Sunday, 5 October 2014

પ્રકરણ ૧ – તર્પણયાત્રા – વસિયતનામાની વિચિત્ર શરત



પ્રકરણ ૧  –  વસિયતનામાની વિચિત્ર શરત

તેણે ફરી એક વાર બૂટ તરફ નજર નાખી. દોરી બરાબર બંધાયેલી હતી. પોલિશ પણ વ્યવસ્થિત હતું. ગજવામાંથી મોબાઇલ કાઢીને તેણે પોતાના ચહેરા સામે ધર્યો. કાળા કાચમાં દેખાતા ઝાંખા પ્રતિબિંબને જોઈ તેણે માથાના વાળ સરખા કર્યા. ફરી એક વાર. મોબાઇલ પેન્ટના ગજવામાં સરકાવી તેણે આંખો હોસ્ટેલના ગેટ પર જમાવી.

રૂમ નંબર ૨૬ વાળો અકડૂ જાય છે,’ ત્રણ માળની એરકન્ડિશન્ડ હોસ્ટેલના બીજા માળે આવેલા રૂમમાં ઊભેલા એક યુવાને બારીમાંથી બહાર જોતા કહ્યું. તરત તેની પાછળથી બીજો એક યુવાન બારીમાંથી ડોકાયો. તેણે પૂછ્યું, ‘તને ખબર છે કે પ્રિન્સ છે?’

પ્રિન્સ? ખરેખર?’ પહેલાને અચરજ થયું. ‘ક્યાંનો પ્રિન્સ?’

મહેરગઢ,’ બીજાએ જવાબ આપ્યો. ‘વિવાનસિંહ જાડેજા નામ છે એનું.’

પ્રિન્સ છે એટલે આટલો અકડૂ છે, હં…’ પહેલો અણગમાપૂર્વક બોલ્યો અને પછી પોતાના કામે લાગી ગયો. બીજો ત્યાં ઊભો રહી હોસ્ટેલના પ્રાંગણમાં ઊભેલા પ્રિન્સને કંઈક અહોભાવથી તાકી રહ્યો. બ્રાઉન કોર્ડરૉઇ અને પ્લેન વ્હાઇટ શર્ટમાં પ્રિન્સ સોહામણો લાગી રહ્યો હતો. ભોળપણથી લીંપાયેલો ચહેરો, પાણીદાર આંખો, સપ્રમાણ નાક, પાતળા હોઠ, ચપ્પટ ઓળેલા રેશમી કાળા વાળ. પાંચ ફૂટ આઠ ઈંચનો સહેજ ભરાવદાર દેહ. જોતા ખબર પડી આવે કે છોકરો ખાતા-પીતા ઘરનો છે. ગોરો તો એટલો કે પહેલી નજરે વિદેશી લાગે. વ્યવસ્થિત કાપેલા વાળ, ઇસ્ત્રીબંધ કપડાં અને પોલિશ કરેલા જૂતાં. પગથી માથા સુધી રાજવી ખાનદાનનો નબીરો લાગે. તેના દેખાવમાં કંઈક એવું આકર્ષણ હતું કે જોનારા ઘડીભર તેને તાકી રહેતા. આવો ૧૭ વર્ષીય હેન્ડસમ પ્રિન્સ વિવાન છેલ્લા બે મહિનાથી ઈન્દોર ખાતે આવેલી એન્જિનિયરિંગ હોસ્ટેલમાં રહેતો હતો છતાં કોઈની સાથે ભળી શક્યો નહોતો. માટે તેની છાપ અકડૂ તરીકેની પડી ગઈ હતી.

વિવાને પોતાને કાંડે બાંધેલી ઇમ્પોર્ટેડ ઘડિયાળમાં જોયું. સવારના સાડા સાત વાગી રહ્યા હતા. વીસ મિનિટથી તે હોસ્ટેલની બહાર ઊભો ઊભો કોઈની રાહ જોઈ રહ્યો હતો. ‘તું જેમ બને એમ જલ્દી આવી જા, વિવાન,’ તેની મમ્મીએ મળસ્કે ફોન કરીને કહ્યું હતું. ‘રાજા સાહેબની તબિયત નાજુક છે.’ અને તરત વિવાને તેનો સામાન પેક કરવા માંડ્યો હતો. રાજા સાહેબ એટલે કે તેના દાદાજી- પ્રતાપસિંહ જાડેજા, જેઓ જીવનના છેલ્લા શ્વાસ ખેંચી રહ્યા હતા. વિવાન જેમ બને એમ જલ્દી એમની પાસે પહોંચી જવા માગતો હતો. હોસ્ટેલની બહાર ઊભા ઊભા તેની ધીરજ હવે ખૂટી રહી હતી, ત્યાં કાળા રંગની એક એમ્બેસેડર કાર હોસ્ટેલના કમ્પાઉન્ડ ગેટમાંથી અંદર પ્રવેશતી દેખાઈ.

