Sunday 13 May 2018

‘રાઝી’... પ્રત્યેક ભારતીયને ગર્વ થાય એવી અદ્‍ભુત સ્પાય થ્રિલર... રિવ્યૂ બાયઃ મયૂર પટેલ




૨૦૧૨માં કરન જોહર દિગ્દર્શીત ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ જોયેલી ત્યારે બસ ઠીકઠાક જ લાગેલી એ ફિલ્મને અંતે ભવિષ્ય ભાખેલું કે, ફિલ્મના ત્રણે સ્ટારનું કોઈ ભવિષ્ય નથી. આલિયા ખૂબસૂરત ઢીંગલી જેવી દેખાવાથી વિશેષ કંઈ કરી નહીં શકે, વરુણ સલમાનછાપ ઉછળકૂદ કરવામાંથી ઉપર નહીં આવે અને સિદ્ધાર્થ... સિદ્ધાર્થ તો ક્યાં ફેંકાઈ જશે એની કોઈને ખબરેય નહીં પડે. સાથે મનમાં હતુંય ખરું કે ત્રણમાંથી એક પણ મને ખોટો પાડશે તો ગમશે. માણસને ખોટા પડવાનુંય ગમતું હોય ને? મનેય ગમ્યું. સૌથી પહેલું સરપ્રાઈઝ આપ્યું આલિયાએ જ. ૨૦૧૪માં એની ‘હાઇ વે’ જોઈને હું (અને જેણે જેણે જોઈ એ બધાં જ) સ્તબ્ધ થઈ ગયેલો. આટલી નાની ઉંમરમાં આટલું પાવરફૂલ પરફોર્મન્સ..!! માય ગોડ..!!! (૨૦૧૬ની ગાલીગલોચથી ભરપૂર ‘ઉડતા પંજાબ’માં તો એણે બિહારની મજૂરણના રોલમાં ‘હાઇ વે’ કરતાંય તગડો અભિનય કરેલો) બીજો સુખદ આંચકો વરુણને ૨૦૧૫ની ‘બદલાપુર’માં જોઈને લાગ્યો. શું મેચ્યોર અદાકારી હતી એની..!!! સિદ્ધાર્થભાઈ હજુ આવું કંઈ કરી શક્યા નથી, અને એ કરે એવી શક્યતાય બહુ પાંખી છે. એનો ચહેરો જ લાકડાંનો બન્યો છે પછી...વુડન ફેસ, યૂ નો... એણે જ્હોન અબ્રાહમ સાથે મળીને પાર્ટનરશિપમાં જિમ ખોલી દેવું જોઈએ. બાકી એક્ટિંગ તો એમનાથી થઈ રહી...

વાત સહેજ આડે પાટે ચઢી ગઈ... ‘રાઝી’ પર પાછા ફરીએ તો ‘આલિયા-ઓસમ-ભટ્ટ’નું ‘હાઇ વે’ અને ‘ઉડતા પંજાબ’ પછી આ બેસ્ટ પર્ફોર્મન્સ છે. ભારતની એ ગુમનામ મહિલા જાસૂસની ચામડી ચીરીને આલિયા જાણે કે એની અંદર ઘૂસી ગઈ હોય, એટલું દમદાર અને વાસ્તવિક. ફિલ્મનો રિવ્યૂ કરતાં પહેલા જાણીએ કે કોણ હતી એ વતનપરસ્ત મહિલા જેની ખૂફિયા કામગીરીને પગલે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધનો એક અતિ મહત્ત્વપૂર્ણ બનાવ બનતા બનતા રહી ગયો, અફકોર્સ ભારતના ફેવરમાં...
નામ એનું સહેમત ખાન (આલિયા ભટ્ટ). કાશ્મીરની વતની. દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક નાજુક મુગ્ધા. દયાળુ એટલી કે ખિસકોલી જેવા નાનકડા જીવનેય નુકશાન ન થવા દે. આવી આ નાજુક-નમણી-નિર્દોષ કન્યા કઈ રીતે બની ફિલ્ડ એજન્ટ અકા ગુપ્ત જાસૂસ..? સહેતમના દાદા આઝાદીની લડાઈમાં અંગ્રેજો સામે લડ્યા હતા. એના પિતા હિદાયત ખાન (રજિત કપૂર) ડબલ એજન્ટનું કામ કરતા હતા, પાકિસ્તાનને ભારતની નાની ખબરો પહોંચાડી, ત્યાંના ઉચ્ચ અફસરોનો વિશ્વાસ સંપાદન કરી, પાકિસ્તાનની મોટી ખૂફિયા માહિતીઓ કઢાવી લઈ ઈન્ડિયન ઇન્ટેલિજન્સ બ્યુરોને પહોંચાડવાનું જોખમી કામ તેઓ કરતા. કેન્સરે એમનો ભોગ લીધો એ પહેલાં તેમણે દીકરી સહેમતને દેશની જાસૂસીના કામ માટે તૈયાર કરી. સરહદપારના મિત્ર બ્રિગેડિયર સઈદ (શિશિર શર્મા)ના નાના દીકરા ઈકબાલ સઈદ (વિકી કૌશલ) સાથે સહેમતના લગ્ન કરાવ્યા. (વાસ્તવિક નામો થોડા જુદા છે. અહીં ફિલ્મમાં બતાવેલા પાત્રોના નામ લખ્યા છે. બાકી કહાની અદ્દલ એ જ છે) લગ્ન બાદ પાકિસ્તાન જઈ વસેલી સહેમત સાસરા પક્ષના લોકોની નજર બચાવીને ભારત માટે જાસૂસી શરૂ કરે છે. સસરા બહુ મોટા ઓફિસર એટલે ઘરમાં થતી ઉચ્ચસ્તરિય મીટિંગ્સની માહિતી તેને આસાનીથી ઉપલબ્ધ થઈ જતી. અત્યંત કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન્સ વાયા સહેમત ભારત પહોંચી જતી... ૧૯૭૧માં પાકિસ્તાનથી આઝાદ થવા મથતા બાંગ્લાદેશને ભારત સરકાર સપોર્ટ કરી રહી હતી. બંગાળના ઉપસાગરમાં સ્થિત આપણા એકમાત્ર વિમાનવાહક જહાજ ‘આઇ.એન.એસ. વિક્રાંત’ને ડૂબાડી દેવા પાકિસ્તાન એમની સબમરીન ‘ગાઝી’ દ્વારા હુમલો કરવાની પેરવી કરે છે. (આ એ જ કિસ્સો છે જે આપણે અધકચરી ‘ધ ગાઝી એટેક’માં જોયેલો) પણ એ હુમલો થાય એ પહેલા જ સહેમત એની માહિતી ભારત રવાના કરી દે છે. જેને પરિણામે ‘શિકારી ખુદ યહાં શિકાર હો ગયા’ ઉક્તિ સાચી ઠેરવતા ભારતની જળસેના ‘ગાઝી’નો સફાયો કરી દે છે. પછી... વેલ, પછી શું થાય છે? સહેમતનો જાસૂસી ખેલ કેટલોક ચાલે છે, શું રંગ લાવે છે, એ તો ફિલ્મ જોયે જ ખબર પડશે...
આવી આ જાંબાઝ સહેમત ખાનની જિંદગી પર ભૂતપૂર્વ નેવલ ઓફિસર હરિન્દર સિક્કાએ એક પુસ્તક લખ્યું હતું- ‘કોલિંગ સહેમત’, જેના પરથી ‘રાઝી’ બની છે. (સહેમત ખાનનું અવસાન ગયા મહિને જ થયું. હરિન્દર સિક્કાની ઈચ્છા છે કે, એ બહાદુર મહિલાને દુનિયા જાણે. તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે, સહેમત ખાનના દીકરા એમની માતાના ફોટા અને અન્ય વિગતો દુનિયા સમક્ષ જાહેર કરવાની સંમતિ આપે. આ શક્ય બન્યું તો કદાચ આ જૂન-જુલાઈમાં જ સહેમત ખાનની જીવની-વિષયક પ્રદર્શન જોવા મળશે)
આટલી પૂર્વભૂમિકા બાદ હવે ફિલ્મનો રિવ્યૂ... ‘મોરના ઈંડાને ચીતરવા ન પડે’ કહેવતને ચરિતાર્થ કરતી બે મહિલા મેઘના ગુલઝાર અને આલિયા ભટ્ટને ઊંચા અવાજે ‘શાબ્બાશ’ કહેવું પડે એવી બની છે ‘રાઝી’. ફિલ્મ થ્રિલર છે, સતત ટેન્શન અનુભવાય છે, સ્પાય થ્રિલર જેવી હોવી જોઈએ એવી જ છે- એકદમ પરફેક્ટ. ભવાની ઐયર અને મેઘનાની સ્ક્રિપ્ટ અત્યંત ચુસ્ત. નિતિન બૈદનું એડિટિંગ એટલું જ પાક્કું. ક્યાંય કોઈ સીન વધારાનું ન લાગે. બધું માપોમાપ. ચસોચસ. મેઘનાનું ડિરેક્શન આલાતરીન. ગુલઝારસા’બ અને રાખીનું આ ફરજંદ અગાઉ ‘ફિલહાલ’ (૨૦૦૨) અને ‘તલવાર’ (૨૦૧૫) જેવી બહેતરીન ફિલ્મો આપી ચૂક્યું છે. યાદ છે, તલવારનો ક્લાયમેક્સ સીન..? એના રિવ્યૂમાં લખેલું ફરી લખું છું- હિન્દી સિનેમાના ઈતિહાસમાં ટોપ ટેન બેસ્ટ સીન્સમાં સમાવેશ કરી શકાય એટલો અફલાતૂન એ સીન... ‘આરુષી હત્યાકાંડ’ પર આધારિત એ ફિલ્મ જોઈને થયેલું કે આવી ફિલ્મ કોઈ મહિલાએ બનાવી છે..? વાઉ..!!! ‘રાઝી’ જોઈને પણ ગર્વ થાય એમ છે કે, વાઉ... આ ફિલ્મ એક મહિલાએ બનાવી છે.
મેઘનાનું કામ અત્યંત બારીક છે. એણે ફક્ત થ્રિલર જ નથી આપ્યું, લાગણીઓની માવજત પણ બખૂબી કરી જાણી છે. કોઈ એક્ટરને પાત્ર પર હાવી નથી થવા દીધા. બધાં જ બહુ સરળ લાગે. કોઈ એક્ટિંગ કરતું જ નથી જાણે. ૧૯૭૧નો માહોલ જીવંત કરવામાં પ્રોડક્શન ટીમ ૧૦૦ ટકા સફળ. પાકિસ્તાનની ગલીઓ, બજારથી લઈને લશ્કરી અધિકારીના ઘરનું ઈન્ટિરિયર, એ જમાનાના વાહનો, મુસ્લિમ સમાજનો પહેરવેશ, ખાનપાન, રીતરીવાજો, તહેઝીબ... બધ્ધું જ બહુ સચોટ દર્શાવાયું છે. ફિલ્મમાં આલિયાનું પાત્ર બે હત્યા કરે છે. એ બંને સીન ફિલ્મની હાઇલાઇટ. આરિફ ઝકારિયાની હત્યાનું સીન તો આ લખતી વખતેય રુંવાડા ઊભા થઈ ગયા, એટલું રોમાંચક. જાસૂસીના સીન પણ જબરજસ્ત. ક્લાયમેક્સ પણ સહેજ પણ આડોઅવળો ન ફંટાતા ટુ-ધ-પોઇન્ટ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ જ જોરદાર. ફિલ્મની થ્રિલિંગ ફિલિંગ વધારે એવું.
‘રાઝી’માં ફક્ત ત્રણ ગીત છે, પણ ત્રણે દિલમાં ઉતરી જાય એવા છે. શંકર-અહેસાન-લોયનું મ્યુઝિક બહુ લાંબા સમય બાદ આટલું ગમ્યું. ધ ગ્રેટ ગુલઝારસા’બે લખેલા શબ્દો ધ્યાનથી સાંભળજો. હિન્દી ફિલ્મ સંગીતમાંથી મેલોડી મરી પરવારી છે પણ તેમ છતાં કેટલું અર્થસભર હજુ પણ લખી શકાય એનો નમૂનો આ ફિલ્મના સોંગ્સ છે. અરિજિત સિંહ અને સુનિધી ચૌહાને ગાયેલું ‘એ વતન...’ દેશભક્તિની સરવાણી લહેરાવે છે, તો ‘દિલબરો...’ અને ટાઇટલ સોંગ ‘રાઝી...’ લાગણીઓનો ધોધ છલકાવે એવા બન્યાં છે. ત્રણે ગીતોના ફિલ્માંકન તો ક્યા કહેને...
અભિનયમાં આલિયા અવ્વલ. (દેખાવમાં પણ શિયાળુ સવારના ઝાકળ જેવી સુંદર. આર્મી ઓફિસરની વાઇફ તરીકે એ સાડીમાં બહુ જ ગોર્જિયસ લાગી.) કોઈ અપસેટ ન થયો તો આ વર્ષે એના એવોર્ડ્સ પાક્કા. (હિન્દી ફિલ્મોની જ વાત કરીએ તો અત્યાર સુધી માધુરી અથવા કાજોલે સૌથી વધુ એવોર્ડ્સ જીત્યા છે. ફક્ત ફિલ્મફેરની વાત નથી. બીજા બધાં ભેગા ગણીએ તો. [જોકે આપણે ત્યાં એવોર્ડ્સ કઈ રીતે ખરીદાય, સોરી જીતાય, છે એ બધાં જાણે છે] આલિયા એવોર્ડ જીતવામાં બધી હિરોઈનોને વટોળી જશે એમ લાગે છે, કેમ કે અભિનયમાં જે પાકતટા, જે મેચ્યોરિટી, જે દમખમ લાવતા મોટાભાગની હિરોઇનોને ૮-૧૦ વર્ષ લાગી જતાં હોય છે, એ સિદ્ધિ આલિયાએ એની બીજી જ ફિલ્મ ‘હાઇ વે’માં મેળવી લીધી હતી. હજુ તો એ ફક્ત ૨૫ની છે, ને ગણતરીની ફિલ્મોમાં તો એણે સપાટા બોલાવી દીધા છે. આલિયાનો સ્ટાર પાવર પ્રિયંકા-દીપિકાથી કમ નથી એ તો ‘રાઝી’ને પહેલે જ દીવસે મળેલા ૭.૫ કરોડના ધમાકેદાર ઓપનિંગથી જ સાબિત થઈ ગયું છે. હર ફ્યુચર ઇઝ બ્રાઇટ) બાકીના કલાકારો પણ ફર્સ્ટ ક્લાસ. આલિયાને ફિલ્ડ એજન્ટની ટ્રેનિંગ આપતાં ઓફિસર ખાલિદ મીર બનતા ‘જયદીપ અહલાવત’નું નામ ખાસ લેવા પડે એટલો બળુકો લાગ્યો એ અદાકાર. આલિયાની એના પતિ બનતા વિકી કૌશલ સાથેની કેમેસ્ટ્રી ખૂબ જ સ્વીટ. બંને વચ્ચેનો રોમાન્સ મીઠો લાગે એવો. અન્ય અદાકારોમાં અમૃતા ખાનવીલકર, આરિફ ઝકારિયા, શિશિર શર્મા, અશ્વથ ભટ્ટ, રજિત કપૂર અને સોની રાઝદાન (આલિયાની સાચુકલી મમ્મી અહીં પણ એની મમ્મી બને છે. મા-દીકરીને પડદા પર જોવાનું ગમ્યું. સોનીએ પોતે પણ હિરોઈન બનવાની કોશિશો કરેલી ૮૦-૯૦ના દાયકામાં, પણ વિદેશી દેખાવને લીધે પત્તો ન લાગેલો એનો. આલિયાના ફાધર મહેશ ભટ્ટે બનાવેલી શ્રીદેવી-સ્ટારર મજેદાર થ્રિલર ‘ગુમરાહ’માં સોનીએ નોંધપાત્ર રોલ કરેલો) પણ પૂરા અસરકારક.
‘રાઝી’નો પ્લસ પોઇન્ટ છે એનું બેલેન્સ. મેઘનાએ અહીં કોઈને વિલન નથી બનાવ્યા. પાકિસ્તાની સમાજના લોકો ભારતના દુશ્મન હોવા છતાં કોઈને ભદ્દા નથી ચીતર્યા. જે મરે છે એય વખાના માર્યા. પરિસ્થિતિ જ વિલન છે અહીં. એક ડિરેક્ટર તરીકે મેઘનાની ઊંચાઈ આના પરથી સાબિત થાય છે. ‘તલવાર’માંય એણે આ જ સિદ્ધિ મેળવેલી ને એ અગાઉ ‘ફિલહાલ’માંય. (સુસ્મિતા સેન કેટલી ફક્કડ અભિનેત્રી છે, એ જોવાય એ ફિલ્મ જોજો. એમાં તો સુસે તબુ જેવી તબુને ઝાંખી પાડી દીધેલી.)   
કુલ મિલાકે, ‘રાઝી’ એક આઉટ-એન્ડ-આઉટ થ્રિલર ફિલ્મ છે. પ્રત્યેક ભારતીયને ગર્વ થાય એવી ફિલ્મ. જોઈ જ આવશો. સપરિવાર. પાંચમાંથી ૪ સ્ટાર્સ. જય હિંદ.
©  Mayur Patel