Saturday, 28 February 2015

એન્ડ ધી ઓસ્કાર ગોઝ ટુ…


 
એન્ડ ધી ઓસ્કાર ગોઝ ટુસિનેપ્રેમીઓ આ મશહૂર લાઇનથી અપરિચિત નહીં જ હોય. હોલિવુડમાં બનતી ફિલ્મોને સન્માનવા માટે યોજાતો વાર્ષિક સમારોહ એટલે ઓસ્કાર. સૌંદર્ય, ગ્લેમર, કળાનો શંભુમેળો એટલે ઓસ્કાર. ફિલ્મક્ષેત્રે સંકળાયેલા કલાકાર-કસબીઓનું અંતિમ લક્ષ્ય એટલે ઓસ્કાર. સુવ્યવસ્થા અને ફિનેસની વાત આવે તો ઓસ્કાર સામે અન્ય કોઈ એવોર્ડ શોનો ક્લાસ નહીં. સોમવાર ૨૩ ફેબ્રુઆરીએ યોજાયેલો ઓસ્કાર સમારંભ દુનિયાભરમાં જોવાયો. આ વર્ષે ઓસ્કારમાં ઘણી રસપ્રદ ઘટનાઓ બની.

દરેકને એકાદ એવોર્ડ તો મળ્યો!
દર વર્ષે ઓસ્કાર એવોર્ડ્સમાં સૌથી વધુ એવોર્ડ્સ જીતનારીધી બિગેસ્ટ વિનરફિલ્મ હોય એમ એક પણ એવોર્ડ ન જીતનારીધી બિગેસ્ટ લૂઝરફિલ્મ પણ હોય છે. એવી ફિલ્મ પાછી બેસ્ટ ફિલ્મ તરીકે નોમિનેટ થઈ હોય છે. ગયા વર્ષે ફિલ્મઅમેરિકન હસલબેસ્ટ ફિલ્મ સહિત ૧૦ કેટેગરીમાં નોમિનેટ થઈ હોવા છતાં એક પણ એવોર્ડ નહોતી જીતી. આ વર્ષે એવું નથી બન્યું. બેસ્ટ ફિલ્મ માટે નોમિનેટ થયેલી તમામ ૮ ફિલ્મોએ ઓછામાં ઓછો એક એવોર્ડ તો જીત્યો જ છે.

યે ઓસ્કાર નહીં આસાં

ઓસ્કાર આસાનીથી નથી મળતો એનું તાજું ઉદાહરણ આ વર્ષે બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કાર જીતનારી અભિનેત્રી જુલિયન મૂર છે. અભિનય માટે અગાઉ ચાર વાર નોમિનેટ થઈ હોવા છતાં તેને ઓસ્કાર નહોતો મળ્યો. ૫૦ અને ૬૦ના દાયકામાં જાણીતા અભિનેતા રિચાર્ડ બર્ટન ૭ વાર નોમિનેટ થવા છતાં કદી ઓસ્કાર જીતી નહોતા શક્યા. ૧૯૬૨થી ૨૦૦૬ સુધીમાં મહાન અભિનેતા પીટર ઓટુલ ૮ વાર નામાંકિત થયા પણ તેમને હાથે પણ ઓસ્કાર નહોતો લાગ્યો. હાલના સુપરસ્ટાર અભિનેતા લિયોનાર્ડો ડિકેપ્રિયો અભિનય માટે ૪ વાર અને પ્રોડ્યુસર તરીકે ૧ વાર નોમિનેટ થવા છતાં હજુ તેના પર ઓસ્કારની મહેર નથી થઈ. તમામ કેટેગરી ગણીએ તો સાઉન્ડ રેકોર્ડિંગ માટે ૨૦ વાર નોમિનેટ થવા છતાં કેવિન ઓકોનલ નામના મહાશય કદી ઓસ્કારનો કેચ નથી કરી શક્યા.

સુવર્ણ મઢ્યો ઓસ્કાર ખરીદવો છે
ઓસ્કાર વિજેતા જીવનમાં ગમે તેવી નાણાંભીડ અનુભવે, પહેરેલા લૂગડાંય વેચવાની સ્થિતિ આવે તોપણ તેઓ સોને મઢેલી ઓસ્કાર ટ્રોફી વેચી શકતા નથી. વેચવો જ હોય તો ઓસ્કાર કમિટીને જ વેચવાની ઓફર કરવી પડે અને તે પણ ફક્ત ૧ ડોલરમાં! કમિટી ખરીદવાની ના પાડે તો જ ટ્રોફી અન્યત્ર વેચી શકાય. આ નિયમો વિજેતાના વારસદારોનેય લાગુ પડે છે. આ નિયમોના પાલન બાબતે વિજેતાઓ સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે અને એનો ભંગ ગુનો ગણાય છે.

સુપરસ્ટાર્સ વચ્ચે બેસીને ઓસ્કાર શો માણનાર નસીબદારો

ઓસ્કારનો જન્મ થયો એ શરૂઆતના વર્ષોમાં જાહેર જનતા ટિકિટ ખરીદીને ઓસ્કાર સમારંભમાં હાજર રહી શકતી હતી. હવે એ શક્ય નથી. તમારે ઓસ્કાર સમારંભમાં હાજર રહેવું હોય તો કોઈ એવી ફિલ્મ સાથે સંકળાવું પડે જે ઓસ્કાર માટે નોમિનેટ થઈ હોય. તો જ તમને ઓસ્કારનો પાસ મળે. જોકે એક બીજો રસ્તો પણ છે. ઓસ્કારમાં કઈ સેલિબ્રિટી ક્યાં બેસશે એ બધું નક્કી હોય છે. કોઈ સેલિબ્રિટી મોડી પડે તો એની સીટ ખાલી ન દેખાય એ માટેસીટ ફિલર્સકહેવાતા સ્વયંસેવકોને તૈયાર રાખવામાં આવતા હોય છે. અન્ય સ્ટાર્સ સામે તેઓ ઝાખાં ન પડે એ માટે તેમને બરાબર સજાવી-ધજાવીને રેડી રાખવામાં આવે છે. કોઈ સેલિબ્રિટી ચાલુ સમારંભે વૉશરૂમ પણ જાય તો તેની સીટ પર તરત સીટ ફીલર બેસી જાય છે. આ કામ માટે તેમને કોઈ રકમ ચૂકવવામાં નથી આવતી. જોકે સુપરસ્ટાર્સની વચ્ચે થોડીવાર પણ બેસવા મળતું હોય તો પછી નાણાંની પરવા કોણ કરે? જોકે સીટ ફિલર બનવુંય આસાન નથી. એના માટે તમે ઓસ્કાર શોની આયોજક કંપનીમાં કોઈને ઓળખતા હો એ જરૂરી છે. અમસ્તુ જ કોઈએ કહ્યું છે કે, ઓળખાણ એ દુનિયાની સૌથી મોટી ખાણ છે!

બધાંની મજાક ઉડાવતા સંચાલકનું લકપણ ખરાબ હોઈ શકે
ઓસ્કાર શોના સંચાલક બનવું એ પણ સન્માન ગણાય છે. બધાંને એ ચાન્સ મળતો નથી. બોબ હોપ નામના મશહૂર કોમેડિયને ૧૯ વખત ઓસ્કાર શો હોસ્ટ કર્યા છે. બિલી ક્રિસ્ટલ ૯ વખત સંચાલક બન્યા છે. હોસ્ટનું સંચાલન ના વખણાય તો તેને ફરીથી તક ના મળે એવું પણ બને છે. ફક્ત એક જ વાર હોસ્ટ બની શકેલા હોસ્ટ્સને મજાકમાંધ વન એન્ડ ડન ક્લબમાં ગણી લેવામાં આવે છે. અત્યાર સુધી જેમ્સ ફ્રેંકો, એન હેથવે, ક્રિસ રોક અને પોલ હોગન આ ક્લબમાં સામેલ છે. આ વર્ષના હોસ્ટ નીલ પેટ્રિક હેરિસનું સંચાલન પણ કંઈ ખાસ ન હોવાથી તેય આ ક્લબનો મેમ્બર બની જશે એવું લાગે છે.

ઓસ્કારની ચોરી!
અઠંગ ચોર શું નહીં ચોરી શકે? ઓસ્કાર પણ! વર્ષ ૨૦૦૦માં બે ઉઠાવગીરો ભારે સલામતી વચ્ચે રખાયેલી ૫૫ ટ્રોફી ચોરી ગયા હતા! એફબીઆઇએ તપાસ કરી તો બે ટ્રોફી એક કચરાપેટીમાંથી મળી આવી હતી. વધુ એક ટ્રોફી ત્રણ વર્ષ બાદ અનાયાસે ડ્રગ્સ માટે કરાયેલી રેઇડ દરમિયાન હાથ લાગી હતી. બાકીની ૫૨ ટ્રોફીનો આજ સુધી કોઈ પત્તો નથી!    



ઓસ્કારની પડદા પાછળની હકીકતો
ઓસ્કાર શો દરમિયાન કોઈ ગરબડ ના થાય એ માટે એવોર્ડ આપવા સ્ટેજ પર આવનારપ્રેઝન્ટરરિહર્સલ કરતા હોય છે. પ્રેઝન્ટરને તેઓ જે કેટેગરીમાં એવોર્ડ આપવાના હોય એ કેટેગરીમાં નોમિનેટ થયેલા તમામ કલાકારોના નામે વારાફરતી રિહર્સલ કરવું પડે છે. રિહર્સલ દરમિયાન પ્લાસ્ટરની બનેલી બનાવટી ઓસ્કાર ટ્રોફીનો ઉપયોગ થાય છે.

છેલ્લા ૧૪ વર્ષોથી લોસ એન્જેલસ ખાતેના ડોલ્બી થિયેટરમાં ઓસ્કાર સમારંભ યોજાય છે. આ થિયેટરની સિટિંગ કેપેસિટી ૩૪૦૦ છે. અગાઉ ઓછી હતી માટે તેને વધારવા લાઇવ ઓર્કેસ્ટ્રા માટેની જગ્યાનો ભોગ લેવામાં આવ્યો છે. સમારંભ દરમિયાન જે મ્યુઝિક સંભળાતું હોય છે એ હકીકતમાં તો ડોલ્બી થિયેટરથી એક માઇલ દૂર આવેલા કેપિટલ રેકોર્ડ્સ બિલ્ડિંગમાં વાગતું હોય છે. મસમોટા વાયર્સના ગૂંચળા વાટે આ સંગીત ફક્ત ૨.૭ મિલિ સેકન્ડમાં ડોલ્બી થિયેટર પહોંચી જાય છે.

ઓસ્કાર સમારંભ દરમિયાન સ્ટેજ પર વારંવાર પ્રોપ્સ બદલાતા રહે છે. ક્યારેક ઉપરથી ડિઝાઇનર થાંભલા નીચે આવે છે તો ક્યારેક પાછળનો પડદો વચ્ચેથી બે ભાગમાં વહેંચાઈ જઈને સેલિબ્રિટીને પસાર થવાનો રસ્તો કરી આપે છે. આવા કામ માટે મોટેભાગે મોટર સંચાલિત મશીનનો ઉપયોગ થતો હોય છે, પણ ઓસ્કારમાં મોટર્સ વપરાતી નથી કેમકે તે જામ થઈ જાય એવું બની શકે છે. પ્રોપ્સને અહીંતહીં સરકાવવા માટે જૂના સમયમાં વપરાતી એવી દોરડાં, પાઇપ અને કાઉન્ટર વેઇટની ટેક્નિક જ વપરાય છે, જે કદી નિષ્ફળ નથી જતી.

સાચા વિનરને બદલે બીજા જ નામાંકિત સભ્યના નામનું કવર ભૂલથી સ્ટેજ પર પહોંચી જાય તો શું થાય? ફજેતો થાય, બીજું શું! જો આવી ભૂલ થાય તો ઓસ્કાર ટ્રોફી ખોટા હાથમાં ન જાય એ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આયોજક કમિટીમાંથી એક-બે સભ્યો તમામ ૨૪ કેટેગરીના વિજેતાઓના નામ ગોખી લે છે. ખોટા વિનરનું નામ જાહેર થાય તો સ્ટેજ પર જઈ ભૂલ સુધારવાની તેમને સત્તા હોય છે. સદભાગ્યે આજ સુધી તો આવું નથી બન્યું!

