Monday 20 October 2014

પ્રકરણ ૨ – તર્પણયાત્રા – મહેરગઢનો ભવ્ય ભૂતકાળ



પ્રકરણ ૨ – તર્પણયાત્રા – મહેરગઢનો ભવ્ય ભૂતકાળ

આશ્ચર્યની અવધિ કંઈક લાંબી ચાલી. પ્રતાપસિંહ જાડેજાના વસિયતનામામાં લખેલી વિગતો જાણી વિવાન અને તેના માતાપિતા અચરજ પામી ગયાં.

આ તે કેવી શરત?’ વિવાનના મમ્મી પદ્માવતી સહસા બોલી ઊઠ્યાં. વિવાનને આમ એકલો કઈ રીતે મોકલાય?’ તેમના ટોનમાં રહેલી ખીજ કોઈથી છાની ન રહી શકી. વિવાન અને તેના પિતા રુદ્રપ્રતાપ શાંત હતા.

કુંવરસાહેબ જો આ કાર્ય કરવા તૈયાર થતાં હોય તો બાકીની શરતો જોસરકાકા પાસે છે,’ વકીલ બ્રિજનાથે કહ્યું.

આ એક શરત શું ઓછી છે?’ પદ્માવતી વધુ ચિડાયાં. તેમના ચહેરા પર સ્પષ્ટ અણગમો હતો.

રુદ્રપ્રતાપે તેમને ઈશારાથી શાંત રહેવા જણાવ્યું અને મંત્રી જોસરકાકા તરફ જોઈ ગરદન હલાવી. જોસરકાકાએ પોતાના ગજવામાંથી એક કાગળ કાઢી વાંચવાની શરૂઆત કરી: એકવાર યાત્રા શરૂ થાય પછી એને અધૂરી મૂકી વિવાન ઘરે પાછો ફરે તો યાત્રા અસફળ ગણાશે. પ્લેનમાં સફર કરવાની નથી. ૩ દિવસમાં તે ફક્ત એક જ દિવસ ઘરે ફોન કરી શકશે. મોબાઇલ અને લેપટોપ સાથે લઈ જવાના નથી. પ્રવાસ દરમિયાન આપણી પરિચિત કોઈપણ વ્યક્તિ તેને સીધી કે આડકતરી રીતે મદદ કરી શકશે નહીં. પ્રવાસના આયોજનની તમામ જવાબદારી જોસરની રહેશે. મને આશા છે કે મારો વહાલો વિવાન મારી ઈચ્છાનુસાર આ તર્પણયાત્રા પૂરી કરશે જ.

જોસરકાકાએ બોલવાનું પૂરું કર્યું એટલે પદ્માવતીએ શરૂ કર્યું, ‘વિવાનને આટલી લાંબી મુસાફરી પર એકલો મોકલવાનો સવાલ જ ઊભો નથી થતો. ઘરડેઘડપણ રાજાસાહેબને પણ આ શું-?’ આગળ બોલતાં તેઓ અચાનક અટકી ગયાં. તેમણે ગળી લીધેલા શબ્દો કુબુદ્ધિ સુઝીકોઈની સમજથી બહાર ન રહ્યા.

આપણે આના વિશે શાંતિથી વિચારીશું,’ રુદ્રપ્રતાપ બોલ્યા.

વિચારવાનો કોઈ અવકાશ જ નથી, શેઠસાહેબ.પદ્માવતીના અવાજમાં મક્કમતા હતી. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થતી હોય તો ઠીક બાકી, વિવાનને સાવ એકલો મોકલવા હું તૈયાર નથી.

હવે આ એમનો પારિવારિક મામલો હોવાથી જોસરકાકા અને બ્રિજનાથ રૂમમાંથી બહાર જતા રહ્યા.

આમ ઉતાવળે નિર્ણય લેવાનો કોઈ અર્થ નથી, પદ્મા,’ રુદ્રપ્રતાપે સ્વભાવગત સૌમ્યતા જાળવી રાખતા કહ્યું. આપણે ત્રણે આ વિશે વિચારીએ અને આવતી કાલે ચર્ચા કરીએ.

મેં મારો નિર્ણય જણાવી દીધો છે,’ બોલીને પદ્માવતી બહાર જતાં રહ્યાં. તેમના જિદ્દી સ્વભાવથી રુદ્રપ્રતાપ અને વિવાન સારી રીતે પરિચિત હતા.

બીજા દિવસે સવારે મહેલના ગાર્ડનમાં નાસ્તો કરતી વખતે રુદ્રપ્રતાપે ચર્ચા છેડી, ‘તો પછી શું વિચાર્યું તમે બંનેએ?’

મારો નિર્ણય નહીં બદલાય,’ ચાની ચુસ્કી લેતાં પદ્માવતી બોલ્યાં.

