આપણે ત્યાં બનતી મોટાભાગની ફિલ્મો તેના ‘જોનર’ને વફાદાર રહેવાને બદલે તમામ પ્રકારના
મસાલાથી ભરપૂર ખીચડી બની જતી હોય છે. કારણ વગરના ગીતો અને નકામા સબ પ્લોટ્સની
ભરમાર. બોક્સઓફિસને રિઝવવાને નામે કોઈપણ મસાલા ઉમેર્યા વિના નીરજ પાંડેએ ‘અ
વેન્સ્ડે’ બનાવીને સાબિત કરી બતાવ્યું કે સુપરહિટ ‘આઉટ એન્ડ આઉટ’ થ્રીલર કેવી હોઈ
શકે. તેમની બીજી ફિલ્મ ‘સ્પેશિયલ 26’ પણ ઘણી જ સારી હતી પણ તેમાં તેઓ રોમાન્સનો
ટ્રેક અને ગીતો ઉમેરવાની લાલચ કરવા ગયા એમાં ફિલ્મ ક્યાંક ક્યાંક ઢીલી પડી ગઈ હતી.
‘બેબી’માં નીરજભાઈ ફરીથી ‘અ વેન્સ્ડે’વાળા પ્રમાણિક રંગમાં ખીલ્યા છે. પહેલી
ફ્રેમથી છેલ્લી ફ્રેમ સુધી ફિલ્મ એટલી ચુસ્ત છે કે ક્યાંય રસભંગ નથી થતો. બોલિવુડમાં
બનતી થ્રીલર ફિલ્મોની કરુણતા એ છે કે, રોમાંચક દૃશ્યોમાં ભાગ્યે જ કશી ડિટેલ્સ હોય
છે. બોલિવુડના ઈતિહાસની સૌથી વધુ કમાણી કરનારી ‘ધૂમ થ્રી’નું જ ઉદાહરણ લો, તો એમાં
આમિર ખાન જાણે બગીચામાં આંટો મારવા નીકળ્યો હોય એટલી આસાનીથી દુનિયાભરની બેન્ક
લૂંટતો ફરે છે. ક્યાંય કશી ડિટેલ જ નહીં! આ બાબતે ‘બેબી’ને ફૂલ માર્ક્સ આપવા પડે. ફિલ્મમાં
ઘટતી તમામ ઘટનાઓ લોજિકલ લાગે છે અને ઝીણામાં ઝીણી વિગતો પર ધ્યાન આપવામાં આવ્યું
છે. આતંકવાદના જડ સમા વિલનને ભારતભેગો કરવાની જ કહાની ધરાવતી ‘ડી-ડે’માં જે કચાશ
રહી ગઈ હતી એ ‘બેબી’માં નથી. ધમાકેદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક, આલાગ્રાન્ડ
કેમેરાવર્ક, વાસ્તવિક લાગતા પાત્રો અને એક્શન દૃશ્યો... આ રસપ્રદ-ગતિશીલ-રોમાંચક
ફિલ્મને ચાર ચાંદ લગાવી દે છે. રોલની લંબાઈ નાની હોય કે મોટી તમામ કલાકારો પોતપોતાની
ભૂમિકાને શતપ્રતિશત ન્યાય આપવામાં સફળ રહ્યા છે. પણ નોંધ લેવી પડે અક્ષય કુમારની
કે જેને જોઈ લાગે છે કે આ માણસ સિક્રેટ એજન્ટ બનવા જ પેદા થયો છે. શા માટે એ ફાલતુ
મસાલા ફિલ્મોમાં એની ટેલેન્ટ વેડફી રહ્યો છે એ સમજાતું નથી? અક્કીએ આવા વધુ રોલ્સ
કરવા જોઈએ. નીરજભાઈ પાસે આવી વધુ એક થ્રીલરની આશા રાખી શકાય કેમ કે, ‘બેબી’ના
અંતમાં સિક્વલ બનાવવાની હિન્ટ મૂકાઈ છે. પૈસાવસૂલ એવી આ ‘બેબી’ની મુલાકાત લેવા
જેવી ખરી.
No comments:
Post a Comment