શરૂઆતના વર્ષોમાં વિજેતાઓનું લિસ્ટ અખબારોને અગાઉથી પહોંચાડી દેવામાં આવતું. શો ૧૧ વાગ્યે પતે ત્યાં સુધીમાં અખબારોએ પણ સમાચાર પ્રિન્ટ કરીને રાખ્યા હોય જેથી સવારના છાપામાં લોકોને વિજેતાઓની જાણ થઈ જાય, એવી વ્યવસ્થા રહેતી. ૧૯૪૦માં લોસ એન્જેલસ ટાઇમ્સે પોતાની સાંજની આવૃત્તિમાં જ વિજેતાઓના નામ જાહેર કરી શો શરૂ થાય તે પહેલાં જ વટાણા વેરી નાંખ્યા હતા. ત્યારથી ઓસ્કાર કમિટીએ અખબારોને એડવાન્સમાં વિનર લિસ્ટ આપવાનું બંધ કર્યું હતું.

ઓસ્કારનું અવનવું
ઓસ્કારનું ઓફિસિયલ નામએકેડમી એવોર્ડ ઓફ મેરિટછે, ઓસ્કાર તો હુલામણું નામ છે.
ઓસ્કાર શો શરૂ થતાં પહેલાં સેલિબ્રિટી જે રેડ કાર્પેટ પર ચાલીને જતી હોય છે એ કાર્પેટની લંબાઈ હોય છે ૫૦૦ મીટર એટલે કે અડધો કિલોમીટર!

ઓસ્કાર વિજેતાઓને ટ્રોફી સાથે કોઈ કેશ નથી મળતી, પણ ઓસ્કાર જીત્યા બાદ તેમની ફીમાં એવરેજ ગણીએ તો ૨૦ ટકાનો વધારો થતો હોય છે

ઓસ્કારમાં વિજેતાઓની સાથે પરાજિત થયેલાઓની પણ હળવી મજાક ઉડાવવામાં આવતી હોય છે. ૨૦૧૪ની અતિસફળ એનિમેટેડ ફિલ્મધી લેગો મૂવીને આ વર્ષના ઓસ્કાર એવોર્ડ્સમાં બેસ્ટ એનિમેટેડ ફિલ્મની કેટેગરીમાં નામાંકન સુદ્ધાં નહોતું મળ્યું. ફિલ્મને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નામાંકન મળ્યું હતું અને એ સોંગ સ્ટેજ પર પરફોર્મ થતું હતું ત્યારે ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓનેલેગોના બનેલા ઓસ્કાર આપવામાં આવ્યા હતા. એક પણ એવોર્ડ ના જીતેલીધી લોગો મૂવીમાટે લેગો-ઓસ્કાર જ આશ્વાસન રૂપ ગણાવાયો હતો. જોકે, આવી બધી બાબતોને હોલિવુડિયાઓ સહજતાથી લેતા હોય છે. આખરે તો ઓસ્કાર એ ચીજ છે જેમાં એકાદ નોમિનેશન મેળવવું પણ સદભાગ્ય ગણાય છે.   
અવનવા ઓસ્કાર રેકોર્ડ્સ
·         સૌથી લાંબી ઓસ્કાર સ્પીચ- ગ્રીર ગાર્સન.
૫ મિનિટ ૩૦ સેકન્ડ. (બેસ્ટ એક્ટ્રેસ. ફિલ્મ- ‘મિસિસ મિનિવર૧૯૪૨)
·         સૌથી ટૂંકી ઓસ્કાર સ્પીચ- પેટ્ટી ડ્યુક.
ગણીને ફક્ત બે શબ્દો- ‘થેંક યુ’. (બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ. ફિલ્મ- ‘ધી મિરેકલ વર્કર૧૯૬૩)
·         સૌથી યુવા ઓસ્કાર વિજેતા- ટેટમ ઓટુલ.
૧૦ વર્ષ. (બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ. ફિલ્મ- ‘પેપર મૂન૧૯૭૩)
·         સૌથી વૃદ્ધ ઓસ્કાર વિજેતા- ક્રિસ્ટોફર પ્લમર.
૮૨ વર્ષ. (બેસ્ટ સપોર્ટિંગ એક્ટર. ફિલ્મ- ‘બીગિનર્સ૨૦૧૦)
·         અભિનય માટે સૌથી વધુ નોમિનેશન્સ- અભિનેત્રી મેરિલ સ્ટ્રીપ- ૧૯. (૩ વાર જીત્યા)
·         અભિનય માટે સૌથી વધુ જીત- કેથરીન હેપબર્ન- .
·         દિગ્દર્શન માટે સૌથી વધુ જીત- જ્હોન ફોર્ડ-
·         વિવિધ કેટેગરીમાં સૌથી વધુ જીત- વૉલ્ટ ડિઝની- ૨૨. (૫૯ નોમિનેશન્સ)
·         સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ કેટેગરીમાં મહત્ત્મ નોમિનેશન્સ મેળવનાર દેશ- ફ્રાન્સ ૩૯ (૧૨ જીત)
·         સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ કેટેગરીમાં મહત્તમ જીત મેળવનાર દેશ- ઇટલી ૧૪ (૩૨ નોમિનેશન્સ)