પણ પદ્મા, આપણી આર્થિક સ્થિતિનો તો વિચાર કરો.રુદ્રપ્રતાપે હંમેશ મુજબ શાંત સ્વરમાં કહ્યું. ઊંચા અવાજે વાત કરવી એમનો સ્વભાવ નહોતો.

કપ ટેબલ પર મૂકી પદ્માવતી બોલ્યા, ‘એકના એક દીકરાને કેટલી માનતા, કેટલી બાધા-આખડીઓ બાદ મેળવ્યો એ ભૂલી ગયા તમે? કેટકેટલાં મંદિરો-મસ્જિદોનાં પગથિયાં ઘસ્યાં ત્યારે લગ્નનાં અગિયાર વર્ષો બાદ આપણે ત્યાં પારણું બંધાયું હતું. જીવની જેમ ઉછેર્યો છે એને મેં. એને કોઈપણ પ્રકારના જોખમમાં મૂકવા હું તૈયાર નથી.

મમ્મી, તમે નકામી ચિંતા કરો છો, મને કંઈ નહીં થાય.વિવાને ભારપૂર્વક કહ્યું.

તારી સલાહ નથી માગી!પદ્માવતીએ વિવાનને આંખોથી ડારતા કહ્યું. તને ખબર છે કે દુનિયા કેટલી વિશાળ છે અને કેટલી ખરાબ છે? મહેરગઢની બહારની દુનિયા તેં કેટલી જોઈ?’

એ એટલા માટે કે તમે મને એવો મોકો જ નથી આપ્યો!મનમાં ધરબાયેલી લાગણી અચાનક વિવાનના હોઠે આવી ગઈ.

મોકો નથી આપ્યો તો એ તારી સલામતી ખાતર.

પિતાજીનો ખજાનો આપણી છેલ્લી આશા છે. એ નહીં મળે તો આ રાજવી ઠાઠમાઠ પણ નહીં રહે, એ તમે કેમ નથી સમજતાં?’ રુદ્રપ્રતાપના બોલવામાં કાકલૂદી ભળી. કોઈપણ વાતમાં પદ્માવતીને રાજી કરવાનું કાર્ય એમના માટે હંમેશાં દુષ્કર હતું.

બધું સમજું છું હું. આપણી શાખની મને પણ ચિંતા છે, પણ વિવાનની સલામતીને ભોગે કંઈ નહીં થાય.પદ્માવતી પોતાની મમતા આગળ લાચાર હતાં.

આપણી જિંદગી તો ઝાઝી ગઈ અને થોડી રહી. વિવાનના ભવિષ્ય વિશે તો વિચાર કર. ક્યાં સુધી જમીન વેચી વેચીને આપણા ખર્ચા કાઢ્યા કરીશું?!’ જાડેજા પરિવાર દ્વારા જેના પર સતત ઢાંકપિછોડો કરવામાં આવતો હતો એ કડવી વાસ્તવિકતા રુદ્રપ્રતાપના હોઠે આવી ગઈ.

પદ્માવતી પાસે એનો જવાબ નહોતો. તે ઊઠીને ચાલ્યાં ગયાં. પોતાની જિદ પૂરી ન થાય તો રણમેદાન છોડીને ચાલ્યા જવું અને રિસાઈ જવું એમની આદત હતી. બાપ-દીકરો થોડી વાર મૌન બેસી રહ્યા.

પપ્પા, મારી સાથે કોઈ બોડીગાર્ડને લઈ જાઉં તો કદાચ મમ્મી માની જાય.

એ શક્ય નથી. તને એકલો મોકલવાની શરત સ્ટેમ્પ પેપર ઉપર લખાયેલી છે. વાત કાયદાથી બંધાયેલી છે, એનું ઉલ્લંઘન ન થાય.કહી રુદ્રપ્રતાપે નિ:શ્વાસ નાખ્યો.

મારે જવું છે. તમે ગમે તેમ કરી મમ્મીને મનાવો.

આપણી આર્થિક બાબતે તું આટલું વિચારે છે એ જાણી આનંદ થયો.

ફક્ત એટલા માટે જ નહીં, પપ્પા. દાદાજીની અંતિમ ઈચ્છા પૂરી કરવી મારે માટે વધુ અગત્યનું છે,’ વિવાને દૃઢતાપૂર્વક કહ્યું. દાદા પ્રત્યેની તેની કૃતજ્ઞતા જોઈ રુદ્રપ્રતાપને તેના પ્રત્યે અહોભાવ જાગ્યો.
વિચારમગ્ન રુદ્રપ્રતાપ થોડીવાર પછી ચાલ્યા ગયા. વિવાને જાડેજા પેલેસનામે ઓળખાતા તેમના રાજમહેલ તરફ નજર નાખી અને દાદાજીના મોઢે જ સાંભળેલો મહેરગઢનો ઈતિહાસ તેના માનસપટલ પર જીવંત થઈ ઊઠ્યો.

