Wednesday 29 October 2014

પ્રકરણ–૩ – તર્પણયાત્રા – દ્વારકા તરફ પ્રયાણ



પ્રકરણ૩  તર્પણયાત્રા  દ્વારકા તરફ પ્રયાણ

જાડેજા પેલેસમાં રિસામણા-મનામણાનો દોર જારી રહ્યો. રુદ્રપ્રતાપ અને વિવાન વારંવાર પદ્માવતીને સમજાવવાની કોશિશ કરતાં રહ્યા પણ પદ્માવતી ટસના મસ ન થયાં તે ન જ થયાં. કંટાળીને વિવાન હોસ્ટેલ પાછો જતો રહ્યો. ત્યાં ગયાને ચાર દિવસ બાદ તેના પર રુદ્રપ્રતાપનો ફોન આવ્યો કે સતત સમજાવટને અંતે પદ્માવતી વિવાનને એકલો યાત્રાએ મોકલવા તૈયાર થઈ ગયાં હતાં. રુદ્રપ્રતાપ અને જોસરકાકાની વારંવારની સમજાવટ છેવટે રંગ લાવી હતી. વિવાન માટે એ સમાચાર આશ્ચર્યજનક હતા. કોલેજમાંથી રજા મંજૂર કરાવી તે તાત્કાલિક ઘરે પહોંચ્યો.

જોસરકાકાએ વિવાનની યાત્રાનું વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું. તત્કાલમાં તેના માટે દ્વારકા જતી ટ્રેનમાં એસી સ્લીપર ક્લાસની ટિકિટ બુક કરાવવામાં આવી. યાત્રા દરમિયાન વિવાનને કોઈ હાલાકી ન પડે એ માટે પદ્માવતીનો આગ્રહ હતો કે વિવાન ટ્રેનમાં એસી ક્લાસમાં જ ટ્રાવેલ કરે અને જે તે સ્થળોએ સૌથી આરામદાયક હોટેલોમાં રોકાય. દ્વારકાની સૌથી મોંઘી ફોર સ્ટાર હોટેલમાં વિવાનનું બુકિંગ કરવામાં આવ્યું ત્યારે વિવાને અણગમો વ્યક્ત કર્યો કે, તેણે હોટેલમાં ફક્ત રાત ગુજારવાની છે માટે બેઝિક સગવડ ધરાવતી મધ્યમ કક્ષાની હોટેલમાં બુકિંગ કરાવી તેના પ્રવાસખર્ચ પર કાપ મૂકવો જોઈએ. જોકે પદ્માવતી એની વાત સાથે સંમત નહોતાં. રાજાસાહેબનો ખજાનો હાથ આવવાનો હતો પછી ખર્ચાની કોને ચિંતા?

પદ્માવતી તો શરૂઆતથી અંત સુધીના પ્રવાસનું પ્લાનિંગ કરાવવા માગતાં હતાં, પણ એમ કરવામાં વિવાને સતત દોડાદોડ કરતાં રહેવું પડે એમ હતું. જો એકાદ ટ્રેન ચૂકી જવાય તો તેનું આખું શિડ્યુલ ખોરવાય માટે ફક્ત રતલામથી દ્વારકા અને દ્વારકાથી દિલ્હી સુધીની યાત્રા પ્લાન કરવામાં આવી. પ્રવાસ આગળ વધતો જાય એમ વિવાન જોસરકાકાને જણાવતો જાય અને જોસરકાકા ઇન્ટરનેટના માધ્યમથી વિવાન માટે બુકિંગ કરાવતા જાય, એવું નક્કી કરવામાં આવ્યું. જોકે પદ્માવતી નચિંત બને અને તેમને વિરોધ કરવાનું કોઈ કારણ ન મળે એ માટે તેમને એમ કહેવામાં આવ્યું કે ૧૫ દિવસ ચાલનારી સમગ્ર યાત્રાનું આગોતરું આયોજન થઈ ગયું છે.

પદ્માવતીએ જાતે ઈન્દોર જઈ વિવાન માટે જરૂરી સામાનની ખરીદી કરી: ગ્લુકોન ડી, ટોઇલેટ પેપર, બામ-વિક્સ અને સેરિડોન જેવી બેઝિક દવાઓ, ઇનરવેર્સ, સોક્સ, ટોવેલ, પેપર સોપ, હેન્ડ સેનિટાઇઝર, પરફ્યુમ, શૂઝ અને જેકેટ. બ્રાન્ડેડ સનગ્લાસિસ અને મોંઘો કેમેરા તો વિવાન પાસે હતો જ. પ્રતાપસિંહના અસ્થિ ચાર મધ્યમ કદના તાંબાના લોટામાં વ્યવસ્થિત પેક કરવામાં આવ્યા. વિવાન જે બેગપેક પીઠ પર ભેરવવાનો હતો એમાં બધી વસ્તુઓ ભરીને પદ્માવતીએ ચેક પણ કરી લીધું.

આખરે ૬ જૂનનો એ દિવસ આવી ગયો. દાદાજીની આદમકદની તસવીરને પગે લાગી વિવાને ઘર છોડ્યું. છેક છેલ્લી ઘડીએ પણ તેની બેગ જોસરકાકાએ જાતે તપાસી, એ જોવા કે ના પાડવામાં આવી હતી એવી કોઈ વસ્તુ તો એ સાથે નથી લઈ જઈ રહ્યોને! એવી કોઈ વસ્તુ વિવાનના બેગપેકમાંથી ન નીકળી.
રુદ્રપ્રતાપ, પદ્માવતી અને જોસરકાકા વિવાનને રતલામ રેલવે સ્ટેશન સુધી મૂકવા ગયાં. સવારે ૧૧:૦૫ વાગ્યાની ગોરખપુર ઓખા એક્સપ્રેસ તેને વહેલી સવારે ૩:૨૭ કલાકે દ્વારકા ઉતારવાની હતી. સ્ટેશન પર છેલ્લી ક્ષણોમાં પદ્માવતીએ વિવાન સામે એ જ ટેપ ફરી વગાડી જે પાછલા બે દિવસોમાં તેઓ અનેકવાર વગાડી ચૂક્યાં હતાં: આચરકુચર ન ખાતો. સ્ટ્રીટફૂડ તરફ જોવાનું પણ નહીં. ફક્ત મિનરલ વોટર જ પીજે. ગ્લુકોન-ડી લેવાનું ન ભૂલતો. દરરોજ કપડાં લોન્ડ્રીમાં ધોવડાવતો રહેજે. અજાણ્યાઓ સાથે ઝાઝી વાતો ન કરતો. સૂર્યાસ્ત પછી હોટેલની બહાર ન નીકળતો. ટ્રેન પહોંચે એટલે સીધો હોટેલ જજે અને...

