Friday, 13 December 2013

અદ્‍ભુત ફેન્ટસી એડવેન્ચર ‘હોબિટ ટુઃ ધ ડિસોલેશન ઓફ સ્મોગ’

       
૧૯૩૭માં જે. આર. આર. ટોલ્કિન દ્વારા લખાયેલી નવલકથા હોબિટમાં સમાંતર વિશ્વ(મિડલ અર્થ)ની કલ્પના કરવામાં આવી હતી. આ નવલકથાને મળેલી લોકપ્રિયતાથી ઉત્સાહિત લેખકે ધ લોર્ડ ઓફ ધ રિંગ્સશ્રેણીની ત્રણ નવલકથાઓ લખી હતી. રિંગ્સ નવલકથાઓ હોબિટ કરતાં વધુ મોટા ફલક પર આકાર લેતી હોવાથી વધુ સફળતાને વરી હતી. સફળ પુસ્તકો પરથી આફરીન થઈ જવાય એવી ફિલ્મો બનાવવામાં હોલિવુડની માસ્ટરી છે પરંતુ ટોલ્કિનની નવલકથાઓમાં જે કાલ્પનિક જગત દર્શાવાયું હતું એને સિનેમાના પડદે તાદૃશ્ય કરવું ભારે જહેમત માગી લેનારું હોવાથી દાયકાઓ સુધી કોઈ ફિલ્મસર્જકે આ પડકાર ઉપાડવાની હિંમત નહોતી કરી. વળી એ ચમત્કારી દુનિયા રચવા માટેની ટેકનોલોજીનો પણ અભાવ હોવાથી સર્જકો પાછળ પડતા હતા. છેવટે કારકિર્દીની શરૂઆતમાં બેડ ટેસ્ટઅને બ્રેન ડેડજેવી હોરર ફિલ્મો બનાવી ચૂકેલા પીટર જેક્સને બીડું ઝડપ્યું.

હોબિટનો પહેલો ભાગ એન અનેક્સપેક્ટેડ જર્નીજ્યાં પૂરો થયો હતો એ જ પોઇન્ટ પરથી આ બીજા ભાગ ધ ડિસોલેશન ઓફ સ્મોગની વાર્તા આગળ વધે છે. ગેન્ડાલ્ફ(ઇયાન મેક્લિન) અને તેર વામન સાથીઓ સાથે બિલ્બો(માર્ટિન ફ્રીમેન) તેમનો ખોવાયેલો ખજાનો શોધવા માટે મીર્કવુડના જંગલ તરફ સફર શરૂ કરે છે. જંગલમાં તેમની મુલાકાત વિશાળકાય બિઓર્ન સાથે થાય છે જે પોતાની ઈચ્છાનુસાર માણસમાંથી રીંછ અને રીંછમાંથી માણસનું રૂપ લઈ શકવાની શક્તિ ધરાવતો હોય છે. ડોલ ગુલ્ડુર પહાડી જવા માટે ગેન્ડાલ્ફ અલગ રસ્તો પકડે છે. જંગલમાંથી પસાર થતી વખતે હોબિટ્સ ઉપર દૈત્યાકાર કરોડિયાનું ઝુંડ હુમલો કરે છે અને તેનાથી બચવાની લ્હાયમાં બિલ્બો સિવાયના બધા વુડ-એલ્વ્ઝ(જંગલી વેંતિયાઓ) દ્વારા ઝડપાઈ જાય છે. પછીથી બિલ્બોની મદદથી તેના સાથીઓ વુડ-એલ્વ્ઝની ચુંગાલમાંથી છટકી જાય છે. જંગલમાંથી પસાર થતી નદીના પ્રવાહના સથવારે તેઓ લેક ટાઉન અને ત્યાંથી પછી લોન્લી માઉન્ટેન પહોંચે છે. પર્વતમાં છુપાયેલો દરવાજો શોધીને બિલ્બો પર્વતની અંદર દાખલ થાય છે જ્યાં તેનો સામનો ખજાના પર કબજો જમાવીને બેઠેલા ડ્રેગન સ્મોગ સાથે થાય છે. બીજી બાજુ ઉજ્જડ, ખડકાળ પહાડી ડોલ ગુલ્ડુર પહોંચેલા ગેન્ડાલ્ફને એક વિશેષ રહસ્ય વિશે જાણવા મળે છે. આ સાથે જ ફિલ્મ ધમાકેદાર ક્લાઇમેક્સ તરફ આગળ વધે છે.


