Monday, 30 April 2018

ફિલ્મ રિવ્યૂઃ ‘એવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર’… કલાકારોના ઝમેલામાં અટવાયેલો ચાર્મ…


હોલિવુડની સુપરહિરો ફિલ્મો શરૂઆતમાં બહુ ગમતી, પણ છેલ્લા ચાર-પાંચ વર્ષમાં એનો અતિરેક થવા માંડ્યો. ‘સ્પાઇડરમેન’, ‘એક્સમેન’ અને ‘પ્લેનેટ ઓફ ધ એપ્સ’ જેવી ફિલ્મો એ હદે નિરાશાજનક લાગેલી કે એ પછી આવેલા એના ભાગ જોવાના જ માંડી વાળેલા. એકના એક પ્લોટ ને બેકગ્રાઉન્ડ, બ્રહ્માંડની કારણ વગર બરબાદી કરવા નીકળી પડેલા વિલનો ને એમને હંફાવતા હિરોલોગને ક્યાં સુધી સહન કરવાના. સ્ટારકાસ્ટ ને ડિરેક્ટર જ બદલાય ખાલી, બાકી એક્શન કોરિયોગ્રાફી ને કમ્પ્યુટર ગ્રાફિક્સ પણ સેમ સેમ. એવામાં ૨૦૧૭માં રણમાં વીરડી સમાન ‘વન્ડર વુમન’ની પધરામણી થઈ અને એની યૂનિક રજૂઆતથી દિલ ગાર્ડન-ગાર્ડન થઈ ગયું. એ પછી ગયા વર્ષે જ જોયેલી ‘બ્લૅક પેન્થર’એ તો સાબિત કરી દીધું કે સુપરહિરો ફિલ્મોમાં હજુ ઘણું નવું આપી શકાય એમ છે. હવે આવી છે લેટેસ્ટ માર્વેલ સુપરહિરો પેશકશ ‘એવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર’, જેના ટ્રેલરે મહિનાઓથી ઈન્તેઝારી જગાવી હતી, પણ રિઝલ્ટ… ફૂસ્સ્સ…

ના, ફિલ્મ ખરાબ નથી. સારી જ છે. આ જોનરની ફિલ્મો ગમતી હોય તો જોઈ અવાય, પણ મારા જેવા નીતનવું જોવા માગતા દર્શકો નિરાશ થશે. ફક્ત હોલિવુડ જ નહીં, હિન્દી સહિત દુનિયાની તમામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી મસમોટા નામો ધરાવતી ફિલ્મોને ઓપનિંગ તો તોતિંગ મળી જ જતું હોય છે, પછી એ સલમાનની ભંગાર ફિલ્મો હોય કે હોલિવુડિયા સુપરહિરોની બેસ્વાદ વાનગી. પણ આવી ફિલ્મોને લાગુ પડતું એક અંગત ઓબ્ઝર્વેશન છે કે ફિલ્મ ખરેખર મોટાભાગના દર્શકોને ગમી હોયને તો થિયેટરમાંથી બહાર નીકળતું ઓડિયન્સ ફિલ્મમાં ગમેલા સીન્સ ને ડાયલોગ્સને મમળાવતા હોય, એના વિશે વાતો કરતા હોય, ફરીવાર એને માણતા હોય છે. અઠંગ હૂરતીમાં ‘પેલો જ બો ભારી ઉતો…’ કે ‘વિલનને તો ઝામ માઇરો…’ જેવા ટિપિકલ ડાયલોગ્સ સાંભળવા મળે જ. ‘એવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર’ સાથે એવું નથી બન્યું, દર્શકો ભલતીસલતી વાતો કરતા નીકળી ગયા, એ જ સાબિતી છે કે બહુધા દર્શકોની અપેક્ષા પર આ ફિલ્મ ઊણી ઉતરી છે.

વલસાડ જેવા નાના નગરમાંય ‘એવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર’ બાબતે ઉત્સાહ એટલો છે કે કરંટ બૂકિંગ જ નથી મળતું. બધાં શૉ છલોછલ..! છેલ્લી ઘડીએ બૂક-માય-શૉ પરથી ટિકિટ લીધી, માંડ મળી, એય ન ગમતા ખૂણામાં. ને જુવાનિયાઓનો આ સુપરહિરો-ગેંગ પ્રતિ પ્રેમ તો એટલો બધો કે, દે-માર સીટીઓ ઠોકે. મેં પણ થિયેટર ગજાવ્યું. મેળા જેવા માહોલ છતાં અંતિમ રિઝલ્ટ સંતોષજનક તો નથી જ. સૌથી મોટું આશ્ચર્ય એ કે, માર્વેલના એક એકથી ચઢિયાતા સુપરહિરોની હાજરી હોવા છતાં સૌથી વધુ ચિલ્લમચિલ્લી મહાવિલન ‘થાનોસ’ માટે થઈ..! ને એને બતાવ્યો પણ એવો ખતરનાક ને પડછંદ છે કે ગમી જાય. થાય કે, વાઉ! વિલન હોય તો આવો! આટલી તાકતવર માયાને તો કેમેક મારહે..?

એક્શન મસ્ત, બેકગ્રાઉન્ડ સ્કોર ફાઇન, કમ્પ્યુટર ગ્રાફિક્સ ક્યા કહેને, ડાયલોગ્સ સતત હાસ્યની છોળો ઉડાવતા રહે એવા(સૌથી બેસ્ટ લાઇન્સ ‘બ્રેડલી કૂપરે’ જેને અવાજ આપ્યો છે એ રકૂન કમ શિયાળ જેવા પ્રાણી બનતા તુમાખી, મસ્તીખોર, ઓવરકોન્ફિડન્ટ ‘રોકેટ’ને હિસ્સે આવી છે. સાલુ, બઉ જ ચાલુ કેરેક્ટર છે), પણ છતાંય ઓવરઓલ કંઈક અધૂરપ ખટકતી રહે છે. અને એ છે અધૂરપ છે નાવિન્યનો અભાવ. એ જ જૂના સીન્સ ને સિચ્યુએશન્સની ખીચડી ખાતાં હોય એવું લાગે. ટોપલો ભરીને ઠાલવેલા કલાકારો. ચહેરો-ગેટઅપ તરત યાદ આવે એવા ૧૫-૧૭. પરચૂરણ તો જુદા. પણ ડિરેક્ટર ‘એન્થની રુસો’ આ તમામ કલાકારોને પૂરતો ન્યાય નથી આપી શક્યા. ‘થાનોસ’ બનતા ‘જૉશ બ્રોલિન’ પછી સૌથી બળકટ રોલ હોય તો ‘થોર’ બનેલા ‘ક્રિસ હેમ્સવર્થ’નો. એ પછી ‘આયર્ન મેન’ (રોબર્ટ ડાઉની જુનિયર), ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ (બેનેડિક્ટ કમ્બરબેચ) અને ‘સ્પાઇડર મેન’ (ટૉમ હોલાન્ડ)ને સંતોષજનક કામ કરવા મળ્યું છે, બાકીના બધ્ધાં જાણે કે વેતરાઈ ગયાં. ‘હલ્ક’ બનેલા ‘માર્ક રફેલો’નો રોલ તો લાંબો, પણ બિનઅસરકારક. કેટલી અપેક્ષા હતી ‘હલ્ક’ પાસેથી કેમ કે, શારીરિક દૃષ્ટિએ ‘થાનોસ’ની સમકક્ષ તો એ જ લાગે, એટલે થયેલું કે છેલ્લે આ થાનોસડાનો ઘડોલાડવો તો આપણો હલ્કડો જ કરશે. પર અફસોસ, વો હો ન શકા...

સૌથી વધુ દયાજનક તો ‘કેપ્ટન અમેરિકા’ (ક્રિસ ઇવાન્સ) મારી ફેવરિટ ‘બ્લૅક વિડો’ (સ્કાર્લેટ જ્હોનસન) લાગ્યાં. એક તો બંનેની એન્ટ્રી જ અડધે-પોણે કલાકે થઈ ને એ પછીય બંનેને બહુ જ ઓછું ફૂટેજ મળ્યું. બંનેને ખાલી ફિલ્મના પોસ્ટરમાં ચમકાવ્યા છે, ફિલ્મમાં નહીં. એ બંને કરતાં તો ‘વિઝન’ (પૌલ બેટની) અને ‘સ્કાર્લેટ વિચ’ (એલિઝાબેથ ઓલ્સેન)ને વધુ દમદાર કામ મળ્યું છે. ‘ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી’ની આખેઆખી ગેંગ (ક્રિસ પ્લાટ, બાતિસ્ટા, ગ્રૂટ, રોકેટ, મેન્ટિસ) મજેદાર. એ જ ગેંગની હરી-પરી ‘ગમોરા’ (ઝો સલ્ડાના)નું ‘થાનોસ’ સાથેનું ઇમોશનલ કનેક્શન ગમ્યું. ‘ગેમ ઓફ થ્રોન્સ’વાળા બટકા ‘પીટર ડિક્લેજ’નો ઉમેરો પણ ગમ્યો. થાનોસના શેતાની આસિસ્ટન્ટ ‘ઇબોલી મૉ’ બનેલો એક્ટર પણ એના ગેટઅપને લીધે રસપ્રદ લાગ્યો. બાકી, ‘હેઇમ્ડલ’ (ઇદ્રિસ આલ્બા), ‘લોકી’ (ટૉમ હિડલ્સ્ટૉન), ‘ધ કલેક્ટર’ (બિનિશિયો ડૅલ તોરો) જેવા તો એક એક સીનના ઘરાક. પડદા પર ક્યારે આવ્યા ને ક્યારે ગયા, એય ખબર ના પડી. ગામ આખાને અઢી કલાકમાં ન્યાય આપવું આમેય શક્ય નહોતું એટલે યે તો હોના હી થા…   

‘થોર’નું ભઠ્ઠી પ્રજ્જવલિત કરવાવાળું સીન ઓસમ. ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ શ્રીકૃષ્ણની સ્ટાઇલમાં સહસ્ત્ર-રૂપ ધારણ કરે એ વિઝ્યુઅલ્સ માઇન્ડબ્લોઇંગ. ન્યૂ યોર્કમાં બતાવેલી પહેલી બબાલ પણ ઝક્કાસ અને ‘વકાન્ડા’ની ધરતી પર ખેલાતો ૪૫ મિનિટ લાં…બો ક્લાઇમેક્સ પણ ફેન્ટાસ્ટિક. બાકી બધું ઠીક મારા ભઈ…
ભારતભરમાં ‘એવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર’ને જબ્બર એડ્વાન્સ બુકિંગ મળ્યું હોવાથી બોક્સઓફિસ પર ૧૦૦-૧૫૦ કરોડ તો પાક્કા(www.boxofficeindia.comના કહેવા મુજબ શુક્ર-શનિ-રવિનું ભેગું કલેક્શન ૯૪ કરોડથી વધુ!!!), પણ ૩૦૦થી ૪૦૦ મિલિયન ડોલર્સ(૨૦-૨૫ અબજ રૂપિયા, બાપા..!!!)માં બનેલી ફિલ્મ છે ‘મોળી’ એટલું નક્કી. મારા તરફથી પાંચમાંથી ૩.૫ સ્ટાર્સ. વાર્તા અધૂરી રાખી છે, બીજા ભાગમાં પતશે. આશા રાખીએ કે એ વધુ સારો હોય.












No comments:

Post a Comment