શાર્ક માછલીએ કરેલા હુમલામાં એક હાથ ગુમાવ્યા બાદ પણ બેથની હિંમત ન હારી. સર્ફિંગની રમતમાં તેણે વિશ્વમાં ડંકો વગાડી દીધો છે
૩૧ ઓક્ટોબર ૨૦૦૩ના દિવસે અમેરિકાના હવાઈ ટાપુસમૂહના એક નાનકડા ટાપુ ક્વાઈના દરિયામાં ૧૩ વર્ષીય બેથની હેમિલ્ટન સર્ફિંગનો આનંદ માણી રહી હતી. સવારના ૭:૩૦ વાગ્યા હતા અને તેની સાથે તેની બેસ્ટ ફ્રેન્ડ એલેના, એલેનાના પિતા અને એમના મિત્ર પણ હતા. પોતાના સર્ફ બોર્ડ પર પેટભેર પડીને બેથની પાણીમાં તરતા નાનકડા કાચબાને નિહાળી રહી હતી.
તેનો જમણો હાથ સર્ફ બોર્ડ પર હતો અને ડાબા હાથે તે હલેસાનું કામ લઈ રહી હતી. અચાનક એક ૧૫ ફીટ લાંબી ટાઇગર શાર્કે તેના પર હુમલો કર્યો અને તેનો ડાબો હાથ કરડી ખાધો. ઘવાયેલી બેથનીએ જમણા હાથ વડે સર્ફ બોર્ડ મજબૂતીથી પકડી લીધું.
શાર્ક ફરી હુમલો કરે એ પહેલા તેની સહેલીના પિતા અને મિત્ર તેના સર્ફ બોર્ડને કિનારા તરફ ખેંચી ગયા. બેથનીના ખભાની નીચેથી કપાયેલા હાથમાંથી લોહીના ફૂવારા છૂટી રહ્યાં હતાં.
લોહી વહેતું બંધ થાય એ માટે ખુલ્લા ઘા-ને કચકચાવીને કપડા વડે બાંધી દેવાયો.
તેને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યાં સુધીમાં તેના શરીરમાંથી ૬૦ ટકા લોહી વહી ચૂક્યું હતું.
ડૉક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરી તેને બચાવી લીધી. એક હાથ ગુમાવી દેવાનો આઘાત બેથનીને ઘેરી વળ્યો.
૧૯૯૦માં જન્મેલી બેથનીએ પાંચ જ વર્ષની
ઉંમરમાં સર્ફિંગ શીખવા માંડ્યું હતું. આઠ વર્ષની વયે તેણે ‘ઓહુ’ ખાતે
બાળકો માટે યોજાતી સર્ફિંગ સ્પર્ધામાં
ભાગ લીધો હતો અને પહેલે જ ધડાકે જીત મેળવી હતી. ભવિષ્યમાં સર્ફિંગની રમતમાં તે સફળ કેરિયર બનાવે એવી ભરપૂર શક્યતા હતી ત્યાં શાર્કના હુમલાની કમનસીબ ઘટના ઘટી. જોકે એ આઘાતની કળ વળતા વધુ વાર ન લાગી. બેથનીના માતા-પિતા ખૂબ ધાર્મિક હોવાથી બાળપણથી જ તેને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાના સંસ્કાર મળ્યા હતા.
એ જ શ્રદ્ધાને સથવારે પોતાની સાથે બનેલી ભયાવહ દુર્ઘટનાને ભૂલાવી બેથની ફક્ત એક જ મહિના બાદ ફરીથી દરિયામાં ઝંપલાવવા તૈયાર થઈ ગઈ.
સર્ફિંગ એક એવી સાહસિક રમત છે જેમાં નાનકડા સર્ફ બોર્ડ પર સવાર થઈ દરિયાના વિશાળ મોજાં ઉપર સહેલ કરવાનું હોય છે. આ જોખમી રમતમાં શરીરનું સંતુલન જાળવવું એ સૌથી વધુ મહત્ત્વનું પાસું છે.
બેલેન્સ બગડ્યું કે ગયા પાણીમાં!
અને સંતુલન જાળવવા બંને હાથ હોવા જરૂરી છે. એક જ હાથ હોવાથી બેથનીને સર્ફિંગમાં મુશ્કેલી પડી પરંતુ તેણે હાર ન માની. તે આખો દિવસ દરિયામાં પડીને સંતુલન જાળવવાની કોશિશ કરતી રહેતી.
મહિનાઓની પ્રેક્ટિસ રંગ લાવી અને તે નોર્મલ માણસોની જેમ જ સર્ફિંગ કરવા માંડી.
