Sunday 5 October 2014

પ્રકરણ ૧ – તર્પણયાત્રા – વસિયતનામાની વિચિત્ર શરત



પ્રકરણ ૧  –  વસિયતનામાની વિચિત્ર શરત

તેણે ફરી એક વાર બૂટ તરફ નજર નાખી. દોરી બરાબર બંધાયેલી હતી. પોલિશ પણ વ્યવસ્થિત હતું. ગજવામાંથી મોબાઇલ કાઢીને તેણે પોતાના ચહેરા સામે ધર્યો. કાળા કાચમાં દેખાતા ઝાંખા પ્રતિબિંબને જોઈ તેણે માથાના વાળ સરખા કર્યા. ફરી એક વાર. મોબાઇલ પેન્ટના ગજવામાં સરકાવી તેણે આંખો હોસ્ટેલના ગેટ પર જમાવી.

રૂમ નંબર ૨૬ વાળો અકડૂ જાય છે,’ ત્રણ માળની એરકન્ડિશન્ડ હોસ્ટેલના બીજા માળે આવેલા રૂમમાં ઊભેલા એક યુવાને બારીમાંથી બહાર જોતા કહ્યું. તરત તેની પાછળથી બીજો એક યુવાન બારીમાંથી ડોકાયો. તેણે પૂછ્યું, ‘તને ખબર છે કે પ્રિન્સ છે?’

પ્રિન્સ? ખરેખર?’ પહેલાને અચરજ થયું. ‘ક્યાંનો પ્રિન્સ?’

મહેરગઢ,’ બીજાએ જવાબ આપ્યો. ‘વિવાનસિંહ જાડેજા નામ છે એનું.’

પ્રિન્સ છે એટલે આટલો અકડૂ છે, હં…’ પહેલો અણગમાપૂર્વક બોલ્યો અને પછી પોતાના કામે લાગી ગયો. બીજો ત્યાં ઊભો રહી હોસ્ટેલના પ્રાંગણમાં ઊભેલા પ્રિન્સને કંઈક અહોભાવથી તાકી રહ્યો. બ્રાઉન કોર્ડરૉઇ અને પ્લેન વ્હાઇટ શર્ટમાં પ્રિન્સ સોહામણો લાગી રહ્યો હતો. ભોળપણથી લીંપાયેલો ચહેરો, પાણીદાર આંખો, સપ્રમાણ નાક, પાતળા હોઠ, ચપ્પટ ઓળેલા રેશમી કાળા વાળ. પાંચ ફૂટ આઠ ઈંચનો સહેજ ભરાવદાર દેહ. જોતા ખબર પડી આવે કે છોકરો ખાતા-પીતા ઘરનો છે. ગોરો તો એટલો કે પહેલી નજરે વિદેશી લાગે. વ્યવસ્થિત કાપેલા વાળ, ઇસ્ત્રીબંધ કપડાં અને પોલિશ કરેલા જૂતાં. પગથી માથા સુધી રાજવી ખાનદાનનો નબીરો લાગે. તેના દેખાવમાં કંઈક એવું આકર્ષણ હતું કે જોનારા ઘડીભર તેને તાકી રહેતા. આવો ૧૭ વર્ષીય હેન્ડસમ પ્રિન્સ વિવાન છેલ્લા બે મહિનાથી ઈન્દોર ખાતે આવેલી એન્જિનિયરિંગ હોસ્ટેલમાં રહેતો હતો છતાં કોઈની સાથે ભળી શક્યો નહોતો. માટે તેની છાપ અકડૂ તરીકેની પડી ગઈ હતી.

