Wednesday 4 February 2015

ISISના આતંકનો લેટેસ્ટ શિકાર બનતું જાપાન




ઈરાક અને સિરિયાની સરહદે આવેલા સ્વઘોષિત ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરિયા’ (ISIS)ના આતંકવાદીઓએ તાજેતરમાં વધુ એક વખોડવાલાયક ક્રૂરતાને અંજામ આપ્યો છે. અગાઉ પશ્ચિમી દેશોના ઘણા લોકોનો ભોગ લઈ ચૂકેલા ISIS વખતે કેન્જી ગોતો નામના જાપાની પત્રકારની હત્યા કરી છે. ગત શનિવારે ગોતોની હત્યાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. એક મિનિટના વીડિયોમાં જોવા મળે છે કે, જેલના કેદીઓ પહેરે છે એવા કેસરી રંગના યુનિફોર્મમાં ગોતો ઘૂંટણિયે પડ્યો છે અને તેની પાછળ એક આતંકવાદી હાથમાં ધારદાર છરો લઈને ઊભો છે. માથાથી પગ સુધી કાળા વસ્ત્રોમાં ઢંકાયેલો આતંકવાદી જાપાની વડાપ્રધાન શિન્ઝો એબેને સંબોધીને બ્રિટિશ એક્સેન્ટમાં બોલે છે, ‘ISIS સામે લડતા દેશોને ટેકો પૂરો પાડવાની સજા જાપાનને મળે છે. ગોતોની ગરદને ફરનારો છરો ISISની હડફેટે ચડનારા તમામ જાપાનીઓના ગળે પણ ફરશે. જાપાની દુઃસ્વપ્નનો આરંભ થાય છે.’ આટલું બોલી તે ગોતોની ગરદન રહેંસી નાંખે છે.        

ગોતોની હત્યાના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમેરિકા, ઇંગ્લેન્ડ સહિત વિશ્વભરના નેતાઓએ ગોતોની હત્યા બદલ ISISની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છેસમગ્ર ઘટનાક્રમમાં ISIS ત્રણ વ્યક્તિઓની જાનનો સોદો કરવાની તૈયારી બતાવી હતી. એક હતો કેન્જી ગોતો, બીજો હતો હારુના યુકાવા અને ત્રીજો હતો મુઆથ અલ-કસાબેહ. અગાઉ ISIS જાપાની નાગરિક હારુના યુકાવાનું અપહરણ કર્યું હતું. ફ્રીલાન્સ પત્રકાર ગોતો, હમવતની યુકાવાને બચાવવા માટે ઓક્ટોબર ૨૦૧૪માં સિરિયા ગયો હતો જ્યાંથી તેને પણ ઉઠાવી લેવામાં આવ્યો હતો. ૨૬ વર્ષીય અલ-કસાબેહ જોર્ડનનો પાયલટ હતો. ડિસેમ્બર, ૨૦૧૪માં ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધના અભિયાન દરમિયાન તેનું પ્લેન આતંકવાદીઓના મુખ્યમથક સમા સિરિયાના રક્કા શહેર નજીક ક્રેશ થઈ ગયું હતું. પ્લેનક્રેશમાંથી બચી ગયેલા અલ-કસાબેહની કરમ-કઠણાઈ જ કહેવાય કે એ ISIS દ્વારા ઝડપાઈ ગયો.

૨૪ જાન્યુઆરીએ ISIS એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેમણે ૪૨ વર્ષીય યુકાવાની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. અને એક અઠવાડિયા બાદ તેમણે ૪૭ વર્ષીય ગોતોને પણ મોતને ઘાટ ઉતારી દીધો. જોકે ગોતોની હત્યા કરતા પહેલા ISIS વાટાઘાટોનો દોર ચલાવ્યો હતો. સૌપ્રથમ તો ગોતો અને યુકાવાને આઝાદ કરવા બદલ ISIS જાપાન પાસે ૨૦૦ મિલિયન યુ.એસ.ડોલર્સની માગ કરી હતી. ( આંકડાની રકમ જાપાને ISIS-પીડિત દેશોને ફાળવી હતી, એટલે માગણીને ISISના બદલારૂપે ગણી શકાય. જોકે, ISIS વિરુદ્ધ જાપાને અન્ય દેશોને અત્યાર સુધી તો કોઈ સશસ્ત્ર સહયોગ નથી આપ્યો.) જાપાને ISISની માગ ઠુકરાવી એટલે ISIS યુકાવાની હત્યા કરી દીધી હતી.