ઘરઘરાટી બોલાવતી કારે હોસ્ટેલમાં ઉત્સુકતા જગાવી. હોસ્ટેલની બારીઓ ઊંઘરેટા લબરમૂછિયા ચહેરાઓથી ભરાઈ ગઈ. કોઈ અંગત વાહનને હોસ્ટેલના કમ્પાઉન્ડમાં દાખલ થવાની અનુમતિ નહોતી એટલે વિદ્યાર્થીઓને કુતૂહલ થયું. જોકે વિવાનનો કેસ અલગ હતો. રાજવી પરિવારનું ફરજંદ પોતાની કોલેજમાં અભ્યાસ કરતું હોય હકીકતથી કોલેજના પ્રિન્સિપાલ અભિભૂત હતા. પ્રિન્સ વિવાન માટે તેમણે અમુક છૂટછાટો આપી હતી.

ચકચકિત એમ્બેસેડર વિવાનની નજીક આવીને ઊભી રહી. ઉતાવળે બહાર નીકળી ડ્રાઇવરે વિવાનને ઝૂકીને સલામ મારીને કહ્યું, ‘માફી, કુંવર સાહેબ. રસ્તામાં ટાયર પંક્ચર થઈ ગયું હતું એટલે મોડું થયું.’

જવાબમાં વિવાને ફક્ત ડોકું હલાવ્યું. તેને ગુસ્સો તો બહુ આવ્યો હતો પણ વ્યક્ત કરવાનો કોઈ ફાયદો નહોતો. દાદાજીના વિચારે આમેય તે ખિન્ન હતો. ડ્રાઇવરે પાછળનો દરવાજો ખોલ્યો એટલે તે અંદર બેઠો. ડિકીમાં વિવાનની બેગ મૂકી ડ્રાઇવરે પોતાની સીટ લીધી. એક પણ સેકન્ડ ગુમાવ્યા વિના એણે ગાડી મહેરગઢની દિશામાં ભગાવી.

મહેરગઢ. મધ્ય પ્રદેશના છેક પશ્ચિમ છેવાડે અનાસ નદીને કિનારે આવેલું એક નાનકડું રજવાડું. ગુજરાતની સરહદથી બહુ દૂર નહીં. જંગલોથી છવાયેલા વિસ્તારમાં છૂટાછવાયા ગામડાં અને ગામડાંઓનું કેન્દ્રબિંદુ મહેરગઢ. આઝાદી પછીના વિલીનીકરણમાં મહેરગઢ પણ વિલીન થઈ ગયું હતું. રહી ગઈ હતી ફક્ત ધૂંધળી રજવાડી યાદો.

ઈન્દોરથી મહેરગઢ પહોંચતા અઢી કલાક થતા. વિવાનના ખાવા માટે કારમાં ફ્રૂટ્સ પડ્યાં હતાં, પણ તેણે ખાધાં. બીમાર દાદાજીને ગુમાવવાના વિચારો વારેવારે તેની આંખો ભીની કરી દેતા હતા. આખા રસ્તે તેણે ડ્રાઇવર સાથે એક શબ્દ પણ વાત કરી.

દસ વાગ્યે એમ્બેસેડર મહેલના પ્રાંગણમાં જઈ અટકી કે તરત વિવાન બહાર લપક્યો. બે માળના ભવ્ય મહેલના વિશાળ પ્રવેશદ્વાર તરફ તેણે દોટ મૂકી. રફ સ્ટોન જડેલા પ્રાંગણ પર તેના જૂતાં ગરજી ઊઠ્યા. પ્રવેશદ્વાર પાસે સડસડાટ પગથિયાં ચડતી વખતે ભટકાઈ ગયેલા નોકરે તેને સલામ મારી, પણ એની સલામ સ્વીકારવાનો સમય વિવાન પાસે નહોતો. મહેલમાં દાખલ થતાં ૫૦ ફીટ પહોળો હોલ હતો. હોલની વચ્ચોવચ બનેલા ૧૦ ફીટ પહોળા દાદરના કઠેડામાં આરસની અગણિત અપ્સરાઓ મૂર્તિમંત થઈ હસી રહી હતી. ઇટાલિયન માર્બલના ફ્લોર પર ધડબડાટી બોલવતો વિવાન દાદર ચઢીને પહેલા માળે પહોંચ્યો. ડાબી તરફની પરસાળમાં પહેલો કમરો દાદાજીનો હતો. હાંફતી છાતીએ કમરામાં દાખલ થતાં વિવાને જોયું કે એક ખૂણામાં પલંગ પર દાદાજી આંખો બંધ કરીને સૂતા હતા. પલંગથી સહેજ દૂર ગોઠવાયેલી ખુરશીઓમાં વિવાનના પિતા રુદ્રપ્રતાપ સિંહ, માતા પદ્માવતી, મંત્રી જોસરકાકા, ડોક્ટર અને નર્સ બેઠાં હતાં. તમામ ચહેરાઓ પર વિષાદના વાદળાં છવાયેલાં હતો. વિવાનના માતા-પિતા વિવાનને જોતાં ઊભાં થઈ ગયાં. એમની તરફ એક નજર નાખી વિવાન સીધો દાદાજી તરફ ધસી ગયો.