વિવાનને લાગ્યું કે તેની યાત્રા પૂરી થઈ જશે પણ મમ્મીની સૂચનાઓનો અંત નહીં આવે. તેનાથી હસી પડાયું. મમ્મી, આ બધું જ મેં યાદ કરી લીધું છે. હું તેં કહ્યું એમ જ કરીશ, બસ!

ટ્રેન ઉપડવાનો સમય થયો એટલે વિવાને વડીલોના ચરણસ્પર્શ કર્યા. પદ્માવતીએ દીકરાને ગળે લગાડી દીધો. મમ્મીના ગાલ પર બચી ભરીને વિવાન ટ્રેનમાં ચડી ગયો. તે પોતાની બર્થ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં એક યુવાન તેની રાહ જોતો ઊભો હતો. વિવાને તેના તરફ સ્મિત રેલાવ્યું એટલે પેલાએ પોતાના હાથમાં રહેલું બોક્સ વિવાનને આપ્યું.

સબ ઠીક હૈ ના ઇસમેં?’ બોક્સ તરફ ઈશારો કરતાં વિવાને પૂછ્યું. પેલાએ ડોકું હકારમાં ધુણાવ્યું. વિવાને બેગમાંથી રૂપિયા ભરેલું એક કવર કાઢી પેલાને પકડાવ્યું એટલે એણે ચાલતી પકડી. વિવાને બોક્સ ઝડપથી બેકપેકમાં સેરવ્યું. કાચની બારીમાંથી તેના મમ્મી-પપ્પા કે જોસરકાકા એ બોક્સ જોઈ લે તો આફત આવી જાય એમ હતું. ટ્રેન સરકવા લાગી એટલે તેણે બારીની બહાર જોઈ સ્વજનો તરફ હાથ હલાવી સસ્મિત ગુડબાય કર્યું. લાંબી યાત્રા પર એકલો પહેલી વાર જઈ રહ્યો હોવાથી તે થોડો નર્વસ હતો, તો ભારતભ્રમણ કરવા મળશે એ વિચારે ખુશ પણ હતો.

ટ્રેન સ્ટેશનની બહાર નીકળી કે તરત તેણે પેલું બોક્સ ખોલ્યું. અંદર જે વસ્તુ હતી એ જોઈ તેની આંખોમાં ચમક આવી. લેટેસ્ટ મોડેલનો નવો-નક્કોર ટચ સ્ક્રીન મોબાઇલ! ફોન હાથમાં લઈ તેણે મચડવા માંડ્યો. પ્રવાસમાં તેને મોબાઇલ લઈ જવાની મનાઈ હતી, પણ આજના યુવાનને મોબાઇલ વગર કઈ રીતે ચાલે? ટ્રેનમાં ટાઇમપાસ કઈ રીતે થશે એ વિચારે વિવાને તેના ઘરના લોકોથી છુપાવીને એક મોબાઇલ ખરીદવાનું નક્કી કર્યું હતું. પોતાની જરૂરતના તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ તે રતલામના એક શો-રૂમમાંથી ખરીદતો. શો-રૂમના માલિક તેને મહેરગઢના રાજકુંવર તરીકે ઓળખતા હતા. વિવાને તેમને ફોન કરીને પોતાની પસંદનો મોબાઇલ ઓર્ડર કર્યો હતો અને મોબાઇલની ડિલિવરી તેને રતલામ સ્ટેશને ખાનગીમાં મળે એવી માગ કરી હતી. તેણે અગાઉથી જ પોતાનો કમ્પાર્ટ્મેન્ટ અને સીટ નંબર જણાવી દીધો હતો જેથી ડિલિવરી બોય તેની સીટ પાસે તેની રાહ જોઈ રહ્યો હતો. વિવાનના કહ્યા મુજબની એપ્લિકેશન્સ, ગેમ્સ, મ્યુઝિક અને મૂવિઝ મોબાઇલમાં લોડ કરી દેવામાં આવ્યાં હતાં. ઇન્ટરનેટની ફેસિલિટી પણ ખરી. મોબાઇલ મેળવીને વિવાન ખુશ હતો. પોતાની બર્થ પર આડા પડી તેણે સૌથી પહેલા મોબાઇલમાં ફેસબુક ખોલ્યું. ફેસબુક પર તેણે માત્ર બીજાના સ્ટેટસ અને ફોટોગ્રાફ્સ ચેક કર્યાં. ભૂલથી પણ કોઈ કમેન્ટ કે લાઇક ન થઈ જાય એ બદલ તે સજાગ હતો. જોસરકાકા અને બ્રિજનાથ તો ફેસબુક નહોતા વાપરતા પણ એમના પરિવારના યુવા સદસ્યો વિવાનના ફ્રેન્ડ લિસ્ટમાં હતાં એટલે વિવાને ચેટ પણ ટર્ન ઓફ રાખ્યું. રખેને કોઈને ખબર પડી જાય કે તેની પાસે મોબાઇલ છે. પંદરેક મિનિટ ફેસબુકમાં ગોથાં ખાધા બાદ તે કેન્ડી ક્રશગેમમાં ગુલતાન થઈ ગયો. આસપાસ બેઠેલા પ્રવાસીઓ પ્રત્યે તેણે ઝાઝુ ધ્યાન ન આપ્યું.

થોડી જ વારમાં સ્ટુઅર્ડ લંચનો ઓર્ડર લેવા આવ્યો. ઘરેથી ભારે નાસ્તો કરીને નીકળ્યો હોઈ વિવાનને જમવાની ઈચ્છા નહોતી. સ્ટુઅર્ડને ના કહી વિવાન ફરીથી મોબાઇલમાં ઘૂસી ગયો.

