી જાય છે અને ઇન્ટરવલ પછી બધાં પ્રશ્નોના ઉત્તર આપોઆપ મળતા જાય છે. લેખક અને દિગ્દર્શકની ચાલાકી તો જુઓ કે એમણે પાત્રો પાસે ડાયલોગ બોલીને ‘આમ હતું, ને તેમ થયું’ એવા ખુલાસાઓ આપવાને બદલે દર્શકરાજ્જાના દિમાગનું દહીં થાય એવી ફિલ્મ બનાવી છે. તમે પોતાની જાતને પૂછતાં જાવ કે ‘આણે આમ કર્યું એનું શું કારણ હોઈ શકે’ અને ‘ઓ, બાપ રે… પેલા સીનમાં બતાવાયેલું એ તો એક્ચ્યુલી આવું હતું’… આ એક રમત છે, એક સાયકોલોજિકલ રમત, જે ‘તુંબાડ’ દર્શક સાથે રમે છે. માટે જ આ ફિલ્મ ફક્ત ‘હોરર ફિલ્મ’ ન બની રહેતા ‘સાયકોલોજિકલ’ બની જાય છે. શેતાન છે, તો કોણ? જે દેખાય છે, એ કેટલું વાસ્તવિક છે? જેવા પ્રશ્નોના જવાબ (અને ફિલ્મમાં પ્રયોજાયેલા ઘણા મેટાફોરના મિનિંગ) શોધવા તમારે માનસિક કરસત કરવી પડશે… (આ ફિલ્મ એમ પણ તમને એની ‘અંદર’ ખેંચી લેશે, ‘ડૂબાડી’ દેશે, ‘શોષી’ લેશે, અને એમ થશે તો તમે ‘ડર’ નામના તત્વની એક નવી ઊંચાઈનો અહેસાસ કરી શકશો. એક એવો અહેસાસ જે આજ સુધી અન્ય કોઈ હિન્દી હોરર ફિલ્મ કરાવી નથી શકી. હું ફિલ્મના પ્રવાહમાં એવો તણાયો છું કે મારા દિમાગમાં ઘૂસેલો ‘હસ્તર’ હજુ સુધી નીકળ્યો નથી) ‘ઓહ માય ગોડ’ કરાવી દે એવા અનેક સીન્સ વચ્ચે બીજો ભાગ ઉઘડતો જાય છે અને દર્શકોની હવા ટાઇટ કરી નાંખે છે. ઇન્ટરવલ પોઇન્ટ પણ દિલધડક. ઇન્ટરવલ પછી રહસ્યમય શેતાન ‘હસ્તર’ની એન્ટ્રી થાય છે. એના ત્રણ જ સીન છે, પણ એ જોઈને ભલભલાના હાંજા ગગડી જાય એમ છે. ત્રણે સીનમાં પાછી જબ્બર વેરાઇટી. તમને થશે કે હવે ડિરેક્ટર નવું શું આપશે? ત્યાં કંઈક એવું અણધાર્યું બની જાય છે કે તમે હક્કાબક્કા રહી જાવ. ક્લાયમેક્સ મેં ધારેલો લગભગ એવો જ આવ્યો(લેખક છું એટલે એટલું તો પકડી જ પાડું ને!), પણ એની પ્રસ્તુતિ બેમિસાલ લાગી. (આવી જ બેમિસાલ અનુભૂતિ કરવી હોય તો સ્પેનમાં બનેલી ‘પાન્સ લિબરિન્થ’ અને અમેરિકન ફિલ્મ ‘ક્રિમ્સન પીક’ પણ જોઈ જ નાંખજો)

‘તુંબાડ’ એક માઇલસ્ટોન મૂવી છે… ગ્રેટ મૂવી છે… ક્લાસિક મૂવી છે… અને વિક્રમ ભટ્ટ જેવા અનેકો માટે એક ટેક્સ્ટ બૂકની ગરજ સારી શકે એટલી બળકટ છે. હોલિવુડની ‘કન્જ્યુરિંગ’ અને જાપાનની ‘ધ રિંગ’ જેવી આઉટ-એન્ડ-આઉટ ક્લાસિક હોરર્સને ભારતનો જવાબ છે આ કમાલની ફેન્ટસી-હોરર-સાયકોલોજિકલ થ્રિલર ‘તુંબાડ’. જોઈ જ આવજો, વરના ‘હસ્તર આ જાયેગા… મારા તરફથી પાંચમાંથી .૫ સ્ટાર્સ.

આઇસિંગ ઓન ધ કેક
વર્ષો પછી કોઈ એવી ફિલ્મ આવી જે જોઈને થિયેટરની બહાર નીકળ્યા પછી મન થયું કે ફરીથી આ ફિલ્મ જોવી છે. (છેલ્લે ક્રિસ્ટોફર નોલાનની ૨૦૧૦માં આવેલી ‘ઇન્સેપ્શન’ એટલી બધી ગમેલી કે બે વાર થિયેટરમાં જોયેલી. અને એ પહેલા કેમેરોનની ‘ટાઇટેનિક’, છેક ૧૯૯૭માં.) ‘તુંબાડ’ થિયેટરમાં જ જોવી છે અને એકલા જ જોવી છે. ‘તુંબાડ’ની દુનિયામાં ફેલાયેલા ખૌફને ફરી એક વાર માણવો છે, હસ્તરને જોઈને ફરી એકવાર ડરવું છે. ક્યૂં કી ઐસી ફિલ્મેં બાર બાર નહીં બનતી, મેરે દોસ્ત… 





Sunday 13 May 2018

‘રાઝી’... પ્રત્યેક ભારતીયને ગર્વ થાય એવી અદ્‍ભુત સ્પાય થ્રિલર... રિવ્યૂ બાયઃ મયૂર પટેલ




૨૦૧૨માં કરન જોહર દિગ્દર્શીત ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ જોયેલી ત્યારે બસ ઠીકઠાક જ લાગેલી એ ફિલ્મને અંતે ભવિષ્ય ભાખેલું કે, ફિલ્મના ત્રણે સ્ટારનું કોઈ ભવિષ્ય નથી. આલિયા ખૂબસૂરત ઢીંગલી જેવી દેખાવાથી વિશેષ કંઈ કરી નહીં શકે, વરુણ સલમાનછાપ ઉછળકૂદ કરવામાંથી ઉપર નહીં આવે અને સિદ્ધાર્થ... સિદ્ધાર્થ તો ક્યાં ફેંકાઈ જશે એની કોઈને ખબરેય નહીં પડે. સાથે મનમાં હતુંય ખરું કે ત્રણમાંથી એક પણ મને ખોટો પાડશે તો ગમશે. માણસને ખોટા પડવાનુંય ગમતું હોય ને? મનેય ગમ્યું. સૌથી પહેલું સરપ્રાઈઝ આપ્યું આલિયાએ જ. ૨૦૧૪માં એની ‘હાઇ વે’ જોઈને હું (અને જેણે જેણે જોઈ એ બધાં જ) સ્તબ્ધ થઈ ગયેલો. આટલી નાની ઉંમરમાં આટલું પાવરફૂલ પરફોર્મન્સ..!! માય ગોડ..!!! (૨૦૧૬ની ગાલીગલોચથી ભરપૂર ‘ઉડતા પંજાબ’માં તો એણે બિહારની મજૂરણના રોલમાં ‘હાઇ વે’ કરતાંય તગડો અભિનય કરેલો) બીજો સુખદ આંચકો વરુણને ૨૦૧૫ની ‘બદલાપુર’માં જોઈને લાગ્યો. શું મેચ્યોર અદાકારી હતી એની..!!! સિદ્ધાર્થભાઈ હજુ આવું કંઈ કરી શક્યા નથી, અને એ કરે એવી શક્યતાય બહુ પાંખી છે. એનો ચહેરો જ લાકડાંનો બન્યો છે પછી...વુડન ફેસ, યૂ નો... એણે જ્હોન અબ્રાહમ સાથે મળીને પાર્ટનરશિપમાં જિમ ખોલી દેવું જોઈએ. બાકી એક્ટિંગ તો એમનાથી થઈ રહી...