કેટલાયે મેડિકલ ઉપકરણોથી ઘેરાયેલી પ્રતાપસિંહની કૃષ કાયામાં બહુ ઓછી સંવેદના બચી હતી. એમના શ્વાસોચ્છવાસ અત્યંત ધીમા ચાલી રહ્યા હતા. વિવાને હળવેથી દાદાજીના હાથ પર પોતાનો હાથ મૂક્યો. તેના ગળામાંથી માંડ એક શબ્દ નીકળ્યો, ‘દાદુ…’


પોતરાના હાથનો સ્પર્શ થતાં પ્રતાપસિંહે આંખો ખોલી. વિવાનને જોતા તેઓ મલકાઈ ઊઠ્યા. ચહેરા પરની અગણિત કરચલીઓમાં જાણે કે પ્રાણ ફૂંકાયો. ઓક્સિજન માસ્કના પ્લાસ્ટિકમાંથી એમનું બોખું મોં દેખાયું. પ્રયત્નપૂર્વક તેમણે વિવાનની આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવી. દાદા-પોત્રનું આખરી સંધાન હતું સૌ જાણતા હતા. આંતરડાના કેન્સર સામે નેવ્યાસી વર્ષે પ્રતાપસિંહે ઘૂંટણ ટેકવી દીધાં હતાં. છેલ્લા દિવસોમાં એમના કમરાને આઈ.સી.યુ.માં ફેરવી દેવામાં આવ્યો હતો. કોઈ આશા બચતા એમની વધુ રિબામણી ટાળવા માટે ડૉક્ટરે તમામ મેડિકલ ઉપકરણો હટાવી દેવાની સલાહ આપી હતી. પ્રત્યેક શ્વાસ એમના માટે પીડાદાયક બની રહ્યો હતો એટલે ડૉક્ટરની સલાહ વાજબી હતી. ફક્ત વિવાનના આવવાની રાહ જોવાતી હતી. વિવાન આવ્યો એના અડધા કલાક બાદ ડૉક્ટરે મેડિકલ સપોર્ટ સિસ્ટમની સ્વિચ ઓફ કરવા માંડી. સૌ ભીની આંખે રાજા સાહેબની નજર સામે ઊભાં રહ્યાં. છેલ્લી ઘડીઓમાં પરિવાર સાથે હતો ધરપત સાથે રાજા સાહેબે હંમેશ માટે આંખો મીંચી દીધી.

વિવાન ફાટી આંખે દાદાજીના નશ્વર દેહને તાકી રહ્યો. તેણે ફક્ત દાદાજી નહીં, પણ એક સારા મિત્ર ગુમાવ્યા હતા. એક એવા મિત્ર જેના સંગમાં તે સૌથી વધુ ખીલતો. દાદાજીનો સ્નેહ, દાદાજીની માયા અશ્રુરૂપે વિવાનની આંખોમાંથી વહી નીકળી.

રાજા સાહેબની અંતિમસંસ્કાર વિધિ બીજા દિવસે રાખવામાં આવી કેમ કે એમના સગા દૂર દૂરથી આવવાના હતા. રાજ માત્ર નામ પૂરતું રહ્યું હોવા છતાં રાજા આખરે તો રાજા ખરોને! કાયદેસર તો જાડેજા પરિવારની કોઈ રિયાસત નહોતી, પણ પ્રજા હજુ પણ એમને રાજપરિવાર તરીકે સન્માન આપતી હતી.

વિવાન આખો દિવસ તેના રૂમમાં રહ્યો. રાતે પદ્માવતી તેના રૂમમાં આવ્યાં. એમણે વિવાનને જમવાનો આગ્રહ કર્યો. ભૂખ લાગી હોવાથી વિવાને દૂધ માગ્યું. માણસ ગમે એટલો શોકગ્રસ્ત હોય, શરીર તો ખોરાક માગે . દૂધ પીને તેણે ખાલી ગ્લાસ પદ્માવતીને આપ્યો ત્યારે તેની આંખમાં રહેલી ભીનાશ તેની માતાથી છૂપી રહી શકી. તેને હંમેશાં દાદાજી સાથે જમવાની આદત હતી. હવે નથી રહ્યા ત્યારે

રડીને મન હળવું કરી લે,’ વિવાનને માથે હાથ પસવારતા પદ્માવતી ગળગળા સાદે બોલ્યાં. ‘સવારે રડી નહીં શકાય.’

દાદાજી સાથે વિતાવેલી અમૂલ્ય ક્ષણોની યાદ વિવાનને ઘેરી વળી. મહેલની લોન પર તેની સાથે ક્રિકેટ રમતા દાદાજી. નાનકડા વિવાનને ઘોડેસવારી શીખવતા દાદાજી. સમી સાંજે વિવાન સાથે મહેરગઢની સીમમાં રખડપટ્ટી કરતા દાદાજી. દાદાજીને યાદ કરતા મોડી રાત સુધી વિવાનની આંખો વહેતી રહી.

બીજા દિવસે પ્રતાપસિંહનો મૃતદેહ પ્રજાનાં દર્શન માટે મહેલના પ્રાંગણમાં રાખવામાં આવ્યો. વહેલી સવારથી લોકો રાજા સાહેબના દર્શનાર્થે આવવા લાગ્યા. દર્શનાર્થીઓમાં દરેક ધર્મ અને વર્ગના માણસો હતાં. આસપાસના ગામડાના સરપંચો, સરકારી અધિકારીઓથી લઈને રાજવી સગાં-સબંધીઓ આવ્યાં હતાં. અમુક સગાં-મિત્રો દૂરના શહેરોથી આવ્યાં હતાં. સૌને રાજા સાહેબ પ્રત્યે ભારે માનની લાગણી હતી. અનાસ નદીને કિનારે એમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. એમના નિશ્ચેતન દેહને અગ્નિમાં હોમાઈ જતા વિવાન જોઈ રહ્યો. તેની આંખો ભરાઈ આવી પણ તેણે આંસું વહેવા દીધાં. જાડેજા પરિવારના સભ્યો જાહેરમાં એમ કંઈ લાગણીઓમાં વહી જાય થોડું ચાલે! રાજવી શિષ્ટાચાર તો અનુસરવો પડે, કમને પણબધાં એમ કરી રહ્યાં હતાં. પારકાં રડી રહ્યાં હતાં અને જેઓ લોહીના સંબંધે બંધાયેલાં હતાં, પોતાનાં હતાં તેઓ કોરી આંખે ઊભાં હતાં.

રાજા સાહેબની અંતિમ વિધિઓ તેર દિવસ ચાલી. એમના આદેશ મુજબ તેરમાની વિધિ પતે પછી એમનું વસિયતનામું જાહેર કરવાનું હતું. સીલબંધ વસિયતનામું લઈને વકીલ બ્રીજનાથ પહેલા માળે આવેલા મીટિંગ રૂમમાં દાખલ થયા ત્યારે વિવાન, રુદ્રપ્રતાપ, પદ્માવતી અને જોસરકાકા ગુમસૂમ બેઠાં હતાં. વિવાન સિવાય સૌને વસિયતમાં શું હશે જાણવાની તીવ્ર ઉત્કંઠા હતી.

એક ઊંડો શ્વાસ લઈને બ્રીજનાથે હાથમાં રહેલું વસિયતનામું વાંચવાનું શરૂ કર્યું. ‘અહીં હાજર છે એમાંના કોઈ આપણા કુટુંબની આર્થિક હાલતથી અપરિચિત નથી. રાજમહેલ અને અન્ય તમામ સંપત્તિ હું મારા દીકરા રુદ્રપ્રતાપસિંહ જાડેજા, વહુ પદ્માવતી જાડેજા અને પૌત્ર વિવાનસિંહ જાડેજાને નામે કરું છું. ઉપરાંત મારી પાસેથી કોઈ મોટા ખજાનાની અપેક્ષા રાખવામાં આવી હોય તો વાજબી છે. પરિવારની આર્થિક વિટંબણાઓનો અંત આવે એટલું તો હું છોડી જાઉં છું, પણ મેળવવા માટે પરિશ્રમ કરવો અનિવાર્ય છે. મારી અમુક શરતોને આધીન મારા અસ્થિ મેં સૂચવેલાં સ્થળોએ વહાવ્યા પછી આપ ખજાનો હસ્તગત કરી શકશો.’

બ્રીજનાથે અટકીને વારાફરતી રુદ્રપ્રતાપ અને પદ્માવતી તરફ નજર નાખી. બંનેના કપાળે રેખાઓ અંકિત થયેલી હતી. ‘શરતોશબ્દે એમનો ઉચાટ વધારી દીધો હતો.

બ્રીજનાથે આગળ વાંચવાનું શરૂ કર્યું, ‘દેશની ચાર દિશાઓમાં આવેલા ચાર પવિત્ર સ્થળો-પૂર્વમાં બંગાળના ઉપસાગર, પશ્ચિમમાં દ્વારકા, ઉત્તરમાં ગંગા અને દક્ષિણમાં રામેશ્વરમ- મારા અસ્થિ વિસર્જિત કરવા. કાર્ય ફક્ત અને ફક્ત વિવાન કરશે અને પણ એકલપંડે. ઉપરોક્ત તમામ સ્થળોએ એકલા જઈ મારું તર્પણ કરશે તો અને તો મારી ખાનગી સંપત્તિ આપના નામે થશે. નહીંતર તમામ સંપત્તિનું દાન કરી દેવામાં આવશે.’