બપોરે સાડા ત્રણ વાગ્યે ટ્રેન વડોદરા સ્ટેશને પહોંચી અને વિવાનની આસપાસની બર્થ ખાલી થઈ. બે-ત્રણ મિનિટમાં ચાર વ્યક્તિનું કુટુંબ એ બર્થ પર આવીને ગોઠવાયું. આધેડ વયના પતિ-પત્ની અને તેમની બે યુવાન દીકરીઓ. ટીનેજ છોકરીઓ જોડિયા હોવાથી વિવાનનું ધ્યાન એમની તરફ સવિશેષ દોરાયું. પેલી બંનેએ એનો ભળતો જ અર્થ લીધો અને ખુશ થઈ ગઈ. વિવાનની બરાબર સામેની બર્થ પર બંને ગોઠવાઈ. દંપતી એમનો સામાન ગોઠવવામાં પડ્યું જ્યારે ટ્વિન સિસ્ટર્સ એકબીજીને અડીને બેઠી અને તેમના મોબાઇલમાં કંઈક જોવા લાગી. બંનેનું ધ્યાન ફોનમાં ઓછું અને વિવાન પર વધું હતું. આંખના ખૂણેથી બંને વારંવાર વિવાનને જોઈ લેતી. શરૂઆતમાં વિવાનને સારું લાગ્યું. યુવાન છોકરી ભાવ આપે, ફરી ફરીને જુએ એ કોઈપણ છોકરાને ગમે, પણ થોડી જ વારમાં તે કંટાળ્યો. પેલી બંને દેખાવમાં એવી કંઈ ખાસ ન હોવાથી તેને ઝાઝો રસ ન પડ્યો. થોડીવાર ઊંઘ ખેંચી લેવાને ઈરાદે તે ઊંધું ઘાલીને સૂઈ ગયો પણ ઊંઘ ન આવી. મોબાઇલમાં ગીતો સાંભળતા તે આંખો મીંચીને પડ્યો રહ્યો.
છોકરીઓના મામલે વિવાન આમ પણ કાચો હતો. તેના પરિવારના પરિચિત લોકોમાં અનેક સુંદર છોકરીઓને તે ઓળખતો હતો. વારે-તહેવારે અને પાર્ટીઓમાં છોકરીઓને મળવાનું થતું, પણ એમની સાથે ઔપચારિકતા નિભાવવા સિવાય તે કદી આગળ નહોતો વધ્યો. એવું નહોતું કે દેખાવડી છોકરીઓ તેને ગમતી નહોતી. તેના પરિવારના સ્ટેટસને શોભે એવી છોકરીને તે ગર્લફ્રેન્ડ બનાવે એમાં તેના માતા-પિતાને કોઈ વાંધો નહોતો, પણ વિવાન પોતે જ છોકરીઓની બાબતમાં નિરસ હતો. શારીરિક આકર્ષણ ચોક્કસ થતું પણ પ્રેમ કઈ બલાનું નામ છે એનાથી તે અજાણ હતો. તે માનતો કે પ્રેમમાં પડવા માટે તે હજુ નાનો હતો.

ટ્રેન અમદાવાદ પહોંચી એટલે પગ છૂટા પાડવા માટે તે પ્લેટફોર્મ પર ઉતર્યો. દ્વારકા સ્ટેશન આવે ત્યાં સુધી ટ્રેનમાંથી નીચે ન ઉતરવાની મમ્મીની સલાહ તેને યાદ આવી અને તે મલકાઈ ઊઠ્યો. બહાર નીકળતાં જ તેને ભાન થયું કે વાતાવરણમાં ખાસ્સી ગરમી હતી. સાંજ પડી ગઈ હોવા છતાં હવામાં ઉકળાટ હતો. ફૂડસ્ટોલ પરથી ફ્રૂટી લઈ તેણે પીધું. થોડીવાર પ્લેટફોર્મ પર આંટા મારીને તે પોતાની બર્થ પર આવી ગયો.

ટ્વીન સિસ્ટર્સના નખરાં ચાલુ રહ્યાં. વિવાનનું ધ્યાન દોરવા બંને મોટેમોટેથી વાતો કરતી હતી. ક્યારેક ખિખિયાટા કરતી તો ક્યારેક ખોટેખોટું ઝઘડી પડતી. એમની હરકતો બીજાને ખલેલ પહોંચાડતી હતી એની એમને કે એમના મા-બાપને કંઈ પડી નહોતી. કોઈને ટોકવું એ વિવાનના સ્વભાવમાં જ નહોતું એટલે કમને તેણે સહન કર્યા કર્યું.

થોડીવારમાં સ્ટુઅર્ડ ડિનરનો ઓર્ડર લેવા આવ્યો. જે ઝડપથી ફક્ત દસ-બાર સેકન્ડમાં તે ગોખેલું મેનુ સડસડાટ બોલી ગયો એ જોઈ વિવાનને આશ્ચર્ય થયું. મમ્મીએ બહાર નોનવેજ ખાવાની ના પાડી હોવાથી તેણે વેજ-પુલાવ અને રાયતાનો ઓર્ડર કર્યો. પેલી કાબરોના કલબલાટથી બચવા તેણે કાનમાં ઇયર પ્લગ્સ ભરાવ્યા અને મોબાઇલમાં મૂવી જોવા લાગ્યો. દ્વારકા ૩:૨૭ કલાકે ઉતરવાનું હોવાથી સવા ત્રણ વાગ્યાનું એલાર્મ મૂક્યું. તેણે વિચાર્યું કે, મોબાઇલ લીધો એ સારું થયું નહીંતર એકલો એકલો કંટાળી જાત! આવું વિચારતી વખતે તેને ખબર નહોતી કે ચોરીછૂપે મોબાઇલ ખરીદીને તેણે યાત્રાના એક મહત્ત્વના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું, જેની સજા તેને મળી શકે એમ હતી. તેના મગજમાં ન બેસે એવું એક સરપ્રાઇઝ પણ દ્વારકામાં તેની રાહ જોઈ રહ્યું હતું.    
                                                                      (ક્રમશઃ) 


નોંધઃ ૧૬ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ આ પ્રકરણ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ટ્રાવેલ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયું છે.

Monday 20 October 2014

પ્રકરણ ૨ – તર્પણયાત્રા – મહેરગઢનો ભવ્ય ભૂતકાળ



પ્રકરણ ૨ – તર્પણયાત્રા – મહેરગઢનો ભવ્ય ભૂતકાળ

આશ્ચર્યની અવધિ કંઈક લાંબી ચાલી. પ્રતાપસિંહ જાડેજાના વસિયતનામામાં લખેલી વિગતો જાણી વિવાન અને તેના માતાપિતા અચરજ પામી ગયાં.

આ તે કેવી શરત?’ વિવાનના મમ્મી પદ્માવતી સહસા બોલી ઊઠ્યાં. વિવાનને આમ એકલો કઈ રીતે મોકલાય?’ તેમના ટોનમાં રહેલી ખીજ કોઈથી છાની ન રહી શકી. વિવાન અને તેના પિતા રુદ્રપ્રતાપ શાંત હતા.

કુંવરસાહેબ જો આ કાર્ય કરવા તૈયાર થતાં હોય તો બાકીની શરતો જોસરકાકા પાસે છે,’ વકીલ બ્રિજનાથે કહ્યું.

આ એક શરત શું ઓછી છે?’ પદ્માવતી વધુ ચિડાયાં. તેમના ચહેરા પર સ્પષ્ટ અણગમો હતો.

રુદ્રપ્રતાપે તેમને ઈશારાથી શાંત રહેવા જણાવ્યું અને મંત્રી જોસરકાકા તરફ જોઈ ગરદન હલાવી. જોસરકાકાએ પોતાના ગજવામાંથી એક કાગળ કાઢી વાંચવાની શરૂઆત કરી: એકવાર યાત્રા શરૂ થાય પછી એને અધૂરી મૂકી વિવાન ઘરે પાછો ફરે તો યાત્રા અસફળ ગણાશે. પ્લેનમાં સફર કરવાની નથી. ૩ દિવસમાં તે ફક્ત એક જ દિવસ ઘરે ફોન કરી શકશે. મોબાઇલ અને લેપટોપ સાથે લઈ જવાના નથી. પ્રવાસ દરમિયાન આપણી પરિચિત કોઈપણ વ્યક્તિ તેને સીધી કે આડકતરી રીતે મદદ કરી શકશે નહીં. પ્રવાસના આયોજનની તમામ જવાબદારી જોસરની રહેશે. મને આશા છે કે મારો વહાલો વિવાન મારી ઈચ્છાનુસાર આ તર્પણયાત્રા પૂરી કરશે જ.

જોસરકાકાએ બોલવાનું પૂરું કર્યું એટલે પદ્માવતીએ શરૂ કર્યું, ‘વિવાનને આટલી લાંબી મુસાફરી પર એકલો મોકલવાનો સવાલ જ ઊભો નથી થતો. ઘરડેઘડપણ રાજાસાહેબને પણ આ શું-?’ આગળ બોલતાં તેઓ અચાનક અટકી ગયાં. તેમણે ગળી લીધેલા શબ્દો કુબુદ્ધિ સુઝીકોઈની સમજથી બહાર ન રહ્યા.

આપણે આના વિશે શાંતિથી વિચારીશું,’ રુદ્રપ્રતાપ બોલ્યા.

વિચારવાનો કોઈ અવકાશ જ નથી, શેઠસાહેબ.પદ્માવતીના અવાજમાં મક્કમતા હતી. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થતી હોય તો ઠીક બાકી, વિવાનને સાવ એકલો મોકલવા હું તૈયાર નથી.

હવે આ એમનો પારિવારિક મામલો હોવાથી જોસરકાકા અને બ્રિજનાથ રૂમમાંથી બહાર જતા રહ્યા.

આમ ઉતાવળે નિર્ણય લેવાનો કોઈ અર્થ નથી, પદ્મા,’ રુદ્રપ્રતાપે સ્વભાવગત સૌમ્યતા જાળવી રાખતા કહ્યું. આપણે ત્રણે આ વિશે વિચારીએ અને આવતી કાલે ચર્ચા કરીએ.

મેં મારો નિર્ણય જણાવી દીધો છે,’ બોલીને પદ્માવતી બહાર જતાં રહ્યાં. તેમના જિદ્દી સ્વભાવથી રુદ્રપ્રતાપ અને વિવાન સારી રીતે પરિચિત હતા.

બીજા દિવસે સવારે મહેલના ગાર્ડનમાં નાસ્તો કરતી વખતે રુદ્રપ્રતાપે ચર્ચા છેડી, ‘તો પછી શું વિચાર્યું તમે બંનેએ?’

મારો નિર્ણય નહીં બદલાય,’ ચાની ચુસ્કી લેતાં પદ્માવતી બોલ્યાં.

પણ પદ્મા, આપણી આર્થિક સ્થિતિનો તો વિચાર કરો.રુદ્રપ્રતાપે હંમેશ મુજબ શાંત સ્વરમાં કહ્યું. ઊંચા અવાજે વાત કરવી એમનો સ્વભાવ નહોતો.

કપ ટેબલ પર મૂકી પદ્માવતી બોલ્યા, ‘એકના એક દીકરાને કેટલી માનતા, કેટલી બાધા-આખડીઓ બાદ મેળવ્યો એ ભૂલી ગયા તમે? કેટકેટલાં મંદિરો-મસ્જિદોનાં પગથિયાં ઘસ્યાં ત્યારે લગ્નનાં અગિયાર વર્ષો બાદ આપણે ત્યાં પારણું બંધાયું હતું. જીવની જેમ ઉછેર્યો છે એને મેં. એને કોઈપણ પ્રકારના જોખમમાં મૂકવા હું તૈયાર નથી.

મમ્મી, તમે નકામી ચિંતા કરો છો, મને કંઈ નહીં થાય.વિવાને ભારપૂર્વક કહ્યું.

તારી સલાહ નથી માગી!પદ્માવતીએ વિવાનને આંખોથી ડારતા કહ્યું. તને ખબર છે કે દુનિયા કેટલી વિશાળ છે અને કેટલી ખરાબ છે? મહેરગઢની બહારની દુનિયા તેં કેટલી જોઈ?’

એ એટલા માટે કે તમે મને એવો મોકો જ નથી આપ્યો!મનમાં ધરબાયેલી લાગણી અચાનક વિવાનના હોઠે આવી ગઈ.

મોકો નથી આપ્યો તો એ તારી સલામતી ખાતર.

પિતાજીનો ખજાનો આપણી છેલ્લી આશા છે. એ નહીં મળે તો આ રાજવી ઠાઠમાઠ પણ નહીં રહે, એ તમે કેમ નથી સમજતાં?’ રુદ્રપ્રતાપના બોલવામાં કાકલૂદી ભળી. કોઈપણ વાતમાં પદ્માવતીને રાજી કરવાનું કાર્ય એમના માટે હંમેશાં દુષ્કર હતું.

બધું સમજું છું હું. આપણી શાખની મને પણ ચિંતા છે, પણ વિવાનની સલામતીને ભોગે કંઈ નહીં થાય.પદ્માવતી પોતાની મમતા આગળ લાચાર હતાં.

આપણી જિંદગી તો ઝાઝી ગઈ અને થોડી રહી. વિવાનના ભવિષ્ય વિશે તો વિચાર કર. ક્યાં સુધી જમીન વેચી વેચીને આપણા ખર્ચા કાઢ્યા કરીશું?!’ જાડેજા પરિવાર દ્વારા જેના પર સતત ઢાંકપિછોડો કરવામાં આવતો હતો એ કડવી વાસ્તવિકતા રુદ્રપ્રતાપના હોઠે આવી ગઈ.

પદ્માવતી પાસે એનો જવાબ નહોતો. તે ઊઠીને ચાલ્યાં ગયાં. પોતાની જિદ પૂરી ન થાય તો રણમેદાન છોડીને ચાલ્યા જવું અને રિસાઈ જવું એમની આદત હતી. બાપ-દીકરો થોડી વાર મૌન બેસી રહ્યા.

પપ્પા, મારી સાથે કોઈ બોડીગાર્ડને લઈ જાઉં તો કદાચ મમ્મી માની જાય.

એ શક્ય નથી. તને એકલો મોકલવાની શરત સ્ટેમ્પ પેપર ઉપર લખાયેલી છે. વાત કાયદાથી બંધાયેલી છે, એનું ઉલ્લંઘન ન થાય.કહી રુદ્રપ્રતાપે નિ:શ્વાસ નાખ્યો.