જાપાન સાથેની વાટાઘાટો પડી ભાંગ્યા બાદ આતંકવાદીઓએ ગોતો અને અલ-કસાબેહના બદલામાં જોર્ડનની જેલમાં કેદ મહિલા આતંકી સાજિદા અલ-રિશાવીને મુક્ત કરવાની માગણી જોર્ડનની સરકાર પાસે કરી હતી. સાજિદાને મુક્ત કરવા માટે ISIS ૨૯, જાન્યુઆરીની સાંજ સુધીનો સમય આપ્યો હતો. સાજિદાને છોડવામાં નહીં આવે તો ગોતો અને અલ-કસાબેહની હત્યા કરવાની ધમકી આપવામાં આવી હતી. વાટાઘાટો માટે આતંકવાદીઓએ ઈરાકની સરહદે વસતા આદિવાસીઓને મધ્યસ્થ તરીકે રાખ્યા હતા. જોર્ડન સરકારને એવી શંકા હતી કે ISISએ ઓલરેડી અલ-કસાબેહની હત્યા કરી નાંખી હતી, એટલે તેમણે અલ-કસાબેહના જીવિત હોવાની સાબિતી માગી હતી. ISIS આમ કરવામાં નિષ્ફળ નીવડ્યું એટલે જોર્ડન સરકારે મચક ના આપી. વાતચીતનો દૌર પડી ભાંગતા ISIS ગોતોનું માથું વાઢી તેની કરપીણ હત્યા કરી દીધી. (ગોતોની હત્યા કર્યાના વીડિયોમાં અલ-કસાબેહ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. આતંકવાદીઓએ એને પણ મોતને ઘાટ ઉતારી દીધો હોય એવી શક્યતા ખરી.)

કોણ છે આ સાજિદા અલ-રિશાવી જેને મુક્ત કરાવવા માટે ISIS ધમપછાડા કરી રહ્યું છે? સાજિદાનો પરિચય મેળવવા માટે ભૂતકાળ પર એક દૃષ્ટિપાત કરીએ.

નવેમ્બર, ૨૦૦૫માં જોર્ડનની રાજધાની અમ્માનની થ્રી-સ્ટાર હોટેલમાં ટ્રીપલ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા, જેમાં ૬૦ નાગરિકો માર્યા ગયાં હતાં. મૃતકોમાં મોટાભાગના મહિલાઓ અને બાળકો હતા. જોર્ડનના ઈતિહાસનો એ સૌથી જઘન્ય આતંકવાદી હુમલો હતો. એવું કહેવાયું હતું કે આ હુમલાઓનું નેતૃત્વ સાજિદાના પતિ અલી હુસૈને કર્યું હતું. તે સમયે આ હુમલાઓને પશ્ચિમ ઈરાકમાં અમેરિકન સૈન્યના અભિયાનનો બદલો લેવાના ભાગરૂપે જોવાયા હતાં.
અમ્માન વિસ્ફોટને અંજામ આપનારા આત્મઘાતી ગ્રુપની સાજિદા પણ એક સભ્ય હતી. હુમલા સમયે સાજિદાનો એક્સપ્લોઝિવ બેલ્ટ ડિટોનેટ નહોતો થયો અને તે જીવતી પકડાઈ ગઈ હતી. સાજિદાએ નેશનલ ટીવી પર કબૂલ્યું હતું કે, તેના શરીર પર એક્સપ્લોસિવ બાંધ્યા હતા અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો એ તેને તેના પતિએ શીખવાડ્યું હતું. જોકે, પાછળથી તેણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું અને પોતાને નિર્દોષ ગણાવી હતી. જોર્ડને તેને મોતની સજા ફટકારી હતી.

આ સાજિદા પાછી આતંકવાદી સંગઠન અલ-કાયદાના નેતા અબુ મુસાબ અલ-ઝરકાવીની બહેન છે. ૨૦૦૬માં ઝરકાવીને અમેરિકાએ એક સૈન્ય અભિયાન દરમિયાન ઠાર માર્યો હતો. ISISના સાજિદા બચાવો મુહિમનું મુખ્ય કારણ એ જ છે કે એ ઝરકાવીની બહેન છે. ISIS નામનો શેતાની ફણગો અલ કાયદામાંથી જ ફૂટ્યો છે એ તો સર્વવિદિત છે.

