અમે હોમસ્ટે પર પાછા ફર્યાં ત્યારે આખા દિવસની રખડપટ્ટીથી થાકેલો અઝાન બીમાર પડી ગયો અને સેટર-ડે નાઇટ માર્કેટ જવાનો મારો ઉત્સાહ મંદ પડી ગયો. તેને આરામની સખત જરૂર હતી. મારે એકલાએ જ ફરવા જવું પડે એમ હતું. અજાણ્યા મલકમાં રાતના સમયે એકલા ફરવાનું થોડું જોખમી લાગતા હું બહાર જવા બાબતે અવઢવમાં હતો. પરંતુ ફક્ત દર શનિવારની રાતે જ ભરાતા એ માર્કેટ વિશે ખૂબ બધી સારી વાતો સાંભળી હોવાથી મારા માટે તો ‘જી લલચાયે રહા ન જાયે’ જેવી પરિસ્થિતિ ઊભી થઈ. જે સ્થળે મારે પહોંચવાનું હતું એ અમારા રહેઠાણથી ચારેક કિલોમીટર દૂર હતું અને રસ્તો અજાણ્યો એટલે પૂછી પૂછીને જવું પડે એમ હતું. છેવટે સાહસ કરી જ લીધું અને એકલો ડ્યુરો લઈ નીકળી પડ્યો. અંધકારમાં ડૂબેલા ગોવાના ગ્રામ્ય પ્રદેશમાં રાતના આઠ વાગ્યે ભાગ્યેજ કોઈ વાહન દેખાય. ઘરો પણ બંધ. સદનસીબે એક જગ્યાએ દારૂનો બાર ખુલ્લો હતો ત્યાં પૂછ્યું; બીજી જગ્યાએ ત્રણ રસ્તા ભેગા થતા હતા ત્યાં કેટલાક યુવાનો બેઠા હતા એમને પૂછ્યું એટલે માર્કેટના સ્થળે આસાનીથી પહોંચી ગયો.
છૂટાછવાયા ઘરો ધરાવતા અરપોરા ગામના પાદરે એક વિશાળ મેદાન અને મેદાનમાં થોડા વૃક્ષો. આ સ્થળે દર શનિવારે બહુ જાણીતું સેટરડે નાઇટ માર્કેટ ભરાય.
ચારે તરફથી કોર્ડન કરેલા મેદાનની બહાર વ્યવસ્થિત અને વિશાળ પાર્કિંગ. માર્કેટમાં દાખલ થતી વખતે કોઈ જ આઇડિયા નહોતો કે અંદરનું વાતાવરણ કેવું હશે.
વાંસ ખોડીને, ફરતે પ્લાસ્ટિક શીટ કે કાપડ લપેટીને ઊભી કરાયેલી કામચલાઉ દુકાનો ઝળાંહળાં થતી રંગબેરંગી લાઇટોથી સજાવેલી હતી. પથ્થર અને પ્લાસ્ટિકના આર્ટિફિશિયલ ઘરેણાંથી લઈને એથનિક વસ્ત્રો,
ગૃહસજાવટ માટેના શો-પીસથી લઈને કલરફૂલ માસ્ક,
લાકડાં અને વિવિધ ધાતુની કળાત્મક મૂર્તિંઓથી લઈને મરીમસાલા, જૂતાં,
ગોગલ્સ, હેન્ડબેગ્સ, લેમ્પ્સ,
સિરામિકના વાસણો…
જે માગો તે મળે. ફૂડમાં પણ જાતજાતની વેરાઇટી.
ગોઅન સ્ટાઇલમાં રાંધેલા સી-ફૂડ, ચિકન,
એગ્સની આઇટમો, ચાઇનીઝ,
થાઇ, મેક્સિકન, મો-મો,
કેક્સ અને પેસ્ટ્રીઝ,
કોલ્ડ ડ્રિંક્સ, જાતજાતના કોકટેલ્સ, ક્વિઝિન,
ડેઝર્ટ, આઇસક્રીમ અને ચોકલેટ્સ. બધુ જ ચિક્કાર મોંઘું. ગોવાના અન્ય સ્થળે જે કિંમત હોય એના કરતાં ચાર ગણા ભાવ વધારે.
