Saturday, 21 March 2015

ઓસ્ટ્રેલિયન ટીનેજર બન્યો જેહાદી

 

અમે જે કરવા જઈ રહ્યા છે એની સામે /૧૧નો વર્લ્ડ ટ્રેડ સેન્ટર હુમલો તો બચ્ચું સાબિત થશે.’ – માર્ચ, ૨૦૧૪.

શહીદી વહોરવા તૈયાર ૧૨ યુવાનો સાથે ઇસ્લામિક સ્ટેટ હાહાકાર મચાવવા તૈયાર છે.’ – ૧૬ જાન્યુઆરી, ૨૦૧૫.

લગભગ એક વર્ષને આંતરે ટ્વિટર પર મૂકાયેલી બે પોસ્ટ વાંચીને સહજ લાગે કે સંદેશાઓ ઈસ્લામિક સ્ટેટના કોઈ રીઢા આતંકવાદીએ લખ્યા હશે. પણ, ના. મેસેજ મૂળ ઓસ્ટ્રેલિયાના ૧૮ વર્ષના યુવાને લખ્યા છે, જેણે ઈસ્લામિક સ્ટેટ તરફથી સુસાઇડ બોમ્બર બનીને ગત બુધવારે ઈરાકમાં આત્મઘાતી હુમલો કર્યો હતો.

વાતના મૂળમાં જઈએ તો, ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રહેતો સ્કૂલ વિદ્યાર્થી જેક બિલાર્ડી ઓગસ્ટ ૨૦૧૪માં ઈસ્લામ ધર્મ સ્વીકારીને તુર્કીના રસ્તે ઈરાક પહોંચ્યો હતો. તેનો હેતુ ઈસ્લામિક સ્ટેટમાં ભરતી થઈ ઈસ્લામ માટે શહીદી વહોરવાનો હતો, જે તેણે કરી દેખાડ્યું. ઈરાક પહોંચી તેણે આતંકવાદી બનવાની તાલીમ લીધી હતી. તે બોમ્બ બનાવતા અને ગન ચલાવતા શીખ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૪માં બીબીસીના પત્રકાર સિકંદર કરમણી સાથેની વાતચીતમાં જેકે આતંકવાદીઓની જબાનમાં જણાવ્યું હતું, હું શહીદ થવા માટે ઈરાક આવ્યો છું અને વધારે ને વધારે કાફરોને મારવા માગું છું.

ગત અઠવાડિયે ઈરાકના રમાદી શહેરમાં સિલસિલાબંધ ૧૩ આત્મઘાતી વિસ્ફોટોને અંજામ આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રલિયા ઉપરાંત ઉઝબેકિસ્તાન, સીરિયા, ઈજિપ્ત, રશિયા, બેલ્જિયમ અને મોરક્કોથી ઇમ્પોર્ટ કરાયેલા યુવાનોએ આત્મઘાતી હુમલાઓ કર્યા હોવાનું ઈસ્લામિક સ્ટેટ દ્વારા ટ્વિટર પર જણાવાયું હતું. ૧૩ પૈકીના એક હુમલાને જેકે પાર પાડ્યો હતો. ઈરાક તરફથી જાહેર કરવામાં આવ્યું હતું કે, જેકનો હુમલો વિફળ ગયો હતો. કોઈ જાનહાનિ નહોતી થઈ. માત્ર થોડા સૈનિકોને ઈજા થઈ હતી અને અમુક વાહનોનો ખુરદો બોલી ગયો હતો. જોકે, જેકના હુમલાની સાથે રમાદીમાં કરવામાં આવેલા અન્ય હુમલાઓમાં પાંચ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો.

ઈસ્લામિક સ્ટેટ દ્વારા જેકના ત્રણ ફોટા ઓનલાઇન મૂકવામાં આવ્યા હતા. પહેલા ફોટામાં જેક બિલાર્ડીને સફેદ રંગની વેનમાં બેઠેલો બતાવાયો હતો. ઈસ્લામિક સ્ટેટ પ્રકારની વેન્સનો ઉપયોગ અગાઉ પણ આત્મઘાતી હુમલાઓ માટે કરી ચૂક્યું છે. બીજા ફોટામાં તે હાથમાં બંદૂક પકડીને ઇસ્લામિક સ્ટેટના ધ્વજ આગળ બે આતંકવાદીઓની વચ્ચે બેઠેલો જોવા મળે છે. ત્રીજી તસવીરમાં તે જાડી જાજમ પર બેઠેલો દેખાય છે. તસવીર સાથે લખાયેલું છેઃ અમારો ઓસ્ટ્રેલિયન ભાઈ, જેણે રામાદીના હુમલાઓને અંજામ આપ્યો.’  
મેલબોર્નની શાળામાં ભણતો જેક એક હોશિયાર વિદ્યાર્થી હતો, પણ અંતર્મુખી સ્વભાવને લીધે અન્ય વિદ્યાર્થીઓ સાથે વધુ ભળતો નહોતો. તેના સહાધ્યાયીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, કોઈ તેને બોલાવે તો તે બોલતો. તેના કોઈ મિત્ર નહોતા. સ્કૂલના અમુક વિદ્યાર્થીઓ તેને ચીડવતા ત્યારે તે ગુસ્સામાં જવાબ આપતોતેનું સપનું પોલિટિકલ જર્નાલિસ્ટ બનવાનું હતું.