આઝાદી પછી સરદાર પટેલના પ્રયત્નથી રજવાડાંઓનું જે સામૂહિક વિલીનીકરણ ભારતવર્ષમાં થયું હતું એમાં ૯૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા મહેરગઢનું સ્વતંત્ર અસ્તિત્વ પણ મટી ગયું હતું. પ્રજાનાં કરવેરામાંથી રાજપરિવારનાં ઠાઠમાઠ નભતાં હતાં તે બંધ થયાં હતાં. છતાં એ જમાનામાં માતબર ગણાય એવી પાંચ આંકડામાં મળતી સાલિયાણાંની રકમને સહારે જાડેજા પરિવાર ટકી ગયો હતો. વિલીનીકરણ સમયે મહેરગઢ પર પ્રતાપસિંહના પિતા જોરાવરસિંહનું રાજ હતું. એક શરત પાછી એવી હતી કે દર પેઢીએ સાલિયાણાંની રકમ ઘટતી જાય. ૧૯૫૩માં જોરાવરસિંહના મૃત્યુ બાદ ૨૮ વર્ષીય પ્રતાપસિંહે રાજગાદી સંભાળી ત્યારે મહેરગઢને મળતા સાલિયાણાંની રકમમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. રાજ પરિવારની આવકનું અન્ય એકમાત્ર સાધન ખેતી હતું.

૧૯૭૦ પછી પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે ઈન્દિરા ગાંધીએ રાજકીય સોગઠાંબાજી મારી સાલિયાણાં બંધ કરાવ્યાં અને રાજવીઓને મળતા વિશેષાધિકારો રદ કરાવ્યા. તૈયાર ભાણે મળતાં સાલિયાણાં બંધ થતાં જાડેજા પરિવારની આર્થિક દશા બગડી. પડ્યા પર પાટુ જેવો ઘાટ એ થયો કે વિશેષાધિકારો છીનવાતાં રાજા-મહારાજાઓએ સામાન્ય નાગરિકની જેમ આવકવેરો, મિલકતવેરો અને વારસાવેરો ભરવાના દિવસો આવ્યા. ત્રણે વેરાનો કુલ વાર્ષિક આંકડો હજારોમાં થતો હતો. બે છેડા ભેગા કરવામાં જાડેજા પરિવારને તકલીફ પડવા માંડી. આવકનાં સાધનો મર્યાદિત હોવાથી મહેશ્વર નગરની ભાગોળે આવેલી કોઠી વેચી દેવી પડી. વધારાની આવક મેળવવા માટે મહેલના એક હિસ્સાને હેરિટેજ હોટેલમાં ફેરવી દેવાનો વિકલ્પ હતો, પરંતુ આ વિસ્તાર એટલો તો અંતરિયાળ હતો કે અહીં કોઈ પ્રવાસીઓ આવતાં જ નહોતાં. ઘટાટોપ જંગલો સિવાય આ ગ્રામીણ વિસ્તારમાં કશું જોવાલાયક નહોતું.

જાડેજા પરિવાર પાસે સેંકડો એકર જમીન હતી, જેમાં ફળાઉ વૃક્ષો હતાં અને અનાજની ખેતી થતી. એ કારભાર મંત્રી જોસરકાકાના હસ્તક હતો. ખેતીની આવક સારી હતી, પરંતુ કરકસરથી ન જીવવા ટેવાયેલા રાજવી પરિવાર માટે પૂરતી નહોતી. રોયલ ઠાઠ જાળવી રાખવામાં વર્ષોત્તર રાજ્યની તિજોરી તળિયાઝાટક થતી ગઈ. પછી તો રાજવી ખજાનો વેચવા કાઢવો પડ્યો. વર્ષે એકાદ-બે વાર વિદેશી મહેમાનો આવતા. રાજાસાહેબ સાથે બંધબારણે એમની મુલાકાત યોજાતી. રત્નો-ઘરેણાંના સોદા થતા. કિમતી જણસો બાદ લક્ઝુરિયસ વાહનોનો વારો આવ્યો. એક જમાનામાં મહેલના ગરાજમાં રોલ્સ-રોઈસ અને જેગ્યુઆર જેવી મોંઘી ૧૨ કારોનો કાફલો હતો. હવે ગણીને ફક્ત ૩ કાર બચી હતી, અને એ પણ એમ્બેસેડર જેવી પ્રમાણમાં સસ્તી કાર. ઘોડારમાં પહેલાં ૧૬ પાણીદાર ઘોડા હણહણતા હતા, હવે ફક્ત ૨ બચ્યા હતા. રજવાડાંનાં અનેક મંદિરો અને ગૌશાળાઓની જાળવણીમાંથી જાડેજા પરિવારે હાથ પાછા ખેંચી લેવા પડ્યા હતા.

