Sunday 23 July 2017

ફિલ્મ રિવ્યૂઃ ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ વુમન લિબરેશનને પોંખતી બોલ્ડ, બિન્ધાસ્ત, બેબાક પ્રસ્તુતિ…



રિવ્યૂ બાયઃ મયૂર પટેલ
નોંધઃ ચોખલિયાઓએ અહીંથી જ અટકી જવું. ફિલ્મ જેટલી બોલ્ડ છે, કંઈક એવી જ ભાષાનો પ્રયોગ આ રિવ્યૂમાં થયો છે. દિમાગના બારી-બારણાં ખુલ્લા રાખ્યા હોય એવા લોકો જ આગળ વાંચે. બાકીના ભજનકિર્તનમાં ધ્યાન પરોવે…

ટ્રેલર જોયેલું ત્યારથી જ ફિલ્મ જોવાની જિજ્ઞાસા જન્મેલી. ફિલ્મમાં દર્શાવાયેલા ‘ઉઘાડા દ્રશ્યોને લીધે’ સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ જ આપવાની ના પાડી દીધેલી, એની બબાલ ખૂબ ગાજી. ફિલ્મમેકર્સ રીતસર લડ્યા અને ફિલ્મને રજૂ કરાવીને જ જંપ્યા. દુનિયાભરના ૩૫ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં રજૂઆત પામીને ૧૧ એવોર્ડ જીતી ચૂકેલી અને ‘ઓસ્કાર’ પછી સૌથી લોકપ્રિય ગણાતા ‘ગોલ્ડન ગ્લોબ’ એવોર્ડમાં ઓલરેડી બેસ્ટ ફિલ્મનું નોમિનેશન મેળવી ચૂકેલી ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ જોઈને મોંમાંથી એક જ શબ્દ નીકળ્યો- વાઉ..!
વુમન લિબરેશન એટલે કે મહિલા સ્વાતંત્ર્ય વિશે આપણે ત્યાં ઘણી ફિલ્મો બની ચૂકી છે અને એમાંની મોટાભાગની ‘શિક્ષણ, કરિયરની પસંદગી, આર્થિક સ્વતંત્રતા જેવા હકો કોઈપણ સ્ત્રીને એક પુરુષને મળે છે એટલી જ સમાનતાથી મળવા જોઈએ’ એવા વિષયો પર બની છે. બળાત્કાર અને જાતિય સતામણી જેવા સબજેક્ટ્સ પર પણ છાશવારે ‘પિંક’ અને ‘મોમ’ જેવી ફિલ્મો બનતી રહે છે. પણ, લેકિન, કિન્તુ, પરન્તુ… સ્ત્રીના સેક્સ્યુઅલ લિબરેશન(જાતિય હકો)ને કેન્દ્ર સ્થાને રાખીને બોલિવુડમાં તબુ સ્ટારર ‘અસ્તિત્વ’ને બાદ કરતાં ભાગ્યે જ કશું કામ થયું છે. (થયું હોય અને કોઈને જાણ હોય તો મને જણાવવાની છૂટ છે) આવા સંવેદનશીલ વિષય પર ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ લઈને આવ્યા છે હંમેશાં માતબર કહી શકાય એવી સામાજિક ફિલ્મો આપવા માટે પંકાયેલા પ્રકાશ ઝા. 
વિવાદોના વંટોળ સર્જી રહેલી ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ વાર્તા છે અલગ અલગ વયજૂથની ચાર મહિલાઓની, જેઓ પુરુષપ્રધાન સમાજમાં એમના અસ્તિત્વની ખોજ અને મૂળભૂત હકો માટે સંઘર્ષ કરી રહી છે. વાત છે કોલેજમાં ભણતી ટીનેજર રિહાન્ના(પ્લાબિતા બોરઠાકુર)ની જે અમેરિકન પોપસ્ટાર માઇલી સાયરસ જેવી બનવા માગે છે, પણ રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં લાગેલું ગરીબીનું ગ્રહણ તેને ઊંચી ઉડાન ભરતા અટકાવતું