નોંધઃ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ફિલ્મ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે





Wednesday, 25 February 2015

હવે જર્મનીમાં હિટલરની આત્મકથા પ્રકાશિત થશે

હિટલરની આત્મકથામાઈન કામ્ફના કોપીરાઈટ બવરિયા સ્ટેટને મળ્યા હતા, પરંતુ તેણે પુસ્તકનું પ્રકાશન કરવાનો નિર્ણય લીધો હતો. હિટલરના મૃત્યુના 70 વર્ષ બાદ પુસ્તક કોપીરાઈટથી મુક્ત થતા કોઈપણ વ્યક્તિ તેનું પ્રકાશન કરી શકશે.

  
એડોલ્ફ હિટલર. નામનું સ્મરણ થાય એટલે આંખો સામે તાદૃશ્ય થાય ટૂથબ્રશ સ્ટાઇલ મૂછ ધરાવતો કરડાકીભર્યો ચહેરો ધરાવતો સરમુખત્યાર. એક એવો સરમુખત્યાર જેણે દુનિયાને દ્વિતીય વિશ્વયુદ્ધના દોઝખમાં ઝોંકી દીધું હતું. વિશ્વમાં સૌથી ચર્ચિત શાસક એવો એડોલ્ફ હિટલર હાલ ફરીથી ચર્ચામાં છે. અને ચર્ચાનું કારણ છે એની આત્મકથામાઇન કામ્ફ’(મારો સંઘર્ષ).


૬૦ લાખ યહુદીઓને મોતના ખપ્પરમાં હોમી દેનાર એડોલ્ફ હિટલર વિશે દુનિયાભરમાં ઘણા પુસ્તકો લખાયા છે, પણ એમાં સૌથી વધુ પ્રસિદ્ધિ પામેલું પુસ્તક હોય તો છે તેની આત્મકથામાઇન કામ્ફ’. નવાઈની વાત છે કે દુનિયાની અનેક ભાષામાં ભાષાંતર પામેલું અને છૂટથી વેચાતું પુસ્તક જર્મનીમાં ઉપલબ્ધ નથી! લોકો એવું માને છે કે પુસ્તકમાં હિટલરની ક્રૂર મહત્વાકાંક્ષાઓનું વર્ણન હોવાથી તેના પર આટલા વર્ષો સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પણ હકીકત એનાથી વેગળી છે. પુસ્તકના કોપીરાઇટ ધરાવતા જર્મનીના બવરિયા સ્ટેટને પુસ્તકના પ્રકાશનમાં કોઈ રસ ના હોવાથી પુસ્તક નહોતું છપાયું. જર્મનીના કાયદા પ્રમાણે લેખકનાં મૃત્યુનાં સિત્તેર વર્ષ બાદ તેનાં લખાણ પરથી કોપીરાઇટ હટી જાય છે ત્યારબાદ તેને છાપવાનો અધિકાર કોઈને પણ મળી શકે છે. હિટલરે ૧૯૪૫માં આત્મહત્યા કરી હતી એટલે ૨૦૧૫માં તેની આત્મકથા પરના કોપીરાઇટનો અંત આવે છે. કોપીરાઇટ હટી જવાથી હવે જર્મન અધિકારીઓ પુસ્તક પર કોઈ જાતનું નિયંત્રણ નહીં રાખી શકે. તેનું પ્રકાશન અને વિતરણ કોઈ પણ કરી શકશે.