મારે જવું છે. તમે ગમે તેમ કરી મમ્મીને મનાવો.

આપણી આર્થિક બાબતે તું આટલું વિચારે છે એ જાણી આનંદ થયો.

ફક્ત એટલા માટે જ નહીં, પપ્પા. દાદાજીની અંતિમ ઈચ્છા પૂરી કરવી મારે માટે વધુ અગત્યનું છે,’ વિવાને દૃઢતાપૂર્વક કહ્યું. દાદા પ્રત્યેની તેની કૃતજ્ઞતા જોઈ રુદ્રપ્રતાપને તેના પ્રત્યે અહોભાવ જાગ્યો.
વિચારમગ્ન રુદ્રપ્રતાપ થોડીવાર પછી ચાલ્યા ગયા. વિવાને જાડેજા પેલેસનામે ઓળખાતા તેમના રાજમહેલ તરફ નજર નાખી અને દાદાજીના મોઢે જ સાંભળેલો મહેરગઢનો ઈતિહાસ તેના માનસપટલ પર જીવંત થઈ ઊઠ્યો.

આઝાદી પછી સરદાર પટેલના પ્રયત્નથી રજવાડાંઓનું જે સામૂહિક વિલીનીકરણ ભારતવર્ષમાં થયું હતું એમાં ૯૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા મહેરગઢનું સ્વતંત્ર અસ્તિત્વ પણ મટી ગયું હતું. પ્રજાનાં કરવેરામાંથી રાજપરિવારનાં ઠાઠમાઠ નભતાં હતાં તે બંધ થયાં હતાં. છતાં એ જમાનામાં માતબર ગણાય એવી પાંચ આંકડામાં મળતી સાલિયાણાંની રકમને સહારે જાડેજા પરિવાર ટકી ગયો હતો. વિલીનીકરણ સમયે મહેરગઢ પર પ્રતાપસિંહના પિતા જોરાવરસિંહનું રાજ હતું. એક શરત પાછી એવી હતી કે દર પેઢીએ સાલિયાણાંની રકમ ઘટતી જાય. ૧૯૫૩માં જોરાવરસિંહના મૃત્યુ બાદ ૨૮ વર્ષીય પ્રતાપસિંહે રાજગાદી સંભાળી ત્યારે મહેરગઢને મળતા સાલિયાણાંની રકમમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. રાજ પરિવારની આવકનું અન્ય એકમાત્ર સાધન ખેતી હતું.

૧૯૭૦ પછી પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે ઈન્દિરા ગાંધીએ રાજકીય સોગઠાંબાજી મારી સાલિયાણાં બંધ કરાવ્યાં અને રાજવીઓને મળતા વિશેષાધિકારો રદ કરાવ્યા. તૈયાર ભાણે મળતાં સાલિયાણાં બંધ થતાં જાડેજા પરિવારની આર્થિક દશા બગડી. પડ્યા પર પાટુ જેવો ઘાટ એ થયો કે વિશેષાધિકારો છીનવાતાં રાજા-મહારાજાઓએ સામાન્ય નાગરિકની જેમ આવકવેરો, મિલકતવેરો અને વારસાવેરો ભરવાના દિવસો આવ્યા. ત્રણે વેરાનો કુલ વાર્ષિક આંકડો હજારોમાં થતો હતો. બે છેડા ભેગા કરવામાં જાડેજા પરિવારને તકલીફ પડવા માંડી. આવકનાં સાધનો મર્યાદિત હોવાથી મહેશ્વર નગરની ભાગોળે આવેલી કોઠી વેચી દેવી પડી. વધારાની આવક મેળવવા માટે મહેલના એક હિસ્સાને હેરિટેજ હોટેલમાં ફેરવી દેવાનો વિકલ્પ હતો, પરંતુ આ વિસ્તાર એટલો તો અંતરિયાળ હતો કે અહીં કોઈ પ્રવાસીઓ આવતાં જ નહોતાં. ઘટાટોપ જંગલો સિવાય આ ગ્રામીણ વિસ્તારમાં કશું જોવાલાયક નહોતું.

જાડેજા પરિવાર પાસે સેંકડો એકર જમીન હતી, જેમાં ફળાઉ વૃક્ષો હતાં અને અનાજની ખેતી થતી. એ કારભાર મંત્રી જોસરકાકાના હસ્તક હતો. ખેતીની આવક સારી હતી, પરંતુ કરકસરથી ન જીવવા ટેવાયેલા રાજવી પરિવાર માટે પૂરતી નહોતી. રોયલ ઠાઠ જાળવી રાખવામાં વર્ષોત્તર રાજ્યની તિજોરી તળિયાઝાટક થતી ગઈ. પછી તો રાજવી ખજાનો વેચવા કાઢવો પડ્યો. વર્ષે એકાદ-બે વાર વિદેશી મહેમાનો આવતા. રાજાસાહેબ સાથે બંધબારણે એમની મુલાકાત યોજાતી. રત્નો-ઘરેણાંના સોદા થતા. કિમતી જણસો બાદ લક્ઝુરિયસ વાહનોનો વારો આવ્યો. એક જમાનામાં મહેલના ગરાજમાં રોલ્સ-રોઈસ અને જેગ્યુઆર જેવી મોંઘી ૧૨ કારોનો કાફલો હતો. હવે ગણીને ફક્ત ૩ કાર બચી હતી, અને એ પણ એમ્બેસેડર જેવી પ્રમાણમાં સસ્તી કાર. ઘોડારમાં પહેલાં ૧૬ પાણીદાર ઘોડા હણહણતા હતા, હવે ફક્ત ૨ બચ્યા હતા. રજવાડાંનાં અનેક મંદિરો અને ગૌશાળાઓની જાળવણીમાંથી જાડેજા પરિવારે હાથ પાછા ખેંચી લેવા પડ્યા હતા.

જાડેજા પેલેસનો નિભાવખર્ચ કમરતોડ હતો. પેલેસના ૨૬ કમરાઓ પૈકીના અડધોઅડધ કમરાઓને તાળાં મારી દેવામાં આવ્યાં જેથી તેમના રખરખાવનો ખર્ચો બચે. એ કમરાઓમાં પડેલું એન્ટિક ફર્નિચર વર્ષોત્તર વેચાતું ગયું. હવે તો એ ખાલી કમરાઓએ જાણે કે સુષુપ્તાવસ્થા ધારણ કરી લીધી હતી. જાહોજલાલી દરમિયાન જતનથી જળવાયેલા ઝુમ્મરો, જાજમો, કટલરી, ક્રોકરી, વાસણો પણ મહેલમાંથી પગ કરી ગયા. રાજવી ખજાના બાદ ઉપજાઉ જમીનનો વારો આવ્યો. દર વર્ષે જાડેજા પરિવારની માલિકીની જમીનનો મોટો હિસ્સો વેચાતો જતો હતો.

આ બધો ખેલ વિવાનના જન્મ પહેલાં જ ભજવાઈ ગયો હતો. તેના નસીબમાં તો જાહોજલાલી ભોગવવાની આવી જ નહોતી. જોકે તેના ઉછેરમાં કોઈ કમી રાખવામાં નહોતી આવી. પરિવાર આર્થિક સંકડામણમાં છે, એનું ભાન પણ વિવાવને છેલ્લાં બે-ત્રણ વર્ષથી જ થયું હતું.

છેલ્લાં થોડાં વર્ષોથી પ્રતાપસિંહ એવું કહેતા રહેતા હતા કે, તેમણે એક ખજાનો છુપાવી રાખ્યો છે, જે જાડેજા પરિવારને યોગ્ય સમયે મળશે. પદ્માવતીએ એમની પાસેથી એ છુપા ખજાનાની માહિતી મેળવવા એકથી વધુ વખત પ્રયત્નો કરી જોયા હતા, પરંતુ તેઓ ફાવ્યાં નહોતાં. પ્રતાપસિંહ કોઈપણ બહાને વાત ટાળી દેતા. એ ખજાનો કેટલો હતો અને ક્યાં હતો એની કોઈને જાણ નહોતી.

બે વર્ષ અગાઉ પ્રતાપસિંહને આંતરડાનું કેન્સર થયાનું નિદાન થયું હતું. મોટા શહેરમાં જઈ સારવાર લેવાનો તેમણે સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. એકાદ વર્ષથી પથારીવશ હતા. યમરાજનું તેડું આવી ગયાનું જાણી ૬ મહિના અગાઉ એમણે પારિવારિક વકીલ બ્રિજનાથને તેડાવી વિશ્વાસુ મંત્રી જોસરકાકાની હાજરીમાં એમનું વસિયતનામું તૈયાર કરાવડાવ્યું હતું, જેમાં પેલો છુપો ખજાનો મેળવવા માટે વિવાન દ્વારા એમની તર્પણયાત્રા થાય એવી શરત મૂકી હતી.

ગાર્ડનમાં એકલો બેઠેલો વિવાન વિચારમાં ડૂબેલો હતો. નાણાંભીડ અનુભવી રહેલા તેના પરિવારે છેક જ અંગત વસ્તુઓ વેચવાનો વખત હજુ સુધી તો નહોતો આવ્યો, પણ જો આમ જ ચાલતું રહ્યું તો એ દિવસો પણ દૂર નહોતા. રાજવી ઠાઠનો સૂર્યાસ્ત ઢૂંકડો જણાતો હતો. પ્રતાપસિંહનો ખજાનો મળી જાય તો જાડેજા પરિવારનું આર્થિક સંકટ ટળી જાય અને ભવિષ્ય સુધરી જાય એમ હતું. પરિવારનું ભાવિ હવે વિવાનના હાથમાં હતું. કોઈપણ ભોગે તેણે દાદાજીની તર્પણયાત્રા પૂરી કરવાની જ હતી. મમ્મી તેને એકલો યાત્રાએ જવા દેશે કે નહીં એ બાબતમાં આશંકિત વિવાનને એ વાતની ખબર નહોતી કે આવનારા દિવસો તેના જીવનમાં તેણે કલ્પના પણ ના કરી હોય એવા અણધાર્યા નીવડવાના હતા. 
                                           (ક્રમશઃ) 

નોંધઃ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ આ પ્રકરણ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ટ્રાવેલ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયું છે.

Sunday 5 October 2014

પ્રકરણ ૧ – તર્પણયાત્રા – વસિયતનામાની વિચિત્ર શરત



પ્રકરણ ૧  –  વસિયતનામાની વિચિત્ર શરત

તેણે ફરી એક વાર બૂટ તરફ નજર નાખી. દોરી બરાબર બંધાયેલી હતી. પોલિશ પણ વ્યવસ્થિત હતું. ગજવામાંથી મોબાઇલ કાઢીને તેણે પોતાના ચહેરા સામે ધર્યો. કાળા કાચમાં દેખાતા ઝાંખા પ્રતિબિંબને જોઈ તેણે માથાના વાળ સરખા કર્યા. ફરી એક વાર. મોબાઇલ પેન્ટના ગજવામાં સરકાવી તેણે આંખો હોસ્ટેલના ગેટ પર જમાવી.

રૂમ નંબર ૨૬ વાળો અકડૂ જાય છે,’ ત્રણ માળની એરકન્ડિશન્ડ હોસ્ટેલના બીજા માળે આવેલા રૂમમાં ઊભેલા એક યુવાને બારીમાંથી બહાર જોતા કહ્યું. તરત તેની પાછળથી બીજો એક યુવાન બારીમાંથી ડોકાયો. તેણે પૂછ્યું, ‘તને ખબર છે કે પ્રિન્સ છે?’

પ્રિન્સ? ખરેખર?’ પહેલાને અચરજ થયું. ‘ક્યાંનો પ્રિન્સ?’

મહેરગઢ,’ બીજાએ જવાબ આપ્યો. ‘વિવાનસિંહ જાડેજા નામ છે એનું.’

પ્રિન્સ છે એટલે આટલો અકડૂ છે, હં…’ પહેલો અણગમાપૂર્વક બોલ્યો અને પછી પોતાના કામે લાગી ગયો. બીજો ત્યાં ઊભો રહી હોસ્ટેલના પ્રાંગણમાં ઊભેલા પ્રિન્સને કંઈક અહોભાવથી તાકી રહ્યો. બ્રાઉન કોર્ડરૉઇ અને પ્લેન વ્હાઇટ શર્ટમાં પ્રિન્સ સોહામણો લાગી રહ્યો હતો. ભોળપણથી લીંપાયેલો ચહેરો, પાણીદાર આંખો, સપ્રમાણ નાક, પાતળા હોઠ, ચપ્પટ ઓળેલા રેશમી કાળા વાળ. પાંચ ફૂટ આઠ ઈંચનો સહેજ ભરાવદાર દેહ. જોતા ખબર પડી આવે કે છોકરો ખાતા-પીતા ઘરનો છે. ગોરો તો એટલો કે પહેલી નજરે વિદેશી લાગે. વ્યવસ્થિત કાપેલા વાળ, ઇસ્ત્રીબંધ કપડાં અને પોલિશ કરેલા જૂતાં. પગથી માથા સુધી રાજવી ખાનદાનનો નબીરો લાગે. તેના દેખાવમાં કંઈક એવું આકર્ષણ હતું કે જોનારા ઘડીભર તેને તાકી રહેતા. આવો ૧૭ વર્ષીય હેન્ડસમ પ્રિન્સ વિવાન છેલ્લા બે મહિનાથી ઈન્દોર ખાતે આવેલી એન્જિનિયરિંગ હોસ્ટેલમાં રહેતો હતો છતાં કોઈની સાથે ભળી શક્યો નહોતો. માટે તેની છાપ અકડૂ તરીકેની પડી ગઈ હતી.

વિવાને પોતાને કાંડે બાંધેલી ઇમ્પોર્ટેડ ઘડિયાળમાં જોયું. સવારના સાડા સાત વાગી રહ્યા હતા. વીસ મિનિટથી તે હોસ્ટેલની બહાર ઊભો ઊભો કોઈની રાહ જોઈ રહ્યો હતો. ‘તું જેમ બને એમ જલ્દી આવી જા, વિવાન,’ તેની મમ્મીએ મળસ્કે ફોન કરીને કહ્યું હતું. ‘રાજા સાહેબની તબિયત નાજુક છે.’ અને તરત વિવાને તેનો સામાન પેક કરવા માંડ્યો હતો. રાજા સાહેબ એટલે કે તેના દાદાજી- પ્રતાપસિંહ જાડેજા, જેઓ જીવનના છેલ્લા શ્વાસ ખેંચી રહ્યા હતા. વિવાન જેમ બને એમ જલ્દી એમની પાસે પહોંચી જવા માગતો હતો. હોસ્ટેલની બહાર ઊભા ઊભા તેની ધીરજ હવે ખૂટી રહી હતી, ત્યાં કાળા રંગની એક એમ્બેસેડર કાર હોસ્ટેલના કમ્પાઉન્ડ ગેટમાંથી અંદર પ્રવેશતી દેખાઈ.

ઘરઘરાટી બોલાવતી કારે હોસ્ટેલમાં ઉત્સુકતા જગાવી. હોસ્ટેલની બારીઓ ઊંઘરેટા લબરમૂછિયા ચહેરાઓથી ભરાઈ ગઈ. કોઈ અંગત વાહનને હોસ્ટેલના કમ્પાઉન્ડમાં દાખલ થવાની અનુમતિ નહોતી એટલે વિદ્યાર્થીઓને કુતૂહલ થયું. જોકે વિવાનનો કેસ અલગ હતો. રાજવી પરિવારનું ફરજંદ પોતાની કોલેજમાં અભ્યાસ કરતું હોય હકીકતથી કોલેજના પ્રિન્સિપાલ અભિભૂત હતા. પ્રિન્સ વિવાન માટે તેમણે અમુક છૂટછાટો આપી હતી.

ચકચકિત એમ્બેસેડર વિવાનની નજીક આવીને ઊભી રહી. ઉતાવળે બહાર નીકળી ડ્રાઇવરે વિવાનને ઝૂકીને સલામ મારીને કહ્યું, ‘માફી, કુંવર સાહેબ. રસ્તામાં ટાયર પંક્ચર થઈ ગયું હતું એટલે મોડું થયું.’

જવાબમાં વિવાને ફક્ત ડોકું હલાવ્યું. તેને ગુસ્સો તો બહુ આવ્યો હતો પણ વ્યક્ત કરવાનો કોઈ ફાયદો નહોતો. દાદાજીના વિચારે આમેય તે ખિન્ન હતો. ડ્રાઇવરે પાછળનો દરવાજો ખોલ્યો એટલે તે અંદર બેઠો. ડિકીમાં વિવાનની બેગ મૂકી ડ્રાઇવરે પોતાની સીટ લીધી. એક પણ સેકન્ડ ગુમાવ્યા વિના એણે ગાડી મહેરગઢની દિશામાં ભગાવી.

મહેરગઢ. મધ્ય પ્રદેશના છેક પશ્ચિમ છેવાડે અનાસ નદીને કિનારે આવેલું એક નાનકડું રજવાડું. ગુજરાતની સરહદથી બહુ દૂર નહીં. જંગલોથી છવાયેલા વિસ્તારમાં છૂટાછવાયા ગામડાં અને ગામડાંઓનું કેન્દ્રબિંદુ મહેરગઢ. આઝાદી પછીના વિલીનીકરણમાં મહેરગઢ પણ વિલીન થઈ ગયું હતું. રહી ગઈ હતી ફક્ત ધૂંધળી રજવાડી યાદો.

ઈન્દોરથી મહેરગઢ પહોંચતા અઢી કલાક થતા. વિવાનના ખાવા માટે કારમાં ફ્રૂટ્સ પડ્યાં હતાં, પણ તેણે ખાધાં. બીમાર દાદાજીને ગુમાવવાના વિચારો વારેવારે તેની આંખો ભીની કરી દેતા હતા. આખા રસ્તે તેણે ડ્રાઇવર સાથે એક શબ્દ પણ વાત કરી.

દસ વાગ્યે એમ્બેસેડર મહેલના પ્રાંગણમાં જઈ અટકી કે તરત વિવાન બહાર લપક્યો. બે માળના ભવ્ય મહેલના વિશાળ પ્રવેશદ્વાર તરફ તેણે દોટ મૂકી. રફ સ્ટોન જડેલા પ્રાંગણ પર તેના જૂતાં ગરજી ઊઠ્યા. પ્રવેશદ્વાર પાસે સડસડાટ પગથિયાં ચડતી વખતે ભટકાઈ ગયેલા નોકરે તેને સલામ મારી, પણ એની સલામ સ્વીકારવાનો સમય વિવાન પાસે નહોતો. મહેલમાં દાખલ થતાં ૫૦ ફીટ પહોળો હોલ હતો. હોલની વચ્ચોવચ બનેલા ૧૦ ફીટ પહોળા દાદરના કઠેડામાં આરસની અગણિત અપ્સરાઓ મૂર્તિમંત થઈ હસી રહી હતી. ઇટાલિયન માર્બલના ફ્લોર પર ધડબડાટી બોલવતો વિવાન દાદર ચઢીને પહેલા માળે પહોંચ્યો. ડાબી તરફની પરસાળમાં પહેલો કમરો દાદાજીનો હતો. હાંફતી છાતીએ કમરામાં દાખલ થતાં વિવાને જોયું કે એક ખૂણામાં પલંગ પર દાદાજી આંખો બંધ કરીને સૂતા હતા. પલંગથી સહેજ દૂર ગોઠવાયેલી ખુરશીઓમાં વિવાનના પિતા રુદ્રપ્રતાપ સિંહ, માતા પદ્માવતી, મંત્રી જોસરકાકા, ડોક્ટર અને નર્સ બેઠાં હતાં. તમામ ચહેરાઓ પર વિષાદના વાદળાં છવાયેલાં હતો. વિવાનના માતા-પિતા વિવાનને જોતાં ઊભાં થઈ ગયાં. એમની તરફ એક નજર નાખી વિવાન સીધો દાદાજી તરફ ધસી ગયો.

