Wednesday 17 December 2014

ધર્મ પરિવર્તન કે ઘર વાપસી કહો, એ છે તો વિવાદનું ઘર

તાજેતરમાં આગ્રામાં થયેલા સામૂહિક ધર્મપરિવર્તન બાબતે વિવાદ સર્જાયો છે ત્યારે ક્રિસમસના દિવસે અલીગઢમાં વધુ મોટા ધર્માંતરણની જાહેરાતથી ઉત્તરપ્રદેશની સાંસ્કૃતિક સંવાદિતા જોખમાઈ રહી છે


  
બિનસાંપ્રદાયિક ભારતમાં સાંપ્રદાયિક તનાવ કોઈ નવી વાત નથી. આટલા મોટા દેશના કોઈ ને કોઈ ખૂણે ધર્મને નામે નાનુમોટું છમકલું થતું રહે છે, પણ ક્યારેક આવું છમકલું મોટી બબાલનું રૂપ લઈ દેશ આખામાં ચૌરે ને ચૌટે ચર્ચાનો વિષય બની જાય છે. તાજેતરમાં આવું કંઈક ઉત્તરપ્રદેશમાં બન્યું છે. ‘ઘર વાપસીના ટેગ હેઠળ બજરંગ દળે આગ્રામાં ૫૭ મુસ્લિમ પરિવારોના કુલ ૨૫૦ વ્યક્તિઓને કથિત ધર્માંતરણ દ્વારા હિન્દુ બનાવી દીધા હતા. મુસ્લિમોને કથિત રીતે જબરદસ્તીથી, લલચાવી-ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવવાનો મામલો સંસદમાં પણ ઉઠ્યો હતો. લોકસભા અને રાજ્યસભા, બંને જગ્યાએ વિપક્ષના સાંસદોએ આ મુદ્દાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને સીપીએમના સભ્યો પોડિયમ સુધી પહોંચી ગયા હતા. તેમણે મોદી સરકાર, હોશ મેં આઓઅને હિન્દુ મુસ્લિમ, ભાઈ-ભાઈના નારા લગાવ્યા હતા.

મુસ્લિમમાંથી હિન્દુ બન્યાના એક દિવસ બાદ બે વ્યક્તિઓએ કહ્યું હતું કે, રેશનિંગ કાર્ડ, બીપીએલ કાર્ડ અને પ્લોટની લાલચ આપી તેમનું ધર્મ પરિવર્તન કરાવાયું હતું. બજરંગ દળના કાર્યકર કિશોર વાલ્મિકી પર આરોપ લગાડવામાં આવ્યો હતો કે, તે ધર્મ પરિવર્તન કરવા માટે લોકો પર દબાણ કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ અંગે સ્થાનિક પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. દરમિયાન આગ્રામાં ધર્મ પરિવર્તનના વિરોધમાં દેખાવો થયા હતા અને મુસ્લિમ સમાજના સેંકડો લોકો મંટોલાતિરાહા ખાતે ધરણા ઉપર બેસી ગયા હતા.

બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષા માયાવતીએ આ મુદ્દે કહ્યું હતું કે, ‘ધર્મનિરપેક્ષતા એ આપણા દેશના બંધારણનો મૂળભૂત સ્તંભ છે. જો રીતે પ્રજાને લોભાવી-લલચાવી-છેતરીને ધર્મ પરિવર્તન કરાવાતું રહેશે તો સમગ્ર દેશમાં તણાવ ફેલાશે.કોંગ્રેસના દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ‘દરેક નાગરિકને પોતાનો ધર્મ પસંદ કરવાનો બંધારણીય અધિકાર છે, પરંતુ પ્રજાને તેમનો ધર્મ બદલાવવા માટે લલચાવવા એ ગુનો છે.’ ડાબેરી નેતા સીતારામ યેચુરીએ આ મામલે વડાપ્રધાન ચોખવટ કરે એવી માગ કરી હતી.