હિટલરની આત્મકથા તેની નાઝી પાર્ટી દ્વારા સંચાલિતફ્રાન્ઝ એહર’ (Franz-Eher ) નામના પ્રકાશનગૃહે સૌપ્રથમ ૧૯૨૫માં પ્રકાશિત કરી હતી. હિટલરના મૃત્યુ બાદ પુસ્તકના કોપીરાઇટ તેની જન્મભૂમિ બવરિયા સ્ટેટને મળ્યા હતા. બવરિયા સ્ટેટે પુસ્તકનું પ્રકાશન અટકાવી દીધું હોવાથી ત્યારથી અત્યાર સુધી જર્મનીમાં હિટલરની આત્મકથા છપાઈ નહોતી

હવે મ્યુનિચ (જર્મનીનું એક શહેર)ની ઇન્સ્ટિટ્યુટ ફોર કન્ટેમ્પરરી હિસ્ટ્રી નામની સંસ્થા હિટલરની આત્મકથાને નવા રૂપમાં પ્રકાશિત કરવા જઈ રહી છે. સંસ્થાના જણાવ્યા મુજબ બે ભાગમાં પ્રકાશિત થનારા પુસ્તકમાં કુલ ૨૦૦૦ પાનાં હશે, જેમાંના ૭૮૦ પાનાં હિટલરની મૂળ આત્મકથામાંથી લેવામાં આવશે અને બાકીના પાનાંમાં સંશોધકોએ મેળવેલી હકીકતો હશે. કોપીરાઇટ ભલે ૨૦૧૫માં પૂરા થવાના હોય પણ ઉત્સાહી સંશોધકોએ તો વર્ષોથી હિટલરના જીવન વિશે માહિતી એકઠી કરવા માંડી હતી જેથી તેની આત્મકથાની નવી આવૃત્તિ વખતે બધો ડેટા તૈયાર હોય અને ફટાફટ પ્રકાશન કરી શકાય

૧૯૨૩માં હિટલરે જર્મનીમાં તખ્તાપલટની કોશિશ કરેલી, જેમાં અસફળ થયા બાદ તેને મ્યુનિચની જેલમાં પૂરી દેવામાં આવ્યો હતો. જેલમાં તેણે આત્મકથા લખી હતી, જે તેના યહુદીવિરોધી વિચારોથી ભરેલી છે. પોતાને મસીહા માનતા હિટલર માટે જર્મનો શુદ્ધ લોહીની પ્રજા હતી અને યહુદીઓ શેતાનનું રૂપ. તેના ભાષણોમાં પણ યહુદીઓ માટેની નફરત સ્પષ્ટ દેખાતી. તે સત્તામાં આવ્યો ત્યાં સુધીમાં તેની આત્મકથાની એક કરોડથી વધુ નકલો છપાઈ ચૂકી હતી. નાઝી સરકાર પુસ્તક લોકોને ફ્રીમાં ભેટ આપતી. લોકો હિટલરનું લખાણ વાંચી એના પ્રભાવમાં આવી જતા. આને એક પ્રકારનું સામૂહિક બ્રેઇનવોશ ગણી શકાય. હિટલરે જે કંઈ લખ્યું હતું તેમાંથી ઘણી વસ્તુઓને અંજામ આપવામાં તે ભવિષ્યમાં સફળ થયો હતો. સત્તામાં બેઠેલા લોકોએ જો તેના લખાણને ગંભીરતાથી લીધું હોત તો તેમને ભવિષ્યના ખતરાનો અંદાજ આવ્યો હોત અને કદાચ દ્વિતીય વિશ્વયુદ્ધ ટાળી શકાયું હોત. કદાચ

બવરિયા સ્ટેટનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હિટલરની આત્મકથાને પરિણામે લાખો લોકો મૃત્યુને ભેટ્યાં હતાં, એના લખાણને લીધે એક બહોળો સમુદાય ગેરમાર્ગે દોરાયો હતો અને વિશ્વયુદ્ધ સર્જાયું હતું. પુસ્તક વાંચી લોકો ભૂતકાળનું પુનરાવર્તન ના કરે માટે પુસ્તકની નવી આવૃત્તિને ઉચિત ટિપ્પણીઓ સાથે છાપવી જોઈએ. મ્યુનિચની ઇન્સ્ટિટયુટ ઓફ કન્ટેમ્પરરી હિસ્ટ્રી પુસ્તકનું પ્રકાશન જવાબદારીપૂર્વક કરી રહી છે. તે જે સંસ્કરણ બહાર પાડી રહી છે તેમાં જરૂરી ફૂટનોટ્સ હશે, ઈતિહાસને તોડીમરોડીને રજૂ કરાયો હોય તેવી જગ્યાએ તથ્યોને સ્થાન આપવામાં આવ્યું હશે. જોકે એમ છતાં બવેરિયા સરકારે પુસ્તકને સપોર્ટ કરવાનો ઈન્કાર કર્યો છે, કેમકે જર્મનીમાં પુસ્તક સામે ઓલરેડી વિરોધનો વંટોળ જામ્યો છે. સંભવ છે કે અન્ય પ્રકાશન સંસ્થાઓ કે એકલ-દોકલ વ્યક્તિ પુસ્તકની અનસેન્સર્ડ કોપી છાપે. એવા પુસ્તક પર જર્મન સરકાર પ્રતિબંધ મૂકે એવું પણ બની શકે. જર્મનીમાં વસતા લાખો લોકોની લાગણીઓ ના દુભાય માટે સરકારે આવું પગલું ભરવું પડે.

હિટલરની ક્રૂરતા બદલ મોટાભાગના તેને માનવતાનો દુશ્મન ગણે છે, તો એક વર્ગ એવો પણ છે જે તેને સાચો દેશભક્ત માને છે. હિટલરના પક્ષમાં બોલનારા એવું માને છે કે વિશ્વનો ઈતિહાસ વિજેતા દેશો લખતા હોવાથી હિટલરની ફક્ત નકારાત્મક બાજુ હાઇલાઇટ કરવામાં આવી છે. તે હતો એના કરતા તેને ખાસ્સો ઓછો આંકવામાં આવ્યો હતો. તેની આત્મકથા પર પ્રતિબંધ હોવો જોઈએ એવું માનનારો મોટો વર્ગ જર્મનીમાં પણ છે. હિટલરની નીતિ અને વિચારધારાને ટેકો ના આપી શકાય, પણ પુસ્તકને પ્રતિબંધિત કરવાના પરિણામ વિપરીત આવી શકે છે. નવી પેઢીને વિષયમાં યોગ્ય સમજણ મળે માટે પુસ્તકની સેન્સર્ડ આવૃત્તિ આવશ્યક છે એવું લોકો માને છે. નિષ્ણાતો કહે છે કે આજના આધુનિક જમાનામાં પુસ્તક પર પ્રતિબંધ લગાવવો અશક્ય છે. ઇન્ટરનેટ જેવા માધ્યમથી પુસ્તકની અન્સેન્સર્ડ કોપી મેળવવું મુશ્કેલ નથી , ત્યારે એના પ્રકાશનને લઈને વધુ વિવાદો સર્જી એને વધુ પ્રસિદ્ધિ ના આપવી જોઈએ