ઈરાક અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોના ચંચૂપાતથી તે ખિન્ન હતો. એવામાં ઇન્ટરનેટના માધ્યમથી તે ઈસ્લામિક સ્ટેટના સંપર્કમાં આવ્યો. તેનું એવું તો બ્રેઇનવૉશ કરવામાં આવ્યું હતું કે, તે પોતાના દેશને નફરત કરવા લાગ્યો હતો. સદ્ધર ખ્રિસ્તી દેશો મુસ્લિમ પ્રજાને કારણ વિના રંજાડતી હોવાનું તેના મનમાં ઠસાવવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયા પણ પશ્ચિમી દેશોની સાથે હોવાનું માની તેને વતન પ્રત્યે તિરસ્કાર જાગ્યો હતો

ગલ્ફ કન્ટ્રીઝ વિશેના ન્યુઝ જાણવા માટે તે નિયમિતપણે અલ જઝીરા ચેનલ જોતો. એકવાર એક ઈસ્લામોફોબિક (ઈસ્લામ પ્રતિ ઘૃણા ધરાવતી વ્યક્તિ) અમેરિકન સાથે જેકની ઉગ્ર જીભાજોડી પણ થઈ હતી. શાળામાં તે એમ કહેતો કે તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો છે. ‘શા માટે એમ કર્યું?’ પ્રશ્નના જવાબમાં તે કોઈ જવાબ નહોતો આપતો. તેની માતાનું ૨૦૧૨માં કેન્સરને લીધે અવસાન થઈ ગયું હતું. ઘટનાની વિપરીત માનસિક અસર પણ તેના પર થઈ હોવાનું અનુમાન લગાવી શકાય

ઈસ્લામિક નામ અબુ અબ્દુલ્લાહ અલ-ઓસ્ટ્રેલી ધારણ કરી જેકે તેના બ્લૉગ ફ્રોમ મેલબોર્ન ટુ રામાદીઃ માય જર્નીપર ઘણી સ્ફોટક પોસ્ટ મૂકી હતી, જેનાથી તેના ઇસ્લામિક સ્ટેટ સાથેના સંબંધો વિશે માહિતી મળે છે અને તેની માનસિકતા પણ છતી થાય છે. બ્લૉગ પર તે પોતાના વતનને ભરપૂર ગાળો દેતો. ઓસ્ટ્રેલિયન પ્રજાને ડુક્કરો સાથે સરખાવી તે ઓસ્ટ્રેલિયાને ગંદો અને ભષ્ટ્રાચારી દેશ ગણાવતો.

જેકનો ઈરાદો તો ઈસ્લામિક સ્ટેટમાં જોડાવાનો હતો પણ જો ઈરાક જવામાં સફળતા મળે તો ઘરબેઠા ઇસ્લામિક સ્ટેટના જનસંહારમાં ફાળો આપવા માટે તેની પાસેપ્લાન-બીપણ રેડી હતો. તેનો પ્લાન હાથે બનાવેલા બોમ્બની મદદથી હોમટાઉન મેલબોર્ન પર બોમ્બવર્ષા કરી રાજકારણીઓ અને ઉચ્ચાધિકારીઓને મારી નાંખવાનો હતો. શોપિંગ સેન્ટર્સ અને કેફેઝમાં જઈ બોમ્બધડાકા કરવાની પણ તેને ઈચ્છા હતી. બધું તેણે પોતાના બ્લૉગ પર બેધડક લખ્યું હતું. ઉપરાંત તે ટ્વિટર પર પણ ધમકીભર્યા મેસેજ પોસ્ટ કરતો રહેતો. તેના પ્રકારના ઓનલાઇન આતંકને કોઈએ ઝાઝો સિરિયસલી લીધો નહોતો. લીધો હોત તો કદાચ આજે જીવતો હોત

પોતે બોમ્બની બનાવટમાં વપરાતા કેમિકલ્સ ખરીદતો હતો હકીકત વહેલીમોડી પોલીસના ધ્યાનમાં આવી જશે એવો ડર પણ જેકને હતો, માટે તેણે બોમ્બ બનાવવાનું અધવચ્ચે પડતું મૂકીને તક મળતા ઈરાકની વાટ પકડી હતી. તેના ઘર છોડીને ગયા પછી તેના પરિવારે તેના રૂમમાં કેમિકલ્સ જોઈ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ થયેલી પોલીસ તપાસમાં જેક બિલાર્ડીની કહાની પ્રકાશમાં આવી હતી. ઈરાક પહોંચી ગયા પછી તેનો પત્તો લગાવવો ઓસ્ટ્રેલિયન પોલીસ માટે મુશ્કેલ હતું.  

ઈરાક પહોંચ્યા બાદ જેક તેના બ્લૉગ પર વધુ નફરતભરી પોસ્ટ મૂકવા લાગ્યો હતો. ( બ્લૉગ હવે ઇન્ટરનેટ પરથી હટાવી લેવામાં આવ્યો છે.) તેની માન્યતા હતી કે લોકશાહી દેશોમાં રસ્તા પર ઊભા રહીને ૧૦૦ વર્ષો સુધી તમારો હક માગતા રહેશો તોપણ કંઈ વળવાનું નથી, હક મેળવવા માટે તો હથિયાર ઊઠાવવું પડે. જરા વિચાર તો કરો કે, ૧૮ વર્ષના ટીનેજરના દિમાગમાં કેટલી હદે ઝેર રેડવામાં આવ્યું હશે! જેહાદ માટે જાત હોમ્યા બાદ જન્નતમાં હૂર મળશે એવો આશાવાદ પણ તેણે પોતાના બ્લૉગ પર વ્યક્ત કર્યો હતો. જન્નતમાં હૂર મેળવવાની ઘુટ્ટી પીવડાવી પીવડાવીને આતંકવાદીઓએ કોણ જાણે કેટલાંયે યુવાનોને ગુમરાહ કર્યા હશે. પોતાની જાતને ઈસ્લામનો લડવૈયો ગણાવતા જેકે લખ્યું હતું કે, અલકાયદા અને તાલિબાનને અમેરિકાએ પોતાના સ્વાર્થ માટે ઉછેર્યા હતા. હવે લોકો પોતાના હક માટે લડે છે અમેરિકાને પેટમાં દુખે છે.

જેકને શરૂઆતમાં બ્રિટિશ ધારી લેવામાં આવ્યો હતો અને તેની ઓળખબ્રિટનના ગોરા જેહાદીતરીકે આપવામાં આવતી હતી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન ટોની એબોટે જેક-પ્રકરણને ભયાનક ગણાવતા કહ્યું હતું કે, જેક બિલાર્ડીની જેમ અન્ય ઓસ્ટ્રેલિયન યુવાનો પણ આતંકવાદના રસ્તે ચાલી નીકળે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. નોંધપાત્ર છે કે ઓસ્ટ્રેલિયાના ૯૦ નાગરિકો ઈરાક-સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ માટે લડી રહ્યાં છે અને ૧૫૦ જેટલાં નાગરિકો દેશમાં રહીને કોઈ ને કોઈ રીતે ઈસ્લામિક સ્ટેટની વિચારધારાને પ્રોત્સાહિત કરી રહ્યાં છે.

ખબર એવીય છે કે જેકની ઈચ્છા મુજબ તેને ઓસ્ટ્રેલિયા પર આતંકવાદી હુમલો કરવા મોકલવામાં આવનાર હતો, પણ તેની ઇસ્લામિક સ્ટેટ સાથેની સાંઠગાંઠ ખુલ્લી પડી જતાં તેને ફરીથી ઓસ્ટ્રેલિયા મોકલવો જોખમી હતું. એટલે તેનો ઈરાકમાં સુસાઇડ બોમ્બર તરીકે ઉપયોગ કરી લેવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયા પર આતંકવાદી હુમલો કરવા માટે ઇસ્લામિક સ્ટેટ અન્ય કોઈ ઓસ્ટ્રેલિયન મૂળના યુવાનનો ઉપયોગ કરશે એવી ભીતિ છે.  ઓસ્ટ્રેલિયન સરકારે પોતાના નાગરિકોને સીરિયા અને ઈરાકના વિઝા આપવાનું બંધ કરી દીધું છેપશ્ચિમી દેશોને નજીકના ભવિષ્યમાં વધુજેહાદી જેકપેદા થવાનો ડર છે.   

જેહાદી બ્રાઇડ બનવાનું ગાંડપણ

ઈસ્લામિક સ્ટેટ(આઇએસ) પોતાની વિચારધારાને વૈશ્વિક બનાવવા માટે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો બખૂબી ઉપયોગ કરી રહ્યું છે. ટ્વિટર અને ફેસબુક થકી ટીનેજર્સનું બ્રેઇનવૉશ કરવામાં તેમને ફાવટ આવી ગઈ હોય એવું લાગે છે. સારાસારીનું ભાન ધરાવતા કૂમળા મગજમાં આતંકવાદનું ઝેર રેડી તેમને પોતાની સેનામાં ભરતી કરવામાં આઇએસને સફળતા પણ મળી રહી છે. માત્ર યુવાનોને નહીં, યુવતીઓને પણ ટાર્ગેટ કરવામાં આવી રહી છે. એક મહિના અગાઉ આઇએસમાં સામેલ થવા ત્રણ સગીરાઓ (શમિમા બેગમ(૧૫ વર્ષ), કાદિજા સુલતાના(૧૬) અને અમીર અબેસ) લંડનથી સીરિયા ભાગી ગઈ હતી એના સમાચાર આવ્યા હતા. શાળાની ત્રણ વિદ્યાર્થિનીઓ તો હિમશીલાની ટોચ માત્ર છે. પશ્ચિમી દેશની આવી તો કંઈ કેટલીય યુવતીઓને ભોળવીને આઇએસએ સીરિયા બોલાવી લીધી છે. ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ અત્યાર સુધી ૫૫૦ યુવતીઓ અને મહિલાઓ રીતે આઇએસમાં સામેલ થઈ ચૂકી છે! આવી યુવતીઓને મીડિયા દ્વારા જેહાદી બ્રાઇડ્સનામ આપવામાં આવ્યું છે કેમકે આઇએસ તેઓને જેહાદીઓની પત્ની બનાવવાની લાલચ આપી સીરિયા બોલાવે છે.

યુરોપની એક યુવા મહિલા પત્રકાર એના અર્લ(સાચું નામ નથી) પોતાને જેહાદી બ્રાઇડ બનવામાં રસ હોવાનું નાટક કરીને આખા નેટવર્કની માહિતી મેળવી છે. આઇએસને સંબંધિત ઓનલાઇન સમાચારોમાં નિયમિતપણે રસ લઈને તેણે આઇએસના ટોચના યુવા આતંકી અબુ બિલાલનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. શરૂઆતમાં આઇએસની પ્રવૃત્તિઓ અંગે ચર્ચા થતી અને પછી અબુએ એનાને સીરિયા આવવા માટે કહેવા માંડ્યું. અબુએ એના સામે પ્રેમ પ્રસ્તાવ મૂકી તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી. પોતાના ફોટા પણ મોકલ્યા. લગ્ન પછી એનાને દોમદોમ સાહ્યબીમાં જીવવા મળશે એવા વચનો પણ આપ્યા. પદ્ધતિથી યુવતીઓને ભોળવીને સીરિયા બોલાવવામાં આવે છે. યુરોપ કે અમેરિકાથી યુવતીઓ યુરોપ અને એશિયાના સંગમસ્થળ એવા તુર્કી દેશમાં આવે છે અને ત્યાંથી તેમને સીરિયા કે ઈરાકમાં ઘૂસાડી દેવામાં આવે છે. જેહાદી બ્રાઇડ્સનું જીવન ત્યાં કેવું હશે તો ભગવાન જાણે. અબુના માધ્યમ થકી એના સીરિયામાં રહેતી અમુક જેહાદી બ્રાઇડ્સના સંપર્કમાં આવી હતી. એનાના કહેવા મુજબ યુવતીઓને ધર્મ વિશે ભાગ્યે કશી ખબર હતી. ઈસ્લામના નિયમોને અનુસરવાને બદલે તેઓ જિહાદના ઝેરની સમર્થક બની ગઈ હતી. તેઓ એવું માનતી કે, બિનમુસ્લિમોને ધરતી પર જીવવાનો કોઈ અધિકાર નથી. ખ્રિસ્તીઓ પ્રત્યે ભારોભાર નફરત ધરાવતી યુવતીઓ પૈકીની અનેક ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તીમાંથી મુસ્લિમ બની હતી.       

નોંધઃ ૧૮ માર્ચ ૨૦૧૫ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.




No comments:

Post a Comment