બાર્ગેનિંગ તો શક્ય જ નથી. તેમ છતાં જલસો પડી જાય એવું વાતાવરણ હોવાથી પ્રવાસીઓ છુટા હાથે ખર્ચ કરે. એક્ચ્યુલી આ માર્કેટના ટાર્ગેટ ગ્રાહકો વિદેશીઓ જ હોવાથી બધી વસ્તુઓ મોંઘી મળે.
પચાસ ટકાથી વધુ દુકાનોમાં વેચનારા પણ એ વિદેશીઓ જ જે કાયમ માટે ગોવામાં સ્થાયી થઈ ગયા છે.
પ્રવાસીઓની ચિક્કાર ભીડમાં દસમાંથી માંડ બે ભારતીય દેખાય.
એકસાથે આટલા ગોરા (મોટાભાગના લઘરવઘર હિપ્પી જેવા)
મેં જીવનમાં પહેલીવાર જોયા હતા.
ઘડીભર એવું લાગ્યું કે હું ભારતમાં નહીં પણ વિદેશમાં છું.
ગ્રિલ્ડ ચિકન,
મો-મો અને પેસ્ટ્રીની મઝા માણ્યા બાદ હું માર્કેટના કેન્દ્રમાં પહોંચ્યો જ્યાં લાઇવ રોક શો ચાલી રહ્યો હતો. નાનકડા સ્ટેજ પર ત્રણ ગોરા હતાઃ એક ગાયક,
બીજો ડ્રમર અને ત્રીજો ગિટારિસ્ટ.
ઘોંઘાટિયું પશ્ચિમી સંગીત મને પહેલેથી જ નાપસંદ એટલે ત્યાં વધુ રોકાવાની ઈચ્છા નહોતી પણ રશિયાથી આવેલા એ રોક બેન્ડે સંગીતનો એવો તો માહોલ જમાવ્યો કે મારા પગ ત્યાં જ ખોડાઈ ગયા. સંગીતનો આટલો અદ્ભુત જલસો મેં અગાઉ કદી માણ્યો નહોતો. લોકો નાચી રહ્યા હતા અને ચિચિયારી પાડી રહ્યા હતા. એકાદ કલાક પછી સ્ટેજ પરના કલાકારો બદલાયા એટલે હું પણ આગળ વધ્યો.
માર્કેટ એટલું તો વિશાળ હતું કે હું આખું ફરી પણ ન શક્યો. સવારે ચાર વાગ્યા સુધી ચાલતા આ ‘હોટ એન્ડ હેપનિંગ’ માર્કેટમાં શોપ ભાડે લેવા માટે કોઈપણ અરજી કરી શકે હોં કે!
મોડી રાતે હું રૂમ પર પાછો ફર્યો ત્યારે હું અત્યંત પ્રફુલ્લિત હતો.
સવારે અઝાન ઊઠ્યો ત્યારે મેં એને એટલું જ કહ્યું કે, એને અંદાજ પણ નથી કે એણે શું ગુમાવ્યું હતું. સારી વાત એ હતી કે અઝાન હવે ફિટ હતો. ક્રિસ્ટોના હાથે બનેલા ટોસ્ટ,
ચા અને આમલેટનો નાસ્તો કરી અમે સિંક્વીરિમ બીચ પહોંચ્યા.
અત્યંત સુંદર બીચ.
બીચની નજીક જ અગવાડા ફોર્ટ આવેલો છે જેનો એક છેડો દરિયાની અંદર સુધી લંબાય છે.
વિશાળ કિલ્લામાં એક દીવાદાંડી પણ ખરી. પોર્ટુગીઝોએ ઈ.સ.
૧૬૧૨માં બંધાવેલા આ કિલ્લાના ભોંયતળિયે જેલ છે પરંતુ તેની અંદર પ્રવેશબંધી છે.
અહીંથી નીકળી દક્ષિણ ગોવા હંકારી ગયા ફક્ત પાલોલિમ બીચ જોવા.
ઉત્તર ગોવાની સરખામણીમાં દક્ષિણ ગોવામાં જોવાલાયક સ્થળો ઓછા. અહીં પ્રવાસીઓ પણ ઓછા આવે એટલે આ વિસ્તારના વિકાસ બાબતે સરકારનું વલણ પણ ઉદાસીન.
પાલોલિમ બીચ પહોંચ્યા અને ત્યાંની પ્રાકૃતિક સુંદરતા નિહાળી આંખો વિસ્ફારિત થઈ ગઈ. આજ સુધી જોયેલા તમામ બીચમાં સૌથી સુંદર બીચ.
મુખ્યત્ત્વે રશિયન ટુરિસ્ટ્સનો જમાવડો અહીં હોય.
ગોવાનું ફેમસ ‘કોકમ શરબત’ પીતાં પીતાં અમે બીચ પર ટહેલતાં હતાં ત્યાં એક વિદેશી વૃદ્ધ મળ્યા.
‘હેલો’ કહી એમની સાથે વાતે વળગ્યા. જેરાર્ડ નામના એ જર્મન પ્રવાસીએ પાલોલિમ બીચની નજીકમાં જ એક બંગલો ખરીદ્યો હતો. વર્ષના ચાર મહિના એ ગોવામાં એકાકી જીવન વીતાવતો અને આઠ મહિના જર્મની જઈ પોતાની ફેમિલી સાથે રહેતો. તેના કહેવા પ્રમાણે ગોવાના મોટાભાગના બીચ રશિયન પ્રવાસીઓએ વિકસાવ્યા હતા.
છેલ્લા થોડા દાયકામાં રશિયનો ગોવા આવવા લાગ્યા.
અહીંનું રમણીય વાતાવરણ અને મુક્ત કલ્ચર તેમને ફાવી ગયું.
તેમણે ‘અઠે દ્વારકા’
ને ન્યાયે ગોવામાં જમીનો-મકાનો ખરીદવા માંડ્યા અને ધંધા-રોજગાર પણ જમાવ્યા. તેમણે શરૂઆત કરી ઉત્તર ગોવાથી. રશિયન પ્રવાસીઓ આવતા ગોવાના લોકોને બિઝનેસની તકો સાંપડી.
માર્કેટ વિકસ્યા, હોટેલ્સ શરૂ થઈ.
પછી અન્ય દેશના અને ભારતના પ્રવાસીઓના ધાડેધાડાં પણ રશિયનોને લીધે વિકસેલા બીચ પર ઊતરી આવ્યા.
શાંત બીચની ખોજમાં રશિયનોએ દક્ષિણ દિશા પકડી.
તેમના પસંદગીના બીચ પર પ્રવાસીઓની ભીડ વધતા તેઓ વધુ ને વધુ દક્ષિણ તરફ સરકતા ગયા.
આજે દક્ષિણ ગોવાનો પાલોલિમ બીચ એમનો અડ્ડો છે. અહીં હજારોની માત્રામાં રશિયનો વસે છે અને તેમની સુવિધા માટે હોટેલો અને બીચ શેક રશિયન ભાષામાં સાઇન બોર્ડ અને મેનુ રાખે છે.
ગોવાની ઇકોનોમીને ખાસ્સો ફાયદો કરાવતા રશિયનો ગોવામાં ચાલતી અનેક પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં પણ સંકળાયેલા હોવાનું કહેવાય છે.
ગોવા પરની
‘રશિયન ઇફેક્ટ’ વિશે જાણ્યા બાદ અમે ઉત્તરની વાટ પકડી.
સાંજ વીતાવી કલંગુટ બીચ પર જ્યાં ‘વોટર સ્પોર્ટ્સ’ના અનેક વિકલ્પો મોજૂદ છે.
પેરા સેઇલિંગ માટે ૬૦૦ રૂપિયાની ટિકિટ લીધી.
લાઇફજેકેટ પહેરાવી,
મોટરબોટમાં બેસાડી અમને દરિયામાં અડધો કિલોમીટર અંદર લઈ જવાયા. બોટના પાછલા ભાગે જડાયેલી યાંત્રિક ગરગડીમાં લપેટેલા જાડા વાયર સાથે બાંધી મને પતંગની જેમ
‘ચગાવ્યો’. અડધી મિનિટમાં તો હું સોએક ફીટ ઊંચે હવામાં પહોંચી ગયો.
દરિયાના તોફાની મોજા પર પૂરપાટ ભાગતી બોટ સાથે હવામાં માણેલી એ સહેલગાહ દરમિયાન અનુભવેલા રોમાંચનું વર્ણન શબ્દોમાં કરવું અશક્ય છે. એ તો જે માણે એ જ જાણે. એડ્વેન્ચર સ્પોર્ટ્સનો મારો અભરખો હજુ અધૂરો હતો એટલે મેં બનાના રાઇડ(કેળાના આકારની હવા ભરેલી ટ્યુબ પર ૪થી ૬ જણને બેસાડી મોટરબોટની પાછળ સપાટાબંધ ઘસડવામાં આવે)
અને જેટ સ્કી(બોટ કમ બાઇક જેના ગવર્નર પર ગ્રાહકને ફક્ત હાથ મૂકવા દે.
પાછળ બેઠેલો યુવાન જ ચલાવે)
પણ માણી.
રાત પડતા પણજી ગયા.
પણજીનું વિશાળ ફળ-શાક માર્કેટ જોયું.
પાકા બાંધકામની છતવાળી,
બે માળની માર્કેટની એક વિશાળ દીવાલ પર ગોવાની સંસ્કૃતિના પ્રતીકસમા દોરાયેલા સુંદર ચિત્રને જોઈ સાનંદાશ્ચર્ય થયું. બાજુમાં જ આવેલા મચ્છી માર્કેટની મુલાકાત લીધી અને કહેવું પડે કે આટલું ચોખ્ખું મચ્છી બજાર ક્યાંય જોવા ન મળે. જરાય ગંદકી નહીં અને વાસનુંય નામોનિશાન નહીં! નજીકમાં જ આવેલા શોપિંગ માર્કેટમાંથી યાદગીરીરૂપે ટી-શર્ટ, શોર્ટ્સ અને કાજુ ખરીદ્યાં. અરપોરા પાછા ફરતી વખતે મંડોવી નદી પર તરતાં, લાઇટોથી ઝગમગતાં ત્રણ કેસિનો(જુગારખાના)
જોયા. કિનારેથી જ હોં!
બધુ કર્યાં છતાં એક વસ્તુ બાકી રહી ગઈ હતી. કાજુ ફેની!
હાર્ડ ડ્રિંકની આદત ન હોવા છતાં ગોવાની ઓળખ સમાન કાજુ ફેની ટેસ્ટ તો કરવી જ હતી. અમારા યજમાન ક્રિસ્ટોએ અમને એમ કહીને બજારુ કાજુ ફેની પીવાની ના પાડી હતી કે મોટેભાગે એ કેમિકલયુક્ત હોય છે. અમે પહેલીવાર મળ્યા એ જ દિવસે તેમણે અમને શુદ્ધ કાજુ ફેની ચખાડવાનું પ્રોમિસ આપ્યું હતું અને પ્રવાસના છેલ્લા દિવસે એમણે એ પ્રોમિસ પાળ્યું. તેમણે આપેલી ફેનીનો ગ્લાસ સાવ બચુકડો હતો પણ એ નાનકડા કોળિયાએ પણ ગળા નીચે ઉતરતાં જ જાણે કે તનબદનમાં આગ લગાડી દીધી.
ક્યારે ઊંઘ આવી અને ક્યારે સવાર પડી ગઈ એ ખબર જ ન પડી.
બીજા દિવસે સવારે બસ પકડી અરપોરાથી માપસા અને ત્યાંથી થિવિમ પહોંચ્યા. થિવિમથી ઓખા એક્સપ્રેસ દ્વારા વલસાડ આવવા નીકળ્યા ત્યારે મન ગોવામાં વીતાવેલા નવ દિવસોની અવિસ્મરણીય યાદોથી તરબતર હતું.
નોંધઃ ૧૦ એપ્રિલ ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ટ્રાવેલ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ
થયો છે.
No comments:
Post a Comment