રહે છે. વાત છે બ્યૂટિપાર્લર ચલાવતી યુવાન લીલા(અહાના કુમરા)ની જે ભોપાલ જેવા નાના શહેરની સંકુચિત માનસિકતાની જકડન તોડીને કરિયર ઘડવા દિલ્હી ભાગી જવા ઈચ્છે છે, પણ નર્કવાસી બાપનું માથે પડેલું દેવું અને માતાની ‘વિશેષ’ મજબૂરી બેડી બનીને તેના પગમાં પડ્યા છે. વાત છે ત્રીસી વટાવી ચૂકેલી શિરિન(કોંકણા સેન શર્મા)ની જેને સેલ્સગર્લનું કામ કરીને પગભર થઈ પરિવારને મદદરૂપ થવાની મહેચ્છા છે, પણ ઓરતને બચ્ચા જણવાનું મશીન સમજીને એને ઘરમાં ગોંધી રાખતા મરદ સામે લાચાર છે. વાત છે આધેડ ઉંમરની બુઆજી(રત્ના પાઠક શાહ)ની જેના અરમાન કમસીન કિશોરીની જેમ મહોરી ઊઠ્યા છે, પણ ‘લોગ ક્યા કહેંગે’ના ડરને લીધે એ મન મારીને જીવતી જાય છે. અધૂરપમાં શ્વસતી ચાર જિંદગીઓ સમાજના ઠેકેદારોએ રચેલા કુંડાળાને ઓળંગવા જાય ત્યારે શું થાય એની અદ્‍ભુત દાસ્તાન એટલે ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’.  
ભોપાલમાં આવેલા ખખડધજ મકાન ‘હવાઈ મંઝિલ’ની માલકણ છે બુઆજી. નામ તો એમનું ઉષા પરમાર, પણ જાલિમ જમાનાએ ૫૫ વર્ષીય એ વિધવાને ‘બુઆજી… બુઆજી…’ કહી કહીને અકાળે વૃદ્ધ બનાવી દીધી છે. નાના-મોટા સૌના મોંએ ‘બુઆજી’ સાંભળવાની આદત એટલી હદે થઈ ગયેલી કે કોઈ નામ પૂછે ત્યારે ‘ઉષા’ બોલતાંય વાર લાગે. મધ્યમવર્ગી પરિવાર સાથે રહેતાં બુઆજીની ‘હવાઈ મંઝિલ’માં ગ્રાઉન્ડ ફ્લોર પર ભાડે અપાયેલા નાના નાના કમરાઓમાં રહે છે શિરિન, લીલા અને રિહાન્નાના પરિવાર. ચારે સ્ત્રીઓ ભાગ્યેજ ભેગી થાય છે પણ સંજોગો એવા સર્જાય છે કે… જવા દો, વધુ નથી કહેવું.          
ફિલ્મ કોઈપણ તામઝામ વિના અત્યંત સહજ રીતે આગળ વધે છે. વાતાવરણ એવું સરસ કે જાણે પડોસની ઘટનાઓ જોઈ રહ્યા હોય. ન કોઈ ફિલ્મીવેડાં કે ન કોઈ ઓવરએક્ટિંગ. તમામ કલાકારો અત્યંત નેચરલ. ફિલ્મનું કાસ્ટિંગ સુપર્બ. એક પણ કલાકાર ખોટી જગ્યાએ નથી મૂકાયો. અભિનયમાં બધાં જ ગ્રેટ, પણ રત્ના પાઠક શાહ ‘ધ બેસ્ટ’. આધેડ વયની વિધવા સ્ત્રીને એનાથી અડધાથીય ઓછી ઉંમરના યુવાન તરફ આકર્ષણ થાય ત્યારે એ જે કશ્મકશમાંથી ગુજરે છે એને રત્નાજીએ આબાદ ઉપસાવી છે. એમના એક્સ્પ્રેશન્સ, એમની ડાયલોગ ડિલિવરી બધ્ધું જ પર્ફેક્ટ. અહાનાનું કેરેક્ટર સૌથી વધુ બોલ્ડ, સૌથી વધુ ઇન્ટિમેટ સીન્સ પણ એને ફાળે જ આવ્યા છે, જેને એણે બેધડક નિભાવ્યા છે. મને હંમેશાં ગમતી કોંકણા સેન શર્મા અત્યંત અસરકારક તો પ્લાબિતા(કેટલું અટપટું નામ! પણ છોકરી છે ખૂબ જ સુંદર) પણ એટલી જ ઇફેક્ટિવ. રખે માનતા કે ફિલ્મ મહિલાકેન્દ્રી છે એટલે બધાં પુરુષો વિલન જ હોય. અહીં ફની કહી શકાય એવા પુરુષોય છે અને સ્ત્રીને સપોર્ટ કરનારા પુરુષોય છે. ટપોરી ટાઇપ ફોટોગ્રાફર તરીકે ‘વિક્રાંત મેસી’ મેલ એક્ટર્સમાં નંબર વન. ટિપિકલ ઇન્ડિયન હસબન્ડ બનતો ‘સુશાંત સિંહ’, લગ્નોત્સુક ‘વૈભવ તતવાવડી’ અને સ્વિમિંગ ઇન્સ્ટ્રકચર બનતો અદાકાર (એનું નામ નથી ખબર) પણ ફાઇન.
સેન્સરે ફિલ્મમાંથી શું શું કાપ્યું એ તો ખબર નથી, પણ કાપકૂપ પછી પણ સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા સેક્સના સીન્સ અહીં ઘણા બધા છે. હિરોઇનોની દબંગાઈ ‘જોવાલાયક’ છે, પછી એ બોયફ્રેન્ડ સાથે અંગત ક્ષણોનો એમ.એમ.એસ. બનાવતી લીલા હોય કે પછી ‘ફોન સેક્સ’ દ્વારા વર્ષોથી ખોવાઈ ગયેલો ‘ક્લાઇમેક્સ’ મેળવતી બુઆજી હોય..! એક સીનમાં તો અંતરંગ ક્ષણો દરમિયાન રૂઠેલો બોયફ્રેન્ડ છોકરીને અધૂરી છોડીને જવા લાગે ત્યારે છોકરી બેધડક કહે છે, ‘સેક્સ તો (ખતમ) કર લે..!’ આ જ છોકરી એના ફિયાન્સ પાસે લગ્ન પહેલા જ સેક્સની ડિમાન્ડ કરતી બતાવી છે..!
આ અને આવા તો ઘણા ‘ઓહ, માય ગોડ…’ ટાઇપ સીન છે ફિલ્મમાં. ત્યારે થાય એમ કે, કાપ્યા પછી આટલું બધું ને આવું બધું છે, તો કાપ્યા વગર તો કેવું કેવું અને કેટલું બધું હશે..! જોકે, આવા બધાં જ દૃશ્યો અત્યંત કળાત્મક રીતે ફિલ્માવાયા છે અને ક્યાંક બિભત્સ કે વલ્ગર નથી લાગતાં. નથી લાગતાં એનું કારણ કદાચ એ પણ છે કે, ફિલ્મની ડિરેક્ટર મહિલા છે. અલંક્રિતા શ્રીવાસ્તવે સ્ત્રીની સેક્સ્યુઆલિટીને જબ્બર અંદાજમાં જબાન આપી છે. એણે જિન્સને કોલેજિયન યુવતીઓની આઝાદી સાથે સાંકળી છે, તો ‘બુરખો’ સમાજ દ્વારા સ્ત્રીઓ માટે નિર્ધારિત કરાયેલા નિતિનિયમોનું પ્રતિક છે. અને ‘લિપસ્ટિક’ છે એ નિતિનિયમોની ઐસીતૈસી કરી એમને ઠેકી જવાનું સાહસ દાખવતો વુમનપાવર. (આપણા દેશમાં દાયકાઓથી લિપસ્ટિક સ્ત્રી-સ્વાતંત્ર્યનું પ્રતીક બની રહી છે. યાદ આવે છે એ જમાનો જ્યારે ૮૦ના દાયકામાં ગામડાની સ્ત્રીઓ શુભ પ્રસંગોએ ડરતાં ડરતાં લિપસ્ટિક-પ્રયોગ કરતી. ત્યાં સુધી સમાજે મેકઅપ તરીકે એકમાત્ર કાજળ જ વાપરવાની સ્ત્રીઓને છૂટ આપી હતી. બાળક તરીકે મને મહિલાવૃંદમાં આંટાફેરા કરવાની છૂટ હતી એટલે એ સમયે લિપસ્ટિક લગાડ્યા બાદ સ્ત્રીમાં આવી જતી ‘ક્ષોભજનક સભાનતા’ અને એ વિષયમાં છેડાતો દબાયેલો ગણગણાટ હજુય મને યાદ છે. એવી સ્ત્રીઓ તરફ વડીલો અણગમાપૂર્વક જોઈ રહેતા ત્યારે મનમાં પ્રશ્ન ઉદ્‍ભવતો કે ફક્ત એક અદની લિપસ્ટિક લગાડવાથી સ્ત્રી બેશરમ ગણાઈ જાય..? ઘર-પરિવારને સાચવવા જાત નીચોવી નાંખતી સ્ત્રીને શું આટલી નાનકી-શી આઝાદીય નહીં..?) ભારતની મધ્યમવર્ગી અને ગરીબ મહિલાના સુંદર દેખાવાની હોંશ પૂરી કરતી લિપસ્ટિકને અલંક્રિતાએ બહુ જ સચોટ રીતે પ્રસ્તુત કરી છે. આખી ફિલ્મ કોઈપણ પ્રકારના બોજ વિના વહેતી જાય છે, અને એ અલંક્રિતાની જીત ગણાય. અહીં બધું કોમિક અંદાજમાં, હળવાફૂલ મિજાજમાં બનતું રહે છે. જોવાની મજ્જા પડી જાય એ રીતે.
‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’માં બધું સેક્સની ઈર્દગિર્દ જ ઘૂમ્યા કરે છે એવુંય નથી. સ્ત્રીને એની ઈચ્છા મુજબ, એને ગમતા પુરુષ સાથે સેક્સયુઅલ સંબંધો બાંધવાની છૂટ હોવી જ જોઈએ, અને એમાં મારા, તમારા કે કોઈના પણ બાપને અડચણરૂપ બનવાનો કોઈ હક નથી, એવી હાર્ડકોર સેન્ટ્રલ થીમ પર બનેલી આ ફિલ્મ સ્ત્રીના સેક્સયુઅલ રાઇટ્સ ઉપરાંત પણ ઘણા મુદ્દા છેડે છે. જેમકે, પતિની ઈચ્છાને વશ થઈને પરાણે બિસ્તરમાં જોતરાવાની મજબૂરી, અને ઘર-પરિવારની આર્થિક હાલત સુધારવા બલિએ ચડતો સ્ત્રીનો પ્રેમ.       
સેક્સના દૃશ્યોને બાજુ પર મૂકો (મૂકાય એમ તો નથી જ...! એવા યાદગાર અને રોચક છે, ભાઆઆઆઈ…) તો એ ઉપરાંત પણ ફિલ્મમાં ઘણા સીન્સ એટલા ચોટદાર છે કે સીધા કાળજે ઘા કરે. બ્યૂટિપાર્લરમાં વેક્સિંગ કરાવવા ગયેલી શિરિન અને લીલા વચ્ચે થતો સંવાદ… ઘરનો ચૂલો ચલાવવા નિર્વસ્ત્ર થવાની મજબૂરી વેઠતી મા-દીકરી… અને ક્લાઇમેક્સ સીનમાં એકબીજાના દુઃખમાં સહભાગી થતી ચાર પરાસ્ત સાહસિકાઓ…
‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ સિનેમા નામની કળાની કસોટી પર બધી રીતે ખરી ઉતરે છે. આવી આ બિન્ધાસ્ત, બેબાક. બેધડક ફિલ્મને મારા તરફથી પાંચમાંથી સ્ટાર્સ. જોજો જરૂર, પણ ઓનલી ફોર એડલ્ટ્સ. એવા એડલ્ટ્સ માટે જે ફક્ત શારીરિક દ્રષ્ટિએ જ નહીં, માનસિક રીતે પણ પુખ્ત હોય.

                                               ફોટોફિનિશ
થિયેટરમાંથી બહાર આવ્યો ત્યારે મેં ઓલરેડી ફિલ્મ જોઈ લીધી છે એ હકીકતથી બેખબર પાર્કિંગ-વૉચમેને એની ગામઠી બોલીમાં મને વણમાગી સલાહ આપી હતી, ‘લિપસટિક માય બુરખા ફિલમ મત દેખના, સાહબ. બહોત હી બેકાર ફિલમ હૈ.’ મનમાં થયું કે એ કમઅક્કલ આદમીની સડેલી માનસિકતાને કડક શબ્દોમાં ઝાટકી કાઢું, પણ પછી થયું કે, એનો શું ફાયદો? મોટાભાગના ભારતીય પુરુષો સ્ત્રીને પગની જૂતી સમજવાની માનસિક બીમારી લઈને જ જીવતા હોય, ત્યારે કેટકેટલાને ઝાટકવાના? મુદ્દો વિચારવા જેવો છે, નહીં..? પત્ની-મા-બહેનના હકો પર તરાપ મારીને બેઠેલા પુરુષો પોતાની દીકરીને નજરમાં રાખી વિચારી જુએ. સોચ બદલ જાયેગી આપકી…
     
      

  
  

2 comments: