લોંગ ડ્રાઇવ. સૂમસામ સડક. જંગલી વિસ્તાર. એકાંત. અને બે યુવાન હૈયા. આખરે ન થવાનું થઈને રહે છે. એક નબળી ક્ષણે હ્યુજ પહેલ કરે છે અને…
તમે ભૂતપ્રેતમાં માનતા હો કે નહીં, પણ ભૂતપ્રેત પર આધારિત ફિલ્મો જોવાની એક અલગ જ મજા હોય છે, એ તો માનવું જ પડે. હોરર ફિલ્મોનો એક ચોક્કસ દર્શક વર્ગ હોય છે. સિનેમાનો આ એક એવો પ્રકાર છે જેમાં વિવિધતા આણવી મુશ્કેલ છે. એક હોરર ફિલ્મ સફળ થાય એટલે એની થીમને જ સહેજ મારીમચેડીને એના જેવી બીજી ફિલ્મો ધડાધડ બનવા માંડે છે. કોપીકેટ હોરર ફિલ્મોમાં ક્યારેક નવીનતાસભર પ્રસ્તુતી ધરાવતી ફિલ્મ પણ આવી જતી હોય છે. આજ રોજ રિલીઝ થઈ રહેલી ‘ઇટ ફોલોઝ’ આવી જ એક હટકે હોરર ફિલ્મ છે.
ફિલ્મની અનયુઝવલ વાર્તા કંઈક આવી છે. કોલેજ કન્યા જે હાઇટ (મેઇકા મૂનરો) એક હોશિયાર અને બોલકી વિદ્યાર્થીની છે. માતા-પિતા અને નાની બહેન કેલી (લીલી સેપી) સાથે તે અમેરિકાના એક નાનકડા નગરમાં રહે છે. ઓનલાઇન ડેટિંગ સાઇટ પર એક દિવસ જે-ની મિત્રતા હ્યુજ (જેક વીઅરી) નામના યુવાન સાથે થાય છે. હ્યુજનું વ્યક્તિત્વ હૂંફાળું જણાતા જે તેને મળવાનું નક્કી કરે છે. બંને એક મૂવી જોવાનો પ્લાન ઘડે છે. મૂવી જોતા હોય ત્યારે અચાનક જ હ્યુજ, જે-ને લઈને થિયેટરની બહાર જતો રહે છે. તેનું આવું વર્તન જે-ની સમજમાં આવતું નથી. બીજી ડેટ પર તેઓ લોંગ ડ્રાઇવ પર જાય છે. લોંગ ડ્રાઇવ. સૂમસામ સડક. જંગલી વિસ્તાર. એકાંત. અને બે યુવાન હૈયા. આખરે ન થવાનું થઈને રહે છે. એક નબળી ક્ષણે હ્યુજ પહેલ કરે છે અને જે તેના મોહમાં તણાઈ જાય છે. બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે. ઉન્માદ ઓસરે એ જ ઘડીએ હ્યુજના હાથમાં રહેલો ક્લોરોફોર્મ છાંટેલો રૂમાલ જે-ના નાક પર દબાઈ જાય છે અને…
જે આંખો ખોલે છે ત્યારે તે એક અવાવરું, ખંડેર સમા મકાનમાં હોય છે. ખુરશી પર બંધાયેલી હાલતમાં. તે હ્યુજને સાઇકો ધારી લે એ પહેલાં જ હ્યુજ તેની માફી માગી સ્પષ્ટતા કરતા કહે છે કે, જે તેની વાત શાંતિથી સાંભળે એ માટે જ તેણે એને બાંધી દીધી હોય છે. એ પછી હ્યુજ જે કંઈ કહે છે એનાથી જે-નું દિમાગ સન્ન રહી જાય છે. હ્યુજ એને જણાવતા કહે છે, ‘મારી પાછળ એક રહસ્યમય શેતાની શક્તિ પડી હતી. એનાથી છૂટકારો પામવાનો એક જ રસ્તો હતો કે શારીરિક સંબંધ બાંધી હું એને કોઈ બીજાના શરીરમાં ટ્રાન્સફર કરી દઉં. અત્યાર સુધી એ શ્રાપિત શક્તિ મારી પાછળ હતી, હવે એ તારી પાછળ પડશે. તું પણ વહેલી તકે કોઈ અન્ય સાથે સંબંધ બાંધી એનાથી છૂટકારો મેળવી લેજે.’
