‘સ્ટિંગ
ઓપરેશન’નો પરિચય સામાન્ય ભારતીયને ત્યારે થયો હતો જ્યારે વર્ષ
૨૦૦૧માં તહેલકા ડોટ કોમે ભ્રષ્ટ નેતાઓને ‘ઓન કેમેરા’ લાંચ લેતા ઝડપીને સનસનાટી મચાવી દીધી હતી. અમેરિકા જેવા
દેશોમાં આવા સ્ટિંગ ઓપરેશનો દાયકાઓ અગાઉથી થતા આવ્યા છે. ૧૯૭૮ના
વર્ષમાં અમેરિકાના ભ્રષ્ટ સરકારી અધિકારીઓને રંગેહાથ ઝડપવા માટે અમેરિકાની કેન્દ્રીય
તપાસ સંસ્થા એફ.બી.આઇ. દ્વારા ‘એબ સ્કૅમ’ (આરબ સ્કૅમ)
નામનું આવું જ એક સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અબ્દુલ એન્ટરપ્રાઇઝ નામની બનાવટી કંપનીના આરબ માલિકને ગેરકાયદે અમેરિકન નાગરિકત્વ
અપાવવા માટે લાંચ લેનારા અનેક અધિકારીઓ આ છટકામાં આબાદ સપડાયા હતા. ‘અમેરિકન હસલ’ ફિલ્મ એ જ ઘટનાને આધારે બની છે.
ફિલ્મમાં એફ.બી.આઇ.નો સિક્રેટ એજન્ટ બનેલો રિચી
(બ્રેડલી કૂપર) લોકોને બેંક લૉન આપવાના મામલે ઠગાઈ
કરતા ઇરવિંગ (ક્રિશ્ચિયન બેલ) અને તેની
પ્રેમિકા સિડની (એમી એડમ્સ)ને ઝડપી પાડે
છે. રિચી બંનેને નિર્દોષ છોડી મૂકવા તૈયાર થાય છે પણ એ શરતે કે
તેઓ એક સ્ટિંગ ઓપરેશન પાર પાડવામાં તેને મદદરૂપ થાય. ઇરવિંગ અને
સિડની જેલની સજાથી બચવા રિચીની મદદ કરવા તૈયાર થાય છે. ઇરવિંગ
ન્યુજર્સીના મેયર કાર્માઇન પોલિટો (જેરેમી રેનર) પાસે જઈને કહે છે કે તેનો એક ધનાઢ્ય આરબ મિત્ર અમેરિકામાં બિઝનેસ કરવા ઈચ્છે
છે. એટલાન્ટિક સિટીમાં જુગારખાનું શરૂ કરવા માટે કાર્માઇનને રોકાણકારની
જરૂર હોવાથી તે પેલા આરબ કરોડપતિને મળવા તૈયાર થાય છે. ભાંગી-તૂટી અરેબિક ભાષા બોલતા મેક્સિકન-અમેરિકન એફ.બી.આઇ. એજન્ટને શેખ અબદુલ્લા તરીકે
રજૂ કરીને રિચી કાર્માઇનને લપેટવાની કોશિશ કરે છે.
બીજી તરફ ઇરવિંગ અને સિડની
વચ્ચે ખટરાગ સર્જાય છે. હકીકતમાં ઇરવિંગ પરણેલો હોય
છે અને એક બાળકનો પિતા હોય છે. સિડની સાથે લગ્ન કરવા માટે તે
પોતાની માથાફરેલ પત્ની રોઝાલીન (જેનીફર લોરેન્સ)ને છૂટાછેડા આપવા તૈયાર હોય છે પરંતુ એકના એક દીકરાનો કબજો કોને મળે એ બાબતે
બંને વચ્ચે મડાગાંઠ સર્જાઈ હોય છે. લાંબા સમયથી આ મુદ્દાનો નિવેડો
આવતો ન હોવાથી સિડનીને ઇરવિંગ પર શંકા થવા લાગે છે. પોતાના ભવિષ્ય
બદલ સાશંક સિડની કોઈ નહીં ને રિચી તરફ આકર્ષાય છે. રિચી પણ તેની
લાગણીઓનો હકારાત્મક પ્રતિભાવ આપે છે.
કાર્માઇન શેખ અબ્દુલ્લાને
લઈને માફિયા કિંગ વિક્ટર (રોબર્ટ ડી નિરો)
પાસે જાય છે. શેખના ઉચ્ચારોને લીધે વિક્ટરને તેના
પર શંકા જાય છે. વિક્ટર શેખને કહે છે કે, અમેરિકામાં ધંધો કરવો હોય તો સૌપ્રથમ અમેરિકન નાગરિકત્વ લેવું પડશે અને એ કામ
ગેરકાયદેસર કરવા માટે સરકારી અધિકારીઓને લાંચ આપવી પડશે. આ કામ
બદલ શેખ પાસે ૧૦ મિલિયન ડૉલરની માંગણી કરવામાં આવે છે.
ખૂંખાર વિક્ટરના પ્રવેશથી
ઇરવિંગ અને સિડની ફફડી ઉઠે છે કેમ કે હવે પ્લાનમાં સહેજ પણ ચૂક થઈ અને વિક્ટરને એની
ખબર પડી તો મોતની સજા પાકી હતી. બંને પીછેહઠ
કરવા તૈયાર થાય છે પણ રિચી એમને ડરાવે છે કે દુનિયામાં એવો કોઈ ખૂણો નથી જ્યાં તેઓ
વિક્ટરથી છુપાઈ શકે. વિક્ટરથી બચવાનો એક જ ઉપાય છે કે તેને પણ
અન્યોની સાથે સ્ટિંગ ઓપરેશનમાં ફસાવી હંમેશ માટે જેલ મોકલી આપવામાં આવે. રિચીને મોઢામોઢ હા પાડ્યા બાદ ઇરવિંગ સિડનીને કહે છે કે આ બધા ઝમેલામાંથી બહાર
નીકળવા માટે તેની પાસે એક પ્લાન છે.
પછી?
પછી શું થયું? ઇરવિંગ અને સિડની વિક્ટર અને રિચીના
હાથમાંથી છટકી શક્યા? રિચીનું સ્ટિંગ ઓપરેશન સફળ થયું?
રોઝાલીનથી છૂટો થઈને ઇરવિંગ સિડનીને પરણી શક્યો કે પછી રિચીને પામવા
સિડનીએ ઇરવિંગ સાથે ગદ્દારી કરી? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા
માટે નાટ્યાત્મક વળાંકોથી ભરપૂર ‘અમેરિકન હસલ’ જોવી રહી.
સત્યઘટના પરથી બની હોવા
છતાં ફિલ્મના કથાનકને વધુ રસપ્રદ બનાવવા માટે તેમાં કેટલાક મસાલા ભભરાવવામાં આવ્યા
છે. ફિલ્મમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે પોતાના
પિતાનો કાચની બારીઓની મરામત કરવાનો ધંધો બરાબર ચાલતો રહે એ માટે બાળવયે ઇરવિંગ લોકોના
બારીઓના કાચ તોડી નાખતો હતો. હકીકત એ છે કે ઇરવિંગનું પાત્ર જેનાથી
પ્રેરિત છે એ મેલ્વિન વેઇનબર્ગ સ્થાનિક અધિકારીઓ સામે વિરોધ-પ્રદર્શન
માટે તેમના ઘરો અને ઓફિસોની બારીઓના કાચ તોડતો. ફિલ્મમાં ઇરવિંગની
પ્રેમિકા સિડનીનો લાંબો રોલ છે પરંતુ હકીકતમાં મેલ્વિનની અસલી પ્રેમિકા ઇવલીન નાઇટ
મેલ્વિન સાથે એબ સ્કૅમમાં એટલી હદે નહોતી સંડોવાઈ. શેખ અબદુલ્લાનો
રોલ ફિલ્મમાં એક જ અભિનેતાએ ભજવ્યો છે. અસલી શેખ એફ.બી.આઇ.ના બે અલગ અલગ એજન્ટ બન્યા
હતા, જેમાં એક અમેરિકન હતો અને બીજો લેબેનીઝ-અમેરિકન.
૨૦ ડિસેમ્બર,
૨૦૧૩ના રોજ અમેરિકામાં રિલીઝ થયેલી આ ફિલ્મને જબરજસ્ત સફળતા મળી છે.
વિવેચકોએ ફિલ્મને મોં-ફાટ વખાણી છે તો બોક્સ ઓફિસ
ઉપર પણ ફિલ્મે સફળતાના ઝંડા ખોડ્યા છે. સિત્તેરનો દાયકો ફિલ્મમાં
બખૂબી જીવંત કરાયો છે. વાર્તાથી લઈને દિગ્દર્શન અને સંવાદોથી
લઈને અભિનય એમ તમામ મોરચે ફિલ્મ વિજયી નીવડે છે. ‘થ્રી કિંગ્સ’
અને ‘સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક’ જેવી અદ્ભુત ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકેલા ડેવિડ રસેલે
‘અમેરિકન હસલ’માં પણ ધાર્યું નિશાન પાર
પાડ્યું છે. ધરખમ અદાકારો પાસે તેમણે શ્રેષ્ઠ અભિનય કરાવ્યો છે.
ઓસ્કાર એવૉર્ડ્સ પછી સૌથી વધુ સન્માનજનક ગણાતા ગોલ્ડન ગ્લોબ એવૉર્ડ્સમાં
સાત અને બાફ્ટા એવૉર્ડ્સમાં દસ એવૉર્ડ્સ માટે નામાંકન મેળવી ચૂકેલી આ ફિલ્મ ઓસ્કાર
એવૉર્ડ્સમાં પણ સપાટો બોલાવશે એવી ધારણા છે. ભારતમાં ફિલ્મ ૧૭
જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.
નોંધઃ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ફિલ્મ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.
No comments:
Post a Comment