Sunday 15 December 2013

રફતારના રાજાનો રફતારથી અંત

“મૃત્યુ એટલે સોનાનું પતરું, એ કાટથી ખવાતું નથી;
લખેલા અક્ષર કદી પણ ભુંસાતા નથી.”

મૃત્યુ વિશેની જયંત પાઠક રચિત આ પંક્તિઓ યાદ આવી ગઈ દુનિયાભરના ફિલ્મરસિકોને આઘાતજનક અલવિદા કહી જનાર હોલિવુડના સ્ટાર કલાકાર પોલ વૉકરના આકસ્મિક મોતને લીધે. ૩૦ ડિસેમ્બર ૨૦૧૩ના એ અપશુકનિયાળ શનિવારે કેલિફોર્નિયા રાજ્યના સાન્ટા ક્લેરિટા શહેરના પૉશ વિસ્તાર વેલૅન્સિઆની એક સડક પર લાલ રંગની પોર્શે કારમાં પોલ પોતાના એક મિત્ર સાથે એક સખાવતી સંસ્થાના કામ માટે જઈ રહ્યા હતા. પુરપાટ ભાગતી કારના સ્ટીયરિંગ વ્હિલ પરથી ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો અને કાર એક વૃક્ષ અને થાંભલાને જઈ ટકરાઇ. તરત જ આગ ફાટી નીકળી અને કાર અગનગોળામાં ફેરવાઈ ગઈ. આ ગમખ્વાર અકસ્માતે પોલને તેના કરોડો ચાહકોથી હંમેશ માટે વિખૂટો પાડી દીધો. રહી ગઈ તો બસ પોલની યાદો અને ફિલ્મો…
૧૨ સપ્ટેમ્બર ૧૯૭૩ના રોજ પોલ વિલિયમ વૉકરનો જન્મ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ગ્લૅન્ડેલ ખાતે થયો હતો. તેની માતા મૉડલિંગ કરતી હોવાથી ફક્ત બે વર્ષની ઉંમરમાં જ પોલને જાહેરખબરોમાં કામ કરવા મળ્યું હતું. કેમેરાનો સામનો કરવાનો એ એના જીવનનો પહેલો પ્રસંગ. ૧૯૮૫માં તેને ટીવી સિરિયલોમાં કામ મળવા લાગ્યું. હાઇ-વે ટુ હેવન, હુ ઇઝ ધ બોસ?, ધી યંગ એન્ડ ધી રેસ્ટલેસ જેવી સિરિયલો તેમણે કરી. પરંતુ જેને બિગ બ્રેક કહેવાય એવી સિરિયલ હતી ‘ટચ્ડ બાઇ એન એન્જલ’. આ ધારાવાહિકમાં તેનું કામ વખણાયું અને ફિલ્મમેકરોનું ધ્યાન તેના તરફ દોરાયું. ૧૯૮૬માં તેને પ્રથમ ફિલ્મ ‘મૉન્સ્ટર ઇન ધી ક્લૉઝેટ’ મળી જે એક હૉરર-કોમેડી મૂવી હતી. ત્યારબાદ પણ તેણે નાની-મોટી ફિલ્મો કરી પણ સફળતા-રાણી એમ કંઈ ઝટ રીઝે નહિ.

સ્કૂલ પતાવ્યા બાદ આ બ્લુ-આઇડ બોયે કોલેજમાં મરીન બાયોલોજીનો અભ્યાસ કર્યો. સાથેસાથે સિરિયલો અને ફિલ્મોમાં કરવાનું પણ ચાલુ રાખ્યું. સંઘર્ષનો ગાળો લગભગ તેર વર્ષ ચાલ્યો. ૧૯૯૮માં રજૂ થયેલી કોમેડી ફિલ્મ ‘મીટ ધ ડિડ્લ્સ’એ તેને લોકપ્રિય બનાવ્યો. પ્લીઝન્ટવિલે (૧૯૯૮), વર્સિટી બ્લુઝ અને શી ઇઝ ઓલ ધેટ (૧૯૯૯) તથા ધી સ્ક્લ્સ (૨૦૦૦)માં ભજવેલી ભૂમિકાઓને લીધે તેની લોકપ્રિયતા વધતી જ ગઈ. પણ જે ફિલ્મને લીધે પોલનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ગાજતું થયું એ ફિલ્મ હતી ૨૦૦૧માં રિલીઝ થયેલી એક્શનપૅક્ડ થ્રીલર ‘ધી ફાસ્ટ એન્ડ ધી ફ્યુરિયસ’. ફિલ્મોમાં કાર ચેઝના દ્રશ્યો તો બહુ જોયા હતા પરંતુ જે પ્રકારના દિલધડક દ્રશ્યો આ ફિલ્મમાં હતા એવા દ્રશ્યો સિલ્વર સ્ક્રીન પર અગાઉ ભાગ્યે જ જોવા મળ્યા હતા. આ બ્લૉકબસ્ટર ફિલ્મમાં પોલ વૉકર અને વિન ડિઝલ વચ્ચેની કેમેસ્ટ્રી પણ ખૂબ વખણાઈ હતી. હોલિવુડના શિરસ્તા મુજબ સિક્વલ તો બનવાની જ હતી. ૨૦૦૩માં આવી ‘ટુ ફાસ્ટ ટુ ફ્યુરિયસ’, જેણે પહેલા ભાગ કરતાંય વધુ કમાણી કરી. આ ફિલ્મ સિરિઝ દર્શકોને એટલી પસંદ આવી કે પછી તો તેની સિક્વલ્સની લાઈન લાગી ગઈ. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ (૨૦૦૯), ફાસ્ટ ફાઇવ (૨૦૧૧) અને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ (૨૦૧૩) જબરદસ્ત સફળતાને વરી. આ જ વર્ષો દરમ્યાન પોલે જોય રાઇડ, ઇન ટુ ધ બ્લુ, ટાઇમલાઇન, રનિંગ સેક્રેડ, એઇટ બિલો, ટેકર્સ અને ફ્લૅગ્સ ઓફ અવર ફાધર્સ જેવી હિટ્સ પણ આપી.

ગર્લફ્રેન્ડ રેબેકા મેક્બ્રેનથી પોલને મિડો રેઇન નામની એક દિકરી છે. તેઓ કેલિફોર્નિયાના સાન્તા બાર્બરા શહેરમાં રહેતા હતા. બ્રાઝિલની માર્શલ આર્ટ કળા ‘ઝ્યુ ઝિટ્સુ’માં પોલે બ્લેક બેલ્ટ મેળવ્યો હતો. મરીન બાયોલોજી વિશેના જ્ઞાનને લીધે વર્ષ ૨૦૧૦માં તેને નૅશનલ જ્યોગ્રાફિક ચેનલ દ્વારા નિર્મિત ટીવી સિરિઝ ‘શાર્ક મેન’માં કામ કરવા મળ્યું હતું, જેમાં તેણે એક પ્રોફેશનલ ટીમ સાથે મળીને મેક્સિકોના દરિયાકિનારે ઘસડાઈ આવેલી ગ્રેટ વ્હાઇટ શાર્ક માછલીઓને ફરીવાર દરિયામાં ખેંચી જવાનું સદ્કાર્ય પાર પાડ્યું હતું.    
કુદરતી હોનારતનો ભોગ બનેલા લોકોની મદદાર્થે પોલે ‘રિચ-આઉટ વર્લ્ડવાઇડ’ નામના ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. દુનિયાના કોઈપણ ખૂણે ત્રાટકેલી હોનારતના અસરગ્રસ્ત લોકો માટે આ સંસ્થા સતત કાર્યરત રહે છે. સ્ટાર સેલિબ્રિટી હોવા છતાં પોલ પોતાના અત્યંત વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને જાતે જ પોતાની ટીમ લઈને આવા સ્થળોએ સેવા કરવા પહોંચી જાય છે, પછી એ ૨૦૧૦માં હૈતિ અને ચિલીમાં આવેલા ભૂકંપ હોય કે તાજેતરમાં ફિલિપાઇન્સને ધમરોળનાર ટાઇફૂન હોય.

આ જ મહિનામાં પોલની સસ્પેન્સ ફિલ્મ ‘અવર્સ’ રિલીઝ થઈ રહી છે, જ્યારે ‘ડિસ્ટ્રિક્ટ ૧૩’ની સિક્વલ ‘બ્રિક મૅન્સન’ અને ‘ફાસ્ટ એન્ડ ધ ફ્યુરિયસ ૭’ ૨૦૧૪માં રજૂ થશે. સહકલાકાર અને ખાસ મિત્ર એવા વિન ડિઝલે પોલને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, ‘મારા મિત્રને લીધે સ્વર્ગને એક નવો દેવદૂત મળી ગયો છે’.  
કાર ચલાવવાના શોખીન પોલે પ્રોફેશનલ કાર રેસિંગમાં પણ ભાગ લીધો હતો. વિધિની વક્રતા જુઓ કે નજીકના ભવિષ્યમાં જ તે એક ઓટો-શૉનું આયોજન કરવાનો હતો. કોને ખબર હતી કે તેને પ્રિય એવી કાર જ તેના જીવનનો આઘાતજનક અંત લાવવા માટે નિમિત્ત બનશે. કેટલાક લોકોનું કહેવું છે કે જો પોલ જાતે જ કાર ચલાવતો હોત તો આ અકસ્માત કદાચ થયો જ ન હોત.

જયંત પાઠકની રચનાને જ ફરી યાદ કરીએ તો જેમ લખેલા અક્ષર કદી ભૂલાતા નથી એમ સિનેપ્રેમીઓના માનસપટલ પરથી પોલ વૉકર પણ કદી નહિ ભૂલાય…

નોંધઃ ૬ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ફિલ્મ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment