Saturday 11 April 2015

અમેરિકન કાયદોઃ નિર્દયતાનું બીજું નામ… ગર્ભપાત માટે ૨૦ વર્ષની સજા..!

પૂર્વી પટેલના કેસમાં બન્યું એવું ચાલશે તો ભવિષ્યમાં જેને ખરેખર અકસ્માતે ગર્ભપાત થઈ ગયો હોય એવી અમેરિકન મહિલાઓ પણ સારવાર માટે હોસ્પિટલે જતાં ડરશે કે કાનૂનનો ગાળિયો ક્યાંક તેમના ગળામાં પણ આવી પડે


અમેરિકા એટલે ડોલરનો દરિયો. અમેરિકા એટલે ભૌતિક સુખ-સગવડોની રેલમછેલ. અમેરિકા એટલે દોમદોમ સાહ્યબી. અમેરિકા વિશે ભારતીયોમાં આવી માન્યતા પ્રવર્તે છે, જે મહદઅંશે સાચી પણ છે. જોકે, અમેરિકાનું એક રૂપ ત્યાંનો કઠોર કાયદો પણ છે, જેનાથી મોટાભાગના ભારતીયો અજાણ છે. છેલ્લા થોડાં વર્ષોમાં અમેરિકામાં વસતાં ઘણાં ભારતીયો અમેરિકાના કડક કાયદાની હડફેટે ચડીને જેલવાસ ભોગવી ચૂક્યા છે. તાજેતરમાં એક અમેરિકન-ગુજરાતી હિતેન પટેલને સેક્સ સંબંધિત સંખ્યાબંધ ગુનાઓ બદલ ૪૬ વર્ષની કેદની સજા કરવામાં આવી હતી. હિતેન પટેલ તો તેના વિકૃત માનસને લીધે યોગ્ય રીતે સજા પામ્યો, પણ કેસની સાથે અમેરિકામાં સજાને લગતો બીજો એક ગંભીર બનાવ પણ બન્યો છે, જેણે ત્યાં ખાસ્સી હલચલ મચાવી છે.

વાત છે પૂર્વી પટેલ નામની યુવા મહિલાની, જેને અમેરિકન કોર્ટે ૨૦ વર્ષના જેલવાસની સજા ફરમાવી છે. પૂર્વી પર તેના બાળકને ગર્ભમાં મારી નાંખવાનો આરોપ હતો. ઘટનાના મૂળમાં જઈએ તો અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના ગ્રેંજર શહેરમાં નિક પટેલ નામના એક ભાઈ રેસ્ટોરાં ચલાવે છે. તેઓ તેમની પત્ની કુન્ઝા પટેલ અને પૂર્વી પટેલ સાથે રહે છે. જુલાઈ, ૨૦૧૩માં એક દિવસ પૂર્વી મિશાવાકા વિસ્તારની એક હોસ્પિટલમાં પહોંચી હતી. તે સમયે તેના ગુપ્તાંગમાંથી ખૂબ રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. હોસ્પિટલના સ્ટાફે પૂર્વીને પૂછ્યું, ‘શું તમે બાળકને જન્મ આપ્યો છે?’ તો પૂર્વીએ ઈનકાર કર્યો હતો. જોકે, તેને ભારપૂર્વક પૂછવામાં આવતા તેણે કબૂલ કર્યું હતું કે, તેણે એક અવિકસિત બાળકને જન્મ આપ્યો હતો અને ગર્ભપિંડને તેણે પ્લાસ્ટિકની બેગમાં બાંધી કચરાપેટીમાં ફેંકી દીધો હતો. 33 વર્ષીય પૂર્વી અપરિણિત છે, પણ બોયફ્રેન્ડ સાથેના સંબંધથી તે ગર્ભવતી થઈ હતી. તેના મા-બાપને વાતની ખબર નહોતી અને ખબર પડે માટે તેણે ગર્ભપિંડનો ચોરીછૂપે નિકાલ કરી દીધો હતો. તેને જરૂરી સારવાર આપી હોસ્પિટલના સ્ટાફે પોલીસને ખબર પહોંચાડી હતી. પોલીસે કેસની છાનબિન આદરી. નિક પટેલની રેસ્ટોરાંની કચરાપેટીમાં ફેંકી દેવાયેલા ગર્ભપિંડને હસ્તગત કરી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યો. ડૉક્ટરના રિપોર્ટ મુજબ ગર્ભ ૨૪ અઠવાડિયાનો હતો

પૂર્વીના મોબાઇલની તપાસ થઈ, જેમાં જાણવા મળ્યું કે હોંગકોંગથી વ્યાપાર કરતી એક ઓનલાઇન કંપનીમાંથી પૂર્વીએ ગર્ભપાત માટેની દવા ખરીદી હતી. દવા ખાઈને પૂર્વીએ જાણીજોઈને પોતાને ગર્ભપાત થાય એવું કર્યું હોવાથી ભ્રૂણ હત્યાના આરોપસર તેને કસ્ટડીમાં લેવામાં આવી. જોકે, ઘટના બની હતી દિવસના પૂર્વીના લોહીના સેમ્પલમાં પેલી ઓનલાઇન ખરીદાયેલી દવાના કોઈ અંશ મળ્યા નહોતા. એનો અર્થ પણ થઈ શકે કે, પૂર્વીએ દવા ખરીદી હતી, પણ ખાધી નહોતી. કોઈ અન્ય કારણસર તેને ગર્ભપાત થયો હોય એવી પણ શક્યતા ખરી.  

પોતાના બચાવમાં પૂર્વીએ કહ્યું હતું કે, બાળક મૃત પેદા થયું હતું તેમ છતાં તેણે બાળકને હોશમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. હોશમાં આવ્યું તેથી તેણે તેને કચરામાં ફેંકી દીધું હતું. જો તેણે એમ્બુલન્સ અથવા તો ઇમરજન્સી સેવા 911ને મદદ માટે ફોન કર્યો હોત તો તે નિર્દોષ સાબિત થઈ હોત, પણ તેણે એમ નહોતું કર્યું. પૂર્વીના જણાવ્યા મુજબ સમયે તે ખૂબ આઘાતમાં હોવાથી તેને એવી બુદ્ધિ સૂઝી નહોતી.  ન્યૂયોર્કની કોર્ટમાં દિવસ ચાલેલી સુનાવણી બાદ પૂર્વીને જાણીબુઝીને કરેલા ગર્ભપાત, ગુનાને છુપાવવા માટે ગર્ભને કચરાપેટીમાં નાંખવાની ચેષ્ટા અને બાળક પ્રતિ બેદરકારી દાખવવા બદલ ૨૦ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.

અમેરિકાના ૫૦માંથી ૩૮ રાજ્યોમાં ભ્રૂણ હત્યા ગુનો ગણાય છે અને બદલ મહત્તમ ૭૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે. જે રાજ્યોમાં ગર્ભપાત કાયદેસર છે ત્યાં ગર્ભપાત કરાવતા ક્લિનિક પર હુમલા થયાના અનેક બનાવો બન્યા છે. ગર્ભપાત વિરોધી જૂથો આવા રાજ્યોમાં છાસવારે ધરણા કરતા રહે છે. કેટલાક ખ્રિસ્તી ધાર્મિક સંગઠનો ગર્ભપાતને આખા દેશમાં સજાતુલ્ય જાહેર કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. રિપબ્લિકન પાર્ટીના મોટાભાગના સભ્યો પણ ગર્ભપાતને અજન્મેલા બાળકના અધિકારના ભંગ તરીકે રજૂ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગર્ભપાત માટે અમેરિકામાં ધરપકડ કરાયેલી પૂર્વી પટેલ પહેલી મહિલા નથી. અગાઉ પણ આવા કિસ્સામાં ઘણી મહિલાઓની ધરપકડ થઈ છે. એમાંય વિદેશી મૂળની મહિલાઓ સાથે તો આવું અનેકવાર બન્યું છે. બહુ ચર્ચાસ્પદ બનેલો કિસ્સો ચીની મૂળની મહિલા બેઇ બેઇ સુઆઇનો છે. ૨૦૧૧માં ઇન્ડિયાના રાજ્યમાં રહેતી સુઆઇએ આત્મહત્યા કરવાની નિષ્ફળ કોશિશ કરી હતી. સમયે સુઆઇને ગર્ભપાત થઈ ગયો હતો. સુઆઇને મનોચિકિત્સકની સારવાર માટે હોસ્પિટલમાં મોકલવાને બદલે, ભ્રૂણ હત્યા બદલ દોષિત ઠેરવી જેલમાં ધકેલી દેવામાં આવી હતી. એક વર્ષ જેલમાં સબડ્યા બાદ તેની દયા યાચિકાને ધ્યાનમાં લઈ કોર્ટે તેને જેલમુક્ત કરી હતી. અન્ય અમેરિકન મહિલાઓને પણ આવા કિસ્સાઓમાં નાનીનાની સજા થઈ છે, પણ પૂર્વી પટેલને થઈ છે એટલી લાંબી સજા કોઈને નથી થઈ.    

દરમિયાન ગર્ભવતી મહિલાઓના અધિકારો માટે લડત ચલાવતી સંસ્થાઓએ પૂર્વીને થયેલી સજા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ગર્ભવતી મહિલાઓને રક્ષણ આપવાના બદલે અમેરિકી ન્યાયતંત્ર સજા કરે છે તેવો આક્ષેપ તેમણે લગાવ્યો હતો. સંસ્થાઓના જણાવ્યા અનુસાર અમેરિકાના ભ્રૂણ હત્યા અંગેના કાયદાઓ વારંવાર મહિલાઓ વિરુદ્ધ જાય છે. પૂર્વીને સજા ભ્રૂણ હત્યા અને બાળક વિરુદ્ધ બેદરકારી દાખવવાના આરોપસર મળી છે. પૂર્વીના પક્ષમાં બોલનારા દલીલ કરે છે કે, દોષિતને સજા થાય તો પણ ભ્રૂણ હત્યા બાબતે થવી જોઈએ; જે બાળક જન્મ્યું નથી એના માટેબેદરકારી દાખવવાની કલમકઈ રીતે લાગુ પાડી શકાય? વાતમાં વજૂદ પણ છે. ‘નેશનલ એડવોકેટ્સ ફોર પ્રેગનન્ટ વિમેન સંસ્થાના મહિલા પ્રમુખ લીન પેલ્ટ્રીવે કહ્યું હતું કે, કોઈ પણ મહિલાને ગર્ભપાત માટે ગુનેગાર ઠરાવી શકાય નહીં; ગર્ભપાત વિરોધી આવી નીતિ તો મહિલાઓને રક્ષણ નહીં બલકે તેમને સજા આપવા માટેની છે. પૂર્વીના કેસમાં બન્યું એવું ચાલશે તો ભવિષ્યમાં જેને ખરેખર અકસ્માતે ગર્ભપાત થઈ ગયો હોય એવી અમેરિકન મહિલાઓ પણ સારવાર માટે હોસ્પિટલે જતાં ડરશે કે કાનૂનનો ગાળિયો ક્યાંક તેમના ગળામાં પણ આવી પડે.

સમગ્ર ઘટનાક્રમ બાદ અમેરિકમાં ગર્ભપાતને લગતા કાયદામાં બદલાવ કરવાની ચર્ચા જામી છે. પૂર્વી પટેલનો કિસ્સો બદલાવ બદલ નિમિત્ત બને તો સારું. એમ બન્યું તો શક્ય છે કે પૂર્વીને જેલમુક્તિ મળે કે તેની સજામાં ઘટાડો થાય.   

નોંધઃ ૮ એપ્રિલ ૨૦૧૫ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.


No comments:

Post a Comment