વિવાદમાં ઘેરાયેલું હિટલરનું જન્મસ્થળ

હિટલરની આત્મકથાના જર્મન ભાષામાં પુનઃપ્રકાશનની સાથે હિટલરને લગતો એક બીજો વિવાદ પણ પ્રકાશમાં આવ્યો છે. વિવાદના કેન્દ્રસ્થાને છે હિટલર જ્યાં જન્મ્યો હતો મકાન. ૨૦ એપ્રિલ ૧૮૮૯ના રોજ હિટલરનો જન્મ યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાના બ્રોનો એમ ઇન નામના નાનકડા નગરમાં ત્રણ માળના એક મકાનમાં થયો હતો. હિટલરના જન્મ પછી ફક્ત વર્ષ બાદ તેનો પરિવાર મકાન વેચીને જર્મની સ્થાઈ થઈ ગયો હતો. ગર્લિન્ડે પોમર નામના એક વૃદ્ધ મહિલા હાલમાં મકાનની માલિકી ધરાવે છે. તેમની માતાએ મકાન ૧૯૧૨માં ખરીદ્યું હતું અને ૧૯૭૭માં મિસ. પોમરને નામે કર્યું હતું. હિટલરનું જન્મસ્થળ હોવાથી સરકારે મકાન ભાડે રાખ્યું છે અને ભાડાપેટે ૫૦૦૦ યુરો (લગભગ ,૫૦,૦૦૦ રૂપિયા) જેટલી મોટી રકમ દર મહિને મિસ પોમરને આપે છે. કોઈ અન્ય મકાનનો દુરુપયોગ ના કરે માટે છેક ૧૯૭૨થી સરકારે મકાનને ભાડે લઈ રાખ્યું છે. હિટલર કુખ્યાત હોવા છતાં મકાન દાયકાઓથી પ્રવાસીઓને આકર્ષતું રહ્યું છે. ઝાંખા પીળા રંગના મકાનમાં ભૂતકાળમાં શાળા પણ હતી અને લાઇબ્રેરી પણ. ૨૦૧૧ સુધી વિકલાંગોનું આશ્રયસ્થાન પણ બન્યું હતું, પણ ત્યારથી આજ સુધી ખાલીખમ છે. વણવપરાતા મકાનને મરમ્મતની જરૂર છે. સરકાર મકાનમાં રિનોવેશન કરી તેને આકર્ષક બનાવવા માગે છે જેથી વધુ પ્રવાસીઓ અહીં આવે અને સરકારને પ્રવેશ ફી પેટે આવક મળે. પણ મકાનમાલિક પોમર દાદી આડા ફાટ્યાં છે. તેઓ રિનોવેશનની મંજૂરી નથી આપી રહ્યા. હાલમાં સરકારને મકાનમાંથી પૂરતી આવક મળતી નથી અને ભાડાનાં નાણાં કરદાતાઓના ખિસામાંથી જતા હોવાથી પ્રજા બાબતે સરકારનો વિરોધ કરી રહી છે. નગરજનોના મતે ક્યાં તો સરકારે મકાનનું ભાડું આપવાનું બંધ કરી દેવું જોઈએ અથવા તો કોર્ટની દખલગીરી કરી મકાનનો સંપૂર્ણ કબજો મેળવી લેવો જોઈએ. મકાનમાં સરકાર બીજા વિશ્વયુદ્ધ અને હિટલરના જીવનને લગતું મ્યુઝિયમ બનાવવા માગે છે.  

અમદાવાદમાંહિટલરના નામનો વિવાદ થયો હતો

હિટલર શું બલા હતી એનું એક ઉદાહરણ ગમ્મત ખાતર જોઈએ. વર્ષ ૨૦૧૨માં અમદાવાદની એક ગાર્મેન્ટ શોપનું ઉદ્ઘાટન થયું અને ચારે તરફ હલચલ મચી ગઈ કારણ કે શોપનું નામ હતું, હિટલર..! શોપના માલિક પર તરત લોકોના રિએક્શન આવવા લાગ્યા. યહુદી લોકોએ માલિકને રૂબરૂ મળી શોપનું નામ બદલવા વિનંતી કરી, પણ કામ બન્યું ત્યારે વિનંતીને બદલે ફોન પર ધમકીઓ આપી. અમદાવાદથી નહીં પણ અનેક દેશોમાંથી ફોન કોલ્સ આવવા લાગ્યા. માત્ર ગમ્મત ખાતર રાખવામાં આવેલા નામે પછી તો એવો વિવાદ ચગ્યો કે અમદાવાદ કોર્પોરેશને પણ દુકાનમાલિકને સહકાર આપવાની મનાઈ કરી દીધી. છેવટે નમતું જોખીને માલિકે શોપનું નામ બદલી નાંખ્યું. બનાવ પરથી સાબિત થાય છે કે મર્યાને ૭૦ વર્ષ બાદ પણ હિટલર લોકો માટે સંવેદનશીલ મુદ્દો છે. જર્મનીથી હજારો કિલોમીટર દૂર અમદાવાદમાં હિટલરના નામ પર આવી બબાલ થતી હોય તો જર્મનીમાં તો શું હાલ હશે કલ્પનાનો વિષય છે.

નોંધઃ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.