વિવાને પોતાને કાંડે બાંધેલી ઇમ્પોર્ટેડ ઘડિયાળમાં જોયું. સવારના સાડા સાત વાગી રહ્યા હતા. વીસ મિનિટથી તે હોસ્ટેલની બહાર ઊભો ઊભો કોઈની રાહ જોઈ રહ્યો હતો. ‘તું જેમ બને એમ જલ્દી આવી જા, વિવાન,’ તેની મમ્મીએ મળસ્કે ફોન કરીને કહ્યું હતું. ‘રાજા સાહેબની તબિયત નાજુક છે.’ અને તરત વિવાને તેનો સામાન પેક કરવા માંડ્યો હતો. રાજા સાહેબ એટલે કે તેના દાદાજી- પ્રતાપસિંહ જાડેજા, જેઓ જીવનના છેલ્લા શ્વાસ ખેંચી રહ્યા હતા. વિવાન જેમ બને એમ જલ્દી એમની પાસે પહોંચી જવા માગતો હતો. હોસ્ટેલની બહાર ઊભા ઊભા તેની ધીરજ હવે ખૂટી રહી હતી, ત્યાં કાળા રંગની એક એમ્બેસેડર કાર હોસ્ટેલના કમ્પાઉન્ડ ગેટમાંથી અંદર પ્રવેશતી દેખાઈ.

ઘરઘરાટી બોલાવતી કારે હોસ્ટેલમાં ઉત્સુકતા જગાવી. હોસ્ટેલની બારીઓ ઊંઘરેટા લબરમૂછિયા ચહેરાઓથી ભરાઈ ગઈ. કોઈ અંગત વાહનને હોસ્ટેલના કમ્પાઉન્ડમાં દાખલ થવાની અનુમતિ નહોતી એટલે વિદ્યાર્થીઓને કુતૂહલ થયું. જોકે વિવાનનો કેસ અલગ હતો. રાજવી પરિવારનું ફરજંદ પોતાની કોલેજમાં અભ્યાસ કરતું હોય હકીકતથી કોલેજના પ્રિન્સિપાલ અભિભૂત હતા. પ્રિન્સ વિવાન માટે તેમણે અમુક છૂટછાટો આપી હતી.

ચકચકિત એમ્બેસેડર વિવાનની નજીક આવીને ઊભી રહી. ઉતાવળે બહાર નીકળી ડ્રાઇવરે વિવાનને ઝૂકીને સલામ મારીને કહ્યું, ‘માફી, કુંવર સાહેબ. રસ્તામાં ટાયર પંક્ચર થઈ ગયું હતું એટલે મોડું થયું.’

જવાબમાં વિવાને ફક્ત ડોકું હલાવ્યું. તેને ગુસ્સો તો બહુ આવ્યો હતો પણ વ્યક્ત કરવાનો કોઈ ફાયદો નહોતો. દાદાજીના વિચારે આમેય તે ખિન્ન હતો. ડ્રાઇવરે પાછળનો દરવાજો ખોલ્યો એટલે તે અંદર બેઠો. ડિકીમાં વિવાનની બેગ મૂકી ડ્રાઇવરે પોતાની સીટ લીધી. એક પણ સેકન્ડ ગુમાવ્યા વિના એણે ગાડી મહેરગઢની દિશામાં ભગાવી.

મહેરગઢ. મધ્ય પ્રદેશના છેક પશ્ચિમ છેવાડે અનાસ નદીને કિનારે આવેલું એક નાનકડું રજવાડું. ગુજરાતની સરહદથી બહુ દૂર નહીં. જંગલોથી છવાયેલા વિસ્તારમાં છૂટાછવાયા ગામડાં અને ગામડાંઓનું કેન્દ્રબિંદુ મહેરગઢ. આઝાદી પછીના વિલીનીકરણમાં મહેરગઢ પણ વિલીન થઈ ગયું હતું. રહી ગઈ હતી ફક્ત ધૂંધળી રજવાડી યાદો.

ઈન્દોરથી મહેરગઢ પહોંચતા અઢી કલાક થતા. વિવાનના ખાવા માટે કારમાં ફ્રૂટ્સ પડ્યાં હતાં, પણ તેણે ખાધાં. બીમાર દાદાજીને ગુમાવવાના વિચારો વારેવારે તેની આંખો ભીની કરી દેતા હતા. આખા રસ્તે તેણે ડ્રાઇવર સાથે એક શબ્દ પણ વાત કરી.