હોબિટ અને ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ નવલકથાઓ વચ્ચે સાઈઠ વર્ષનો સમયગાળો દર્શાવાયો હતો. ગેન્ડાલ્ફ, ગેલેડ્રિઅલ(કેટ બ્લેન્ચેટ), સરુમન(ક્રિસ્ટોફર લી) અને ગોલમ(એન્ડી સર્કિસ) જેવા રિંગ્સ ટ્રિઓલોજીના પાત્રો મૂળ હોબિટ નવલકથામાં ન આવતા હોવા છતાં હોબિટ ફિલ્મોમાં લેવામાં આવ્યા છે. વાર્તામાં લેવામાં આવેલી આ છૂટ હોબિટ ફિલ્મોને વધુ રસપ્રદ (અને ગ્લૅમરસ!) બનાવે છે. બિલ્બોના મુખ્ય પાત્ર માટે ટોબી મૅગ્વાયર(સ્પાઇડરમેન) અને ડેનિયલ રેડક્લિફ(હેરી પોટર)ના નામ પણ વિચારવામાં આવ્યા હતા. છેલ્લે માર્ટિનને ફાઇનલ કરવામાં આવ્યો. પીટર જેક્શન ફિલ્મનાં ડિરેક્ટર ઉપરાંત પ્રોડ્યુસર અને સ્ક્રીનપ્લે રાઇટર પણ છે.

હોબિટ ફિલ્મોની ભવ્યતા ધ લોર્ડ ઓફ ધ રિંગ્સટ્રિઓલોજી ફિલ્મો કરતાં જરાય ઉતરતી નથી. ગત વર્ષે રજૂ થયેલા હોબિટના પહેલા ભાગમાં એકશન દૃશ્યો ઓછા હોવાથી અને સ્ક્રીનપ્લેમાં પ્રસંગોના પુનરાવર્તનથી સિનેરસિકો થોડા નિરાશ થયેલા. રસપ્રચુર વાર્તાપ્રવાહ અને એક-એકથી ચડિયાતા એકશન દૃશ્યોથી ભરપૂર બીજો ભાગ દર્શકોને સહેજ પણ નિરાશ નથી કરતો. ટેક્નોલોજીથી લઈને કમ્પ્યુટર ગ્રાફિક્સ, સિનેમેટોગ્રાફીથી લઈને કોસ્ચ્યુમ્સ અને મેક-અપથી લઈને આર્ટ ડિરેક્શન સુધીના તમામ મોરચે હોબિટ ટુ વધુ સારી સાબિત થાય છે.


ફિલ્મની હાઇલાઇટસમું ગોલમનું પાત્ર એનિમેશનની લેટેસ્ટ ટેકનોલોજીનું અદ્‍ભુત ઉદાહરણ છે. કલાકાર એન્ડી સર્કિસે કરેલા અભિનયનું શૂટિંગ કરીને તેને કમ્પ્યુટર પર લેવામાં આવ્યું. આખા શરીરના હલનચલનની ઝીણામાં ઝીણી વિગત ભેગી કરવા માટે તેના શરીર પર ઠેકઠેકાણે ઇલેક્ટ્રોડ્સ લગાવવામાં આવ્યા હતા. આ માહિતી કમ્પ્યુટર પર લઈને અત્યંત વાસ્તવિક લાગે એવા ગોલમનું સર્જન કરવામાં આવ્યું હતું.

થ્રીડી ઇફેક્ટ બરાબર ઉપસે એ માટે માનવ આંખ વચ્ચેના અંતર જેટલા અંતરે બે કેમેરા ગોઠવી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ફિલ્મો સેકન્ડ દીઠ ૨૪ ફ્રેમ પર બનતી હોય છે પરંતુ પીટરે ફિલ્મને સેકન્ડ દીઠ ૪૮ ફ્રેમ પર શૂટ કરી છે જેથી ફિલ્મ જોવાનો અનુભવ વધારે સારો બને. HFR ટેક્નોલોજીને લીધે ફિલ્મની થ્રીડી ઇફેક્ટ ઘણી સ્મૂધ અને રિચ છે પરંતુ લોસ એન્જેલસમાં યોજાયેલા પ્રિમિયરમાં ફિલ્મ જોનારા ઘણાંને એ ખટ્ક્યું પણ છે. ચિત્રની ઊંડાઇને કારણે અમુક લોકોને ચક્કર આવ્યાનો અનુભવ થયો હતો. વાંકદેખા વિવેચકોને વધુ પડતીપોલિશ્ડ હોવાથી ફિલ્મ રિયલ લાગવાને બદલે આર્ટિફિશિયલલાગી છે!

હોલિવુડમાં ફેન્ટસી એડવેન્ચર અને સાયન્સ ફિક્શન ફિલ્મોમાં આવતા ચિત્રવિચિત્ર પાત્રો પરથી બનેલા રમકડાં અને વીડિયો ગેમ્સનું બહુ મોટું માર્કેટ છે. ઉપરાંત ટી-શર્ટ, કેપ જેવી ક્લોધિંગ અને અન્ય એક્સેસરીઝ તો ખરી જ. હોબિટ ફિલ્મોના પાત્રો પરથી બનેલી આવી એક્સેસરીઝનું પણ ધૂમ વેચાણ થયું છે.