વડાપ્રધાન તો વિષયમાં ચુપ્પી સાધીને બેઠા છે પણ ભાજપના અન્ય નેતાઓ નિવેદન આપવામાંથી નથી ચૂક્યા. સાક્ષી મહારાજે કહ્યું હતું કે, ‘વિરોધપક્ષો પાસે કોઈ મુદ્દો નહીં હોવાથી તેઓ નકામી ધાંધલ કરી રહ્યા છે, બળજબરીપૂર્વકના કોઈ ધર્માંતરણ કરવામાં આવ્યા નથી.અલીગઢ ભાજપના સાંસદ સતીશ ગૌતમે કહ્યું હતું કે, ‘આ ઘર વાપસીનો કાર્યક્રમ છે, ધર્માંતરણ નથી.’ ભાજપે વિષયમાં ઉત્તરપ્રદેશની સરકાર પર દોષનો ટોપલો ઢોળી દેતા કહ્યું હતું કે, ‘ બાબતમાં યુપીની સરકારે જરૂરી પગલાં લેવા જોઈએ.’

લાગ જોઈને યુપી સરકાર પર નિશાન સાધતા માયાવતીએ પણ જણાવ્યું હતું કે, ‘ભાજપ અને તેના સંગઠનો આ રીતે બળજબરીપૂર્વકના ધર્માંતરણ મારફતે જાતિવાદ ફેલાવે છે તેના વિરુદ્ધ સખત હાથે કામ લેવાની જવાબદારી સમાજવાદી પાર્ટીની છે.

યુપીના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, ‘યુપીમાં કંઈપણ થાય એટલે તમામ રાજકીય પક્ષો તેમાંથી લાભ ખાટવામાં લાગી જાય છે. કેટલાક લોકો ધર્માંતરણના નામે રાજ્યમાં માહોલ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે. ગરીબ લઘુમતીને ધર્મ પરિવર્તન કરાવતી સંસ્થાઓને હું ચેલેન્જ આપું છું કે હિંમત હોય તો મારું ધર્માંતરણ કરી બતાવો.’

આગ્રા પછી છત્તીસગઢના બસ્‍તરમાં પણ ધર્મ પરિવર્તનનો મામલો બહાર આવ્‍યો છે. ભાજપ સાંસદ દિનેશ કશ્‍યપ પર ૩૩ ખ્રિસ્‍તીઓના પગ ધોઈને તેમનું ધર્મ પરિવર્તન કરાવવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાની તસવીરો લેવામાં આવી હતી, જેમાં દેખાય છે કે, સાડી, કામળો અને ગીતા આપ્‍યા બાદ ભાજપ સાંસદ દિનેશ કશ્‍યપ ખ્રિસ્તીઓના પગ ધોઈને તેમને હિન્‍દુ ધર્મમાં સામેલ કરી રહ્યા છે. બસ્‍તરના ખ્રિસ્‍તી સમુદાયના કેટલાક લોકોએ વીએચપી પર મારપીટ કરીને ધર્મ પરિવર્તન કરાવવાના અને ચર્ચમાં પ્રાર્થના કરવાથી રોકવાનો પણ આક્ષેપ કર્યો છે. બસ્‍તરના એસપી અજય યાદવે પણ ખ્રિસ્‍તી સમુદાયના થોડાક લોકોને હિન્‍દુ બનાવવાની વાતને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ધર્મ પરિવર્તનને લઈને બે કોમો વચ્‍ચે મારપીટ પણ થઈ હતી. આગ્રાના વિવાદમાં આ વિવાદે વધુ ભડકો કર્યો છે.

