બહુ જ ઓછા પ્રચાર-પ્રમોશન સાથે રિલિઝ થયેલી ફિલ્મ હોય પણ દિગ્દર્શન
જ્યારે ‘સ્ટીવન સ્પિલબર્ગ’ સરીખા મહાન ફિલ્મમેકરનું હોય ત્યારે રિવ્યૂ-બિવ્યૂ કે માઉથ
પબ્લિસિટીને પરવા કર્યા વિના સીધા જ થિયેટર તરફ દોટ મૂકવાની હોય. દોટ પણ મૂકી અને ફિલ્મ
પણ જોઈ. ખૂબ ભૂખ લાગી હોય અને ભાવતા ભોજન મળી જાય ત્યારે સંતોષનો જે ઓડકાર આવે એવી
જ માનસિક તૃપ્તિ the BFG જોઈને થઈ.
સ્પિલબર્ગ ફક્ત એક ફિલ્મમેકર નથી. તેઓ સપના વહેંચે છે. ફિલ્મના
માધ્યમે તેમણે જે રીતે સપના વહેંચ્યા છે (કેવા અને કયા સપના એ તો હોલિવુડની ફિલ્મોના
રસિયા હો અને સ્પિલબર્ગની ધારદાર-ધૂંઆદાર ફિલ્મો જોઈ હોય એને જ ખબર પડે) કંઈક એ જ રીતે
the BFGમાં વાત છે એક એવા દૈત્યની જે રાત પડ્યે સપના વહેંચવા નીકળે છે. લીટરલી! (સ્પોઇલર્સ
અહેડ… વાર્તા શું છે એ ન જાણવું હોય તો છેલ્લા ૩ પેરેગ્રાફ પર કૂદી જાવ.) દૈત્ય દુનિયામાં
રહેતો ૨૪ ફીટ ઊંચાઈ ધરાવતો એક કદરૂપો બુઢ્ઢો વાદળોની પેલે પાર એક રહસ્યમય દુનિયામાં
વસે છે. અહીં બધુ જ જાયન્ટ-સાઇઝ છે. આભને આંબતા પહાડો. વિશાળ વૃક્ષો. અને નીચેથી ઊંચે
વહેતી (કે ચડતી!) નદીઓ! આવી આ અદ્ભુત દુનિયામાં એક અંધારી ગુફામાં એકલો રહે છે એ બુઢ્ઢો.
રાત પડ્યે એ પોતાનો સરંજામ લઈ ઊંચે-અત્યંત ઊંચે આવેલા પહાડ પર ચડાઈ કરે છે. પહાડની
ટોચે આવેલું છે એક અત્યંત વિશાળ વૃક્ષ. સામાન્ય જણાતા એ વૃક્ષનું પાણીમાં દેખાતું પ્રતિરૂપ
ચમત્કારી શક્તિ ધરાવતું હોય છે. એ પ્રતિરૂપના પાંદડાં સપનાનું સર્જન કરતા હોય છે! જી,
હાં… એ જ સપના જે આપણે સૌ ઊંઘમાં જોતા હોઈએ છીએ. પેલો બુઢ્ઢો નાચતાં-કૂદતાં સપના માછલી
પકડવાની જાળમાં પકડે અને પછી એને કાચની નાની નાની બરણીમાં કેદ કરી લે. એ જ સપના પછી
એ ઈંગ્લેન્ડના શહેરો-ગામોમાં ઊંઘતા લોકોને વહેંચવા નીકળે! (છે ને યુનિક એન્ડ રિફ્રેશિંગ
કોન્સેપ્ટ!!!)
વર્ષોથી લોકોની સપના સજાવવાની જવાબદારી ખુશીથી નીભાવતા બુઢ્ઢાનો
ભેટો એક દિવસ લંડનના એક અનાથાશ્રમમાં રહેતી દસ વર્ષની છોકરી સોફી સાથે થાય છે. લોકોથી
પોતાનું અસ્તિત્વ છુપાવીને રહેતા બુઢ્ઢાને ડર લાગે છે કે સોફી તેનું રાઝ જાહેર કરી
દેશે અને પછી માણસ નામનું અદેખું પ્રાણી એની સપના વહેંચવાની નિઃસ્વાર્થ ભાવનાને અવગણીને
એને કેદ કરી લેશે અથવા તેની હત્યા કરી દેશે. ડરીલો બુઢ્ઢો સોફીનું અપહરણ કરી લે છે.
તેને પોતાની દૈત્ય દુનિયામાં લઈ જઈ ગુફામાં કેદ કરી લે છે. શરૂઆતની ગરમાગરમી અને નોંકઝોંક
બાદ સોફી અને બુઢ્ઢા વચ્ચે લાગણીનો સેતુ રચાવા માંડે છે અને સોફી એ નામવિહોણા બુઢ્ઢાને
નામ આપે છેઃ the BFG (ધ બિગ ફ્રેન્ડલી જાયન્ટ).
હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. દૈત્ય દુનિયામાં BFG એકલો નથી
રહેતો. ગણીને પૂરા ૯ રાક્ષસો પણ BFGની ગુફાની આસપાસ રહે છે. ૬૦-૭૦ ફીટ ઊંચા એ માણસખાઉ
રાક્ષસો BFGને રંજાડતા રહે છે. ગુફામાં કેદ સોફીની ગંધથી આકર્ષાઈને તેઓ BFGની ઢોલધપાટ
શરૂ કરે છે, પણ BFG મચક નથી આપતો. BFGનું આવું રોજેરોજનું અપમાન સહન ન થતાં સોફી એ
રાક્ષસોના ત્રાસથી BFGને હંમેશ માટે છોડાવવા એક રસપ્રદ પ્લાન ઘડે છે અને…
બાકીની સ્ટોરી વાંચવામાં નહીં, જોવામાં મજો પડે એવી છે. ૨૦૧૫માં
આવેલી સ્પિલબર્ગની જ ‘બ્રીજ ઓફ સ્પાઇઝ’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કાર જીતી ચૂકેલા
‘માર્ક રિલન્સ’ અહીં BFG બન્યા છે. ‘રુબી બાર્નહિલ’ની પહેલી જ ફિલ્મ હોવા છતાં સોફીના
રોલમાં તે ભરપૂર આત્મવિશ્વાસ સાથે ખીલી છે. બંને વચ્ચે રચાતું લાગણીબંધન સ્પિલબર્ગે
સુપર્બ ઢંગથી કંડાર્યું છે. લાગણીઓને ભારેખમ ફિલોસોફીમાં લપેટીને દર્શકોને માથે મારવાને
બદલે એકદમ સરળ રીતે એની રજૂઆત કરી ગળચટ્ટા શીરાની જેમ ગળે ઉતારી દેવામાં સ્પિલબર્ગ
આમ પણ માસ્ટર છે. બાળકોને કેન્દ્રસ્થાને તેમણે જ્યારે પણ ફિલ્મો બનાવી છે- ‘ઈ.ટી.’થી
લઈને ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ સુધી- ત્યારે તેમણે ફિલ્મોને શક્ય એટલી સિમ્પલ રાખી
છે અને અહીં પણ તેઓ એ દાવ સફળતાપૂર્વક અજમાવે છે. અનાથ હોઈ પોતાની ઉંમરના અન્ય બાળકો
કરતાં થોડી વધુ મેચ્યોર્ડ થઈ ગયેલી સોફીના પાત્રની ઠાવકાઈ અને લામ્બી… જિંદગી જીવી
ચૂકેલા હોવા છતાં બાળસહજ માસૂમિયત ધરાવતા દૈત્યના પાત્રો તેમણે અત્યંત બારીકાઈથી વિકસાવ્યા
છે.
ટેકનીકલી ફિલ્મને ધમાકેદાર જ કહેવી પડે. ૧૪૦ મિલિયન ડોલર્સનો
જંગી ખર્ચ ફિલ્મની એકેએક ફ્રેમમાં દેખાઈ આવે છે. નાચતાકૂદતા રંગબેરંગી સપના, ભવ્યાતિભવ્ય
લોકાલ્સ, આફરીન થઈ જવાય એવી થ્રીડી ઇફેક્ટ્સ અને વાર્તામાં પ્રાણ પૂરતું બેકગ્રાઉન્ડ
મ્યુઝિક..! ક્યા બ્બાત, ક્યા બ્બાત..! ફિલ્મ સોફીના એન્ગલથી બનાવાઈ છે એટલે ઘણા દૃશ્યોનું
ફિલ્માંકન સોફીને જે દેખાય છે એ રીતે જ થયું છે. મતલબ કે અહીં દર્શક પોતે સોફીની આંખે
ફિલ્મ જોતો હોય એવું લાગે છે. ૨૪ ફીટથી ૬૦ ફીટની પહાડી ઊંચાઈ ધરાવતા રાક્ષસો-દૈત્યો
પરસ્પર ઝઝૂમે-ટકરાય-બાખડે ત્યારે બચારી સાડા ચાર ફીટની સોફી જે રીતે આમથી તેમ ફંગોળાય-અટવાય-કૂટાય
છે એ બધું જોવામાં જલસો પડી જાય છે. કેમેરાના ચબરાક એન્ગ્લ્સ દર્શકો સોફીની જગ્યા પર
મૂકી દે અને દિલધડક સાહસની અનોખી અનુભૂતિ કરાવે એ આ બહેતરીન ફિલ્મની વિશિષ્ટતા! ફિલ્મમાં
ક્યાંય અશ્લીલતા કે હિંસા નથી, એટલે સર્વજન ગ્રાહ્ય છે.
તો બડેખાં એન્ડ બચ્ચાપાર્ટી, રાહ શું જુઓ છો? સ્પિલબર્ગદાદાની
આ જાદુઈ દુનિયામાં પગરવ માંડો. કદાચ તમારા કોઈ સપનાનું મૂળ પણ એમાં ક્યાંક મળી જાય…
૪ સ્ટાર્સ આઉટ ઓફ ૫.