આતંકવાદીઓએ નિર્દોષ લોકોને કિડનેપ કરી પછી એમના સાટામાં પોતાના સંગઠનના કેદ આતંકીઓને મુક્ત કરાવવાની (અથવા તો મબલખ નાણાંની) લેવડદેવડ કરી હોય, એવું ભૂતકાળમાં અનેકવાર બન્યું છે. પ્રકારનાટેરરિસ્ટ બાર્ગેઇનમાં ઘણુંખરું તો આતંકવાદીઓ ફાવી જતા હોય છે. હવે મોટાભાગના દેશો આતંકવાદીઓની માગણી સામે ઝુકવાનો મત નથી ધરાવતા, કેમ કે ટેરરિસ્ટ બાર્ગેઇન હવે આતંકવાદીઓ માટે ધંધો બની ગયું છે. જાન કે બદલેમેં જાન તો બરાબર છે, પણ જો આતંકવાદીઓને તેમણે માગેલા નાણાં પૂરા પાડવામાં આવે તો તેઓ નાણાંનો ઉપયોગ વધુ આતંકી પ્રવૃત્તિઓ માટે કરે છે. આમ, તેમની માગણી સામે ઝૂકીને તેમને ફંડ પૂરું પાડવું સાપને દૂધ પાઈ ઉછેરવા જેવું છે. અને એક વાર આતંકવાદીઓની માગ સ્વીકારી લીધી તો લોહી ચાખી ગયેલા વાઘની જેમ આતંકીઓ ફરીથી ઘટનાક્રમ નહીં દોહરાવે એની પણ કોઈ ગેરંટી નથી હોતી.     

જોર્ડન પણ ISIS સામે મચક આપવાના મૂડમાં નથી. ISIS હજુ સુધી અલ-કસાબેહના જીવતા હોવાના કોઈ પુરાવા નથી આપ્યા એટલે જોર્ડન સરકારે કડક ભાષામાં ચેતવણી આપી છે કે, જો અલ-કસાબેહને મારી નાખવામાં આવ્યો હશે તો તેઓ સાજિદા સહિત જોર્ડનની જેલમાં સબળતા ISISના તમામ આતંકવાદીઓને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા કરશે. આતંકીઓ સામેજેવા સાથે તેવાથવાનું પગલું પ્રસંશનીય કહી શકાય.  

બબ્બે જાપાનીઓની નિર્મમ હત્યાથી વ્યથિત જાપાને ISIS વિરુદ્ધના જંગમાં અન્ય દેશોને પૂરો સહકાર આપવાને તૈયારી બતાવી છે. એક બાજુ અમેરિકા જાહેર કરે છે કે તેણે ૭૦૦થી વધુ હવાઈ હુમલા કરીને ISISના આતંકવાદીઓને સિરિયામાંથી હાંકી કાઢ્યા છે, અને એ જ દિવસે ISISએ ગોતોની હત્યાનો વીડિયો જાહેર કરે છે. ગલ્ફના દેશોની ભૂપૃષ્ઠ એવી છે કે માત્ર હવાઈ હુમલાથી દુશ્મનનો ખાતમો બોલે. ભૂતકાળમાં ઈરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકાને હકીકતનો અનુભવ થઈ ચૂક્યો છે. ISISને નેસ્તનાબૂદ કરવા માટે પશ્ચિમી દેશોની આર્મીએ જમીન પર સમરાંગણ ખેલવું રહ્યું. હાલ જોર્ડનની જેલમાં મોતની સજાની રાહ જોઈ રહેલી ૪૪ વર્ષીય સાજિદાને મુક્ત કરાવવા ISIS હજુ વધુ માણસોનો ભોગ લેતું રહેશે કે પછી તેને જડમૂળથી ખતમ કરવા પશ્ચિમી દેશો અભૂતપૂર્વ લશ્કરી પગલાં લેશે તો સમય આવ્યે ખબર પડશે.  
 
નોંધઃ ૪ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.


No comments:

Post a Comment