હવે હિન્‍દુ જાગરણ સમિતિ દ્વારા અલીગઢ ખાતે રપ ડિસેમ્‍બરે ક્રિસમસના દિવસે ૧પ હજાર મુસ્‍લિમ-ખ્રિસ્‍તી પરિવારોના ધર્મ પરિવર્તનની તૈયારી શરૂ થઈ છે. આ કાર્યક્રમ બાબતે આયોજકોનો દાવો છે કે, અલીગઢમાં આજ સુધીનું આ સૌથી મોટું આયોજન છે. આયોજકોના કહેવા મુજબ મીડિયા આ મુદ્દાને નકારાત્મક ઢબે ચગાવી રહ્યું છે, પણ આ ધર્મ પરિવર્તન નથી. દેશના જે નાગરિકોએ ભૂતકાળમાં ભય અને પ્રલોભનોને લીધે પોતાનો ધર્મ છોડી મુસ્‍લિમ કે ખ્રિસ્‍તી ધર્મ અપનાવેલો હતો તેઓ ફરી સ્‍વધર્મમાં પાછા ફરી રહ્યા છે. ગોરખપુરના ભાજપ સાંસદ યોગી આદિત્યનાથે એલાન કર્યું હતું કે, અલીગઢનો કાર્યક્રમ થઈને જ રહેશે. જે લોકો પોતાની જાતે ધર્મ પરિવર્તન કરવા માગે છે, તેમનું સ્વાગત છે. કોઈ પોતાની ભૂલ સુધારીને સ્વેચ્છાએ ઘરે પાછા આવવા માગતું હોય તો તેમાં કોઈને આપત્તિ ન હોવી જોઈએ.
ધર્મ જાગરણ મંચ સમિતિ તરફથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અલીગઢમાં પેમ્ફલેટ વહેંચવામાં આવ્યા હતું, જેના પર અપીલ કરનાર તરીકે ધર્મ જાગરણ મંચના સ્થાનિક પ્રમુખ રાજેશ્વર સિંહનું નામ હતું. સિંહે કહ્યું હતું કે, ‘ધર્માંતરણનું કામ આર્ય સમાજ કે શુદ્ધિ સભા કરે છે. અમારી પાસે ધર્માંતરણનું લાયસન્સ જ નથી. અમે તો સ્વેચ્છાએ હિંદુ ધર્મમાં પાછા આવનારા લોકોનું ફક્ત સન્માન જ કરવાના છે.’

વિવાદાસ્પદ ઘટનાક્રમ વિશે પડોશી દેશ પાકિસ્તાનમાંથી પણ તીખી પતિક્રિયા આવી છે. ત્યાંસેવ મુસ્લિમ ઇન ઇન્ડિયાનામની ઓનલાઇન ઝુંબેશ શરૂ થઈ છે. ઘર વાપસી કાર્યક્રમને લીધે ઉત્તરપ્રદેશમાં કોમી રમખાણો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે જેને લીધે ત્યાંનું પોલીસ-તંત્ર અને ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ગયા છે.

ભારતમાં ધર્માંતરણ નવું નથી
વર્ષ ૨૦૦૬માં ભાજપની તત્કાલીન ગુજરાત સરકારની રહેમનજર હેઠળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આર.એસ.એસ.)એ પોતાની સહયોગી સંસ્થાઓ વનવાસી કલ્યાણ પરિષદઅને હિન્દુ જાગરણ મંચસાથે મળીને ગુજરાતના ડાંગ જિલ્લામાં શબરી કુંભમહોત્સવનું ભવ્ય આયોજન કર્યું હતું. આ ધાર્મિક મેળો ધર્મ પરિવર્તનના કારણસર દેશ આખામાં ચર્ચાને ચકડોળે ચઢ્યો હતો. ડાંગના આદિવાસીઓના હિન્દુકરણમાટે યોજાયેલા મેળામાં લગભગ લાખ આદિવાસીઓએ ભાગ લીધો હતો.

દિલ્હી સ્થિત એક સ્વયંસેવી સંસ્થાએ શબરી કુંભમાં શું ચાલી રહ્યું છે એની તપાસ માટે એક સમિતી નીમી હતી. દિગંત ઓઝા, શબનમ હાશમી, રોહિત પ્રજાપતિ અને રામ પુનિયાણી જેવા જાગૃત સામાજિક કાર્યકરોની બનેલી સમિટીએ શબરી કુંભમાં હાજરી આપીને એવો રિપોર્ટ તૈયાર કર્યો હતો કે, ‘શબરી કુંભનું આયોજન આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરી તેમને હિન્દુ બનાવવાના હેતુસર કરવામાં આવ્યું છે. હિન્દુવાદી સંસ્થાઓને કામમાં ગુજરાત સરકાર ખુલ્લેઆમ ટેકો આપી રહી છે.’

તો સર્વવિદિત છે કે, ખ્રિસ્તી મિશનરીઓ દાયકાઓથી ડાંગ જિલ્લામાં આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવતા આવ્યા છે. પેલી સંસ્થાના રિપોર્ટમાં લખ્યું હતું કે, ‘વટલાયેલા આદિવાસીઓને હિન્દુ ધર્મ તરફ પાછા વાળવા સુવ્યવસ્થિતપણે આયોજન ચાલી રહ્યું છે. આદિવાસીઓના મનમાં ખ્રિસ્તી ધર્મ વિરુદ્ધ ઝેર રેડવામાં આવી રહ્યું છે જેને લીધે ડાંગ જિલ્લામાંએન્ટી-ક્રિશ્ચિયનવાતાવરણ સર્જાઈ રહ્યું છે. હિન્દુવાદી સંસ્થાઓના આક્રમક પ્રચાર-પ્રસારથી ખ્રિસ્તી પ્રજા દહેશતમાં જીવી રહી છે. સંઘના પ્રચારકો ડાંગી આદિવાસીઓના મનમાં એવું ઠસાવી રહ્યા છે કે, પ્રાચીનકાળમાં દંડકારણ્ય કહેવાતા ડાંગના જંગલમાંથી ભગવાન શ્રીરામ પસાર થયા હતા અને તેમણે આદિવાસી સ્ત્રીશબરીના એઠાં બોર ખાધાં હતાં, માટે શબરી ડાંગના આદિવાસીઓની પૂર્વજ ગણાય. એક હિન્દુ રાજા પ્રતિ શબરીની ભક્તિને હિન્દુત્વ સાથે જોડી આદિવાસીઓને હિન્દુત્વ તરફ વાળવામાં આવી રહ્યા છે. રામ અને શબરી જે સ્થળે મળ્યા હતા સ્થળે શબરીનું મંદિરશબરીધામબનાવવામાં આવ્યું છે.’

આદિવાસીઓનીઘર વાપસીબાબતેડાંગ મજદૂર યુનિયનના નેતાએ એવું કહ્યું હતું કે, ‘ડાંગી મૂળના આદિવાસીઓ જન્મે હિન્દુ નથી નથી. અમે આદિવાસીઓ છીએ અને કોઈ ધર્મ સાથે સંકળાયેલા નથી. અમારા પોતાના ભગવાન અને રીતરિવાજો છે.’

જોકે ડાંગી આદિવાસીઓના રીતરિવાજો હિન્દુઓને મળતા આવતા હોવાથી હિન્દુવાદી સંસ્થાઓ તેમને હિન્દુ ગણાવી રહી છે. આર.એસ.એસ. ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમણે ડાંગમાં જે કર્યું બધું તેઓ મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને ઓરિસ્સાના જંગલોમાં પણ કરી રહી છે. મુદ્દે આર.એસ.એસે કહ્યું હતું કે, ‘શબરી કુંભનો વિરોધ કરનારા ખ્રિસ્તી મિશનરીઓના એજન્ટ છે. આદિવાસીઓને હિન્દુ ધર્મ સ્વીકારવા બાબતે અમે કોઈ બળજબરી નથી કરી રહ્યા. તેઓ સ્વેચ્છાએ હિન્દુત્વ આપનાવી રહ્યા છે.’

નોંધઃ ૧૭ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.



No comments:

Post a Comment