દસ વાગ્યે એમ્બેસેડર મહેલના પ્રાંગણમાં જઈ અટકી કે તરત વિવાન બહાર લપક્યો. બે માળના ભવ્ય મહેલના વિશાળ પ્રવેશદ્વાર તરફ તેણે દોટ મૂકી. રફ સ્ટોન જડેલા પ્રાંગણ પર તેના જૂતાં ગરજી ઊઠ્યા. પ્રવેશદ્વાર પાસે સડસડાટ પગથિયાં ચડતી વખતે ભટકાઈ ગયેલા નોકરે તેને સલામ મારી, પણ એની સલામ સ્વીકારવાનો સમય વિવાન પાસે નહોતો. મહેલમાં દાખલ થતાં ૫૦ ફીટ પહોળો હોલ હતો. હોલની વચ્ચોવચ બનેલા ૧૦ ફીટ પહોળા દાદરના કઠેડામાં આરસની અગણિત અપ્સરાઓ મૂર્તિમંત થઈ હસી રહી હતી. ઇટાલિયન માર્બલના ફ્લોર પર ધડબડાટી બોલવતો વિવાન દાદર ચઢીને પહેલા માળે પહોંચ્યો. ડાબી તરફની પરસાળમાં પહેલો કમરો દાદાજીનો હતો. હાંફતી છાતીએ કમરામાં દાખલ થતાં વિવાને જોયું કે એક ખૂણામાં પલંગ પર દાદાજી આંખો બંધ કરીને સૂતા હતા. પલંગથી સહેજ દૂર ગોઠવાયેલી ખુરશીઓમાં વિવાનના પિતા રુદ્રપ્રતાપ સિંહ, માતા પદ્માવતી, મંત્રી જોસરકાકા, ડોક્ટર અને નર્સ બેઠાં હતાં. તમામ ચહેરાઓ પર વિષાદના વાદળાં છવાયેલાં હતો. વિવાનના માતા-પિતા વિવાનને જોતાં ઊભાં થઈ ગયાં. એમની તરફ એક નજર નાખી વિવાન સીધો દાદાજી તરફ ધસી ગયો.

કેટલાયે મેડિકલ ઉપકરણોથી ઘેરાયેલી પ્રતાપસિંહની કૃષ કાયામાં બહુ ઓછી સંવેદના બચી હતી. એમના શ્વાસોચ્છવાસ અત્યંત ધીમા ચાલી રહ્યા હતા. વિવાને હળવેથી દાદાજીના હાથ પર પોતાનો હાથ મૂક્યો. તેના ગળામાંથી માંડ એક શબ્દ નીકળ્યો, ‘દાદુ…’


પોતરાના હાથનો સ્પર્શ થતાં પ્રતાપસિંહે આંખો ખોલી. વિવાનને જોતા તેઓ મલકાઈ ઊઠ્યા. ચહેરા પરની અગણિત કરચલીઓમાં જાણે કે પ્રાણ ફૂંકાયો. ઓક્સિજન માસ્કના પ્લાસ્ટિકમાંથી એમનું બોખું મોં દેખાયું. પ્રયત્નપૂર્વક તેમણે વિવાનની આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવી. દાદા-પોત્રનું આખરી સંધાન હતું સૌ જાણતા હતા. આંતરડાના કેન્સર સામે નેવ્યાસી વર્ષે પ્રતાપસિંહે ઘૂંટણ ટેકવી દીધાં હતાં. છેલ્લા દિવસોમાં એમના કમરાને આઈ.સી.યુ.માં ફેરવી દેવામાં આવ્યો હતો. કોઈ આશા બચતા એમની વધુ રિબામણી ટાળવા માટે ડૉક્ટરે તમામ મેડિકલ ઉપકરણો હટાવી દેવાની સલાહ આપી હતી. પ્રત્યેક શ્વાસ એમના માટે પીડાદાયક બની રહ્યો હતો એટલે ડૉક્ટરની સલાહ વાજબી હતી. ફક્ત વિવાનના આવવાની રાહ જોવાતી હતી. વિવાન આવ્યો એના અડધા કલાક બાદ ડૉક્ટરે મેડિકલ સપોર્ટ સિસ્ટમની સ્વિચ ઓફ કરવા માંડી. સૌ ભીની આંખે રાજા સાહેબની નજર સામે ઊભાં રહ્યાં. છેલ્લી ઘડીઓમાં પરિવાર સાથે હતો ધરપત સાથે રાજા સાહેબે હંમેશ માટે આંખો મીંચી દીધી.

વિવાન ફાટી આંખે દાદાજીના નશ્વર દેહને તાકી રહ્યો. તેણે ફક્ત દાદાજી નહીં, પણ એક સારા મિત્ર ગુમાવ્યા હતા. એક એવા મિત્ર જેના સંગમાં તે સૌથી વધુ ખીલતો. દાદાજીનો સ્નેહ, દાદાજીની માયા અશ્રુરૂપે વિવાનની આંખોમાંથી વહી નીકળી.

રાજા સાહેબની અંતિમસંસ્કાર વિધિ બીજા દિવસે રાખવામાં આવી કેમ કે એમના સગા દૂર દૂરથી આવવાના હતા. રાજ માત્ર નામ પૂરતું રહ્યું હોવા છતાં રાજા આખરે તો રાજા ખરોને! કાયદેસર તો જાડેજા પરિવારની કોઈ રિયાસત નહોતી, પણ પ્રજા હજુ પણ એમને રાજપરિવાર તરીકે સન્માન આપતી હતી.

વિવાન આખો દિવસ તેના રૂમમાં રહ્યો. રાતે પદ્માવતી તેના રૂમમાં આવ્યાં. એમણે વિવાનને જમવાનો આગ્રહ કર્યો. ભૂખ લાગી હોવાથી વિવાને દૂધ માગ્યું. માણસ ગમે એટલો શોકગ્રસ્ત હોય, શરીર તો ખોરાક માગે . દૂધ પીને તેણે ખાલી ગ્લાસ પદ્માવતીને આપ્યો ત્યારે તેની આંખમાં રહેલી ભીનાશ તેની માતાથી છૂપી રહી શકી. તેને હંમેશાં દાદાજી સાથે જમવાની આદત હતી. હવે નથી રહ્યા ત્યારે

રડીને મન હળવું કરી લે,’ વિવાનને માથે હાથ પસવારતા પદ્માવતી ગળગળા સાદે બોલ્યાં. ‘સવારે રડી નહીં શકાય.’

દાદાજી સાથે વિતાવેલી અમૂલ્ય ક્ષણોની યાદ વિવાનને ઘેરી વળી. મહેલની લોન પર તેની સાથે ક્રિકેટ રમતા દાદાજી. નાનકડા વિવાનને ઘોડેસવારી શીખવતા દાદાજી. સમી સાંજે વિવાન સાથે મહેરગઢની સીમમાં રખડપટ્ટી કરતા દાદાજી. દાદાજીને યાદ કરતા મોડી રાત સુધી વિવાનની આંખો વહેતી રહી.

બીજા દિવસે પ્રતાપસિંહનો મૃતદેહ પ્રજાનાં દર્શન માટે મહેલના પ્રાંગણમાં રાખવામાં આવ્યો. વહેલી સવારથી લોકો રાજા સાહેબના દર્શનાર્થે આવવા લાગ્યા. દર્શનાર્થીઓમાં દરેક ધર્મ અને વર્ગના માણસો હતાં. આસપાસના ગામડાના સરપંચો, સરકારી અધિકારીઓથી લઈને રાજવી સગાં-સબંધીઓ આવ્યાં હતાં. અમુક સગાં-મિત્રો દૂરના શહેરોથી આવ્યાં હતાં. સૌને રાજા સાહેબ પ્રત્યે ભારે માનની લાગણી હતી. અનાસ નદીને કિનારે એમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. એમના નિશ્ચેતન દેહને અગ્નિમાં હોમાઈ જતા વિવાન જોઈ રહ્યો. તેની આંખો ભરાઈ આવી પણ તેણે આંસું વહેવા દીધાં. જાડેજા પરિવારના સભ્યો જાહેરમાં એમ કંઈ લાગણીઓમાં વહી જાય થોડું ચાલે! રાજવી શિષ્ટાચાર તો અનુસરવો પડે, કમને પણબધાં એમ કરી રહ્યાં હતાં. પારકાં રડી રહ્યાં હતાં અને જેઓ લોહીના સંબંધે બંધાયેલાં હતાં, પોતાનાં હતાં તેઓ કોરી આંખે ઊભાં હતાં.

રાજા સાહેબની અંતિમ વિધિઓ તેર દિવસ ચાલી. એમના આદેશ મુજબ તેરમાની વિધિ પતે પછી એમનું વસિયતનામું જાહેર કરવાનું હતું. સીલબંધ વસિયતનામું લઈને વકીલ બ્રીજનાથ પહેલા માળે આવેલા મીટિંગ રૂમમાં દાખલ થયા ત્યારે વિવાન, રુદ્રપ્રતાપ, પદ્માવતી અને જોસરકાકા ગુમસૂમ બેઠાં હતાં. વિવાન સિવાય સૌને વસિયતમાં શું હશે જાણવાની તીવ્ર ઉત્કંઠા હતી.

એક ઊંડો શ્વાસ લઈને બ્રીજનાથે હાથમાં રહેલું વસિયતનામું વાંચવાનું શરૂ કર્યું. ‘અહીં હાજર છે એમાંના કોઈ આપણા કુટુંબની આર્થિક હાલતથી અપરિચિત નથી. રાજમહેલ અને અન્ય તમામ સંપત્તિ હું મારા દીકરા રુદ્રપ્રતાપસિંહ જાડેજા, વહુ પદ્માવતી જાડેજા અને પૌત્ર વિવાનસિંહ જાડેજાને નામે કરું છું. ઉપરાંત મારી પાસેથી કોઈ મોટા ખજાનાની અપેક્ષા રાખવામાં આવી હોય તો વાજબી છે. પરિવારની આર્થિક વિટંબણાઓનો અંત આવે એટલું તો હું છોડી જાઉં છું, પણ મેળવવા માટે પરિશ્રમ કરવો અનિવાર્ય છે. મારી અમુક શરતોને આધીન મારા અસ્થિ મેં સૂચવેલાં સ્થળોએ વહાવ્યા પછી આપ ખજાનો હસ્તગત કરી શકશો.’

બ્રીજનાથે અટકીને વારાફરતી રુદ્રપ્રતાપ અને પદ્માવતી તરફ નજર નાખી. બંનેના કપાળે રેખાઓ અંકિત થયેલી હતી. ‘શરતોશબ્દે એમનો ઉચાટ વધારી દીધો હતો.

બ્રીજનાથે આગળ વાંચવાનું શરૂ કર્યું, ‘દેશની ચાર દિશાઓમાં આવેલા ચાર પવિત્ર સ્થળો-પૂર્વમાં બંગાળના ઉપસાગર, પશ્ચિમમાં દ્વારકા, ઉત્તરમાં ગંગા અને દક્ષિણમાં રામેશ્વરમ- મારા અસ્થિ વિસર્જિત કરવા. કાર્ય ફક્ત અને ફક્ત વિવાન કરશે અને પણ એકલપંડે. ઉપરોક્ત તમામ સ્થળોએ એકલા જઈ મારું તર્પણ કરશે તો અને તો મારી ખાનગી સંપત્તિ આપના નામે થશે. નહીંતર તમામ સંપત્તિનું દાન કરી દેવામાં આવશે.’

પ્રતાપસિંહનું ટૂંકું વસિયતનામું વાંચવાનું પૂરું કરી બ્રીજનાથે જાડેજા પરિવારનાં સદસ્યો તરફ વારાફરતી દૃષ્ટિપાત કર્યો. વિવાનનો ચહેરો લગભગ ભાવશૂન્ય હતો જ્યારે રુદ્રપ્રતાપ અને પદ્માવતી વસિયતનામાનું છેલ્લું વાક્ય સાંભળી અસ્વસ્થ થઈ ગયાં હતાં. બંને સ્તબ્ધ બનીને બ્રીજનાથના હાથમાં રહેલા કાગળને તાકી રહ્યાં.                                                                                                             
 (ક્રમશઃ

નોંધઃ ૨ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ આ પ્રકરણ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ટ્રાવેલ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયું છે.
                                                                                                                           



No comments:

Post a Comment