Thursday, 10 April 2014

ગોવા એટલે ફક્ત ‘બીચ એન્ડ બિયર’ નહીંઃ ભાગ-૨

પ્રવાસીઓથી હંમેશાં છલકાતા રહેતા ગોવામાં જોવાલાયક અનેક સાઇટ્સ એવી છે જે ભારતમાં બીજે ક્યાંય નથી 


આમ તો ગોવામાં અનેક બીચ છે (ઓફિસિયલી ૨૯!) પણ દરેકની મુલાકાત લેવી કંઈ ફરજિયાત નથી. આમ પણ બધાં બીચ મોટેભાગે એક જેવા હોય છે, એટલે અમે પસંદગીના અમુક બીચની મુલાકાત લેવાનું નક્કી કર્યું જેથી અન્ય જોવાલાયક સ્થળોને સમય આપી શકાય. સવારની ઠંડી હવાની લહેરખી ચહેરા પર ઝીલતા હું અને અઝાન ડ્યુરો પર સનસનાટ નીકળી પડ્યા. રસ્તામાં એક ગામે નાનકડું બજાર ભરાયું હતું એટલે તેમાં એક આંટો મારવા સ્કૂટર રોક્યું. તાજી મચ્છીથી લઈને સસ્તાં વસ્ત્રો અને ઠંડા પીણાથી લઈને આઇસક્રીમ સુધીની વેરાઇટી હતી. અમે બ્રેકફાસ્ટ માટે ફ્રૂટ્સ પર પસંદ ઉતારી. રસીલી દ્રાક્ષ અને ગળચટ્ટા દેશી કેળાં. કહેવું પડે કે માંડ - ઈંચના હોવા છતાં આટલા મીઠા કેળાં અગાઉ કદી ખાધાં નહોતાં.
અમારો પહેલો ટાર્ગેટ હતો વાગાતોર બીચ. સવારનો સમય હોવાથી ત્યાં ખાસ ભીડ નહોતી. રેતીમાં થોડીવાર લટાર મારી અમે આગળ વધ્યા. રસ્તાની ડાબી તરફ ભૂરો અરબ સાગર હતો અને જમણી તરફ હરિયાળી વનરાજી. આવા આહ્લાદક વાતાવરણમાં ચપોરા નદી ક્રોસ કરી અમે મોર્જિમ બીચ પહોંચ્યા. તડકો ચઢવા આવ્યો હોવાથી અહીં ખાસ્સા પ્રવાસીઓ જોવા મળ્યા. ખાસ કરીને વિદેશીઓ. શરીર પર માલિશ કરીને રેતીમાં બિન્ધાસ્ત પડેલા અર્ધનગ્ન ગોરા દેહોથી હવે આંખો ટેવાવા લાગી હતી. શરૂઆતનું અચરજ હવે અદૃશ્ય થઈ ગયું હતું. ગોવાના લગભગ તમામ બીચ પરબીચ શેકહોય. બીચ શેક એટલે એવી વિશાળ ઝૂંપડી જેમાં તમારી પસંદનો દારૂ અને ફૂડ મળી રહે. પ્લાસ્ટિક કે લાકડાંના ટેબલ-ખુરશીઓ ગોઠવાયેલા હોય. રંગીન લાઇટોની સજાવટ હોય. અમુક બીચ શેક તો ઘણા મોટા હોય. બીચ શેકની બહાર લોન્જર ચેર પડી હોય તો સમજવું કે ત્યાંની ખાણી-પીણી મોંઘી હશે. લોન્જર ચેરમાં પડ્યા પડ્યા તડકો ખાવાની સગવડ ફ્રી હોય એવું લાગે, પણ તેનો ભાવ મેનુ દ્વારા વસૂલ કરી લેવામાં આવે. મોટેભાગે તો આવી ચેરમાં ગોરાઓ પડ્યા-પાથર્યા રહેતા હોય છે.   
  

નોનવેજિટેરિયન માટે તો ગોવા જેવું સ્વર્ગ ભારતમાં બીજું કોઈ નહીં. જાતજાતનું તાજું સી-ફૂડ અહીંની સ્પેશિયાલિટી. અમે એક બીચ શેકમાં બેઠા અને મચ્છી ઓર્ડર કરી. એક છોકરો સ્ટીલની મોટી ટ્રેમાં પાંચ અલગ અલગ જાતની ફીશ લઈને અમારી સામે હાજર થયો. કાચી ફિશ જોઈ અમે તો બે ઘડી હેબત પામી ગયા. પૂછતાં જાણવા મળ્યું કે અહીં તો એમ ચાલે. ગ્રાહક સામે તાજી-કાચી મચ્છી હાજર કરી તેમની પસંદગીની ફિશ રાંધી આપવામાં આવે. ફિશની સાઈઝ પ્રમાણે ભાવ પણ અલગ અલગ. અમે એક પોમ્ફ્રેટ સિલેક્ટ કરી. હથેળી કરતાં સહેજ મોટી એક પોમ્ફ્રેટનો ભાવ ૪૦૦ રૂપિયા! નાળિયેરીના પાંદડા પરસ્પર ગૂંથીને બનાવાયેલા નાનકડા કિચનમાં અમારી ફિશનું કૂકિંગ થતું હતું ત્યારે ટાંચા સાધનોથી સજ્જ તેનું કિચન જોવાની ઈચ્છા હું રોકી શક્યો. ધાર્યાં કરતા વહેલા તેણે ફિશ રેડી કરીને અમારા ટેબલ પર સજાવી દીધી. એક એક ટીન બિયર સાથે માણેલી મસાલેદાર ફિશનો સ્વાદ હજીય મોંમાં ક્યાંક સચવાઈ બેઠો છે.
મોર્જિંમ પછીનું ડેસ્ટિનેશન હતું તિરાકોલ ફોર્ટ


તિરાકોલના કિલ્લા સુધી જવા માટે ક્વિરિમ ગામથી ફેરી બોટ પકડી. વિશાળ બોટમાં અમારા સ્કૂટર જેવા કેટલાંય ટુ-વ્હીલર અને ફોર વ્હીલર સમાઈ ગયા. માંડ થોડા મિનિટ ચાલેલી બોટ રાઇડ યાદગાર બની રહી. તિરાકોલનો કિલ્લો પોર્ટુગીઝોએ બનાવેલો. હાલમાં કિલ્લો કમ હોટેલ છે. ઈમારત જળવાઈ રહી છે એનું કારણ છે કે એને હોટેલમાં ફેરવી દેવાઈ છે અને એને સારી કમાણી થાય છે. ઘણું કરીને વિદેશીઓને પોસાય એવું મારફાડ ભાડું. સારી વાત છે કે પોર્ટુગીઝ બાંધણીના ભવ્ય વારસાને નિહાળવા માટે ટુરિસ્ટ્સને દિવસના અમુક કલાકો પૂરતી ફ્રી એન્ટ્રી છે. હોટેલમાં રોકાણ કરનારને ખલેલ પહોંચે રીતે કિલ્લામાં ફરવા દેવાય. પીળા અને સફેદ રંગમાં રંગાયેલી ઈમારતની ભવ્ય ડિઝાઇન અને કોબલ પથ્થરોની બનેલી ફર્શ જોઈ એવું લાગ્યું કે અમે યુરોપમાં ક્યાંક ફરી રહ્યા છીએ. કિલ્લાની મધ્યે એક નાનકડું ચર્ચ પણ ખરું. કિલ્લાની છત પરથી અરબ સાગરનું અત્યંત મનોહર દૃશ્ય જોવા મળ્યું. કિલ્લો ઉત્તર ગોવાનું સૌથી છેલ્લું સ્થળ. અહીંથી વધુ ઉત્તરે જતાં મહારાષ્ટ્ર શરૂ થઈ જાય. બહુ ઓછા ભારતીય પ્રવાસીઓ આટલે દૂર તિરાકોલ ફોર્ટ જોવા આવે છે પણ અમારા યજમાન ક્રિસ્ટોએ ભારપૂર્વક અમને સ્થળની મુલાકાત લેવાનું જણાવ્યું હતું અને અમારો ફેરો બિલકુલ ફોગટ નહોતો નીવડ્યો.


તિરાકોલથી દક્ષિણ તરફ પાછા ફરતી વખતે અમે અરમ્બોલ બીચ ગયા. ત્યાંની રેતીમાં સનબાથ લીધા પછી દરિયામાં એકાદ કલાક નહાયા. ત્યાં કોઈકે અમને મોર્જિમ બીચ પરથી ડોલ્ફિન જોવા માટે લઈ જતી બોટ રાઇડ વિશે જણાવ્યું એટલે સ્કૂટર ફરીથી મોર્જિંમ તરફ ભગાવ્યું. રસ્તામાં એક વિશાળ હિન્દુ મંદિર આવ્યું. ગોવાના તમામ મંદિરો આંખોને ખટકે એવા ભડકીલા રંગે (મોટેભાગે કેસરી, લાલ અને ભૂરા) રંગાયેલા જોવા મળે. મંદિરોની પહોળાઈ ઓછી અને લંબાઈ વધુ હોય. છત-પ્રવેશદ્વાર આકર્ષક મૂર્તિઓથી સજાવાયેલા હોય. મંદિરમાંથી નીકળ્યા ત્યાં ગેટ પાસે બે વિદેશી યુવાનો અને એક યુવતી કંઈક અવઢવમાં ઊભેલા દેખાયા. વસ્ત્રોને નામે ગંજી-ટીશર્ટ અને શોર્ટ્સ પહેરેલાં. ત્રણે અમારી તરફ આશાભરી નજરે જોઈ રહ્યા હોવાથી મેં તેમની મૂંઝવણનું કારણ પૂછ્યું. ભાંગ્યા-તૂટ્યા અંગ્રેજીમાં એકે કહ્યું કે તેઓ યુક્રેનથી આવ્યાં હતાં અને તેમણે મંદિરની અંદર દાખલ થવું હતું પરંતુ તેમના વસ્ત્રોને લીધે અને વિદેશી હોવાથી તેઓ ખચકાઈ રહ્યા હતા. મેં કહ્યું કે તેમણે પૂજારીની મંજૂરી લેવી જોઈએ. પૂજારીની પાસે જતાં પહેલાં પેલી યુવતીને તેના અત્યંત ટૂંકા શોર્ટ ફરતે કંઈક વીંટાળી દેવાની મેં સલાહ આપી. સલાહ બદલ મારો આભાર માનતા તેણે પોતાની હેન્ડબેગમાંથી એક સ્કાર્ફ કાઢી ઢીંચણ સુધીના પગ ફરતે લપેટી દીધો અને તેમને મંદિરમાં પ્રવેશ મળી ગયો.

મોર્જિંમ બીચ પરથી ઉપડતી બોટમાં બેસી ડોલ્ફિન જોવા ગયા. ફીઃ પ્રતિ વ્યક્તિ ફક્ત ૨૫૦ રૂપિયા! દરિયામાં અઢી-ત્રણ કિલોમીટરનો ચકરાવો પૈસાવસૂલ સાબિત થયો. એક તબક્કે તો અમારી બોટની આસપાસ જેટલી ડોલ્ફિન હતી. બોટ ગમે એટલી સ્પીડમાં ભગાવો પણ ડોલ્ફિનની ઝડપ એટલી કે તેને આંબી શકો.


પછી ગયા બાગા બીચ. અહીં જોવા મળી ભારે ભીડ. તમામ ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ. એક પણ વિદેશી નહીં. અમુક પીયક્કડ રેતીમાં હોશ ગુમાવી પડ્યા હતા. તમામ બીચ શેક પ્રવાસીઓથી ભરેલા. બીચ પર ગંદવાડનો પાર નહીં; કર્ટસી ઇન્ડિયન ટુરિસ્ટ્સ. ગોવા પોલીસના જવાનો અહીં તહીં ઊભા હતા જેથી કોઈ અપ્રિય ઘટના ઘટે. ગોવાની વિશેષતા સમાન લાઇફગાર્ડ્સ પણ બાગા બીચ પર મોજૂદ હતા. દરિયામા નહાવા પડેલા પ્રવાસીઓને ડૂબતા બચાવવા સરકારે સેંકડો નવયુવાનોને લાઇફગાર્ડ તરીકે નોકરી પર રાખ્યા છે. તેમનો યુનિફોર્મ લાલઃ ફૂલ સ્લીવ ટી-શર્ટ અને ઘૂંટણ સુધીના શોર્ટ્સ. દરેક બીચ પર એકાદ કિલોમીટરને અંતરે લાલ રંગની એક જીપ ઊભી હોય. પેલા લાઇફગાર્ડનું વાહન. રેતીમાં દસ-પંદર ફીટ ઊંચી સીડી ખોડેલી હોય અને એની ઉપર બેઠેલો લાઇફગાર્ડ દરિયા પર ચાંપતી નજર રાખતો હોય. એની પાસે દૂરબીન પણ હોય અને સીસોટી પણ. હવા ભરેલી ટ્યુબ કમર સાથે બાંધેલી હોય. દરિયાકિનારે લાલ અને પીળા રંગની સાંકેતિક ધજા ખોડેલી હોય. બે લાલ રંગની ધજા વચ્ચેનો દરિયો સ્વિમિંગ-નહાવા માટે જોખમી ગણાય. ધજા પર લાલ-પીળા રંગના પટ્ટા હોય તો સબ-સલામત. જોખમી હિસ્સામાં નહાવા પડેલા માણસને લાઇફગાર્ડ સીસોટી મારી ચેતવે અને તેને સલામત ભાગમાં પહોંચી જવાની ફરજ પાડે. તેમ છતાં કોઈ ડૂબતું દેખાય તો તરત દરિયામાં ઝંપલાવે. ‘બે વોચસિરિયલ યાદ છે? બસ એના જેવું . ગોવાના લાઇફગાર્ડ્સે આજ સુધીમાં સેંકડો પ્રવાસીઓ અને સ્થાનિકોને ડૂબતાં બચાવ્યા છે. એક લાઇફગાર્ડ સાથે અમે વાતે વળગ્યા. તેણે જણાવ્યું કે પર્યાવરણનું મહત્ત્વ સમજતાં હોઈ ભારતીય પ્રવાસીઓ બીચ પર બેફામ ગંદકી ફેલાવે છે. બાગા બીચ પર ટહેલતા ભારતીયો અને ત્યાંની ગંદકીની છબી મનમાં લઈ અમે ઢળતી સાંજે પાછા અમારા રૂમ પર ફર્યાં. અરપોરા ગામને પાદરે ભરાતુંસેટર-ડે નાઇટ માર્કેટઅમારી રાહ જોઈ રહ્યું હતું.   

નોંધઃ  એપ્રિલ ૨૦૧૪ના રોજ  લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ટ્રાવેલ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.