ફિલ્મ રિલિઝ થઈ ગયાને દોઢ મહિના પછી કોઈ ફિલ્મનો રિવ્યૂ
લખવાનો ના હોય, પણ આ ફિલ્મ ગુજરાતમાં રિલિઝ ન કરાઈ હોવાથી હજુ ઘણાએ જોઈ નથી અને
એવા દર્શકો યેનકેનપ્રકારેણ આ ઐતિહાસિક ફિલ્મ જુએ જ એ આશયથી આ રિવ્યૂ લખું છું.

રાજપૂત સમાજના વિરોધના બહુ લાં...બા ચાલેલા વિવાદને લીધે ફિલ્મની વાર્તા બધાંને ખબર જ છે, છતાં જરા ક્વિક નોટ કરી લઈએ તો, દિલ્હી સલ્તનતના બાદશાહ અલાઉદ્દિન ખીલજીને જાણ થાય છે કે ચિત્તોડની રાણી પદ્માવતી જેવી સૌંદર્યવતી સ્ત્રી આ જગતમાં બીજી કોઈ નથી, એટલે અય્યાશ ખીલજી બધું કામ પડતું મૂકીને પદ્માવતીને પોતાની રાણી બનાવવાના કામમાં જોતરાઈ જાય છે અને પરિણામે સર્જાય છે ‘પદ્માવત’ની રસપ્રદ કહાની.
ફિલ્મ
પહેલી જ ફ્રેમથી જકડી લે છે અને પોણા ત્રણ કલાકની લંબાઈ છતાં ક્યાંય કંટાળાજનક નથી
બનતી. સંજય લીલી ભણસાલીએ ફિલ્મને શક્ય એટલી ભવ્ય બનાવી છે. ૧૯૦ કરોડનું તોતિંગ
બજેટ ઊડીને આંખે વળગે એટલી ભવ્ય..! રાજમહેલો, વસ્ત્રાભૂષણો, અસ્ત્ર-શસ્ત્રો, મેકઅપ...
બધું જ આલાગ્રાન્ડ. ડાયલોગ્સ સુપર્બ. કેમેરા વર્ક જબરજસ્ત. થ્રીડી અને બેકગ્રાઉન્ડ
સ્કોર એક નંબર. ફક્ત એક જ વસ્તુ ફિલ્મમાં નિરાશ કરે છે અને એ છે ફિલ્મનું સંગીત.
એક ‘ઘૂમર...’ને છોડીને બીજા એકેય ગીતમાં ભલીવાર નથી. ને ‘ઘૂમર...’ના મૂળિયાં પણ
રાજસ્થાની લોકગીતમાં હોવાથી એ કર્ણપ્રિય બને છે, બાકી સંગીતના નામે ભણસાલીસાહેબે
નિરાશ જ કર્યા છે. સિરિયસલી, ભણસાલી સર, તમે હવે ગીતો કમ્પોઝ કરવાનું બંધ કરો,
ફિલ્મ ડિરેક્શન આટલું ફાંકડું કરો છો એ કાફી છે, તમારી ફિલ્મનું સંગીત અન્ય
મ્યુઝિશિયન્સ પાસે બનાવો તો દર્શકોને કાનાનંદ થાય, બાકી તો... (એક અંગત
ઓબ્ઝર્વેશનઃ ભણસાલી સર એમની ફિલ્મોમાં પશ્ચિમ ભારતની સફરે નીકળ્યા હોય એવું લાગે
છે. પહેલા ગુજરાતનું કચ્છ દર્શન કરાવ્યું ‘રામલીલા’માં, પછી મરાઠાજગત જોવા મળ્યું
‘બાજીરાવ મસ્તાની’માં અને હવે ‘પદ્માવતી’ થકી રાજસ્થાન ઘુમાવ્યા. હવે પછી પંજાબ લઈ
જઈને કંઈક ‘સોહની-મહિવાલ’ કે ‘હીર-રાંઝા’ જેવી ક્લાસિક લવસ્ટોરી બનાવશે કદાચ...)


ભણસાલી સરની જૂની ફિલ્મોના છાયા ‘પદ્માવત’માં દેખાયા કરે છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’નું સાંકળ ખેંચીને ઝૂમર ઉપર-નીચે કરવાનું દૃશ્ય અહીં પણ જોવા મળે છે. ‘દેવદાસ’માં પારોની માતાના અપમાનવાળું જે જબરજસ્ત સીન હતું એવું જ કંઈક અહીં પણ થાય છે. ‘પદ્માવત’માં બ્રાહ્મણનું અપમાન થતાં એ ‘પદ્માવતી’ના જીવનમાં હોળી સળગાવે છે. બહુ જ જોરદાર સીન બન્યું છે આ પણ. હોળી દરમિયાન રંગો વડે ખેલતા રતનસિંહ અને પદ્માવતી વચ્ચેનું શૃંગારિક સીન ભણસાલીસાહેબે બહુ જ બખૂબી અને સલૂકાઈથી સજાવ્યું છે, પણ એમાંય ‘રામલીલા’ના ‘અંગ લગાલે…’ ગીતની છાપ દેખાઈ આવે છે. છતાં ભારતીય સંસ્કૃતિને અત્યંત સુંદર ઢબે ફિલ્મી પડદે કંડારતા રહેલા આ સર્જકને સલામ મારવી પડે એવું અફલાતૂન રિઝલ્ટ એમણે ‘પદ્માવત’માં આપ્યું છે. રાજસ્થાની-હિન્દુ સમાજ અને મુસ્લિમ પરિવેશ જેવા બે અંતિમો ફિલ્મમાં અત્યંત બારીકાઈથી દર્શાવાયા છે. યુદ્ધના સીન્સ અલ્ટિમેટ. શાહિદ-રણવીર વચ્ચેની શાબ્દિક તડાફડી અને શારીરિક તનાતનીના જેટલા પણ દૃશ્યો છે એ બધ્ધાં જ પૈસાવસૂલ. ભારતભૂમિમાં અત્યંત ઉચ્ચ આદર્શો સાથે જીવતાં રાજા-રજવાડાં હતાં એ જાણીને એક ભારતીય તરીકે છાતી ગજગજ ફૂલી જાય એ પ્રકારની ફિલ્મ ભણસાલીસાહેબે બનાવી છે. રાજપૂતો અમથા અમથા જ વિરોધના વાવટા ફરકાવવા નીકળી પડ્યા, બાકી આ ફિલ્મમાં કંઈ જ વાંધાજનક નથી. ઉલ્ટાનું એમને ગર્વ થાય એ રીતે રાજપૂતી પરંપરાઓને દર્શાવાઈ છે. નિઃશસ્ત્ર કે ઘાયલ દુશ્મન પર પણ વાર ન કરવાની ઉદાત્ત પૌરુષી વીરતા હોય કે પછી દુશ્મન સૈન્યથી શીલની રક્ષા કરવા માટે જાતને અગ્નિશિખાઓમાં હોમી દેવાની નારીસહજ દૃઢતા હોય, ભણસાલીએ બધું દિલ પર ચોટ કરી જાય એ રીતે દર્શાવ્યું છે. ફિલ્મના અંતમાં બે સીન તો એવા છે કે જોતી વખતે અચૂક આંખમાં પાણી આવી જાય અને રુંવાડા ખડા થઈ જાય. એક, ખીલજીના દસ-બાર યૌદ્ધાઓ સામે એકલેહાથે ઝઝૂમતો રાજપૂત સેનાપતિ ગરદન કપાઈ ગયા પછી પણ હવામાં તલવાર વીંઝતો રહે છે, એ સીન, અને બીજો, દિલ્હીની વિશાળ ફોજ સામે સઘળું હારી ગયા બાદ ચિત્તોડની મહિલાઓ ‘જય ભવાની...’ના જયનાદ સાથે ભડભડ બળતા અગનકુંડમાં હસતી હસતી ઝંપલાવી દઈને સામૂહિક જૌહર કરે છે એ સીન. આફરિન. સેલ્યુટ. નતમસ્તક. આપઘાત કરવાની અન્ય રીતો પણ હતી ચિત્તોડની મહિલાઓ પાસે. ઝેર પી લેવાથી લઈને ગળે ફાંસો અને જળસમાધિ સુધીના વિકલ્પો હતા, પણ એ શીલવતિઓ આગમાં બળી મરવાનો સૌથી પીડાદાયક માર્ગ અપનાવે છે કે જેથી દુશ્મનોના હાથમાં એમનું શરીર આવે જ નહીં અને મર્યા બાદ પણ એમના શરીર સાથે કોઈ દુર્વ્યવહાર ન કરી શકે. વાત ફક્ત દુનિયા જોઈ-સમજી-માણી ચૂકેલી પુખ્ત મહિલાઓની નથી, અહીં તો દસ-બાર વર્ષની બાળાઓ પણ એમની માતાના હાથ પકડીને અગ્નિમાં સ્વાહા થઈ જતી બતાવાઈ છે અને પ્રેગ્નન્ટ મહિલાઓ પણ… પદ્માવતિની એક ઝલક મેળવવા માટે રીતસર ફાંફા મારતા ખીલજીને ચિત્તોડનું મહિલાવૃંદ છેવટ સુધી સફળ થવા નથી દેતું. આ સમગ્ર ઘટનાક્રમ અત્યંત સચોટપણે ફિલ્માવાયો છે અને મન પર ઊંડી છાપ છોડી જાય એવો બન્યો છે. ભણસાલીની અગાઉની ફિલ્મોની જેમ જ ‘પદ્માવત’માંય ફિલ્મનો ક્લાયમેક્સ જ ફિલ્મની હાઇલાઇટ બની જાય છે.

આઇસિંગ ઓન ધ કેક
મુંબઈના
કાંદિવલી ખાતે રઘુલીલા મૉલમાં આવેલા આઇનોક્સ થિયેટરમાં ફિલ્મ જોવા જવાનું થયું
ત્યારે ખબર્ય પડી કે અસલી થ્રીડી કોને કહેવાય. કેમકે થ્રીડીને નામે અમારા
વલસાડ-વાપીના થિયેટરો તો ઉલ્લુ જ બનાવે છે. આઇનોક્સનું થ્રીડી અત્યંત સ્પષ્ટ!
સ્ક્રીનનો ખૂણેખૂણો ચોખ્ખો દેખાય. ને સાઉન્ડ સિસ્ટમ તો ભાય...ભાય... કહેવું પડે.
યુદ્ધના દ્રશ્યોમાં કાન પાસેથી વહી જતાં તીરનો સન્ન...સન્ન... અવાજ હોય કે
શાહિદ-રણવીર વચ્ચેની ક્લાયમેટિક વન-ટુ-વન તલવારબાજીમાં અફલાતૂન રેકર્ડ થયેલા તલવાર
અને ઢાલના ‘ટેંગ...ટેંગ...’ અવાજો હોય... ટિકિટના રૂપિયા તો આઇનોક્સના થ્રીડી
રિઝલ્ટ અને સાઉન્ડ સિસ્ટમે જ ફૂલ્ટુ વસૂલ કરી દીધા. જલસા, બાપ્પુ… નકરા જલસા…
Wah ! Beautifully written ! Each and every part superbly described 👏👏👏👏👏❤
ReplyDeletethank you so much dear. coming this from you is even more special for me...
Delete