સ્તબ્ધતાના શૂન્યાવકાશમાં ગરકાવ થઈ ગયેલી જે-ને હ્યુજ તેના ઘર પાસે છોડી દે છે. જે આ ઘટના વિશે કોઈને જણાવતી નથી. અવ્વલ તો તેને હ્યુજે જે કહ્યું હતું એના પર પૂરો વિશ્વાસ જ નહોતો બેસતો. પણ બીજે દિવસથી જ હ્યુજની વાત સાચી પડવા લાગે છે. ઘર, મહોલ્લા, ગામ, કોલેજના કોઈપણ ખૂણે જે-ને એક પ્રેતાત્મા દેખાવા લાગે છે. એ પ્રેતાત્મા સતત તેનો પીછો કરતી રહે છે અને એનાથી દૂર ભાગવામાં જે-નું જીવવું હરામ થઈ જાય છે. એક માણસ પરથી બીજા પર શિક્ટ થતી રહેલી ‘ઇટ’ નામની એ શ્રાપિત શક્તિથી છુટકારો મેળવવાનો રસ્તો એ હતો કે જે કોઈ યુવાન સાથે સેક્સ કરી એને ‘ઇટ’ વળગાડી દે, પણ એમ કરી કોઈ નિર્દોષને હેરાન કરવાને બદલે જે ‘ઇટ’નું રહસ્ય ઉકેલવાનું બીડું ઝડપે છે. નાની બહેન કેલી અને સહેલી યારા (ઓલિવિયા લ્યુકાર્ડી) સાથે મળી તે ‘ઇટ’ને કાબૂમાં લેવા કમર કસે છે. આગળ શું થાય છે એ જાણવા ‘ઇટ ફોલોઝ’ને ફોલો કરવી પડશે.
ફિલ્મના દિગ્દર્શક છે ડેવિડ રોબર્ટ મિચેલ. દિગ્દર્શક તરીકે તેમણે અગાઉ શોર્ટ ફિલ્મો બનાવી હતી પણ ફૂલ લેન્થ ફિલ્મ બનાવવાનો આ તેમનો પહેલો અનુભવ છે. જોકે, ફિલ્મ જોઈને એવું નથી લાગતું કે આ કોઈ ફર્સ્ટટાઇમ ડિરેક્ટરની ફિલ્મ છે. કેમેરા મૂવમેન્ટ્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વડે તેમણે જબરદસ્ત ભયાવહ વાતાવરણ ઊભું કર્યું છે. ઓછા અનુભવી કલાકારો પાસેથી તેમણે બહેતરીન અભિનય કરાવ્યો છે. જે-ની મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી મેઇકા મૂનરોએ અગાઉ ‘ધ ગેસ્ટ’ અને ‘ધ બ્લિંગ રિંગ’ જેવી ચર્ચિત ફિલ્મો કરી છે, પણ તેને ખરી ઓળખ ‘ઇટ ફોલોઝ’થી મળી રહી છે.
ફિલ્મની પટકથા પણ ડેવિડે જ લખી છે અને એની પાછળ પણ એક રસપ્રદ ઘટના છે. ડેવિડ પોતે કિશોરાવસ્થામાં હતા ત્યારે તેમને ઊંઘમાં વારંવાર ભયાનક સપનાં આવતાં. મોટાભાગના સપનાંમાં કોઈ તેમનો પીછો કરતું હોય એવું તેમને લાગતું. રાતે જોયેલા સપના તેઓ દિવસે યાદ કરીને ડાયરીમાં લખી લેતા. ‘ઇટ ફોલોઝ’ આવાં જ સપનાઓને આધારે બની છે. પોતાને દેખાતાં સપનાઓ બાબતે ડેવિડ એવા તારણ પર પહોંચ્યા હતા કે, તેમના માતા-પિતા વચ્ચે છૂટાછેડા થઈ ગયા હોવાથી તેઓ પોતાના જીવનમાં અસલામતી અનુભવતા હતા, અને તેમને તેમનું ભવિષ્ય અંધકારમય જણાતું હતું. આ અસલામતીની ભાવના જ કદાચ તેમને ભયાનક સપનારૂપે પીડતી હતી.