વાત સહેજ આડે પાટે ચઢી ગઈ... ‘રાઝી’ પર પાછા ફરીએ તો ‘આલિયા-ઓસમ-ભટ્ટ’નું ‘હાઇ વે’ અને ‘ઉડતા પંજાબ’ પછી આ બેસ્ટ પર્ફોર્મન્સ છે. ભારતની એ ગુમનામ મહિલા જાસૂસની ચામડી ચીરીને આલિયા જાણે કે એની અંદર ઘૂસી ગઈ હોય, એટલું દમદાર અને વાસ્તવિક. ફિલ્મનો રિવ્યૂ કરતાં પહેલા જાણીએ કે કોણ હતી એ વતનપરસ્ત મહિલા જેની ખૂફિયા કામગીરીને પગલે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધનો એક અતિ મહત્ત્વપૂર્ણ બનાવ બનતા બનતા રહી ગયો, અફકોર્સ ભારતના ફેવરમાં...
નામ એનું સહેમત ખાન (આલિયા ભટ્ટ). કાશ્મીરની વતની. દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક નાજુક મુગ્ધા. દયાળુ એટલી કે ખિસકોલી જેવા નાનકડા જીવનેય નુકશાન ન થવા દે. આવી આ નાજુક-નમણી-નિર્દોષ કન્યા કઈ રીતે બની ફિલ્ડ એજન્ટ અકા ગુપ્ત જાસૂસ..? સહેતમના દાદા આઝાદીની લડાઈમાં અંગ્રેજો સામે લડ્યા હતા. એના પિતા હિદાયત ખાન (રજિત કપૂર) ડબલ એજન્ટનું કામ કરતા હતા, પાકિસ્તાનને ભારતની નાની ખબરો પહોંચાડી, ત્યાંના ઉચ્ચ અફસરોનો વિશ્વાસ સંપાદન કરી, પાકિસ્તાનની મોટી ખૂફિયા માહિતીઓ કઢાવી લઈ ઈન્ડિયન ઇન્ટેલિજન્સ બ્યુરોને પહોંચાડવાનું જોખમી કામ તેઓ કરતા. કેન્સરે એમનો ભોગ લીધો એ પહેલાં તેમણે દીકરી સહેમતને દેશની જાસૂસીના કામ માટે તૈયાર કરી. સરહદપારના મિત્ર બ્રિગેડિયર સઈદ (શિશિર શર્મા)ના નાના દીકરા ઈકબાલ સઈદ (વિકી કૌશલ) સાથે સહેમતના લગ્ન કરાવ્યા. (વાસ્તવિક નામો થોડા જુદા છે. અહીં ફિલ્મમાં બતાવેલા પાત્રોના નામ લખ્યા છે. બાકી કહાની અદ્દલ એ જ છે) લગ્ન બાદ પાકિસ્તાન જઈ વસેલી સહેમત સાસરા પક્ષના લોકોની નજર બચાવીને ભારત માટે જાસૂસી શરૂ કરે છે. સસરા બહુ મોટા ઓફિસર એટલે ઘરમાં થતી ઉચ્ચસ્તરિય મીટિંગ્સની માહિતી તેને આસાનીથી ઉપલબ્ધ થઈ જતી. અત્યંત કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન્સ વાયા સહેમત ભારત પહોંચી જતી... ૧૯૭૧માં પાકિસ્તાનથી આઝાદ થવા મથતા બાંગ્લાદેશને ભારત સરકાર સપોર્ટ કરી રહી હતી. બંગાળના ઉપસાગરમાં સ્થિત આપણા એકમાત્ર વિમાનવાહક જહાજ ‘આઇ.એન.એસ. વિક્રાંત’ને ડૂબાડી દેવા પાકિસ્તાન એમની સબમરીન ‘ગાઝી’ દ્વારા હુમલો કરવાની પેરવી કરે છે. (આ એ જ કિસ્સો છે જે આપણે અધકચરી ‘ધ ગાઝી એટેક’માં જોયેલો) પણ એ હુમલો થાય એ પહેલા જ સહેમત એની માહિતી ભારત રવાના કરી દે છે. જેને પરિણામે ‘શિકારી ખુદ યહાં શિકાર હો ગયા’ ઉક્તિ સાચી ઠેરવતા ભારતની જળસેના ‘ગાઝી’નો સફાયો કરી દે છે. પછી... વેલ, પછી શું થાય છે? સહેમતનો જાસૂસી ખેલ કેટલોક ચાલે છે, શું રંગ લાવે છે, એ તો ફિલ્મ જોયે જ ખબર પડશે...
આવી આ જાંબાઝ સહેમત ખાનની જિંદગી પર ભૂતપૂર્વ નેવલ ઓફિસર હરિન્દર સિક્કાએ એક પુસ્તક લખ્યું હતું- ‘કોલિંગ સહેમત’, જેના પરથી ‘રાઝી’ બની છે. (સહેમત ખાનનું અવસાન ગયા મહિને જ થયું. હરિન્દર સિક્કાની ઈચ્છા છે કે, એ બહાદુર મહિલાને દુનિયા જાણે. તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે, સહેમત ખાનના દીકરા એમની માતાના ફોટા અને અન્ય વિગતો દુનિયા સમક્ષ જાહેર કરવાની સંમતિ આપે. આ શક્ય બન્યું તો કદાચ આ જૂન-જુલાઈમાં જ સહેમત ખાનની જીવની-વિષયક પ્રદર્શન જોવા મળશે)
આટલી પૂર્વભૂમિકા બાદ હવે ફિલ્મનો રિવ્યૂ... ‘મોરના ઈંડાને ચીતરવા ન પડે’ કહેવતને ચરિતાર્થ કરતી બે મહિલા મેઘના ગુલઝાર અને આલિયા ભટ્ટને ઊંચા અવાજે ‘શાબ્બાશ’ કહેવું પડે એવી બની છે ‘રાઝી’. ફિલ્મ થ્રિલર છે, સતત ટેન્શન અનુભવાય છે, સ્પાય થ્રિલર જેવી હોવી જોઈએ એવી જ છે- એકદમ પરફેક્ટ. ભવાની ઐયર અને મેઘનાની સ્ક્રિપ્ટ અત્યંત ચુસ્ત. નિતિન બૈદનું એડિટિંગ એટલું જ પાક્કું. ક્યાંય કોઈ સીન વધારાનું ન લાગે. બધું માપોમાપ. ચસોચસ. મેઘનાનું ડિરેક્શન આલાતરીન. ગુલઝારસા’બ અને રાખીનું આ ફરજંદ અગાઉ ‘ફિલહાલ’ (૨૦૦૨) અને ‘તલવાર’ (૨૦૧૫) જેવી બહેતરીન ફિલ્મો આપી ચૂક્યું છે. યાદ છે, તલવારનો ક્લાયમેક્સ સીન..? એના રિવ્યૂમાં લખેલું ફરી લખું છું- હિન્દી સિનેમાના ઈતિહાસમાં ટોપ ટેન બેસ્ટ સીન્સમાં સમાવેશ કરી શકાય એટલો અફલાતૂન એ સીન... ‘આરુષી હત્યાકાંડ’ પર આધારિત એ ફિલ્મ જોઈને થયેલું કે આવી ફિલ્મ કોઈ મહિલાએ બનાવી છે..? વાઉ..!!! ‘રાઝી’ જોઈને પણ ગર્વ થાય એમ છે કે, વાઉ... આ ફિલ્મ એક મહિલાએ બનાવી છે.
મેઘનાનું કામ અત્યંત બારીક છે. એણે ફક્ત થ્રિલર જ નથી આપ્યું, લાગણીઓની માવજત પણ બખૂબી કરી જાણી છે. કોઈ એક્ટરને પાત્ર પર હાવી નથી થવા દીધા. બધાં જ બહુ સરળ લાગે. કોઈ એક્ટિંગ કરતું જ નથી જાણે. ૧૯૭૧નો માહોલ જીવંત કરવામાં પ્રોડક્શન ટીમ ૧૦૦ ટકા સફળ. પાકિસ્તાનની ગલીઓ, બજારથી લઈને લશ્કરી અધિકારીના ઘરનું ઈન્ટિરિયર, એ જમાનાના વાહનો, મુસ્લિમ સમાજનો પહેરવેશ, ખાનપાન, રીતરીવાજો, તહેઝીબ... બધ્ધું જ બહુ સચોટ દર્શાવાયું છે. ફિલ્મમાં આલિયાનું પાત્ર બે હત્યા કરે છે. એ બંને સીન ફિલ્મની હાઇલાઇટ. આરિફ ઝકારિયાની હત્યાનું સીન તો આ લખતી વખતેય રુંવાડા ઊભા થઈ ગયા, એટલું રોમાંચક. જાસૂસીના સીન પણ જબરજસ્ત. ક્લાયમેક્સ પણ સહેજ પણ આડોઅવળો ન ફંટાતા ટુ-ધ-પોઇન્ટ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ જ જોરદાર. ફિલ્મની થ્રિલિંગ ફિલિંગ વધારે એવું.
‘રાઝી’માં ફક્ત ત્રણ ગીત છે, પણ ત્રણે દિલમાં ઉતરી જાય એવા છે. શંકર-અહેસાન-લોયનું મ્યુઝિક બહુ લાંબા સમય બાદ આટલું ગમ્યું. ધ ગ્રેટ ગુલઝારસા’બે લખેલા શબ્દો ધ્યાનથી સાંભળજો. હિન્દી ફિલ્મ સંગીતમાંથી મેલોડી મરી પરવારી છે પણ તેમ છતાં કેટલું અર્થસભર હજુ પણ લખી શકાય એનો નમૂનો આ ફિલ્મના સોંગ્સ છે. અરિજિત સિંહ અને સુનિધી ચૌહાને ગાયેલું ‘એ વતન...’ દેશભક્તિની સરવાણી લહેરાવે છે, તો ‘દિલબરો...’ અને ટાઇટલ સોંગ ‘રાઝી...’ લાગણીઓનો ધોધ છલકાવે એવા બન્યાં છે. ત્રણે ગીતોના ફિલ્માંકન તો ક્યા કહેને...
અભિનયમાં આલિયા અવ્વલ. (દેખાવમાં પણ શિયાળુ સવારના ઝાકળ જેવી સુંદર. આર્મી ઓફિસરની વાઇફ તરીકે એ સાડીમાં બહુ જ ગોર્જિયસ લાગી.) કોઈ અપસેટ ન થયો તો આ વર્ષે એના એવોર્ડ્સ પાક્કા. (હિન્દી ફિલ્મોની જ વાત કરીએ તો અત્યાર સુધી માધુરી અથવા કાજોલે સૌથી વધુ એવોર્ડ્સ જીત્યા છે. ફક્ત ફિલ્મફેરની વાત નથી. બીજા બધાં ભેગા ગણીએ તો. [જોકે આપણે ત્યાં એવોર્ડ્સ કઈ રીતે ખરીદાય, સોરી જીતાય, છે એ બધાં જાણે છે] આલિયા એવોર્ડ જીતવામાં બધી હિરોઈનોને વટોળી જશે એમ લાગે છે, કેમ કે અભિનયમાં જે પાકતટા, જે મેચ્યોરિટી, જે દમખમ લાવતા મોટાભાગની હિરોઇનોને ૮-૧૦ વર્ષ લાગી જતાં હોય છે, એ સિદ્ધિ આલિયાએ એની બીજી જ ફિલ્મ ‘હાઇ વે’માં મેળવી લીધી હતી. હજુ તો એ ફક્ત ૨૫ની છે, ને ગણતરીની ફિલ્મોમાં તો એણે સપાટા બોલાવી દીધા છે. આલિયાનો સ્ટાર પાવર પ્રિયંકા-દીપિકાથી કમ નથી એ તો ‘રાઝી’ને પહેલે જ દીવસે મળેલા ૭.૫ કરોડના ધમાકેદાર ઓપનિંગથી જ સાબિત થઈ ગયું છે. હર ફ્યુચર ઇઝ બ્રાઇટ) બાકીના કલાકારો પણ ફર્સ્ટ ક્લાસ. આલિયાને ફિલ્ડ એજન્ટની ટ્રેનિંગ આપતાં ઓફિસર ખાલિદ મીર બનતા ‘જયદીપ અહલાવત’નું નામ ખાસ લેવા પડે એટલો બળુકો લાગ્યો એ અદાકાર. આલિયાની એના પતિ બનતા વિકી કૌશલ સાથેની કેમેસ્ટ્રી ખૂબ જ સ્વીટ. બંને વચ્ચેનો રોમાન્સ મીઠો લાગે એવો. અન્ય અદાકારોમાં અમૃતા ખાનવીલકર, આરિફ ઝકારિયા, શિશિર શર્મા, અશ્વથ ભટ્ટ, રજિત કપૂર અને સોની રાઝદાન (આલિયાની સાચુકલી મમ્મી અહીં પણ એની મમ્મી બને છે. મા-દીકરીને પડદા પર જોવાનું ગમ્યું. સોનીએ પોતે પણ હિરોઈન બનવાની કોશિશો કરેલી ૮૦-૯૦ના દાયકામાં, પણ વિદેશી દેખાવને લીધે પત્તો ન લાગેલો એનો. આલિયાના ફાધર મહેશ ભટ્ટે બનાવેલી શ્રીદેવી-સ્ટારર મજેદાર થ્રિલર ‘ગુમરાહ’માં સોનીએ નોંધપાત્ર રોલ કરેલો) પણ પૂરા અસરકારક.
‘રાઝી’નો પ્લસ પોઇન્ટ છે એનું બેલેન્સ. મેઘનાએ અહીં કોઈને વિલન નથી બનાવ્યા. પાકિસ્તાની સમાજના લોકો ભારતના દુશ્મન હોવા છતાં કોઈને ભદ્દા નથી ચીતર્યા. જે મરે છે એય વખાના માર્યા. પરિસ્થિતિ જ વિલન છે અહીં. એક ડિરેક્ટર તરીકે મેઘનાની ઊંચાઈ આના પરથી સાબિત થાય છે. ‘તલવાર’માંય એણે આ જ સિદ્ધિ મેળવેલી ને એ અગાઉ ‘ફિલહાલ’માંય. (સુસ્મિતા સેન કેટલી ફક્કડ અભિનેત્રી છે, એ જોવાય એ ફિલ્મ જોજો. એમાં તો સુસે તબુ જેવી તબુને ઝાંખી પાડી દીધેલી.)   
કુલ મિલાકે, ‘રાઝી’ એક આઉટ-એન્ડ-આઉટ થ્રિલર ફિલ્મ છે. પ્રત્યેક ભારતીયને ગર્વ થાય એવી ફિલ્મ. જોઈ જ આવશો. સપરિવાર. પાંચમાંથી ૪ સ્ટાર્સ. જય હિંદ.
©  Mayur Patel