હોબિટના પહેલા ભાગે ૧ અબજ અમેરિકન ડૉલર કરતાં વધારે કમાણી કરી હોવાથી હોબિટ ટુઃ ધ ડિસોલેશન ઓફ સ્મોગપર પુષ્કળ અપેક્ષાઓ છે. ફિલ્મ ૧૩ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ રજૂ થઈ રહી છે. ત્રીજો ભાગ ધેર એન્ડ બેક અગેઇનજુલાઇ, ૨૦૧૪માં રિલીઝ થશે જેમાં બે-ત્રણ નહિં, પૂરી પાંચ ફોજ એકબીજા સામે બાથ ભીડવા માટે રણમેદાને ઉતરશે. રિંગ્સ ટ્રિઓલોજીની જેમ ફિલ્મરસિકો માટે હોબિટ સિરિઝ હકીકતમાં એક અનએક્સપેક્ટેડ જર્ની બની રહેશે. 

            
સારા કામમાં સો વિઘ્ન

ઉપરોક્ત કહેવત હોબિટને પણ લાગુ પડી હતી કેમ કે ફિલ્મના નિર્માણ દરમ્યાન ઘણી બધી મુશ્કેલીઓ નડી હતી. પીટર જેક્સનને હોબિટ ફિલ્મ બનાવવાની ઈચ્છા છેક ૧૯૯૫થી હતી પરંતુ નવલકથાનાં ફિલ્મ રાઇટ્‍સ કોઈ અન્ય કંપની પાસે હતા અને તેઓ જાતે ફિલ્મ બનાવવા ઈચ્છુક હોવાથી ત્યારે પીટરનું સપનું અધૂરું રહી ગયું હતું. ટોલ્કિનની નવલકથાના રીતસર પ્રેમમાં પડી ગયેલા પીટરે ધ લોર્ડ ઓફ ધ રિંગ્સના હકો મેળવી લીધા અને એ ટ્રિઓલોજી પરથી ત્રણ અદ્‍ભુત ફિલ્મો બનાવી. ૨૦૦૧થી ૨૦૦૩ દરમ્યાન રિલિઝ થયેલી એ ફિલ્મોએ બોક્સઓફિસ પર સપાટો બોલાવી દીધો અને એવોર્ડસ મેળવવામાં પણ અવ્વલ રહી હતી. પેલી કંપની હોબિટ ફિલ્મ ન બનાવી શકી અને ૨૦૧૦માં તેના હકો પણ પૂરા થતા તક ઝડપીને પીટરે હોબિટના હકો મેળવી લીધા. રિંગ્સ ટ્રિઓલોજીને તેમણે જે ન્યાય આપ્યો હતો એ પછી તો હોબિટ શ્રેણીની ફિલ્મો બનાવવા માટે તેઓ જ યોગ્ય સર્જક હતા. જોકે પીટર પોતે કંઈક અલગ મત ધરાવતા હતા. રિંગ્સ ટ્રિઓલોજીની સફળતાનો ભાર અનુભવતા પીટરની ઈચ્છા દિગ્દર્શનની ધુરા કોઈ અન્યને સોંપવાની હતી. મિમિક, બ્લૅડ અને હેલબોય જેવી બિગ બજેટ ફિલ્મોનું સફળ નિર્દેશન કરી ચૂકેલા મૂળ મેક્સિકોના ગુલેર્મો ડેલ ટોરો પર પીટરે પસંદગીનો કળશ ઢોળ્યો. ફિલ્મની સ્ક્રિપ્ટ લખાવા માંડી ત્યાં નવી અડચણ આવી. ટોલ્કિનના તમામ પુસ્તકોની રોયલ્ટીનો કારભાર સાચવતી સંસ્થાએ એમ કહીને ન્યુ લાઇન સિનેમા (રિંગ્સ ટ્રિઓલોજી ફિલ્મોનો પ્રોડ્ક્શન સ્ટુડિયો) પર દાવો માંડ્યો કે વિશ્વભરમાં ૬ અબજ અમેરિકન ડોલરનો બિઝનેસ કરનાર રિંગ્સ ફિલ્મોની કમાણીમાંથી તેમને પૂરતો ભાગ આપવામાં આવ્યો નહોતો. કાયદાકીય ગૂંચવણોને લીધે ફરીવાર હોબિટનું નિર્માણ ખોરંભે ચડ્યું. કંટાળીને ગુલેર્મો ડેલ ટોરોએ પોતાની જાતને ફિલ્મથી અલગ કરી લીધી. ટોલ્કિનની નવલકથાઓને કદાચ પીટર સાથે જ કોઈ લેણું હતું એટલા માટે જ છેવટે ફિલ્મ દિગ્દર્શિત કરવાનું પીટરના ભાગે આવ્યું.

દૂઝણી ગાય સમી ફિલ્મ માટેની ખેંચાખેચનો અંત આવ્યો અને હોબિટનું ફિલ્માંકન શરૂ થયું ત્યાં વળી નવી ઉપાધિ આવી પડી. રિંગ્સ ટ્રિઓલોજીની જેમ હોબિટ ફિલ્મોનું શૂટિંગ પણ ન્યુઝીલૅન્ડના રમણીય લોકેશન્સ પર કરવાનું હતું. ફિલ્મના નિર્માણ માટે વધુને વધુ સ્થાનિક ટેક્નિશિયનોને લેવામાં આવે એવી જિદ્દે ચડીને ન્યુઝીલૅન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓએ શૂટિંગ અટકાવવાની ફરજ પાડી. ગિન્નાયેલા પીટરે પૂર્વ યુરોપના કોઈ દેશમાં શૂટિંગ શરૂ કરવાની તજવીજ હાથ ધરી. ન્યુઝીલૅન્ડના પ્રવાસન વિભાગને ફાળ પડી કે જો એમ થયું તો ન્યુઝીલૅન્ડ આવતા પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઈ જશે કેમ કે રિંગ્સ ટ્રિઓલોજીમાં બતાવવામાં આવેલા મિડલ અર્થનું ફિલ્માંકન ન્યુઝીલૅન્ડના રમણીય લોકેશન્સ પર કરવામાં આવ્યું હતું જેના લીધે દુનિયાભરના પ્રવાસીઓના ધાડેધાડા ન્યુઝીલૅન્ડ ઉતરી આવ્યા હતા. હોબિટનું શુટીંગ ન્યુઝીલૅન્ડમાં જ થાય એ માટે છેવટે ન્યુઝીલૅન્ડના વડાપ્રધાન જ્હોન કેએ જાતે દરમ્યાનગિરિ કરવી પડી હતી અને અંતે ધી ના ઠામમાં ઘી પડી રહ્યું હતું.

અનેક મુસીબતો બાદ શૂટિંગ પૂરું થયું પરંતુ વિવાદો જાણે કે આ ભવ્ય ફિલ્મનો પીછો છોડવા તૈયાર નહોતા. જાણીતી સંસ્થા પેટા-PETA(પિપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ પીટર જેક્સનને એમ કહીને આડે હાથે લીધો કે હોબિટના શૂટિંગ દરમ્યાન પ્રાણીઓ પર ક્રૂરતા આચરવામાં આવી હતી. પ્રાણીઓનું બરાબર ધ્યાન ન રખાતા એક ઘેંટું ઊંડા ખાડામાં પડીને અને એક ઘોડો ઊંચા માંચડા પરથી પડીને મરી ગયો હતો તથા કેટલાક મરઘાં કૂતરાઓનો કોળિયો બની ગયા હતા. પેટાના કહેવા પ્રમાણે પીટર પોતાની ફિલ્મ માટે સાચુકલા જાનવરોને બદલે કમ્પ્યુટરનિર્મિત જાનવરોનું સર્જન કરી શક્યા હોત.    

                         
હોબિટની રસપ્રદ હકીકતો    
                                       
# ડ્રેગનની ગુફા સોનાના સિક્કાઓથી ભરેલી હોવાથી તેની દીવાલોને સોનેરી રંગ લગાડવામાં આવ્યો હતો. ગુફાનો સેટ એટલો બધો વિશાળ હતો કે તેને સોનેરી રંગ લગાડવામાં ન્યુઝીલૅન્ડમાં હતો એટલો બધો જ રંગ વપરાઈ ગયો હતો! બાકીનું કામ પતાવવા છેવટે જર્મનીથી સોનેરી રંગ મંગાવવો પડ્યો હતો.
# તેર વામન હોબિટની વિગ અને દાઢી-મૂંછ બનાવવા માટે યાકપ્રાણીના અસલી વાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખર્ચ, ફક્ત ૪ લાખ!
# શૂટિંગ ઝડપથી પૂરું થાય એ માટે દરેક કલાકારના છ ડુપ્લિકેટ તૈયાર રાખવામાં આવતા હતા. દરેક માટે સમાન વિગ, મેક-અપ અને કોસ્ચ્યુમ્સ. કલાકારની પીઠ પાછળથી ફિલ્માંકન કરવાનું હોય કે તેને બેકગ્રાઉન્ડમાં કે ભીડમાં ઊભેલો બતાવવાનો હોય ત્યારે આવા ડુપ્લિકેટથી કામ ચલાવાતું. કુલ મળીને ૨૬૬ દિવસ લાગ્યા હતા ફિલ્મ શૂટ કરવામાં. 


નોંધઃ 12 ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ફિલ્મ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment