Tuesday 22 July 2014

આ ‘બ્રિક્સ’ ભારતનો પાયો કેટલો મજબૂત કરશે?


તાજેતરમાં બ્રિક્સ દેશોની મિટિંગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલ ગયા અને માધ્યમોમાંબ્રિક્સશબ્દ ઝળક્યો. મોટાભાગના ભારતીયોને પ્રશ્ન થયો કે, બ્રિક્સ શું છે? નરેન્દ્ર મોદીના એકે એક પગલાં પર જનતાની ચાંપતી નજર છે ત્યારે બ્રિક્સ વિશે જાણવું રસપ્રદ બનશે.

BRICS બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા( ક્રમમાં) એમ પાંચ દેશોનું સંગઠન છે, જે પાંચેય દેશોના સાર્વત્રિક વિકાસાર્થે કાર્યરત છે. બ્રિક્સ દેશોની મુલાકાતની સૌથી મોટી ફલશ્રુતિ છે ન્યુ ડેવલપમેન્ટ બેંક’(NDB)ની ઘોષણા. ૧૦૦ અબજ યુએસ ડોલર્સના ભંડોળ સાથે શરૂ થનારી બેંકનું વડું મથક ચીનના શાંઘાઈમાં હશે જ્યારે બેંકના પ્રથમ પ્રમુખ ભારતીય હશે. દર પાંચ વર્ષે પ્રમુખ પદે નવા દેશના પ્રતિનિધિ આવતા રહેશે.  

પ્રશ્ન થાય કે બ્રિક્સની જરૂર કેમ ઊભી થઈ?

અત્યાર સુધી થતું એવું હતું કે વિશ્વના તમામ દેશોએ મોટા પ્રોજેક્ટ માટે ભંડોળ મેળવવા કે પ્રાકૃતિક આપદાઓ વખતે અસરગ્રસ્તોની મદદ માટે વર્લ્ડ બેંક અથવા તો ઇન્ટરનેશલ મોનેટરી ફંડ(IMF) નામની સંસ્થા પાસે હાથ ફેલાવવો પડતો. બંને સંસ્થાઓ મુખ્યત્ત્વે યુરોપ અને અમેરિકાના પૈસે ફાલીફૂલી હોવાથી વિકાસશીલ દેશો પ્રત્યે તેઓ હંમેશાં ઓરમાયું વર્તન રાખતી આવી છે. (બંને સંસ્થાના વડામથક પણ અમેરિકામાં છે.) આંતરરાષ્ટ્રીય મંચ પર વિકાસશીલ દેશોના મંતવ્યનું પણ વજન પડે માટે આર્થિક વિકાસ જરૂરી છે અને આર્થિક વિકાસ માટે એક એવી સંસ્થાની જરૂર હતી જે વિકાસશીલ દેશોને જરૂર પડ્યે આર્થિક મદદ આપી શકે. અગાઉ નોંધી બે સંસ્થાના ઓશિયાળાપણામાંથી મુક્તિ મેળવવા માટે ભારત સહિતના પાંચ વિકાસશીલ રાષ્ટ્રોએ જે સંસ્થા સ્થાપી તે બ્રિક્સ.

જ્યાં ને ત્યાં સત્તા જમાવવાની વેતરણમાં પડ્યું રહેતું ચીન બ્રિક્સ દેશોમાં પણ શિરમોર રહેવા ઈચ્છુક હતું. વિશ્વમાં સૌથી વધુ વિદેશી હૂંડિયામણ(foreign exchange reserve) ધરાવતું ચીન ૪૦ મિલિયનનો ફાળો આપીને NDBનું સત્તાધીશ બનવા માગતું હતું પણ તેની મુરાદ બર નથી આવી. ભારત અને બ્રાઝિલના વિરોધને લીધે ચીને સમાધાનનો માર્ગ અખત્યાર કરવો પડ્યો છે. ચીનની દલીલ હતી કે સભ્ય દેશની આર્થિક તાકાત જેટલી વધારે એટલી વધુ સત્તા તેને NDBના વહીવટમાં હોવી જોઈએ. ભારત અને બ્રાઝિલ બંને મુદ્દે ચીન સાથે અસંમત હતા, પરિણામે બેંકનાશ્રીગણેશબે વર્ષ લંબાઈ ગયા. વારંવારની મીટિંગો બાદ છેવટે તમામ પાંચ દેશોના એકસમાન હિસ્સા બાબતે ચીને હામી ભરવી પડી અને મડાગાંઠ ઉકલી.

NDBનું મોટું જમાપાસું છે કે એમાંએક રાષ્ટ્ર, એક વોટની નીતિ છે. વર્લ્ડ બેંક અને IMFના ધોરણોથી તદ્દન અલગ વાત છે. સંસ્થાઓમાં અમેરિકા, ઈંગ્લેન્ડ જેવી મહાસત્તાઓને કોઈપણ મુદ્દે વધુ વોટ આપવાની છૂટ છે. સંસ્થાઓના નિર્ણયો હંમેશાં મહાસત્તાઓની અનુકૂળતા મુજબના હોય છે. NDBની નીતિ અન્ય રાષ્ટ્રોને બ્રિક્સના સભ્ય બનવા માટે આકર્ષિત કરી શકે છે. બ્રાઝિલમાં યોજાયેલી પરિષદમાં આર્જેન્ટિનાએ પણ ભાગ લીધો હતો અને બ્રિક્સ દેશોમાં તેનો સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે. આર્થિક લોન આપતી વેળાએ IMF જે આકરી શરતો લાદે છે એવી શરતો NDBમાં નહીં હોય, પણ એનું જમાપાસું છે.    

ભારત અને ચીન વચ્ચે અરુણાચલ અને અકસાઈ ચીન મુદ્દે સરહદ વિવાદની મડાગાંઠ સર્જાયેલી છે (જેને ઉકેલવા બંને દેશો વચ્ચે અત્યાર સુધી ૧૭ મુલાકાતો થઈ ચૂકી છે, છતાં પરિણામ શૂન્ય રહ્યું છે.) ત્યારે સારી વાત છે કે બ્રિક્સ દ્વારા બે દેશોને એક પ્લેટફોર્મ મળી રહ્યું છે જે બંને વચ્ચેના સંબંધો સુમેળભર્યા બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. આજના મૂડીવાદી જગતમાં દરેક દેશનું લક્ષ્ય આર્થિક વિકાસ છે ત્યારે ભારત-ચીન વચ્ચે એક નવા આર્થિક અધ્યાયનું નિર્માણ થાય આવકાર્ય છે. નરેન્દ્ર મોદીએ બ્રિક્સની બેઠક પહેલાં ચીનના પ્રમુખ ઝી જિનપિંગ સાથે ૮૦ મિનિટ લાંબી મુલાકાત કરી જેમાં બંને દેશો વચ્ચે વેપાર વધારવાની શક્યતાઓ સાથે સરહદી વિવાદોની પણ ચર્ચા થઈ હતી. ઝીએ મોદીને નવેમ્બરમાં ચીનમાં યોજાનારી APEC પરિષદમાં જોડાવાનું નિમંત્રણ આપ્યું છે. પરિષદ માટે આમંત્રણ મેળવનારા તેઓ પ્રથમ ભારતીય વડા છે. ન્યુ ડેવલપમેન્ટ બેંકનું નામકરણ પણ નરેન્દ્ર મોદીએ કર્યું. તમામ હકીકતો આંતરરાષ્ટ્રીય સ્તરે મોદીના વધતાં વર્ચસ્વની સાબિતી છે

૨૦૧૬માં શરૂ થનારી બેંકની શરૂઆત ૫૦ મિલિયન યુએસ ડોલર્સથી થશે અને દરેક દેશ ૧૦ મિલિયન ફાળવશે. ભંડોળ સભ્ય દેશોના કલ્યાણાર્થે વપરાશે. જોકે ઇમરજન્સી માટે રિઝર્વ રખાયેલા ૧૦૦ અબજ યુએસ ડોલર્સમાં ૪૧ ટકા રોકીને ચીને ઓલરેડી પોતાની પકડ બ્રિક્સ પર મજબૂત કરી લીધી છે. બેંકનો વહીવટ શાંઘાઈથી થવાનો હોવાથી સ્વાભાવિક છે કે બેંકમાં ચીની સ્ટાફના સભ્યોની બહુમતી હશે. વિશ્વના સૌથી મોટા ઉત્પાદક દેશ ચીન NDBનો પૈસો પોતાનામેન્યુફેક્ચરિંગ ડ્રેગનને પોષવા માટે કરે એવું પણ બને. શક્યતા એવી પણ છે કે આર્થિક દોડમાં અમેરિકાથી આગળ નીકળવા ચીન બ્રિક્સ અને NDBનો હથિયાર તરીકે ઉપયોગ કરે.

પ્રશ્ન એ થાય કે, લુચ્ચા શિયાળ સમું ચીન તો ખાટી જશે, પણ ભારતનું શું?

ભારતમાં ઉદ્યોગોના વિકાસ માટે ચીનની બેંકોએ ધિરાણ આપવાની તૈયારી બતાવી છે. નોંધપાત્ર બાબત છે કે વ્યવહાર ચીની ચલણ યુઆનમાં થશે. અર્થશાસ્ત્રીઓ આ વાતથી ચકિત છે કેમ કે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય લેવડદેવડો અમેરિકન ડોલરમાં થતી આવી છે. પગલું ડોલરની મોનોપોલી તોડી શકશે કે કેમ તો સમય કહેશે. NDBની શરૂઆતી સહાય ભારતમાં પરિવહન(રસ્તા, રેલવે, એરપોર્ટ) સેવાઓ મજબૂત કરવામાં ખર્ચવામાં આવશે. NDBનું શરૂઆતી ભંડોળ ૫૦ અબજ યુ.એસ. ડોલર્સ(૩૦૦૦૦ કરોડ રૂપિયા) છે જ્યારે એકલા ભારતને આવતા પાંચ વર્ષોમાં ૬૦૦૦૦ કરોડ રૂપિયાની ખપ પડશે. મતલબ સાફ છે કે વિકાસ માટે ભારત સંપૂર્ણપણે NDB પર આધાર નહીં રાખી શકે.

ચીન અને ભારત વચ્ચેના સહયોગથી, પછી કોઈપણ ક્ષેત્રે હોય, પશ્ચિમી દેશોના પેટમાં તેલ રેડાય સ્વાભાવિક છે. છેલ્લા ઘણાં વર્ષોથી પશ્ચિમી રાષ્ટ્રો સાથે ભારતના સંબંધો સુમેળભર્યા રહ્યા છે ત્યારે બ્રિક્સ પરનો મદાર(અને ચીન તરફનો ઝુકાવ) ભારત અને વેસ્ટર્ન વર્લ્ડ વચ્ચે ખટાશ ઉત્પન્ન કરે એનું પણ મોદી સરકારે ધ્યાન રાખવું પડશે. ક્યાંક એવું થાય કે પશ્ચિમી દેશોના આધિપત્યમાંથી મુક્ત થઈ ભારત અજાણપણે ચીનનું આધિપત્ય સ્વીકારી લે.

આર્થિક દૃષ્ટિએ પાંચ અલગ અલગ કદની આંગળીઓ ભેગી મળીને બ્રિક્સ નામની જે મજબૂત મુઠ્ઠી બની છે તેની વિશ્વભરમાં નોંધ લેવાઈ છે. બ્રિક્સ નામનો સંઘ કદી કાશીએ નહીં પહોંચશે એવું ભાવિ ભાખનાર પશ્ચિમી પંડિતોની નજર બ્રિક્સ ઉપર ચોક્કસ રહેશે કેમ કે અહીં ભવિષ્યની મહાસત્તાઓની રસપ્રદ ધૂરી રચાઈ છે. ‘અમારી પાસે પણ અમારી પોતીકી બેંક છેએવું કંઈક કહીને બ્રિક્સ રાષ્ટ્રો અંગત લાભ માટે વર્લ્ડ બેંક અને IMFનું નાક પણ દબાવી શકે છે. NDBને મજબૂત બનાવવા બ્રિક્સ દેશો જો વર્લ્ડ બેંક અને IMFને ફંડ આપવાનું બંધ કરશે તો પૂર્વ અને પશ્ચિમ વચ્ચે આર્થિક ધ્રુવીકરણ સર્જાઈ શકે છે.    

NDBમાં ભારત સરકાર જે રકમ જમા કરાવશે મારા-તમારા ગજવામાંથી જવાની છે. કરદાતાઓની પરસેવાની કમાણી ચીન મોકલી પછી દેશના ઉત્થાન માટે મંગાવવામાં કેટલું ડહાપણ પ્રશ્ન નિષ્ણાંતો કરી રહ્યા છે. દેશનો પૈસો સીધો દેશમાં વાપરી ના શકાય?- એવો પ્રશ્ન કરનારા જાણી લે કે બધું સમુંસૂતરું પાર પડ્યું તો NDB ભારતમાં ખરેખરઅચ્છે દિનલાવવામાં કી-ફેક્ટર સાબિત થશે. ચીન સાથેની જુગલબંદી પણ ભારત માટે(ખાસ કરીને પાકિસ્તાન અને અમેરિકાના પરિપેક્ષ્યમાં) ફાયદાકારક સાબિત થઈ શકશે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ચીન અને ભારતનું એકલપંડે જે વજન પડે છે એના કરતાં બ્રિક્સના માધ્યમ થકી તેઓનું ચોક્કસપણે વધુ ઉપજશે. અત્યાર સુધી પશ્ચિમી દેશો તરફ ઝુકેલાવૈશ્વિક સત્તાના ગણિતને બ્રિક્સ સમતોલ કરી શકશે એવી આશા રાખી શકાય.

બ્રિક્સ દેશોનું હનિમૂનઆર્થિક અને રાજકીય દૃષ્ટિએ હાલ પૂરતું તો પશ્ચિમી દેશો માટે ખતરો જણાતું નથી. આવતા દસેક વર્ષો બાદ ચિત્ર સ્પષ્ટ થશે કે NDB, વર્લ્ડ બેંક અને IMFનું પ્રતિસ્પર્ધી બની શકે છે કે નહીં. બ્રિક્સ નામના ગિયરનો ઉપયોગ કરી ભારત કેવીક આર્થિક છલાંગ લગાવે છે તો સમય કહેશે.

NDBના આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) : આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ હેતુસર ૧૯૪૪માં દુનિયાના ૪૫ દેશોએ મળીને IMFની સ્થાપના કરી હતી. સભ્ય દેશોને જરૂર મુજબ આર્થિક સહાય કરી તેમને સધ્ધર બનાવવાનું કામ IMF કરતી આવી છે. હાલમાં ૩૧૬ અબજ અમેરિકન ડોલર્સનું ભંડોળ ધરાવતી સંસ્થામાં ૧૮૨ સભ્ય દેશો છે. સભ્ય દેશોના દાન વડે તેનું કામ ચાલે છે.       

વિશ્વ બેંક : વિશ્વ બેંકની સ્થાપના પણ ૧૯૪૪માં થઈ હતી. શરૂઆતમાં તેનું ફોકસ સભ્ય દેશોમાં વીજળી અને વાહન-વ્યવહારના વિકાસ પર હતું પરંતુ પાછળથી તેણે વિકાસને લગતાં અન્ય પ્રોજેક્ટ્સ પર પણ ધ્યાન આપવા માંડ્યું હતું. આંતરરાષ્ટ્રીય શેરબજારમાંથી ઉધાર લઈને મોટાભાગનું ફંડ મેળવતી બેંકનું ભંડોળ છે ૧૮૪ અબજ યુ.એસ. ડોલર્સ અને સભ્ય દેશો છે ૧૮૦ દેશ.

એશિયન ડેવલપમેન્ટ બેંક(ADB) : ૧૯૬૬માં એશિયાના ૩૧ સભ્ય દેશોએ ભેગા મળીને ADBની રચના કરી હતી. એશિયાના દેશો વચ્ચે વ્યાપાર વધે હેતુસર અસ્તિત્વમાં આવેલી બેંકમાં હાલમાં ૬૭ સભ્ય દેશો છે અને તે ૧૬૫ અબજ યુ.એસ. ડોલર્સનું ફંડ ધરાવે છે. માળખાકીય વિકાસ, ગ્રામિણ વિકાસ(regional cooperation and integration), ઔદ્યોગીકરણ(finance sector development), શિક્ષણ, પર્યાવરણ એમ કુલ પાંચ ક્ષેત્રો માટે આર્થિક સહાય કરતી બેંક ફંડ માટે સભ્ય દેશો દ્વારા મળતા દાન અને શેરમાર્કેટ પર આધાર રાખે છે.  

વૈશ્વિક સંગઠનો પર એક નજર

બ્રિક્સ જેવા અન્ય ઘણા સંગઠનો છે જે દાયકાઓથી કાર્યરત છે. આવા કેટલાક સંગઠનો પર એક નજર નાખીએ.

સાર્કઃ
દક્ષિણ એશિયાઈ દેશોના અર્થતંત્રને વેગવાન બનાવવા તથા સામાજિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાન વધારવા એક વિશિષ્ઠ સંગઠન સ્થાપવાનો સર્વપ્રથમ વિચાર ૭૦ના દાયકામાં બાંગ્લાદેશના તત્કાલીન રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાને રજૂ કર્યો હતો. જોકે સારા લાગતા વિચારનો અમલ કરતાં વર્ષો વીતી ગયા. ૧૯૮૧માં સાત દેશોના પ્રતિનિધિઓ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં મળ્યા અને વિચારોની આપ-લે થઈ. ૧૯૮૬માં સાર્ક-SAARC(સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજનલ કોઓપરેશન) નામની સંસ્થાની રચના થઈ હતી. સાર્કનો મુખ્ય હેતુ છેઃ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, વૈચારિક, શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધી સુધારાઓ લાવી દક્ષિણ એશિયાઈ દેશોના લોકોનું જીવનધોરણ ઊંચું લાવવું. ઉપરાંત સભ્ય દેશો વચ્ચે ટેકનોલોજિકલ, વૈજ્ઞાનિક, પરિવહન, ખેલ, ઉદ્યોગ અને કૃષિ સંબંધીત આદાનપ્રદાન વધારવાની પણ નેમ છે. સાર્કમાં આઠ સભ્ય દેશો છેઃ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, માલદિવ અને અફઘાનિસ્તાન. સાર્કનું વડું મથક કાઠમંડુ, નેપાળમાં છે
ભૌગોલિક દૃષ્ટિએ અફઘાનિસ્તાન દક્ષિણ એશિયામાં ગણાતો હોવા છતાં સાર્કમાં ૨૦૦૭માં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૨૦૦૬માં અમેરિકા, યુરોપિયન યુનિયન અને દક્ષિણ કોરિયાએ સંગઠનનાઓબ્ઝર્વર’ (માનદ સભ્ય) બનવાની અરજી કરી હતી. ૨૦૦૭માં ઈરાને રસ દાખવ્યો. દેશોને ઓબ્ઝર્વર તરીકે માન્યતા મળતાં વધુ કેટલાંક દેશો આગળ આવ્યા. આજે કુલ ઓબ્ઝર્વર દેશોમાં ઉપરોક્ત દેશો ઉપરાંત જાપાન, ઓસ્ટ્રેલિયા, ચીન, બર્મા અને મોરેશિયસનો સમાવેશ થાય છે. બર્માએ તો સાર્કના સભ્ય બનવાની અરજી પણ કરી છે. સાર્ક સાથે જોડાવાની તમામ દેશોની પહેલને સંગઠનની સફળતા ગણી શકાય

સાર્કે ફક્ત એશિયાના નહીં બલકે સમગ્ર વિશ્વના દેશો સાથે સ્થાયી રાજદ્વારી સંબંધો બાંધવાની દિશામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. વર્ષમાં એક વાર સભ્ય રાષ્ટ્રોના વડાઓની બેઠક મળે છે અને દરેક દેશના વિદેશમંત્રીઓની બેઠક વર્ષમાં બે વાર યોજાય છે. સાર્કની ૧૮મી શિખર પરિષદ નવેમ્બર ૨૦૧૪માં કાઠમંડુમાં યોજાશે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)

વિશ્વના દેશોને એક છત્ર હેઠળ લાવનારી પ્રથમ સંસ્થા હતી લીગ ઓફ નેશન્સ. પહેલા વિશ્વયુદ્ધને લીધે પાયમાલ થઈ ગયેલા યુરોપના દેશો દ્વારા ૧૯૨૦માં સ્થપાયેલી સંસ્થા વિશ્વમાં શાંતિ જળવાઈ રહે માટે કાર્યરત હતી. જોકે સંસ્થા તેના હેતુમાં નિષ્ફળ નીવડી અને જગત વધુ ભીષણ એવા બીજા વિશ્વયુદ્ધમાં સપડાયું. બીજા વિશ્વયુદ્ધના અંતે લીગ ઓફ નેશન્સ કરતાં વધુ શક્તિશાળી સંગઠન સ્થાપવાની જરૂરત જણાતા સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુએન) અસ્તિત્વમાં આવી.
યુએનના જાણીતા ઉદ્દેશોમાં આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સલામતી, આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ, માનવ અધિકારની દૃષ્ટિએ સહકાર આગળ ધપાવવો અને વિશ્વ શાતિ હાંસલ કરવાનો સમાવેશ થાય છે. હેતુઓ પાર પાડવા માટે આ સંસ્થાને અસંખ્ય વહીવટીય સંસ્થાઓમાં વિભાજિત કરવામાં આવી છે, જેમ કે, જનરલ એસેમ્બલી(મુખ્ય સહેતુક એસેમ્બલી); સલામતી કાઉન્સિલ(શાંતિ અને સલામતી માટેના ઠરાવો નક્કી કરવા); આર્થિક અને સામાજિક કાઉન્સિલ(આર્થિક અને સામાજિક વિકાસને ઉત્તેજન આપવા); સચિવાલય(યુએન દ્વારા જરૂરી અભ્યાસો, માહિતી અને સવલતો પૂરી પાડવી); આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત(પ્રાથમિક ન્યાયિક ભાગ). ઉપરાંત યુએનની વધારાની સંસ્થાઓ પણ છે, જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબ્લ્યુએચઓ), વિશ્વ ખાધાન્ન કાર્યક્રમ(ડબ્લ્યુએફપી) અને યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ(યુનિસેફ) મુખ્ય છે.

વર્તમાનમાં સંસ્થામાં સ્વતંત્ર હોય એવા ૧૯૩ સભ્ય રાષ્ટ્રો છે. સંસ્થાનું વડું મથક ન્યુ યોર્કમાં આવેલું છે. વિશ્વભરમાં આવેલી તેની ઓફિસોમાં આખા વર્ષ દરમિયાન યોજાતી બેઠકોમાં સંસ્થાના હેતુઓ અને વહીવટીય મુદ્દાઓ નક્કી થાય છે. હાલમાં યુએનના જનરલ સેક્રેટરી છે, દક્ષિણ કોરીયાના બાન કી મૂન, જેમણે ૨૦૦૭માં પદભાર ગ્રહણ કર્યો હતો. ઇંગ્લિશ, ફ્રેંચ, રશિયન, સ્પેનિશ, અરેબિક અને ચાઇનીઝ એમ છ સત્તાવાર ભાષાઓ ધરાવતી આ સંસ્થાને તેના સભ્ય દેશો સ્વૈચ્છિક ભંડોળ પૂરું પાડે છે.

યુએન માનવતાવાદી કાર્યો હાથ ધરવા માટે જાણીતી છે. સામૂહિક રસીકરણ કાર્યક્રમ(ડબ્લ્યુએચઓ મારફતે) યોજે છે, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં મદદ મોકલે છે અને વિસ્થાપિતોના રક્ષણાર્થે એક્ટિવ રહે છે. જોકે સંસ્થા પણ વિવાદોથી પર નથી રહી શકી. સખાવત માટે મળતા ભંડોળના ગેરવહીવટ અને કૌભાંડો છાસવારે બહાર પડતા રહે છે. યુએનમાં કામ કરી ચૂકેલા અનેક કર્મચારીઓએ સંસ્થાના ઉચ્ચાધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે

યુએનની સૌથી મહત્ત્વપૂર્ણ એવી સિક્યુરિટી કાઉન્સિલમાં પાંચ કાયમી સભ્યો છેઃ ફ્રાંસ, ચીન, રશિયા, યુકે અને યુએસ. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સામે જોખમ ઊભું કરે એવી બાબત સેક્રેટરી જનરલ સલામતી કાઉન્સિલના ધ્યાનમાં લાવે છે.

NAM- Non-Aligned Movement (બિન-અલિપ્ત ચળવળ)

સાંઠના દાયકામાં અમેરિકા અને રશિયા વચ્ચે જામેલુંકોલ્ડ વોરત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણમે હેતુ સર ૧૯૬૧માં NAMની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થા વિકાસશીલ અને ગરીબ દેશોનો સમૂહ છે અને અમેરિકા કે યુરોપના દેશો(બેલારૂસ સિવાય) એમાં સભ્યપદ ધરાવતાં નથી. સંગઠનની બિનાસરકારકતાના દર્શન ત્યારે થયા હતા જ્યારે ૧૯૭૯માં રશિયાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું. હવે કોલ્ડ વોરની ભીતિ નથી રહી ત્યારે NAMનું કોઈ મહત્ત્વ રહ્યું નથી, છતાં સંસ્થા ટકી રહી છે ખરી. હાલમાં સંસ્થામાં ૧૨૦ સભ્ય દેશો છે.

નાટો- NATO (The North Atlantic Treaty Organization)

બીજા વિશ્વયુદ્ધ બાદ ૧૯૪૯માં ઉત્તર અમેરિકા અને યુરોપના દેશો વચ્ચે નોર્થ એટલાન્ટિક ટ્રીટીનામે સ્વરક્ષણ માટેની સંધિ થઈ હતી. સંધિ મુજબ નાટોના સભ્ય દેશો પૈકી કોઈ દેશ પર સૈન્ય આક્રમણ થશે તો બાકીના નાટો દેશો તે દેશને પક્ષે રહી લડશે. ૨૮ સભ્ય દેશો ધરાવતા આ સંગઠને પણ કોલ્ડ વોરને કાબૂ બહાર જતું અટકાવ્યું હતું એમ કહી શકાય. નાટોનું પોતાનું અલગ સૈન્યદળ છે. બોસ્નિયા(૧૯૯૨) અને યુગોસ્લાવિયા(૧૯૯૯)માં સર્જાયેલી રાજકીય અંધાધૂંધી હોય કે પછી ૯-૧૧-૨૦૦૧ પછી અફઘાનિસ્તાનનો ઘડોલાડવો કરવાનો હોય, નાટો દળોએ હંમેશાં પશ્ચિમી દેશોની ફેવરમાં સક્રીય ભાગ લીધો છે

ઉપરોક્ત સંસ્થાઓ જેવી અન્ય સંસ્થાઓ છેઃ ASEAN(ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપિન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, બ્રુનેઈ, કમ્બોડિયા, લાઓસ, બર્મા, વિએટનામ); G-20(ભારત સહિત દુનિયાના ૨૦ સભ્ય દેશો); BIMSTEC(બે ઓફ બેન્ગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશનઃ ભારત સહિત એશિયાના સભ્ય દેશો); ACD(એશિયા કોઓપરેશન ડાયલોગઃ ભારત સહિત એશિયાના ૩૩ સભ્ય દેશો). 

નોંધઃ ૩ જુલાઈ ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.