  
  




     


Monday 30 April 2018

ફિલ્મ રિવ્યૂઃ ‘એવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર’… કલાકારોના ઝમેલામાં અટવાયેલો ચાર્મ…


હોલિવુડની સુપરહિરો ફિલ્મો શરૂઆતમાં બહુ ગમતી, પણ છેલ્લા ચાર-પાંચ વર્ષમાં એનો અતિરેક થવા માંડ્યો. ‘સ્પાઇડરમેન’, ‘એક્સમેન’ અને ‘પ્લેનેટ ઓફ ધ એપ્સ’ જેવી ફિલ્મો એ હદે નિરાશાજનક લાગેલી કે એ પછી આવેલા એના ભાગ જોવાના જ માંડી વાળેલા. એકના એક પ્લોટ ને બેકગ્રાઉન્ડ, બ્રહ્માંડની કારણ વગર બરબાદી કરવા નીકળી પડેલા વિલનો ને એમને હંફાવતા હિરોલોગને ક્યાં સુધી સહન કરવાના. સ્ટારકાસ્ટ ને ડિરેક્ટર જ બદલાય ખાલી, બાકી એક્શન કોરિયોગ્રાફી ને કમ્પ્યુટર ગ્રાફિક્સ પણ સેમ સેમ. એવામાં ૨૦૧૭માં રણમાં વીરડી સમાન ‘વન્ડર વુમન’ની પધરામણી થઈ અને એની યૂનિક રજૂઆતથી દિલ ગાર્ડન-ગાર્ડન થઈ ગયું. એ પછી ગયા વર્ષે જ જોયેલી ‘બ્લૅક પેન્થર’એ તો સાબિત કરી દીધું કે સુપરહિરો ફિલ્મોમાં હજુ ઘણું નવું આપી શકાય એમ છે. હવે આવી છે લેટેસ્ટ માર્વેલ સુપરહિરો પેશકશ ‘એવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર’, જેના ટ્રેલરે મહિનાઓથી ઈન્તેઝારી જગાવી હતી, પણ રિઝલ્ટ… ફૂસ્સ્સ…