ફિલ્મના આઉટડોર શૂટિંગ દરમિયાન ડેવિડે વાઇડ-એન્ગલ લેન્સનો ઉપયોગ કર્યો હતો, જેને લીધે ફિલ્મના દૃશ્યોમાં કલાકારો ઉપરાંત આસપાસનું વાતાવરણ પણ ખૂબ જ ખૂબસૂરતીથી ઝીલાયું છે. સિનેમાના પડદે વાઇડ-એન્ગલના આઉટડોર દૃશ્યો જોઈને દર્શકોને એ દૃશ્યમાં પોતે પણ હાજર હોવાની અનુભૂતિ થાય એ માટે આ ટ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ‘ઇટ ફોલોઝ’ના હોરર એલિમેન્ટને ગ્લોરીફાઇ કરવામાં આ ટ્રીક ખાસ્સી કામયાબ સાબિત થઈ છે.
ફિલ્મમાં થોડું કન્ફ્યુઝન સર્જે એવા પ્રસંગો બનતા રહે છે. અડધી ફિલ્મ દરમિયાન આવતા અમુક દૃશ્યો તો ફિલ્મની વાર્તામાં તદ્દન મિસફિટ જણાય છે. જોકે, જેમજેમ ફિલ્મ આગળ વધતી જાય છે તેમતેમ ફિલ્મના રહસ્યમય પાનાં ઉઘડતા જાય છે અને પેલા મિસફિટ જણાતા ટુકડાઓ એકાકાર થતા જાય છે. કંઈક જિગશો પઝલ જેવું. ફિલ્મ દરમિયાન કરવા પડતી આ માનસિક મથામણ દર્શકોને જલસો પાડી દે છે.
૧૭ મે, ૨૦૧૪ના રોજ અતિપ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ઇટ ફોલોઝ’નું પ્રીમિયર યોજાયું હતું અને ફિલ્મને ભારે સરાહના મળી હતી. અનેક વિવેચકોએ ‘ઇટ ફોલોઝ’ને પાંચમાંથી પાંચ સ્ટાર્સના રેટિંગ આપ્યા છે. દિગ્દર્શન, અભિનય, વાર્તા, સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક સહિતના તમામ પાસાઓને વિવેચકોએ આલાગ્રાન્ડ ગણાવ્યા છે. બજેટ અને સ્ટારકાસ્ટ મુજબ નાની ગણાતી આ ફિલ્મે બોક્સઓફિસ પર મોટો ચમત્કાર સર્જ્યો છે.
ફિલ્મ ‘ઇટ ફોલોઝ’ને લઈને ઓનલાઇન સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર એક રસપ્રદ અને અભૂતપૂર્વ ચર્ચા શરૂ થઈ છે. ફિલ્મમાં ‘ઇટ’ તરીકે ઓળખાવાયેલું ભૂતિયું તત્વ શું છે એનો ફોડ ફિલ્મને અંતે પાડવામાં નથી આવ્યો. ફિલ્મનો અંત અધૂરો રાખવામાં આવ્યો છે, માટે આ ‘ઇટ’ શું હતું એની ચર્ચા જામી પડી છે. ‘ઇટ’ બાબતે દર્શકો અને વિવેચકો જાતજાતના અનુમાનો-ધારણાઓ લગાવી રહ્યા છે. કેટલાકના મતે આ ‘ઇટ’ એ એઇડ્સનો રોગ છે! ફિલ્મમાં ‘ઇટ’ અસુરક્ષિત શારીરિક સંબંધોને લીધે એક ઈન્સાનમાંથી બીજામાં સંક્રમણ પામતું હોવાથી એ એઇડ્સ જ હોઈ શકે, એવું લોકો માની રહ્યા છે. અન્ય એક વર્ગ ‘ઇટ’ને પરગ્રહવાસી ઇલિયન સાથે સાંકળી રહ્યો છે.
નોંધઃ ૧૦ એપ્રિલ ૨૦૧૫ના રોજ આ લેખ
'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ફિલ્મ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો
છે
No comments:
Post a Comment