સરેરાશ ભારતીય દર્શક માટે ફિલ્મ એટલે મનોરંજનનું માધ્યમ. મોંઘી ટિકિટ ખરીદી
હોય એટલે બસ જલસો પડી જવો જોઈએ, પછી ભલેને ફિલ્મને લોજિક સાથે નહાવા-નીચોવવાનોય સંબંધ
ના હોય. વર્તમાનમાં જ્યારે મોટાભાગની હિન્દી ફિલ્મો ૧૦૦ કરોડી ક્લબના ટાર્ગેટ સાથે
બનતી હોય છે ત્યારે ‘તલવાર’ જેવી કોઈક હાર્ડહિટિંગ ફિલ્મ આવીને સાચા અર્થમાં ‘હટકે’
જલસો કરાવી દે છે. ફિલ્મનો હિરો જ્યારે કોઈ અદાકારને બદલે ફિલ્મની વાર્તા બની જાય છે
ત્યારે ફિલ્મ ચોક્કસપણે ‘મસ્ટ સી’ બની જાય છે, અને ‘તલવાર’ના કિસ્સામાં આમ જ બન્યું
છે.
યાદગાર ફિલ્મો ‘મકબૂલ, મકડી, ઓમકારા, સાત ખૂન માફ, કમીને અને હૈદર’ના સર્જક
વિશાલ ભારદ્વાજે આ ‘તલવાર’ની સ્ક્રિપ્ટ લખી છે, અને બોસ, એમણે આ ‘તલવાર’ની અફલાતૂન
કહી શકાય એવી ધાર કાઢી છે. મહાન જાપાની ફિલ્મસર્જક ‘અકિરા કુરોસાવા’ની ક્લાસિક ફિલ્મ
‘રાશોમોન’માં ઉપયોગમાં લવાઈ હતી એ જ ટેક્નિક—ક્રાઇમની એક જ ઘટનાને અલગ અલગ સાક્ષીઓના
દૃષ્ટિકોણથી અલગ અલગ અંદાજમાં રજૂ કરવી—નો ઉપયોગ ‘તલવાર’માં બખૂબી કરવામાં આવ્યો છે.
અગાઉ પણ હિન્દી ફિલ્મોમાં આ ટૅક્નિકનો છૂટપૂટ વપરાશ થયો છે, પણ જે રીતે ‘તલવાર’માં
થયો છે એ રીતે કદાચ ક્યારેય નથી થયો. છેલ્લે આ વર્ષે જ આવેલી આલાતરિન ‘દૃશ્યમ’માંય
આ ટેક્નિક જોવા મળી હતી.
ફિલ્મ બહુ જાણીતા ‘આરુષિ મર્ડર કેસ’ પર આધારિત છે. મૂળ ઘટનાક્રમને જ ફિલ્મમાં
યથાવત રાખવામાં આવ્યો છે અને સારી વાત એ છે કે ફિલ્મને ‘ગ્લેમરાઇઝ’ કરવાની સહેજ પણ
કોશિશ કરવામાં નથી આવી. ફિલ્મમાં ક્યાંય કોઈ શો-બાજી કે તડકભડક નથી. ઇનફેક્ટ, ફિલ્મ
એટલી વાસ્તવિક લાગે છે કે સિનેમાહોલમાં બેઠેલો દર્શક પોતાની જાતને ફિલ્મના દૃશ્યોનો
એક હિસ્સો સમજવા લાગે છે. જાણે કે મારી-તમારી આસપાસ જ કોઈ મર્ડરનું ઇન્વેસ્ટિગેશન થઈ
રહ્યું હોય! અને ઇન્વેસ્ટીગેશન પણ કેવું? ‘વાહ’ પોકારાવી દેવડાવે એવું! પહેલી જ વાર
હિન્દી સિનેમામાં કોઈ મર્ડર વિશે આટલું ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન બતાવવામાં આવ્યું છે.
મર્ડર કેસ દરમિયાન પોલિસ અને કોર્ટ કેવી કેવી સમસ્યાઓનો સામનો કરે અને રહસ્યનો સંપૂર્ણ
તાગ મેળવવા માટે કેવી કેવી માથાપચ્ચી કરવી પડે એનો ચિતાર ફિલ્મી પડદે પ્રથમવાર જીવંત
થયો છે ‘તલવાર’માં. એમાંય કેસ પર મહિનાઓ સુધી કામ કરી ચૂકેલા ઓફિસર્સ બંધબારણે મસલત
કરવા બેસે અને સિલસિલાબંધ દલીલો અને પ્રતિદલીલો કરે, એકબીજાની મશ્કરી અને અપમાન કરે
એનો દસ-બાર મિનિટ લાંબો ક્લાઇમેક્સ સીન તો આફરિન પોકારાવી દે એટલો મજેદાર અને હ્યુમરસ
છે. નિર્વિવાદપણે હિન્દી સિનેમાના સર્વશ્રેષ્ઠ દૃશ્યો પૈકીનો એક સીન! અદ્ભુત અને અવિસ્મરણીય!
ફિલ્મ થ્રિલર હોય તો ધમાકેદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોવું જ જોઈએ એવી એક માન્યતા
છે, પણ ‘તલવાર’માં મોટાભાગના દૃશ્યો કોઈપણ પ્રકારના બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિના આગળ ધપે
છે અને છતાં જબરદસ્ત અસરકારક લાગે છે.
રખે માનતા કે આ કોઈ બોરિંગ, ડોક્યુમેન્ટ્રી ટાઇપ, ફક્ત ક્લાસ માટે બનેલી આર્ટ
ફિલ્મ છે. ચુસ્ત અને ફાસ્ટપેસ્ડ એવી ‘તલવાર’ ક્લાસની સાથે સાથે માસનેય એટલી જ અપીલ
કરશે. શરૂઆતની દસ જ મિનિટમાં ફિલ્મ દર્શકને જકડી લે છે અને છેક છેલ્લા સીન સુધી એ પકડ
ઢીલી નથી પડતી. ઇન્ટરવલ પછી તો એક પછી એક એવા એવા ઘટનાક્રમ બને છે, એવા એવા રહસ્યસ્ફોટ
થાય છે કે શ્વાસ અધ્ધર થઈ જાય. હજી તો દર્શક કોઈ એક નતીજા પર પહોંચે ત્યાં જ વાર્તામાં
નવો ફણગો ફૂટે અને એ લોજિકલ લાગતો જણાય ત્યાં સ્ક્રિપ્ટમાં નવી ગૂગલી ફેંકાય. દર્શકને
અજગરભરડો લેતી આવી ચુસ્ત પટકથા હિન્દી ફિલ્મોમાં બહુ ઓછી જોવા મળી છે.
અભિનયમાં ઇરફાન ખાન હંમેશ મુજબ અવ્વલ. (ક્યારે નથી હોતો?) કોંકણા સેન શર્માથી
લઈને સોહુમ શાહ સુધીના એક પણ અપવાદ વિના તમામ કલાકારોએ અત્યંત સ્વાભાવિક અભિનય કર્યો
છે. ધ ગ્રેટ ગુલઝાર સા’બની ટેલેન્ટેડ દીકરી મેઘનાએ અગાઉ આપણને ‘ફિલહાલ’ જેવી ઉમદા રોમેન્ટિક
ફિલ્મ આપી હતી. ‘તલવાર’ના દિગ્દર્શન માટેય તેને ફૂલ માર્ક્સ આપવા પડે. કલાકારોના કોસ્ચ્યુમથી
લઈને નાનામાં નાની ડિટેઇલ વાસ્તવિકતાની શક્ય એટલી નજીક રાખવામાં આવી છે, પછી એ કાટ
ખાઈ ગયેલી બારણાની જાળી હોય કે કબાટના દરવાજા પર ચોંટાડેલું સ્ટિકર. ‘તલવાર’ સંપૂર્ણપણે
એક અદ્ભુત સિનેમેટિક એક્સ્પિરિયન્સ બની રહે છે.
સિનેમાને સાચા અર્થમાં ચાહતા દર્શકોને નમ્ર વિનંતી કે થિયેટરમાંથી ઉતરી જાય
એ પહેલાં ‘તલવાર’ અચૂક જુએ. પછી ફરિયાદ ના કરતા કે હિન્દી ફિલ્મોમાં હોલિવુડની જેમ
ટાઇટ સ્ક્રિપ્ટ ધરાવતી થ્રિલર્સ નથી બનતી. મનોરંજનથી ભરપૂર ‘સિંઘ ઇઝ બ્લિંગ’ના વજન
નીચે આ ‘તલવાર’ દબાઈ ન જાય એ માટે પણ આ ‘આઉટ ઓફ ધી બોક્સ’ ફિલ્મ જોવી જ રહી. પાંચ મૈં
સે ચાર સ્ટાર તો બનતા હૈ…