જાડેજા પેલેસનો નિભાવખર્ચ કમરતોડ હતો. પેલેસના ૨૬ કમરાઓ પૈકીના અડધોઅડધ કમરાઓને તાળાં મારી દેવામાં આવ્યાં જેથી તેમના રખરખાવનો ખર્ચો બચે. એ કમરાઓમાં પડેલું એન્ટિક ફર્નિચર વર્ષોત્તર વેચાતું ગયું. હવે તો એ ખાલી કમરાઓએ જાણે કે સુષુપ્તાવસ્થા ધારણ કરી લીધી હતી. જાહોજલાલી દરમિયાન જતનથી જળવાયેલા ઝુમ્મરો, જાજમો, કટલરી, ક્રોકરી, વાસણો પણ મહેલમાંથી પગ કરી ગયા. રાજવી ખજાના બાદ ઉપજાઉ જમીનનો વારો આવ્યો. દર વર્ષે જાડેજા પરિવારની માલિકીની જમીનનો મોટો હિસ્સો વેચાતો જતો હતો.

આ બધો ખેલ વિવાનના જન્મ પહેલાં જ ભજવાઈ ગયો હતો. તેના નસીબમાં તો જાહોજલાલી ભોગવવાની આવી જ નહોતી. જોકે તેના ઉછેરમાં કોઈ કમી રાખવામાં નહોતી આવી. પરિવાર આર્થિક સંકડામણમાં છે, એનું ભાન પણ વિવાવને છેલ્લાં બે-ત્રણ વર્ષથી જ થયું હતું.

છેલ્લાં થોડાં વર્ષોથી પ્રતાપસિંહ એવું કહેતા રહેતા હતા કે, તેમણે એક ખજાનો છુપાવી રાખ્યો છે, જે જાડેજા પરિવારને યોગ્ય સમયે મળશે. પદ્માવતીએ એમની પાસેથી એ છુપા ખજાનાની માહિતી મેળવવા એકથી વધુ વખત પ્રયત્નો કરી જોયા હતા, પરંતુ તેઓ ફાવ્યાં નહોતાં. પ્રતાપસિંહ કોઈપણ બહાને વાત ટાળી દેતા. એ ખજાનો કેટલો હતો અને ક્યાં હતો એની કોઈને જાણ નહોતી.

બે વર્ષ અગાઉ પ્રતાપસિંહને આંતરડાનું કેન્સર થયાનું નિદાન થયું હતું. મોટા શહેરમાં જઈ સારવાર લેવાનો તેમણે સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. એકાદ વર્ષથી પથારીવશ હતા. યમરાજનું તેડું આવી ગયાનું જાણી ૬ મહિના અગાઉ એમણે પારિવારિક વકીલ બ્રિજનાથને તેડાવી વિશ્વાસુ મંત્રી જોસરકાકાની હાજરીમાં એમનું વસિયતનામું તૈયાર કરાવડાવ્યું હતું, જેમાં પેલો છુપો ખજાનો મેળવવા માટે વિવાન દ્વારા એમની તર્પણયાત્રા થાય એવી શરત મૂકી હતી.

ગાર્ડનમાં એકલો બેઠેલો વિવાન વિચારમાં ડૂબેલો હતો. નાણાંભીડ અનુભવી રહેલા તેના પરિવારે છેક જ અંગત વસ્તુઓ વેચવાનો વખત હજુ સુધી તો નહોતો આવ્યો, પણ જો આમ જ ચાલતું રહ્યું તો એ દિવસો પણ દૂર નહોતા. રાજવી ઠાઠનો સૂર્યાસ્ત ઢૂંકડો જણાતો હતો. પ્રતાપસિંહનો ખજાનો મળી જાય તો જાડેજા પરિવારનું આર્થિક સંકટ ટળી જાય અને ભવિષ્ય સુધરી જાય એમ હતું. પરિવારનું ભાવિ હવે વિવાનના હાથમાં હતું. કોઈપણ ભોગે તેણે દાદાજીની તર્પણયાત્રા પૂરી કરવાની જ હતી. મમ્મી તેને એકલો યાત્રાએ જવા દેશે કે નહીં એ બાબતમાં આશંકિત વિવાનને એ વાતની ખબર નહોતી કે આવનારા દિવસો તેના જીવનમાં તેણે કલ્પના પણ ના કરી હોય એવા અણધાર્યા નીવડવાના હતા. 
                                           (ક્રમશઃ) 

નોંધઃ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ આ પ્રકરણ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ટ્રાવેલ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયું છે.

No comments:

Post a Comment