ના, ફિલ્મ ખરાબ નથી. સારી જ છે. આ જોનરની ફિલ્મો ગમતી હોય તો જોઈ અવાય, પણ મારા જેવા નીતનવું જોવા માગતા દર્શકો નિરાશ થશે. ફક્ત હોલિવુડ જ નહીં, હિન્દી સહિત દુનિયાની તમામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી મસમોટા નામો ધરાવતી ફિલ્મોને ઓપનિંગ તો તોતિંગ મળી જ જતું હોય છે, પછી એ સલમાનની ભંગાર ફિલ્મો હોય કે હોલિવુડિયા સુપરહિરોની બેસ્વાદ વાનગી. પણ આવી ફિલ્મોને લાગુ પડતું એક અંગત ઓબ્ઝર્વેશન છે કે ફિલ્મ ખરેખર મોટાભાગના દર્શકોને ગમી હોયને તો થિયેટરમાંથી બહાર નીકળતું ઓડિયન્સ ફિલ્મમાં ગમેલા સીન્સ ને ડાયલોગ્સને મમળાવતા હોય, એના વિશે વાતો કરતા હોય, ફરીવાર એને માણતા હોય છે. અઠંગ હૂરતીમાં ‘પેલો જ બો ભારી ઉતો…’ કે ‘વિલનને તો ઝામ માઇરો…’ જેવા ટિપિકલ ડાયલોગ્સ સાંભળવા મળે જ. ‘એવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર’ સાથે એવું નથી બન્યું, દર્શકો ભલતીસલતી વાતો કરતા નીકળી ગયા, એ જ સાબિતી છે કે બહુધા દર્શકોની અપેક્ષા પર આ ફિલ્મ ઊણી ઉતરી છે.

વલસાડ જેવા નાના નગરમાંય ‘એવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર’ બાબતે ઉત્સાહ એટલો છે કે કરંટ બૂકિંગ જ નથી મળતું. બધાં શૉ છલોછલ..! છેલ્લી ઘડીએ બૂક-માય-શૉ પરથી ટિકિટ લીધી, માંડ મળી, એય ન ગમતા ખૂણામાં. ને જુવાનિયાઓનો આ સુપરહિરો-ગેંગ પ્રતિ પ્રેમ તો એટલો બધો કે, દે-માર સીટીઓ ઠોકે. મેં પણ થિયેટર ગજાવ્યું. મેળા જેવા માહોલ છતાં અંતિમ રિઝલ્ટ સંતોષજનક તો નથી જ. સૌથી મોટું આશ્ચર્ય એ કે, માર્વેલના એક એકથી ચઢિયાતા સુપરહિરોની હાજરી હોવા છતાં સૌથી વધુ ચિલ્લમચિલ્લી મહાવિલન ‘થાનોસ’ માટે થઈ..! ને એને બતાવ્યો પણ એવો ખતરનાક ને પડછંદ છે કે ગમી જાય. થાય કે, વાઉ! વિલન હોય તો આવો! આટલી તાકતવર માયાને તો કેમેક મારહે..?

એક્શન મસ્ત, બેકગ્રાઉન્ડ સ્કોર ફાઇન, કમ્પ્યુટર ગ્રાફિક્સ ક્યા કહેને, ડાયલોગ્સ સતત હાસ્યની છોળો ઉડાવતા રહે એવા(સૌથી બેસ્ટ લાઇન્સ ‘બ્રેડલી કૂપરે’ જેને અવાજ આપ્યો છે એ રકૂન કમ શિયાળ જેવા પ્રાણી બનતા તુમાખી, મસ્તીખોર, ઓવરકોન્ફિડન્ટ ‘રોકેટ’ને હિસ્સે આવી છે. સાલુ, બઉ જ ચાલુ કેરેક્ટર છે), પણ છતાંય ઓવરઓલ કંઈક અધૂરપ ખટકતી રહે છે. અને એ છે અધૂરપ છે નાવિન્યનો અભાવ. એ જ જૂના સીન્સ ને સિચ્યુએશન્સની ખીચડી ખાતાં હોય એવું લાગે. ટોપલો ભરીને ઠાલવેલા કલાકારો. ચહેરો-ગેટઅપ તરત યાદ આવે એવા ૧૫-૧૭. પરચૂરણ તો જુદા. પણ ડિરેક્ટર ‘એન્થની રુસો’ આ તમામ કલાકારોને પૂરતો ન્યાય નથી આપી શક્યા. ‘થાનોસ’ બનતા ‘જૉશ બ્રોલિન’ પછી સૌથી બળકટ રોલ હોય તો ‘થોર’ બનેલા ‘ક્રિસ હેમ્સવર્થ’નો. એ પછી ‘આયર્ન મેન’ (રોબર્ટ ડાઉની જુનિયર), ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ (બેનેડિક્ટ કમ્બરબેચ) અને ‘સ્પાઇડર મેન’ (ટૉમ હોલાન્ડ)ને સંતોષજનક કામ કરવા મળ્યું છે, બાકીના બધ્ધાં જાણે કે વેતરાઈ ગયાં. ‘હલ્ક’ બનેલા ‘માર્ક રફેલો’નો રોલ તો લાંબો, પણ બિનઅસરકારક. કેટલી અપેક્ષા હતી ‘હલ્ક’ પાસેથી કેમ કે, શારીરિક દૃષ્ટિએ ‘થાનોસ’ની સમકક્ષ તો એ જ લાગે, એટલે થયેલું કે છેલ્લે આ થાનોસડાનો ઘડોલાડવો તો આપણો હલ્કડો જ કરશે. પર અફસોસ, વો હો ન શકા...

સૌથી વધુ દયાજનક તો ‘કેપ્ટન અમેરિકા’ (ક્રિસ ઇવાન્સ) મારી ફેવરિટ ‘બ્લૅક વિડો’ (સ્કાર્લેટ જ્હોનસન) લાગ્યાં. એક તો બંનેની એન્ટ્રી જ અડધે-પોણે કલાકે થઈ ને એ પછીય બંનેને બહુ જ ઓછું ફૂટેજ મળ્યું. બંનેને ખાલી ફિલ્મના પોસ્ટરમાં ચમકાવ્યા છે, ફિલ્મમાં નહીં. એ બંને કરતાં તો ‘વિઝન’ (પૌલ બેટની) અને ‘સ્કાર્લેટ વિચ’ (એલિઝાબેથ ઓલ્સેન)ને વધુ દમદાર કામ મળ્યું છે. ‘ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી’ની આખેઆખી ગેંગ (ક્રિસ પ્લાટ, બાતિસ્ટા, ગ્રૂટ, રોકેટ, મેન્ટિસ) મજેદાર. એ જ ગેંગની હરી-પરી ‘ગમોરા’ (ઝો સલ્ડાના)નું ‘થાનોસ’ સાથેનું ઇમોશનલ કનેક્શન ગમ્યું. ‘ગેમ ઓફ થ્રોન્સ’વાળા બટકા ‘પીટર ડિક્લેજ’નો ઉમેરો પણ ગમ્યો. થાનોસના શેતાની આસિસ્ટન્ટ ‘ઇબોલી મૉ’ બનેલો એક્ટર પણ એના ગેટઅપને લીધે રસપ્રદ લાગ્યો. બાકી, ‘હેઇમ્ડલ’ (ઇદ્રિસ આલ્બા), ‘લોકી’ (ટૉમ હિડલ્સ્ટૉન), ‘ધ કલેક્ટર’ (બિનિશિયો ડૅલ તોરો) જેવા તો એક એક સીનના ઘરાક. પડદા પર ક્યારે આવ્યા ને ક્યારે ગયા, એય ખબર ના પડી. ગામ આખાને અઢી કલાકમાં ન્યાય આપવું આમેય શક્ય નહોતું એટલે યે તો હોના હી થા…   

‘થોર’નું ભઠ્ઠી પ્રજ્જવલિત કરવાવાળું સીન ઓસમ. ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ શ્રીકૃષ્ણની સ્ટાઇલમાં સહસ્ત્ર-રૂપ ધારણ કરે એ વિઝ્યુઅલ્સ માઇન્ડબ્લોઇંગ. ન્યૂ યોર્કમાં બતાવેલી પહેલી બબાલ પણ ઝક્કાસ અને ‘વકાન્ડા’ની ધરતી પર ખેલાતો ૪૫ મિનિટ લાં…બો ક્લાઇમેક્સ પણ ફેન્ટાસ્ટિક. બાકી બધું ઠીક મારા ભઈ…
ભારતભરમાં ‘એવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર’ને જબ્બર એડ્વાન્સ બુકિંગ મળ્યું હોવાથી બોક્સઓફિસ પર ૧૦૦-૧૫૦ કરોડ તો પાક્કા(www.boxofficeindia.comના કહેવા મુજબ શુક્ર-શનિ-રવિનું ભેગું કલેક્શન ૯૪ કરોડથી વધુ!!!), પણ ૩૦૦થી ૪૦૦ મિલિયન ડોલર્સ(૨૦-૨૫ અબજ રૂપિયા, બાપા..!!!)માં બનેલી ફિલ્મ છે ‘મોળી’ એટલું નક્કી. મારા તરફથી પાંચમાંથી ૩.૫ સ્ટાર્સ. વાર્તા અધૂરી રાખી છે, બીજા ભાગમાં પતશે. આશા રાખીએ કે એ વધુ સારો હોય.












Saturday 10 March 2018

ફિલ્મ રિવ્યૂઃ રાજપૂત પરંપરાનો ભવ્ય ચિતાર ‘પદ્માવત’ (રિવ્યૂ બાયઃ મયૂર પટેલ)




ફિલ્મ રિલિઝ થઈ ગયાને દોઢ મહિના પછી કોઈ ફિલ્મનો રિવ્યૂ લખવાનો ના હોય, પણ આ ફિલ્મ ગુજરાતમાં રિલિઝ ન કરાઈ હોવાથી હજુ ઘણાએ જોઈ નથી અને એવા દર્શકો યેનકેનપ્રકારેણ આ ઐતિહાસિક ફિલ્મ જુએ જ એ આશયથી આ રિવ્યૂ લખું છું.


રાજપૂત સમાજના વિરોધના બહુ લાં...બા ચાલેલા વિવાદને લીધે ફિલ્મની વાર્તા બધાંને ખબર જ છે, છતાં જરા ક્વિક નોટ કરી લઈએ તો, દિલ્હી સલ્તનતના બાદશાહ અલાઉદ્દિન ખીલજીને જાણ થાય છે કે ચિત્તોડની રાણી પદ્માવતી જેવી સૌંદર્યવતી સ્ત્રી આ જગતમાં બીજી કોઈ નથી, એટલે અય્યાશ ખીલજી બધું કામ પડતું મૂકીને પદ્માવતીને પોતાની રાણી બનાવવાના કામમાં જોતરાઈ જાય છે અને પરિણામે સર્જાય છે ‘પદ્માવત’ની રસપ્રદ કહાની.

ફિલ્મ પહેલી જ ફ્રેમથી જકડી લે છે અને પોણા ત્રણ કલાકની લંબાઈ છતાં ક્યાંય કંટાળાજનક નથી બનતી. સંજય લીલી ભણસાલીએ ફિલ્મને શક્ય એટલી ભવ્ય બનાવી છે. ૧૯૦ કરોડનું તોતિંગ બજેટ ઊડીને આંખે વળગે એટલી ભવ્ય..! રાજમહેલો, વસ્ત્રાભૂષણો, અસ્ત્ર-શસ્ત્રો, મેકઅપ... બધું જ આલાગ્રાન્ડ. ડાયલોગ્સ સુપર્બ. કેમેરા વર્ક જબરજસ્ત. થ્રીડી અને બેકગ્રાઉન્ડ સ્કોર એક નંબર. ફક્ત એક જ વસ્તુ ફિલ્મમાં નિરાશ કરે છે અને એ છે ફિલ્મનું સંગીત. એક ‘ઘૂમર...’ને છોડીને બીજા એકેય ગીતમાં ભલીવાર નથી. ને ‘ઘૂમર...’ના મૂળિયાં પણ રાજસ્થાની લોકગીતમાં હોવાથી એ કર્ણપ્રિય બને છે, બાકી સંગીતના નામે ભણસાલીસાહેબે નિરાશ જ કર્યા છે. સિરિયસલી, ભણસાલી સર, તમે હવે ગીતો કમ્પોઝ કરવાનું બંધ કરો, ફિલ્મ ડિરેક્શન આટલું ફાંકડું કરો છો એ કાફી છે, તમારી ફિલ્મનું સંગીત અન્ય મ્યુઝિશિયન્સ પાસે બનાવો તો દર્શકોને કાનાનંદ થાય, બાકી તો... (એક અંગત ઓબ્ઝર્વેશનઃ ભણસાલી સર એમની ફિલ્મોમાં પશ્ચિમ ભારતની સફરે નીકળ્યા હોય એવું લાગે છે. પહેલા ગુજરાતનું કચ્છ દર્શન કરાવ્યું ‘રામલીલા’માં, પછી મરાઠાજગત જોવા મળ્યું ‘બાજીરાવ મસ્તાની’માં અને હવે ‘પદ્માવતી’ થકી રાજસ્થાન ઘુમાવ્યા. હવે પછી પંજાબ લઈ જઈને કંઈક ‘સોહની-મહિવાલ’ કે ‘હીર-રાંઝા’ જેવી ક્લાસિક લવસ્ટોરી બનાવશે કદાચ...)

‘પદ્માવત’નો એક્ટિંગ ડિપાર્ટમેન્ટ તગડો છે ને એમાંય રણવીર સિંહ અવ્વલ. ખીલજીની ચામડી ચીરીને અંદર પેસી ગયો હોય એટલી સહજ અને ઉત્તમ એની અદાકારી. અય્યાશ શાસક તરીકે જે જંગાલિયત, જે વહેશીપણું એણે પડદા પર સાકાર કર્યું છે, એ લાજવાબ છે. એના ડાન્સ મૂવ્ઝ હોય, બોડીલેંગ્વેજ હોય કે આંખોમાં ડોકાતી ઠંડી ક્રૂરતા, સિંહે ખરેખર સિંહ-સમું પરફોર્મન્સ આપ્યું છે. કંઈ પણ બોલ્યા વિનાય એણે ‘વાહ’ પોકારાઈ જવાય એવો અભિનય કર્યો છે. એક સીનમાં એને ચૂપચાપ માંસ ખાતો બતાવ્યો છે, એય જબરું ઇફેક્ટિવ બન્યું છે. તો બીજા એક સીનમાં એ કંઈક વિશેષ ઢંગથી એના શરીર પર પરફ્યુમ લગાડે છે. કઈ રીતે લગાડે છે, એ તો જાતે જ જોજો, મજા આવશે. ભણસાલીની જ ‘બાજીરાવ મસ્તાની’ પછી રણવીરની આ કરિયર-બેસ્ટ અદાકારી છે. એને ખીલજીનો લૂક આપવા માટેના ગેટઅપ પાછળ કરવામાં આવેલી સઘળી મહેનત રંગ લાવી છે.  