૧૦ જાન્યુઆરી,
૨૦૦૪ના રોજ તેણે એન.એસ.એસ.એ.
નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. રાષ્ટ્રીય કક્ષાની એ સર્ફિંગ સ્પર્ધામાં પુખ્ત વયના સેંકડો સ્પર્ધકોમાં તે પાંચમા ક્રમે આવી. એ સફળતા પણ કંઈ નાની નહોતી.
બેથનીએ વધુ પ્રેક્ટિસ કરવા માંડી.
૨૦૦૫માં એ જ સ્પર્ધા તેણે જીતી બતાવી.
એ પછી તો તેણે અનેક સર્ફિંગ સ્પર્ધાઓમાં જીત મેળવી.
યાદ રહે કે એક હાથ ન હોવા છતાં તે નોર્મલ પ્રતિસ્પર્ધીઓ સાથે હરીફાઈમાં ઉતરતી હતી.
વર્ષ ૨૦૦૪માં તેણે પોતાની આત્મકથા (ફક્ત ૧૫ વર્ષની વયે)
લખી. ‘સોલ સર્ફર’
નામના એ પુસ્તકને ખૂબ સફળતા મળી. બેથનીની સ્ટોરીને મીડિયામાં ભારે પ્રસિદ્ધિ મળી.
ગુડ મોર્નિંગ અમેરિકા,
ઓપ્રા વિનફ્રે શૉ સહિત અનેક ટીવી કાર્યક્રમોમાં તે ચમકી.
પીપલ અને ટાઇમ જેવા વિશ્વવ્યાપી મેગેઝિનોએ તેના જોશને વિરદાવતા લેખો છાપ્યા.
નિર્ભિકતાની મિસાલ એવી બેથનીને અનેક ઈનામો-પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી. ૨૦૦૭માં તેના જીવન પરથી
‘હાર્ટ ઓફ અ સોલ સર્ફર’
નામની એક ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ બની જેમાં તેની ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને હાઇલાઇટ કરવામાં આવી.
બેથનીના સંઘર્ષની વાત માંડતી ફુલ લેન્થ મેઇનસ્ટ્રીમ ફિલ્મ પણ હોલિવુડમાં બની છે. તેના પુસ્તક પર આધારિત આ ફિલ્મ
‘સોલ સર્ફર’ ૨૦૧૧માં બની હતી અને એમાં ડેનિસ ક્વૅઇડ,
હેલેન હન્ટ, કેરી અંડરવૂડ અને કેવિન સોરબો જેવા જાણીતા સ્ટાર્સે ભૂમિકા ભજવી હતી.
એના-સોફિયા રોબે ફિલ્મમાં બેથનીને ભૂમિકા ભજવી હતી પણ એનાના તમામ સ્ટંટ તો બેથનીએ જાતે જ ભજવ્યા હતા.
બેથનીએ ‘ફ્રેન્ડ્સ ઓફ બેથની’
નામની સખાવતી સંસ્થા સ્થાપી છે જે વિકલાંગો માટે કાર્યરત છે. તેના દ્વારા આયોજિત ચેરિટી કાર્યક્રમો ખૂબ સફળ થયા છે. તે પ્રેરણાત્મક પ્રવચનો પણ આપે છે.
આત્મકથા ઉપરાંત પણ તેણે આઠ પુસ્તકો લખ્યા છે. ૨૦૧૩માં બેથની એડમ ડિર્ક્સના પરિચયમાં આવી.
પરિચય પ્રેમમાં પલ્ટાયો અને બંને પરણી ગયા.
૨૩ વર્ષીય બેથની હાલમાં દુનિયા આખીમાં સર્ફિંગની સ્પર્ધાઓમાં ભાગ લેતી રહે છે અને ચેરિટી કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે.
તેના પર શાર્કે હુમલો કર્યો હતો ત્યારે તેના હાથની સાથેસાથે તેના સર્ફ બોર્ડનો એક ટુકડો પણ કપાઈ ગયો હતો.
એ તૂટેલા સર્ફ બોર્ડને કેલિફોર્નિયાના સર્ફ મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવ્યું છે.
અભિનય કરવાની શોખીન બેથની પોતે પણ હવે એક ફિલ્મમાં ચમકવાની છે.
તેની ફિલ્મ ‘ડોલ્ફિન ટેલ- ૨’ (૨૦૧૧ની હિટ ફિલ્મ
‘ડોલ્ફિન ટેલ’ની સિક્વલ) સપ્ટેમ્બર ૨૦૧૪માં રજૂ થવાની છે.
નોંધઃ ૯ માર્ચ ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'સન્ડે ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.
No comments:
Post a Comment