Saturday 28 February 2015

એન્ડ ધી ઓસ્કાર ગોઝ ટુ…


 
એન્ડ ધી ઓસ્કાર ગોઝ ટુસિનેપ્રેમીઓ આ મશહૂર લાઇનથી અપરિચિત નહીં જ હોય. હોલિવુડમાં બનતી ફિલ્મોને સન્માનવા માટે યોજાતો વાર્ષિક સમારોહ એટલે ઓસ્કાર. સૌંદર્ય, ગ્લેમર, કળાનો શંભુમેળો એટલે ઓસ્કાર. ફિલ્મક્ષેત્રે સંકળાયેલા કલાકાર-કસબીઓનું અંતિમ લક્ષ્ય એટલે ઓસ્કાર. સુવ્યવસ્થા અને ફિનેસની વાત આવે તો ઓસ્કાર સામે અન્ય કોઈ એવોર્ડ શોનો ક્લાસ નહીં. સોમવાર ૨૩ ફેબ્રુઆરીએ યોજાયેલો ઓસ્કાર સમારંભ દુનિયાભરમાં જોવાયો. આ વર્ષે ઓસ્કારમાં ઘણી રસપ્રદ ઘટનાઓ બની.

દરેકને એકાદ એવોર્ડ તો મળ્યો!
દર વર્ષે ઓસ્કાર એવોર્ડ્સમાં સૌથી વધુ એવોર્ડ્સ જીતનારીધી બિગેસ્ટ વિનરફિલ્મ હોય એમ એક પણ એવોર્ડ ન જીતનારીધી બિગેસ્ટ લૂઝરફિલ્મ પણ હોય છે. એવી ફિલ્મ પાછી બેસ્ટ ફિલ્મ તરીકે નોમિનેટ થઈ હોય છે. ગયા વર્ષે ફિલ્મઅમેરિકન હસલબેસ્ટ ફિલ્મ સહિત ૧૦ કેટેગરીમાં નોમિનેટ થઈ હોવા છતાં એક પણ એવોર્ડ નહોતી જીતી. આ વર્ષે એવું નથી બન્યું. બેસ્ટ ફિલ્મ માટે નોમિનેટ થયેલી તમામ ૮ ફિલ્મોએ ઓછામાં ઓછો એક એવોર્ડ તો જીત્યો જ છે.

યે ઓસ્કાર નહીં આસાં

ઓસ્કાર આસાનીથી નથી મળતો એનું તાજું ઉદાહરણ આ વર્ષે બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કાર જીતનારી અભિનેત્રી જુલિયન મૂર છે. અભિનય માટે અગાઉ ચાર વાર નોમિનેટ થઈ હોવા છતાં તેને ઓસ્કાર નહોતો મળ્યો. ૫૦ અને ૬૦ના દાયકામાં જાણીતા અભિનેતા રિચાર્ડ બર્ટન ૭ વાર નોમિનેટ થવા છતાં કદી ઓસ્કાર જીતી નહોતા શક્યા. ૧૯૬૨થી ૨૦૦૬ સુધીમાં મહાન અભિનેતા પીટર ઓટુલ ૮ વાર નામાંકિત થયા પણ તેમને હાથે પણ ઓસ્કાર નહોતો લાગ્યો. હાલના સુપરસ્ટાર અભિનેતા લિયોનાર્ડો ડિકેપ્રિયો અભિનય માટે ૪ વાર અને પ્રોડ્યુસર તરીકે ૧ વાર નોમિનેટ થવા છતાં હજુ તેના પર ઓસ્કારની મહેર નથી થઈ. તમામ કેટેગરી ગણીએ તો સાઉન્ડ રેકોર્ડિંગ માટે ૨૦ વાર નોમિનેટ થવા છતાં કેવિન ઓકોનલ નામના મહાશય કદી ઓસ્કારનો કેચ નથી કરી શક્યા.

સુવર્ણ મઢ્યો ઓસ્કાર ખરીદવો છે
ઓસ્કાર વિજેતા જીવનમાં ગમે તેવી નાણાંભીડ અનુભવે, પહેરેલા લૂગડાંય વેચવાની સ્થિતિ આવે તોપણ તેઓ સોને મઢેલી ઓસ્કાર ટ્રોફી વેચી શકતા નથી. વેચવો જ હોય તો ઓસ્કાર કમિટીને જ વેચવાની ઓફર કરવી પડે અને તે પણ ફક્ત ૧ ડોલરમાં! કમિટી ખરીદવાની ના પાડે તો જ ટ્રોફી અન્યત્ર વેચી શકાય. આ નિયમો વિજેતાના વારસદારોનેય લાગુ પડે છે. આ નિયમોના પાલન બાબતે વિજેતાઓ સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે અને એનો ભંગ ગુનો ગણાય છે.

સુપરસ્ટાર્સ વચ્ચે બેસીને ઓસ્કાર શો માણનાર નસીબદારો

ઓસ્કારનો જન્મ થયો એ શરૂઆતના વર્ષોમાં જાહેર જનતા ટિકિટ ખરીદીને ઓસ્કાર સમારંભમાં હાજર રહી શકતી હતી. હવે એ શક્ય નથી. તમારે ઓસ્કાર સમારંભમાં હાજર રહેવું હોય તો કોઈ એવી ફિલ્મ સાથે સંકળાવું પડે જે ઓસ્કાર માટે નોમિનેટ થઈ હોય. તો જ તમને ઓસ્કારનો પાસ મળે. જોકે એક બીજો રસ્તો પણ છે. ઓસ્કારમાં કઈ સેલિબ્રિટી ક્યાં બેસશે એ બધું નક્કી હોય છે. કોઈ સેલિબ્રિટી મોડી પડે તો એની સીટ ખાલી ન દેખાય એ માટેસીટ ફિલર્સકહેવાતા સ્વયંસેવકોને તૈયાર રાખવામાં આવતા હોય છે. અન્ય સ્ટાર્સ સામે તેઓ ઝાખાં ન પડે એ માટે તેમને બરાબર સજાવી-ધજાવીને રેડી રાખવામાં આવે છે. કોઈ સેલિબ્રિટી ચાલુ સમારંભે વૉશરૂમ પણ જાય તો તેની સીટ પર તરત સીટ ફીલર બેસી જાય છે. આ કામ માટે તેમને કોઈ રકમ ચૂકવવામાં નથી આવતી. જોકે સુપરસ્ટાર્સની વચ્ચે થોડીવાર પણ બેસવા મળતું હોય તો પછી નાણાંની પરવા કોણ કરે? જોકે સીટ ફિલર બનવુંય આસાન નથી. એના માટે તમે ઓસ્કાર શોની આયોજક કંપનીમાં કોઈને ઓળખતા હો એ જરૂરી છે. અમસ્તુ જ કોઈએ કહ્યું છે કે, ઓળખાણ એ દુનિયાની સૌથી મોટી ખાણ છે!

બધાંની મજાક ઉડાવતા સંચાલકનું લકપણ ખરાબ હોઈ શકે
ઓસ્કાર શોના સંચાલક બનવું એ પણ સન્માન ગણાય છે. બધાંને એ ચાન્સ મળતો નથી. બોબ હોપ નામના મશહૂર કોમેડિયને ૧૯ વખત ઓસ્કાર શો હોસ્ટ કર્યા છે. બિલી ક્રિસ્ટલ ૯ વખત સંચાલક બન્યા છે. હોસ્ટનું સંચાલન ના વખણાય તો તેને ફરીથી તક ના મળે એવું પણ બને છે. ફક્ત એક જ વાર હોસ્ટ બની શકેલા હોસ્ટ્સને મજાકમાંધ વન એન્ડ ડન ક્લબમાં ગણી લેવામાં આવે છે. અત્યાર સુધી જેમ્સ ફ્રેંકો, એન હેથવે, ક્રિસ રોક અને પોલ હોગન આ ક્લબમાં સામેલ છે. આ વર્ષના હોસ્ટ નીલ પેટ્રિક હેરિસનું સંચાલન પણ કંઈ ખાસ ન હોવાથી તેય આ ક્લબનો મેમ્બર બની જશે એવું લાગે છે.

ઓસ્કારની ચોરી!
અઠંગ ચોર શું નહીં ચોરી શકે? ઓસ્કાર પણ! વર્ષ ૨૦૦૦માં બે ઉઠાવગીરો ભારે સલામતી વચ્ચે રખાયેલી ૫૫ ટ્રોફી ચોરી ગયા હતા! એફબીઆઇએ તપાસ કરી તો બે ટ્રોફી એક કચરાપેટીમાંથી મળી આવી હતી. વધુ એક ટ્રોફી ત્રણ વર્ષ બાદ અનાયાસે ડ્રગ્સ માટે કરાયેલી રેઇડ દરમિયાન હાથ લાગી હતી. બાકીની ૫૨ ટ્રોફીનો આજ સુધી કોઈ પત્તો નથી!    



ઓસ્કારની પડદા પાછળની હકીકતો
ઓસ્કાર શો દરમિયાન કોઈ ગરબડ ના થાય એ માટે એવોર્ડ આપવા સ્ટેજ પર આવનારપ્રેઝન્ટરરિહર્સલ કરતા હોય છે. પ્રેઝન્ટરને તેઓ જે કેટેગરીમાં એવોર્ડ આપવાના હોય એ કેટેગરીમાં નોમિનેટ થયેલા તમામ કલાકારોના નામે વારાફરતી રિહર્સલ કરવું પડે છે. રિહર્સલ દરમિયાન પ્લાસ્ટરની બનેલી બનાવટી ઓસ્કાર ટ્રોફીનો ઉપયોગ થાય છે.

છેલ્લા ૧૪ વર્ષોથી લોસ એન્જેલસ ખાતેના ડોલ્બી થિયેટરમાં ઓસ્કાર સમારંભ યોજાય છે. આ થિયેટરની સિટિંગ કેપેસિટી ૩૪૦૦ છે. અગાઉ ઓછી હતી માટે તેને વધારવા લાઇવ ઓર્કેસ્ટ્રા માટેની જગ્યાનો ભોગ લેવામાં આવ્યો છે. સમારંભ દરમિયાન જે મ્યુઝિક સંભળાતું હોય છે એ હકીકતમાં તો ડોલ્બી થિયેટરથી એક માઇલ દૂર આવેલા કેપિટલ રેકોર્ડ્સ બિલ્ડિંગમાં વાગતું હોય છે. મસમોટા વાયર્સના ગૂંચળા વાટે આ સંગીત ફક્ત ૨.૭ મિલિ સેકન્ડમાં ડોલ્બી થિયેટર પહોંચી જાય છે.

ઓસ્કાર સમારંભ દરમિયાન સ્ટેજ પર વારંવાર પ્રોપ્સ બદલાતા રહે છે. ક્યારેક ઉપરથી ડિઝાઇનર થાંભલા નીચે આવે છે તો ક્યારેક પાછળનો પડદો વચ્ચેથી બે ભાગમાં વહેંચાઈ જઈને સેલિબ્રિટીને પસાર થવાનો રસ્તો કરી આપે છે. આવા કામ માટે મોટેભાગે મોટર સંચાલિત મશીનનો ઉપયોગ થતો હોય છે, પણ ઓસ્કારમાં મોટર્સ વપરાતી નથી કેમકે તે જામ થઈ જાય એવું બની શકે છે. પ્રોપ્સને અહીંતહીં સરકાવવા માટે જૂના સમયમાં વપરાતી એવી દોરડાં, પાઇપ અને કાઉન્ટર વેઇટની ટેક્નિક જ વપરાય છે, જે કદી નિષ્ફળ નથી જતી.

સાચા વિનરને બદલે બીજા જ નામાંકિત સભ્યના નામનું કવર ભૂલથી સ્ટેજ પર પહોંચી જાય તો શું થાય? ફજેતો થાય, બીજું શું! જો આવી ભૂલ થાય તો ઓસ્કાર ટ્રોફી ખોટા હાથમાં ન જાય એ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આયોજક કમિટીમાંથી એક-બે સભ્યો તમામ ૨૪ કેટેગરીના વિજેતાઓના નામ ગોખી લે છે. ખોટા વિનરનું નામ જાહેર થાય તો સ્ટેજ પર જઈ ભૂલ સુધારવાની તેમને સત્તા હોય છે. સદભાગ્યે આજ સુધી તો આવું નથી બન્યું!

શરૂઆતના વર્ષોમાં વિજેતાઓનું લિસ્ટ અખબારોને અગાઉથી પહોંચાડી દેવામાં આવતું. શો ૧૧ વાગ્યે પતે ત્યાં સુધીમાં અખબારોએ પણ સમાચાર પ્રિન્ટ કરીને રાખ્યા હોય જેથી સવારના છાપામાં લોકોને વિજેતાઓની જાણ થઈ જાય, એવી વ્યવસ્થા રહેતી. ૧૯૪૦માં લોસ એન્જેલસ ટાઇમ્સે પોતાની સાંજની આવૃત્તિમાં જ વિજેતાઓના નામ જાહેર કરી શો શરૂ થાય તે પહેલાં જ વટાણા વેરી નાંખ્યા હતા. ત્યારથી ઓસ્કાર કમિટીએ અખબારોને એડવાન્સમાં વિનર લિસ્ટ આપવાનું બંધ કર્યું હતું.

ઓસ્કારનું અવનવું
ઓસ્કારનું ઓફિસિયલ નામએકેડમી એવોર્ડ ઓફ મેરિટછે, ઓસ્કાર તો હુલામણું નામ છે.
ઓસ્કાર શો શરૂ થતાં પહેલાં સેલિબ્રિટી જે રેડ કાર્પેટ પર ચાલીને જતી હોય છે એ કાર્પેટની લંબાઈ હોય છે ૫૦૦ મીટર એટલે કે અડધો કિલોમીટર!

ઓસ્કાર વિજેતાઓને ટ્રોફી સાથે કોઈ કેશ નથી મળતી, પણ ઓસ્કાર જીત્યા બાદ તેમની ફીમાં એવરેજ ગણીએ તો ૨૦ ટકાનો વધારો થતો હોય છે

ઓસ્કારમાં વિજેતાઓની સાથે પરાજિત થયેલાઓની પણ હળવી મજાક ઉડાવવામાં આવતી હોય છે. ૨૦૧૪ની અતિસફળ એનિમેટેડ ફિલ્મધી લેગો મૂવીને આ વર્ષના ઓસ્કાર એવોર્ડ્સમાં બેસ્ટ એનિમેટેડ ફિલ્મની કેટેગરીમાં નામાંકન સુદ્ધાં નહોતું મળ્યું. ફિલ્મને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નામાંકન મળ્યું હતું અને એ સોંગ સ્ટેજ પર પરફોર્મ થતું હતું ત્યારે ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓનેલેગોના બનેલા ઓસ્કાર આપવામાં આવ્યા હતા. એક પણ એવોર્ડ ના જીતેલીધી લોગો મૂવીમાટે લેગો-ઓસ્કાર જ આશ્વાસન રૂપ ગણાવાયો હતો. જોકે, આવી બધી બાબતોને હોલિવુડિયાઓ સહજતાથી લેતા હોય છે. આખરે તો ઓસ્કાર એ ચીજ છે જેમાં એકાદ નોમિનેશન મેળવવું પણ સદભાગ્ય ગણાય છે.   
અવનવા ઓસ્કાર રેકોર્ડ્સ
·         સૌથી લાંબી ઓસ્કાર સ્પીચ- ગ્રીર ગાર્સન.
૫ મિનિટ ૩૦ સેકન્ડ. (બેસ્ટ એક્ટ્રેસ. ફિલ્મ- ‘મિસિસ મિનિવર૧૯૪૨)
·         સૌથી ટૂંકી ઓસ્કાર સ્પીચ- પેટ્ટી ડ્યુક.
ગણીને ફક્ત બે શબ્દો- ‘થેંક યુ’. (બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ. ફિલ્મ- ‘ધી મિરેકલ વર્કર૧૯૬૩)
·         સૌથી યુવા ઓસ્કાર વિજેતા- ટેટમ ઓટુલ.
૧૦ વર્ષ. (બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ. ફિલ્મ- ‘પેપર મૂન૧૯૭૩)
·         સૌથી વૃદ્ધ ઓસ્કાર વિજેતા- ક્રિસ્ટોફર પ્લમર.
૮૨ વર્ષ. (બેસ્ટ સપોર્ટિંગ એક્ટર. ફિલ્મ- ‘બીગિનર્સ૨૦૧૦)
·         અભિનય માટે સૌથી વધુ નોમિનેશન્સ- અભિનેત્રી મેરિલ સ્ટ્રીપ- ૧૯. (૩ વાર જીત્યા)
·         અભિનય માટે સૌથી વધુ જીત- કેથરીન હેપબર્ન- .
·         દિગ્દર્શન માટે સૌથી વધુ જીત- જ્હોન ફોર્ડ-
·         વિવિધ કેટેગરીમાં સૌથી વધુ જીત- વૉલ્ટ ડિઝની- ૨૨. (૫૯ નોમિનેશન્સ)
·         સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ કેટેગરીમાં મહત્ત્મ નોમિનેશન્સ મેળવનાર દેશ- ફ્રાન્સ ૩૯ (૧૨ જીત)
·         સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ કેટેગરીમાં મહત્તમ જીત મેળવનાર દેશ- ઇટલી ૧૪ (૩૨ નોમિનેશન્સ)

નોંધઃ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ફિલ્મ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે





No comments:

Post a Comment