દિપિકા રાણી પદ્માવતી તરીકે અત્યંત જાજરમાન લાગી, તો રતનસિંગ રાજપૂત તરીકે શાહિદ પણ ફર્સ્ટ ક્લાસ. હા, બંને કલાકારો રણવીરના જબ્બર પરફોર્મન્સ સામે સહેજ ઝાંખા તો નહીં, પણ ઓછા જરૂર પડી જાય છે, પણ એ તો કેરેક્ટર્સની ડિમાન્ડ હતી એટલે. બાકી દિપિકા-શાહિદે પણ અત્યંત સંતુલિત અભિનય કર્યો છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી લાજવાબ. ત્રણ મુખ્ય કલાકારો ઉપરાંત બીજા ચાર એક્ટર્સનું કામ ઊડીને આંખે વળગે એવું છે. એમાંના પહેલા છે, રઝા મુરાદ. અમિતાભ બચ્ચન અને અમરીશ પુરી બાદ હિન્દી સિનેમામાં ગૂંજેલો પડછંદ અવાજ એટલે રઝા મુરાદ. ‘પદ્માવત’માં એમના ફક્ત ૩-૪ જેટલા જ સીન્સ છે પણ એ જ્યારે જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે એમની તોતિંગ પર્સનાલિટી અને સાવજની ત્રાડ સમાન બુલંદ અવાજને લીધે છવાઈ જાય છે. અહીં તો પાછા દિલ્હી સલ્તનતના શહેનશાહ જલાલુદ્દિન બન્યા છે એટલે ખૂબ રુઆબદાર લાગે છે. થિયેટરમાં એમનો ઘેઘૂર, મર્દાના અવાજ ગૂંજે અને જાણે કે સોપો પડી જાય. રઝા સર જેવો જ રુઆબદાર અભિનય કરીને યાદ રહી જાય છે ‘આયાન મહેતા’. એણે નીભાવેલા બ્રાહ્મણ રાઘવ ચેતનના પાત્રને લીધે જ ફિલ્મમાં આખી બબાલ સર્જાય છે. બદલાની આગમાં જલતા અપમાનિત બ્રાહ્મણને આ કલાકારે સોલ્લિડ રીતે નીભાવ્યું છે. નાનકડા રોલમાં ખીલજીની પત્ની મહેરુન્નિસા તરીકે અદિતી રાવ હૈદરી આંખોને ગમે એટલી શાલિન અને સુંદર. સહાયક પાત્રોમાં સૌથી વધુ અસરકારક લાગ્યો હોય તો એ છે ખીલજીનો અંગત સેવક બનતો મલિક કફૂર. અગાઉ ‘નીરજા’માં આતંકવાદી બનેલા પારસી એક્ટર ‘જીમ સર્ભ’એ ગુલામ કફૂરના રોલમાં જીવ રેડી દીધો છે. ઈતિહાસમાં નોંધ છે કે આ કફૂર મૂળે તો ખીલજીનો સમલૈંગિક સાથીદાર હતો. હિન્દી પારિવારિક ફિલ્મ હોવાથી ખીલજીના પડછાયા બનીને રહેતા કફૂર સાથે ખીલજીના એવા ઇન્ટિમેટ સીન્સ તો ન બતાવી શકાય એટલે ભણસાલીએ બહુ ચાલાકીપૂર્વક અમુક સૂચક પ્રતીકો દ્વારા બંને વચ્ચેનો સંબંધ મોઘમમાં રજૂ કરીને મૂકી દીધો છે. એ જે પણ હોય તે, પણ ફિલ્મમાં જીમ સર્ભની ભાવભંગિમા અને અભિનય કાબિલેતારીફ છે એટલું નક્કી.   



ભણસાલી સરની જૂની ફિલ્મોના છાયા ‘પદ્માવત’માં દેખાયા કરે છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’નું સાંકળ ખેંચીને ઝૂમર ઉપર-નીચે કરવાનું દૃશ્ય અહીં પણ જોવા મળે છે. ‘દેવદાસ’માં પારોની માતાના અપમાનવાળું જે જબરજસ્ત સીન હતું એવું જ કંઈક અહીં પણ થાય છે. ‘પદ્માવત’માં બ્રાહ્મણનું અપમાન થતાં એ ‘પદ્માવતી’ના જીવનમાં હોળી સળગાવે છે. બહુ જ જોરદાર સીન બન્યું છે આ પણ. હોળી દરમિયાન રંગો વડે ખેલતા રતનસિંહ અને પદ્માવતી વચ્ચેનું શૃંગારિક સીન ભણસાલીસાહેબે બહુ જ બખૂબી અને સલૂકાઈથી સજાવ્યું છે, પણ એમાંય ‘રામલીલા’ના ‘અંગ લગાલે…’ ગીતની છાપ દેખાઈ આવે છે. છતાં ભારતીય સંસ્કૃતિને અત્યંત સુંદર ઢબે ફિલ્મી પડદે કંડારતા રહેલા આ સર્જકને સલામ મારવી પડે એવું અફલાતૂન રિઝલ્ટ એમણે ‘પદ્માવત’માં આપ્યું છે. રાજસ્થાની-હિન્દુ સમાજ અને મુસ્લિમ પરિવેશ જેવા બે અંતિમો ફિલ્મમાં અત્યંત બારીકાઈથી દર્શાવાયા છે. યુદ્ધના સીન્સ અલ્ટિમેટ. શાહિદ-રણવીર વચ્ચેની શાબ્દિક તડાફડી અને શારીરિક તનાતનીના જેટલા પણ દૃશ્યો છે એ બધ્ધાં જ પૈસાવસૂલ. ભારતભૂમિમાં અત્યંત ઉચ્ચ આદર્શો સાથે જીવતાં રાજા-રજવાડાં હતાં એ જાણીને એક ભારતીય તરીકે છાતી ગજગજ ફૂલી જાય એ પ્રકારની ફિલ્મ ભણસાલીસાહેબે બનાવી છે. રાજપૂતો અમથા અમથા જ વિરોધના વાવટા ફરકાવવા નીકળી પડ્યા, બાકી આ ફિલ્મમાં કંઈ જ વાંધાજનક નથી. ઉલ્ટાનું એમને ગર્વ થાય એ રીતે રાજપૂતી પરંપરાઓને દર્શાવાઈ છે. નિઃશસ્ત્ર કે ઘાયલ દુશ્મન પર પણ વાર ન કરવાની ઉદાત્ત પૌરુષી વીરતા હોય કે પછી દુશ્મન સૈન્યથી શીલની રક્ષા કરવા માટે જાતને અગ્નિશિખાઓમાં હોમી દેવાની નારીસહજ દૃઢતા હોય, ભણસાલીએ બધું દિલ પર ચોટ કરી જાય એ રીતે દર્શાવ્યું છે. ફિલ્મના અંતમાં બે સીન તો એવા છે કે જોતી વખતે અચૂક આંખમાં પાણી આવી જાય અને રુંવાડા ખડા થઈ જાય. એક, ખીલજીના દસ-બાર યૌદ્ધાઓ સામે એકલેહાથે ઝઝૂમતો રાજપૂત સેનાપતિ ગરદન કપાઈ ગયા પછી પણ હવામાં તલવાર વીંઝતો રહે છે, એ સીન, અને બીજો, દિલ્હીની વિશાળ ફોજ સામે સઘળું હારી ગયા બાદ ચિત્તોડની મહિલાઓ ‘જય ભવાની...’ના જયનાદ સાથે ભડભડ બળતા અગનકુંડમાં હસતી હસતી ઝંપલાવી દઈને સામૂહિક જૌહર કરે છે એ સીન. આફરિન. સેલ્યુટ. નતમસ્તક. આપઘાત કરવાની અન્ય રીતો પણ હતી ચિત્તોડની મહિલાઓ પાસે. ઝેર પી લેવાથી લઈને ગળે ફાંસો અને જળસમાધિ સુધીના વિકલ્પો હતા, પણ એ શીલવતિઓ આગમાં બળી મરવાનો સૌથી પીડાદાયક માર્ગ અપનાવે છે કે જેથી દુશ્મનોના હાથમાં એમનું શરીર આવે જ નહીં અને મર્યા બાદ પણ એમના શરીર સાથે કોઈ દુર્વ્યવહાર ન કરી શકે. વાત ફક્ત દુનિયા જોઈ-સમજી-માણી ચૂકેલી પુખ્ત મહિલાઓની નથી, અહીં તો દસ-બાર વર્ષની બાળાઓ પણ એમની માતાના હાથ પકડીને અગ્નિમાં સ્વાહા થઈ જતી બતાવાઈ છે અને પ્રેગ્નન્ટ મહિલાઓ પણ… પદ્માવતિની એક ઝલક મેળવવા માટે રીતસર ફાંફા મારતા ખીલજીને ચિત્તોડનું મહિલાવૃંદ છેવટ સુધી સફળ થવા નથી દેતું. આ સમગ્ર ઘટનાક્રમ અત્યંત સચોટપણે ફિલ્માવાયો છે અને મન પર ઊંડી છાપ છોડી જાય એવો બન્યો છે. ભણસાલીની અગાઉની ફિલ્મોની જેમ જ ‘પદ્માવત’માંય ફિલ્મનો ક્લાયમેક્સ જ ફિલ્મની હાઇલાઇટ બની જાય છે. 
તો આવી આ ક્લાસિક ફિલ્મ ‘પદ્માવત’ જોવા માટે મારી જેમ છેક મુંબઈ સુધી લાંબા ન થવું હોય તો ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને કે પછી ટીવી પર આવે ત્યારેય સમય કાઢીને જોઈ જ લેજો. પાંચમાંથી ૪ સ્ટાર્સ તો આપવા જ પડશે. ભારતવર્ષના ઈતિહાસના એ બુલંદ પ્રકરણનો આ ફિલ્મી અવતાર ‘પદ્માવત’ છે જ એટલો રસપ્રદ. 

આઇસિંગ ઓન ધ કેક
મુંબઈના કાંદિવલી ખાતે રઘુલીલા મૉલમાં આવેલા આઇનોક્સ થિયેટરમાં ફિલ્મ જોવા જવાનું થયું ત્યારે ખબર્ય પડી કે અસલી થ્રીડી કોને કહેવાય. કેમકે થ્રીડીને નામે અમારા વલસાડ-વાપીના થિયેટરો તો ઉલ્લુ જ બનાવે છે. આઇનોક્સનું થ્રીડી અત્યંત સ્પષ્ટ! સ્ક્રીનનો ખૂણેખૂણો ચોખ્ખો દેખાય. ને સાઉન્ડ સિસ્ટમ તો ભાય...ભાય... કહેવું પડે. યુદ્ધના દ્રશ્યોમાં કાન પાસેથી વહી જતાં તીરનો સન્ન...સન્ન... અવાજ હોય કે શાહિદ-રણવીર વચ્ચેની ક્લાયમેટિક વન-ટુ-વન તલવારબાજીમાં અફલાતૂન રેકર્ડ થયેલા તલવાર અને ઢાલના ‘ટેંગ...ટેંગ...’ અવાજો હોય... ટિકિટના રૂપિયા તો આઇનોક્સના થ્રીડી રિઝલ્ટ અને સાઉન્ડ સિસ્ટમે જ ફૂલ્ટુ વસૂલ કરી દીધા. જલસા, બાપ્પુ… નકરા જલસા…

 



Sunday 19 November 2017

ફિલ્મ રિવ્યૂઃ ‘તુમ્હારી સુલુ’... વિદ્યા-અદ્‍ભુત-બાલનની સ્વીટ-ક્યુટ-કોમિક ફેમિલી સ્ટોરી (રિવ્યૂ બાયઃ મયૂર પટેલ)


એને પહેલી વાર ઝીટીવીની હમ પાંચસિરિયલમાં જોયેલી. કોમેડી સિરિયલ હોવા છતાં ચશ્મિશ, પઢાકુ છોકરીને ફાળે ભાગ્યે કોઈ પંચ-લાઈન આવતી. બધાં પાત્રો અર્ધબહેરીની મજાક ઉડાવતા રહેતા. પછી તો એણે ટીવી પર ઢગલાબંધ એડ્સ કરી. ફિલ્મમાં હિરોઇન બનવાના ઓરતાં ઘણા, પણ નોન-ગ્લેમરસ લૂકને લીધે એની માતૃભાષા મલયાલમથી લઈને સાઉથની અન્ય ભાષી ફિલ્મોમાં એને કોઈએ ચાન્સ આપ્યો. એકાદ ફિલ્મમાં સાઇન કરાઈ, પણ શૂટિંગ શરૂ થવા પહેલાં એને પાછલે બારણેથી રવાના કરી દેવાઈ. છેવટે, ઘણા વર્ષોના સંઘર્ષ બાદ, પોતે હિરોઇન-મટિરિયલ હોવાના અપમાનજનક રિજેક્શન્સ વેઠ્યા બાદ, એની ઘણીબધી એડ્સમાં એને ડિરેક્ટ કરનાર પ્રદિપ સરકાર એને પોતાની પહેલી ફૂલ-ફ્લેજ્ડ હિન્દી ફિલ્મમાં મેઇન લીડ તરીકે કાસ્ટ કરી. ૨૦૦૫માં રજૂ થયેલી ફિલ્મ એટલે શરદબાબુના ક્લાસિક ઉપન્યાસ પરથી બનેલી પરિણિતા’. પહેલી ફિલ્મમાં સંજય દત્ત અને સૈફ અલી ખાન જેવા ધરખમ અદાકારોની સામે ઝીંક ઝીલીને નોન-ગ્લેમરસ અભિનેત્રી બોલિવુડમાં રીતસર છવાઈ ગઈ. વર્ષનો બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ સહેજ માટે રાની મુખરજી (બ્લૅક) સામે ચૂકી ગઈ, પણ ન્યૂ કમરનો એવોર્ડ જીતીને હિન્દી ફિલ્મોમાં લાંબી ઈનિંગ ખેલવાની એણે શરૂઆત કરી. અભિનેત્રી એટલે વિદ્યા બાલન. અદ્ભુત, આઉટસ્ટેન્ડિંગ એન્ડ લવેબલ. વિદ્યા બાલન.

અભિનયની વિશાળ રેન્જ ધરાવતી વિદ્યાએ આપબળે હિટ કરાવેલી ફિલ્મોની સંખ્યા ઘણી છે. શાહરૂખ-સલમાન-આમિર જેવા બોક્સઓફિસના રાજાઓ સાથે કામ કર્યા વિના તેની ફિલ્મોએ ટિકિટબારી ગજવી છે.પા’, ‘કહાની’, ‘ભૂલભૂલૈયા’, ‘ઈશ્કિયાં’, ‘નો વન કિલ્ડ જેસિકાઅને તેના કરિયરની સૌથી મોટી હિટડર્ટી પિક્ચર’. ફ્લૉપ ગયેલી ફિલ્મોમાંય વિદ્યા તો હંમેશાં ફર્સ્ટ ક્લાસ રહી છે. મારા જેવા એના ફેન્સ નિરાશ થાય એવું વાસી-ઢીલુંઢાલું પરફોર્મન્સ એણે ક્યારેય નથી આપ્યું. એક્ટિંગની વાત આવે ત્યારે વિદ્યા હંમેશાં દમદાર સાબિત થઈ છે.  
આવી અદ્ભુત બાલનની છેલ્લી કેટલીક ફિલ્મો નબળી પટકથા અને દિગ્દર્શનને લીધે નિષ્ફળ ગઈ હોવાથી એને એક હિટ ફિલ્મની તાતી જરૂરિયાત હતી. અને તુમ્હારી સુલુ જરૂરિયાત પૂરી કરે એવી મસ્ત અને મજેદાર બની છે. (સ્ટોરી સ્પોઇલર્સ અહેડ... વાર્તા જાણવી હોય તો બે પેરેગ્રાફ કૂદી જાવ)

વાત છે મધ્યમવર્ગી સુલોચનાની. પતિની ૪૦ હજારની નોકરીમાં ઘરખર્ચ જેમતેમ નીકળતો હોવાથી સુલોચનાએ પતિની આર્થિક મદદ થઈ જાય એવું કંઈક કરવું છે. નોકરીમાં રસ ઓછો છે. બિઝનેસ કરવો છે, પણ બારમું ફેઇલ હોવાથી ઘર-પરિવારનો જોઈએ એવો સહકાર નથી મળતો. બધાં એની ક્ષમતા પર શંકા કર્યા કરે છે. આસમાનમાં ઉડવાની મહત્વાકાંક્ષા ધરાવતી સુલોચનાને એક દિવસ અચાનક એક રેડિયો કંપનીમાં આર.જે. અકા રેડિયો જોકી બનવાની તક મળે છે. ઉત્સાહિ સુલોચનાના ઈરાદાઓ જાણી રેડિયો કંપનીનો સ્ટાફ પણ હેરત પામી જાય છે, પણ સુલોચનાનો કોન્ફિડન્સ કંઈક એવો છે કે...

થોડી ખાટી-મીઠી કઠનાઈઓ બાદ સુલોચના આર.જે. બની જાય છે. રાતના સાડા દસે શરૂ થતા એના શૉતુમ્હારી સુલુમાં એણે સહેજ ઑફબીટ લાગે એવું કામ કરવાનું છે. પુરુષ કૉલર સાથે થોડી નટખટ, થોડી રસીક લાગે એવી વાતો માદક-મધમીઠા અંદાજમાં કરવાની છે. શરૂઆતની થોડી અગવડ બાદ સુલોચના સુલુબનવામાં માહેર થઈ જાય છે અને રિઝલ્ટ... મુંબઈના પુરુષો રાતની રાણી સુલુના દિવાના થઈ જાય છે. તુમ્હારી સુલુશૉ રાતોરાત ધૂમ મચાવતો થઈ જાય છે, પણ...
...પણ પછી... પછી શું થાય છે, ફિલ્મમાં જોવાની મજા આવશે.
ફિલ્મનું જમાપાસું છે એની સાદગી. બહુ સરળ ઢબમાં આગળ વધતી વાર્તા. અત્યંત રિયલ લાગે એવો માહોલ. જાણે કે બધું પડોશમાં બની રહ્યું છે. તમામ કલાકારો અભિનયમાં અવ્વલ. વિદ્યા એટલી બધી નેચરલ અને મીઠડી છે કે એના પરથી આંખો હટાવવાનું મન ના થાય. તેનું વધેલું વજન (આટલી જાડી તે અગાઉ ક્યારેય નહોતી) પણ તેના પાત્ર સાથે પૂરું મેળ ખાય છે.લગે રહો મુન્નાભાઈમાં તેણે મસ્ત અંદાજમાં ગુડ મોર્નિં..., મુંબઈ...ટહુકતી રેડિયો જૉકીનું પાત્ર નીભાવેલું, તુમ્હારી સુલુમાં ફરી રેડિયો જૉકી બની છે, પણ પાત્ર વધુ રંગીન, વધુ ગમતીલું, વધુ સેક્સી છે. નાની-નાની વાતોમાં ખુશ થઈ જતી સુલુના પ્રેમમાં દર્શક ના પડે તો નવાઈ. પોતાના હસ્કી અવાજમાં સુલુ જ્યારેહલો... કૌન બાત કરના ચાહતા હૈ સુલુ સે..?બોલે છે ત્યારે પુરુષના કાનમાં જાણે કે ઘંટડીઓ ગૂંજી ઊઠે છે. દિલ કે બટન સે ડાયલ કિજીએ, કરેંગેં ના..?’ સુલુનો અવાજ ફક્ત ફિલ્મમાં આવતા પુરુષ પાત્રો પર નહીં, સિનેમા હૉલમાં બેઠેલા પુરુષ-દર્શકો પર પણ મોહિની કરી દે છે. વિદ્યાડીની કરિયરનું બહુ મજેદાર પરફોર્મન્સ છે.

વિદ્યાના પતિના રોલમાં માનવ કૌલ આઉટસ્ટેન્ડિંગ. અત્યાર સુધી ફિલ્મોમાં સાઇડ રોલ્સ ભજવતો આવેલો એક્ટ્સ મને હંમેશાં ગમ્યો છે. અહીં એને એની કરિયરનો સૌથી લાંબો રોલ મળ્યો છે અને એણે વાઉકહી શકાય એવો અભિનય કરી દેખાડ્યો છે. વિદ્યા સાથેની એની કેમેસ્ટ્રી તો માશાલ્લાહ... બોલિવુડે જેની પૂરી કદર નથી કરી એવી નેહા ધૂપિયા પણ રેડિયો કંપનીની હેડ ઓફિસર તરીકે બિલકુલ પરફેક્ટ સાબિત થાય છે. બાકીના એક્ટર્સ પણ ટોપ ફોર્મમાં

ફિલ્મનું મ્યુઝિક સાધારણ છે. ( કંઈ નવું નથી, કેમકે અત્યારની બધી ફિલ્મોના સંગીત બાબતે આજ હાલ છે) ગીતો બેકગ્રાઉન્ડમાં આવીને વાગી જાય છે, થિયેટરમાં જોવા ગમે, બાકી યાદ રહે એવા બિલકુલ નથી. હા, મિસ્ટર ઇન્ડિયાનું મારીશ્રીદેવી પર ફિલ્માવાયેલુંહવા હવાઈ...’ અહીં મસ્ત રિમિક્સરૂપે રજૂ થયું છે. સિંગિંગ મૂળ હતું કવિતા ક્રિષ્નમૂર્તિનું જેમનું તેમ રખાયું છે, ફક્ત ફૂટટેપિંગ બિટ્સ ઉમેરાયા છે. એનું પિક્ચરાઇઝેશન પણ સિનેમા હૉલમાં સીટીઓ ગૂંજે એવું સરસ કરાયું છે. (ફિલ્મ જોતી વખતે હું તો સીટી બિન્દાસ મારું, હં કે..? એમાં મને સભ્ય સમાજનાહાય, હાય... આપણાથી આવું થોડું થાય..!એવા ચોખલિયાવેડા નથી નડતા)

ડિરેક્ટર સુરેશ ત્રિવેણીએ ફિલ્મને ક્યાંય લાઉડ નથી થવા દીધી. ટેન્શનભર્યા સીન્સમાં પણ એક્ટર્સ ઓવરએક્ટિંગમાં સરી નથી પડતાં. ફિલ્મમાં ઘણા એવા (અગાઉ હિન્દી સિનેમામાં ક્યારેય જોયા હોય એવા) દૃશ્યો છે જે તમારા હૃદયને સ્પર્શી જશે. થાકેલી પત્ની બહુ સ્વાભાવિકપણે પતિને પોતાના પગ દબાવવા કહે છે, અને પતિ કોઈપણ પ્રકારના છોછ વિના એના પગ દબાવી પણ આપે છે. અહીં મુંબઈની સડકો પર રાતપાળીમાં ટેક્સી ચલાવતી આનંદી મહિલા પણ છે અને વિદ્યાની મોટી બહેનોના કિરદારમાં દેખાતી જોડિયા અદાકારાઓની મીઠી નોંકઝોંક પણ છે.  

ક્લાયમેક્સ થોડો વહેલો આટોપાઈ જતો લાગ્યો. છેલ્લે કંઈક વિશેષ ડ્રામા ક્રિએટ કરી શકાયો હોત. પણ એમ છતાં તુમ્હારી સુલુએક બહુ મીઠી, પોઝિટિવ ફિલિંગ ધરાવતી પ્રસ્તુતિ છે. ફિલ્મ જોતી વખતે (ફરીથી) મારીશ્રીદેવીની ઇંગ્લિશ વિંગ્લિશયાદ આવી જશે, કેમ કે એમાંય પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી મિડલ ક્લાસ ઇન્ડિયન વુમનની સિમ્પલ વાર્તા હતી અને તુમ્હારી સુલુમાંય પ્રકારની સેન્ટ્રલ થીમ છે. જોકે ઇંગ્લિશ વિંગ્લિશપ્રમાણમાં ગંભીર હતી, જ્યારે તુમ્હારી સુલુનો ટોન કોમિક-હળવો રખાયો છે. (જિસને ઇંગ્લિશ વિંગ્લિશજૈસી બ્યૂટિફૂલ ફિલ્મ નહીં દેખી ઉસે માતારાની પાપ લગાયેગી) ‘તુમ્હારી સુલુદરમિયાન તમારા ચહેરા પર એક મુસ્કાન રમતી રહેશે અને સિનેમા હૉલમાંથી બહાર આવ્યા બાદ પણ સુલુ તમારો પીછો નહીં છોડે એની ગેરંટી... તો જઈ આવો સપરિવાર. મારા તરફથી સુલુને પાંચમાંથી . સ્ટાર્સ.

એક રિક્વેસ્ટઃ ફસાયેલાઓએ, સોરી પન્નેલાઓએ ફિલ્મ સજોડે જોવી. ફિલ્મમાં પતિ-પત્ની વચ્ચે જે કેમેસ્ટ્રી બતાવી છે એની મજા ભેગાં જોવામાં ડબ્બલ થઈ જશે. બાળકોનેય બતાવી શકાય એટલી સાફસૂથરી છેતુમ્હારી સુલુ’...