પ્રતાપસિંહનું ટૂંકું વસિયતનામું વાંચવાનું પૂરું કરી બ્રીજનાથે જાડેજા પરિવારનાં સદસ્યો તરફ વારાફરતી દૃષ્ટિપાત કર્યો. વિવાનનો ચહેરો લગભગ ભાવશૂન્ય હતો જ્યારે રુદ્રપ્રતાપ અને પદ્માવતી વસિયતનામાનું છેલ્લું વાક્ય સાંભળી અસ્વસ્થ થઈ ગયાં હતાં. બંને સ્તબ્ધ બનીને બ્રીજનાથના હાથમાં રહેલા કાગળને તાકી રહ્યાં.                                                                                                             
 (ક્રમશઃ

નોંધઃ ૨ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ આ પ્રકરણ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ટ્રાવેલ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયું છે.
                                                                                                                           



Wednesday, 3 September 2014

લવ જેહાદ-કોમી ‘આતંકવાદ’નું નવું હથિયાર

મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને પ્રેમમાં પાડી, ભગાડી જઈ, લગ્ન કરી તેમનું ધર્મપરિવર્તન કરાવવાના કિસ્સા ઉત્તરપ્રદેશના સામાજિક જીવનના તાણાવાણા ખોરવી રહ્યા છે. ‘લવ જેહાદનામની આ ભૂતાવળ પર રાજકીય રોટલા શેકાવાની ગંધ પણ આવી રહી છે.


ગયા વર્ષે હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી દંગામાં રક્તરંજિત થયેલું ઉત્તરપ્રદેશનું મુઝફ્ફરપુર તાજેતરમાં ફરી એકવાર અખબારોની હેડલાઇન્સમાં શર્મસાર થયું છે. વ્યવસાયે શિક્ષિકા એવી એક ગરીબ હિન્દુ યુવતીએ પોલીસમાં એફ.આઇ.આર. લખાવી હતી કે કેટલાક મુસ્લિમ પુરુષોએ તેનું અપહરણ કર્યા બાદ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને પછી તેને ધર્મ પરિવર્તન દ્વારા મુસ્લિમ બનાવી દેવામાં આવી હતી. ૨૦ વર્ષીય આ યુવતી મેરઠ જિલ્લાના સરાવા નામના ગામમાં આવેલા એક મદ્રેસામાં પાર્ટ ટાઇમ શિક્ષિકા હતી. ૨૩ જુલાઈ, ૨૦૧૪ના રોજ તેનું અપહરણ કરી તેને મુઝફ્ફરનગર લઈ જવામાં આવી. ત્યાંના મદ્રેસામાં તેને ત્રણ દિવસ કેદ રાખવામાં આવી, જે દરમિયાન તેના પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો. ધર્મપરિવર્તનને લગતા અમુક કાગળો પર જબરજસ્તી તેની સહી કરાવવામાં આવી અને પછી તેને ઘરે જવા દેવામાં આવી હતી. ૨૭ જુલાઈએ ઘરે પાછી આવેલી યુવતીને ૨૯ જુલાઈએ ફરીથી ઉઠાવી જવામાં આવી અને મેરઠ શહેરમાં આવેલા મદ્રેસામાં ગોંધી દેવામાં આવી. ત્યાં તે ફરીથી સામૂહિક બળાત્કારનો ભોગ બની. તેનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું. પાસપોર્ટ અને દુબઈ માટેના વિઝા પર તેની સહીઓ કરાવવામાં આવી. ૩૦ જુલાઈએ તેને પાછી મુઝફ્ફરનગરના મદ્રેસામાં લઈ જવામાં આવી. બળાત્કારની ક્રૂરતાનો સિલસિલો ત્યાં પણ જારી રહ્યો. અહીંથી તેને સીધી દુબઈ મોકલી દેવાનો કારસો ઘડાયો હતો. ૩ ઓગસ્ટની વહેલી સવારે તક મળતા જ યુવતી મદ્રેસાના પાછલા દરવાજેથી છટકી ગઈ અને બસ પકડી પોતાના ઘરે પાછી ફરી.

યુવતીની ફરિયાદના પગલે પોલીસે સરાવા ગામના સરપંચ નવાબ ખાન, મદ્રેસાના મુખિયા સનાહુલ્લાહની પત્ની અને એક સાગરિત યુવતીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સનાહુલ્લાહ ભાગતો ફરે છે. સમગ્ર ઉત્તરપ્રદેશમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કોમી તંગદિલી વધી છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં મુસ્લિમોની વસતી બહુમતીમાં છે. હિન્દુ લોકોના કહેવા મુજબ અત્યંત ગરીબ ઘરના અભણ અને બેકાર મુસ્લિમ યુવકો પણ હિન્દુ છોકરીઓને લઈને ભાગી જાય છે, તેમની સાથે નિકાહ પઢી તેમનું ધર્મપરિવર્તન કરાવી દે છે. આ બધું કરવા માટે તેમની પાસે પૈસા ક્યાંથી આવે છે એ મોટો પ્રશ્ન છે. સ્વાભાવિક છે કે તેમની કોમના પૈસાપાત્ર માણસોનું પીઠબળ આવા યુવકોને મળે છે.

કહેવાય છે કે હિન્દુ યુવતીઓને ફસાવવાનું કામ સુવ્યવસ્થિતપણે અને એક ખાસ પેટર્નમાં ચાલે છે. મોટેભાગે ગરીબ ઘરની અને ઓછું ભણેલી યુવતીને ટાર્ગેટ કરવામાં આવે છે. યુવક, યુવતીના ઘરની આસપાસ બાઇક પર આંટા મારે છે અને બજારમાં કે સ્કૂલ જતી વખતે યુવતીનો રસ્તો આંતરી પરિચય વધારે છે. બીજી કે ત્રીજી જ મુલાકાતમાં યુવતીને મોલાઇલ ભેટ આપવામાં આવે છે જેથી બંને વચ્ચે સતત વાતચીતનો વ્યવહાર આસાનીથી જળવાઈ રહે. સુખી ભવિષ્યની આશામાં યુવતી ભોળવાઈ જાય છે અને યુવક સાથે ભાગી જવા તૈયાર થાય છે. પછી લગ્ન અને ધર્મપરિવર્તન. આ સ્ક્રિપ્ટ પર અનેક લવસ્ટોરીઓ ભજવાઈ ચૂકી છે. લવસ્ટોરીની સ્ક્રિપ્ટ પૈસાદાર મુસ્લિમ આગેવાનો દ્વારા લખવામાં આવે છે અને ફંડિંગ પણ તેમનું જ હોય છે, એવું હિન્દુ આગેવાનોનું દૃઢપણે માનવું છે. ઘણીવાર તો ભોળી યુવતીને છેક લગ્ન પછી ખબર પડે છે કે તે જેની પ્રેમજાળમાં ફસાઈ છે એ તો પરિણીત છે અને બચરવાળ પણ છે. જોકે છેતરાવાની લાગણી સાથે પણ તેણે બીજી પત્ની તરીકે નિભાવી લેવું પડે છે કેમ કે પછી તેનો હિન્દુ પરિવાર તેને સ્વીકારવા તૈયાર હોતો નથી. કેટલીય યુવતીઓને આરબ દેશોમાં વેચી દેવામાં આવે છે જ્યાં તેમણે ફક્ત એક જ કામ કરવાનું હોય છે- વેશ્યાવૃત્તિ. સરાવાની યુવતી પણ નર્કાગાર સમી કેદમાંથી ન છટકી શકી હોત તો દુબઈમાં તેની પાસે વેશ્યાવૃત્તિ જ કરાવાઈ હોત.

યુ.પી.માં છેડાયેલી આ લવ જેહાદેરાજકીય રંગ પકડ્યો છે. ચિંતિત હિન્દુ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી અને આર.એસ.એસ. પાસે આ મામલામાં દરમિયાનગીરી કરવા માટે ધા નાખી છે. મુસ્લિમ મતોના ધ્રુવીકરણમાં ઉસ્તાદ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી આ મામલે મુસ્લિમોના પક્ષે હોવાનું ચિત્ર રચાયું છે. મુસ્લિમ આગેવાનોનું કહેવું છે કે લવ જેહાદ તદ્દન બોગસ વસ્તુ છે. કોમી તંગદિલી સર્જી તેની આગ પર પોતાના રોટલા શેકવા અમુક રાજકીય પાર્ટીઓએ જાણીબુઝીને લવ જેહાદને શસ્ત્ર બનાવ્યું છે. બાકી હિન્દુ-મુસ્લિમ લગ્નો યુ.પી.માં નવાઈની વાત નથી. આ પ્રકારના કિસ્સા શુદ્ધ પ્રેમના ઉદાહરણો છે જેને રાજકીય વાઘા પહેરાવવામાં આવી રહ્યા છે. જોકે એવું કહેતા આગેવાનોને પૂછવાનું કે, તો પછી એવું કેમ બને છે કે ૯૦ ટકા કિસ્સામાં યુવતી જ હિન્દુ હોય? આ લેખ વાંચનાર માટે પણ પ્રશ્ન છે કે, હિન્દુ યુવાનો મુસ્લિમ યુવતીને ભગાડી ગયા હોય એવા કેટલા કિસ્સા વિશે તમે જાણો છો?
છેલ્લા દાયકામાં લવ જેહાદ નામના નાગે કેરળ અને કર્ણાટકમાં પણ માથું ઊંચક્યું છે. તે એટલી હદે કે ૨૦૦૯માં ખુદ કેરળ હાઇકોર્ટે કેરળ સરકારને ટકોર કરવી પડી હતી કે પ્રેમના અંચળા હેઠળ ધર્મપરિવર્તનના કિસ્સા સતત વધી રહ્યા હોઈ તેની વિરુદ્ધ વિશેષ કાયદો ઘડવામાં આવે. કદાચ માનવામાં નહીં આવે પણ એકલા કેરળમાં જ અત્યાર સુધીમાં લવ જેહાદના ૪થી ૫ પજાર કિસ્સા બહાર આવ્યા છે! કર્ણાટકમાં પણ એવી જ કંઈક સ્થિતિ સર્જાઈ છે. બંને રાજ્યોમાં પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે લવ જેહાદમાં સપડાયેલી પ્રેમાંધ યુવતીઓ ધર્મપરિવર્તનનો ભોગ બને એ પહેલાં તેમને વાસ્તવિકતાનું ભાન કરાવવા માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરવી પડી છે.

યુ.પી.ના અમુક જિલ્લાઓમાં તો લવ જેહાદે એટલો હાઉ ઊભો કર્યો છે કે, હિન્દુ વિસ્તારો ફરતે વાડાબંધી કરી દેવામાં આવી છે જેથી મુસ્લિમ યુવકો હિન્દુ યુવતીઓના ઘરની આસપાસ આંટા મારતા બંધ થાય. કેટલાક અંધશ્રદ્ધાળુ હિન્દુ દંપતીઓ તેમની યુવાન દીકરીઓ લવ જેહાદમાં ન સપડાય એ માટે આગોતરા આયોજનરૂપે ઝાડફૂંક કરતાં બાબાઓના શરણે જવા લાગ્યા છે! વહેતી ગંગામાં હાથ ધોવાના ઈરાદે આવા બાબાઓ પણફૂલપ્રૂફ અને ચમત્કારીઉપાયો બતાવી ગરજવાન લોકોને ખંખેરી રહ્યા છે.

યુ.પી.માં મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી પરણી જવાના કિસ્સાઓ એટલા વધી ગયા છે કે ૭ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ મુઝફ્ફરનગરમાં હિન્દુ આગેવાનો દ્વારા એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ પરિવારોનેબેટી બચાવો, બહુ બચાવોએવું સ્લોગન આપવામાં આવ્યું હતું. ૧૦ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ આર.એસ.એસ.ના કાર્યકરોએ પશ્ચિમ યુ.પી.માં એક અઠવાડિયા લાંબી રેલી કાઢી હતી જેમાં તેમણે હિન્દુ પુરુષો અને સ્ત્રીઓને રાખડી બાંધી તેમને લવ જેહાદ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું આહ્વાન આપવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આ બાબતમાં હિન્દુ-જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નોંધપાત્ર છે કે લવ જેહાદના વિરોધમાં યુ.પી.ના સવર્ણો અને દલિતો એકસાથે થયા છે. ચર્ચાઓ એવી પણ છે કે અમિત શાહને યુ.પી.નું સુકાન સોંપાયું છે એની પાછળ લવજેહાદને ડામવાનો એજન્ડા પણ છે.

વિવાદોનું કુરુક્ષેત્ર બનેલા સવારા ગામમાં જ બે વર્ષ અગાઉ એક હિન્દુ યુવકે એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. હાલમાં તેઓ તેમના બાળક સાથે સુખી જીવન વિતાવી રહ્યા છે. એમના પ્રેમલગ્ન બાબતે હિન્દુ કે મુસ્લિમોએ સહેજ પણ દેકારો બોલાવ્યો નહોતો એ ઉલ્લેખનીય છે. જોકે, આવા કિસ્સા જવલ્લે જ બને છે. મોટેભાગે તો મુસ્લિમ યુવાનો જ દુલ્હનિયા લઈ જાય છે.

લવ જેહાદ સત્ય હકીકત હોય કે કાલ્પનિક ભૂતાવળ, પણ એના લીધે ઉત્તરપ્રદેશના સામાજિક જીવનના સૌહાર્દપૂર્ણ તાણાવાણા ખોરવાઈ રહ્યા છે એ ચોક્કસ છે.

લવ જેહાદનો લેટેસ્ટ શિકાર- તારા શાહદેવ

લવ જેહાદ જેવી કોઈ વસ્તુ જ નથીએમ કહેનારા લોકોની બોલતી બંધ કરે એવો એક સનસનીખેજ કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. ઝારખંડના રાંચીમાં રહેતી ૨૭ વર્ષીય તારા શાહદેવ નામની યુવતીએ પોતાના પતિને હવાલાતમાં ધકેલાવી દીધો છે. તારાએ પોતાના પતિ પર આરોપ મૂક્યો છે કે તેનો પતિ તેના પર મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા માટે બળજબરી કરી રહ્યો છે.

માંડીને વાત કરીએ તો, તારા શાહદેવ એક પ્રોફેશનલ શૂટર છે. તિરંદાજીની સ્પર્ધામાં તે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. ૧૪ જુલાઈ, ૨૦૧૩ના રોજ તેના લગ્ન ૩૮ વર્ષીય રંજિત કોહલી સાથે થયા હતા. શરૂઆતમાં બધુ બરાબર ચાલ્યું. ૨૦૧૪ના રમઝાન માસમાં એક આમંત્રણ કાર્ડ પર પતિનું નામ રકીબુલ હસન લખાયેલું જોઈ તારાને જાણ થઈ કે તેનો પતિ અસલમાં મુસ્લિમ છે! આ છેતરપિંડી તારાએ નિભાવી લીધી પરંતુ પત્ની સામે પોલ ફૂટી જતાં રકીબુલે પોત પ્રકાશ્યું. તેણે તારા પર ધર્મપરિવર્તન કરી લેવા માટે દબાણ આપવાનું શરૂ કર્યું. તારા ન માની ત્યારે તેની મારપીટ શરૂ થઈ. એક દિવસ તો તેના પર એક ખૂંખાર કૂતરો છોડી મૂકવામાં આવ્યો. છેવટે કંટાળેલી તારાએ પોલીસમાં એફ.આઇ.આર. નોંધાવી.

પોલીસે ગત સપ્તાહે રકીબુલની ધરપકડ કરી. તેના ફ્લેટની જડતીમાં ૧૬ સિમ કાર્ડ, ૧૫ મોબાઇલ ફોન, ૨ કમ્પ્યુટર, ૪ પ્રિન્ટર, ૨ બંદૂક અને કેટલાક સંવેદનશીલ ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા! કોર્ટે રકીબુલ અને તેની માતા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને પોલીસે બંનેને ૧૪ દિવસના રિમાન્ડ પર લીધાં. શરૂઆતમાં તો રકીબુલે પોતે હિન્દુ હોવાનું રટણ ચાલુ રાખ્યું પણ પછી સ્વીકાર્યું કે ૨૦૦૭માં એક તાંત્રિકના કહેવાથી તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. જોકે તેણે લવ જેહાદને નામે તેની પત્ની પર અત્યાચાર કરવાના આરોપ નકાર્યા છે.

રંજિત ઉર્ફ રકીબુલ કોઈ સામાન્ય માણસ નથી. ઝારખંડના બહુ ઊંચા લોકો સાથે તેના કનેક્શન્સ બહાર આવી રહ્યા છે, જેમાં ભૂતપૂર્વ સાંસદ ઇન્દ્ર સિંઘ નામધારી, વેલફેર મિનિસ્ટર હાજી હુસૈન અન્સારી અને એમ.એલ.. સુરેશ પાસવાનના નામ ઉછળ્યા છે. રકીબુલ વિશે મીડિયા સાથે સાફ વાત કરવાથી તેઓ છટકી રહ્યા છે જે સૂચક છે. રકીબુલ પાસેથી મળી આવેલા અમુક સિમ કાર્ડ તો આવા જ મોટા માથાઓને નામે ખરીદવામાં આવ્યા છે. પોલીસ સામે તેણે વિસ્ફોટક કબૂલાત કરી છે કે, રાજકારણીઓ, અમલદારો અને પોલીસ અધિકારીઓને તે કોલગર્લ્સ પૂરી પાડતો હતો. એક અહેવાલ મુજબ તેણે ૩૬ મહાનુભાવોના નામ લીધા છે! આ કબૂલાત બાદ તેના જીવનું જોખમ વધી ગયું છે.

ન્યાય મળવા બાબતે શંકાશીલ તારાએ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માગ કરી છે. તારાએ એફ.આઇ.આર. લખાવી તેના એક અઠવાડીયા બાદ રકીબુલની ધરપકડ કરવામાં આવી હતી જેથી સંવેદનશીલ સાબિતીઓ સગેવગે કરવા માટે તેને સમય મળી જાય. તારાના જણાવ્યા મુજબ એક આઇ.પી.એસ. ઓફિસરે તેને થોડા દિવસો માટે મીડિયાથી દૂર કોઈ અજાણી જગ્યાએ જતા રહેવાની સલાહ આપી હતી. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મળી તારાએ તેમને પોતાની આપવીતી જણાવી ઉમેર્યું હતું કે, રકીબુલનાકોલ ગર્લ રેકેટમાં ફસાયેલી અનેક છોકરીઓ રકીબુલના સગા-સંબંધીઓના ઘરે કેદ છે. સોરેને ગત શુક્રવારે આ કેસની તપાસ સી.બી.આઇ.ને સોંપવા બાબતે સંમતિ દર્શાવી છે.

તારાએ પોલીસ પર લગાવેલા આરોપ ગંભીર છે. શું ખરેખર આ કેસમાં પોલીસની ભૂંડી ભૂમિકા છે? મોદી સરકાર આ કેસમાં કેવું વલણ અખત્યાર કરશે? રંજિત ઉર્ફ રકીબુલે પોતાનું મોં ખોલીને જે ભૂકંપ સર્જ્યો છે એ તેના માટે જીવલેણ સાબિત થશે? કે પછી અનેકવાર બન્યું છે એમ આ કેસમાં પણ ભીનું સંકેલી લેવામાં આવશે? આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા રસપ્રદ બની રહેશે.

નોંધઃ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.