કેટલાયે મેડિકલ ઉપકરણોથી ઘેરાયેલી પ્રતાપસિંહની કૃષ કાયામાં બહુ ઓછી સંવેદના બચી હતી. એમના શ્વાસોચ્છવાસ અત્યંત ધીમા ચાલી રહ્યા હતા. વિવાને હળવેથી દાદાજીના હાથ પર પોતાનો હાથ મૂક્યો. તેના ગળામાંથી માંડ એક શબ્દ નીકળ્યો, ‘દાદુ…’


પોતરાના હાથનો સ્પર્શ થતાં પ્રતાપસિંહે આંખો ખોલી. વિવાનને જોતા તેઓ મલકાઈ ઊઠ્યા. ચહેરા પરની અગણિત કરચલીઓમાં જાણે કે પ્રાણ ફૂંકાયો. ઓક્સિજન માસ્કના પ્લાસ્ટિકમાંથી એમનું બોખું મોં દેખાયું. પ્રયત્નપૂર્વક તેમણે વિવાનની આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવી. દાદા-પોત્રનું આખરી સંધાન હતું સૌ જાણતા હતા. આંતરડાના કેન્સર સામે નેવ્યાસી વર્ષે પ્રતાપસિંહે ઘૂંટણ ટેકવી દીધાં હતાં. છેલ્લા દિવસોમાં એમના કમરાને આઈ.સી.યુ.માં ફેરવી દેવામાં આવ્યો હતો. કોઈ આશા બચતા એમની વધુ રિબામણી ટાળવા માટે ડૉક્ટરે તમામ મેડિકલ ઉપકરણો હટાવી દેવાની સલાહ આપી હતી. પ્રત્યેક શ્વાસ એમના માટે પીડાદાયક બની રહ્યો હતો એટલે ડૉક્ટરની સલાહ વાજબી હતી. ફક્ત વિવાનના આવવાની રાહ જોવાતી હતી. વિવાન આવ્યો એના અડધા કલાક બાદ ડૉક્ટરે મેડિકલ સપોર્ટ સિસ્ટમની સ્વિચ ઓફ કરવા માંડી. સૌ ભીની આંખે રાજા સાહેબની નજર સામે ઊભાં રહ્યાં. છેલ્લી ઘડીઓમાં પરિવાર સાથે હતો ધરપત સાથે રાજા સાહેબે હંમેશ માટે આંખો મીંચી દીધી.

વિવાન ફાટી આંખે દાદાજીના નશ્વર દેહને તાકી રહ્યો. તેણે ફક્ત દાદાજી નહીં, પણ એક સારા મિત્ર ગુમાવ્યા હતા. એક એવા મિત્ર જેના સંગમાં તે સૌથી વધુ ખીલતો. દાદાજીનો સ્નેહ, દાદાજીની માયા અશ્રુરૂપે વિવાનની આંખોમાંથી વહી નીકળી.

રાજા સાહેબની અંતિમસંસ્કાર વિધિ બીજા દિવસે રાખવામાં આવી કેમ કે એમના સગા દૂર દૂરથી આવવાના હતા. રાજ માત્ર નામ પૂરતું રહ્યું હોવા છતાં રાજા આખરે તો રાજા ખરોને! કાયદેસર તો જાડેજા પરિવારની કોઈ રિયાસત નહોતી, પણ પ્રજા હજુ પણ એમને રાજપરિવાર તરીકે સન્માન આપતી હતી.

વિવાન આખો દિવસ તેના રૂમમાં રહ્યો. રાતે પદ્માવતી તેના રૂમમાં આવ્યાં. એમણે વિવાનને જમવાનો આગ્રહ કર્યો. ભૂખ લાગી હોવાથી વિવાને દૂધ માગ્યું. માણસ ગમે એટલો શોકગ્રસ્ત હોય, શરીર તો ખોરાક માગે . દૂધ પીને તેણે ખાલી ગ્લાસ પદ્માવતીને આપ્યો ત્યારે તેની આંખમાં રહેલી ભીનાશ તેની માતાથી છૂપી રહી શકી. તેને હંમેશાં દાદાજી સાથે જમવાની આદત હતી. હવે નથી રહ્યા ત્યારે

રડીને મન હળવું કરી લે,’ વિવાનને માથે હાથ પસવારતા પદ્માવતી ગળગળા સાદે બોલ્યાં. ‘સવારે રડી નહીં શકાય.’

દાદાજી સાથે વિતાવેલી અમૂલ્ય ક્ષણોની યાદ વિવાનને ઘેરી વળી. મહેલની લોન પર તેની સાથે ક્રિકેટ રમતા દાદાજી. નાનકડા વિવાનને ઘોડેસવારી શીખવતા દાદાજી. સમી સાંજે વિવાન સાથે મહેરગઢની સીમમાં રખડપટ્ટી કરતા દાદાજી. દાદાજીને યાદ કરતા મોડી રાત સુધી વિવાનની આંખો વહેતી રહી.

બીજા દિવસે પ્રતાપસિંહનો મૃતદેહ પ્રજાનાં દર્શન માટે મહેલના પ્રાંગણમાં રાખવામાં આવ્યો. વહેલી સવારથી લોકો રાજા સાહેબના દર્શનાર્થે આવવા લાગ્યા. દર્શનાર્થીઓમાં દરેક ધર્મ અને વર્ગના માણસો હતાં. આસપાસના ગામડાના સરપંચો, સરકારી અધિકારીઓથી લઈને રાજવી સગાં-સબંધીઓ આવ્યાં હતાં. અમુક સગાં-મિત્રો દૂરના શહેરોથી આવ્યાં હતાં. સૌને રાજા સાહેબ પ્રત્યે ભારે માનની લાગણી હતી. અનાસ નદીને કિનારે એમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. એમના નિશ્ચેતન દેહને અગ્નિમાં હોમાઈ જતા વિવાન જોઈ રહ્યો. તેની આંખો ભરાઈ આવી પણ તેણે આંસું વહેવા દીધાં. જાડેજા પરિવારના સભ્યો જાહેરમાં એમ કંઈ લાગણીઓમાં વહી જાય થોડું ચાલે! રાજવી શિષ્ટાચાર તો અનુસરવો પડે, કમને પણબધાં એમ કરી રહ્યાં હતાં. પારકાં રડી રહ્યાં હતાં અને જેઓ લોહીના સંબંધે બંધાયેલાં હતાં, પોતાનાં હતાં તેઓ કોરી આંખે ઊભાં હતાં.

રાજા સાહેબની અંતિમ વિધિઓ તેર દિવસ ચાલી. એમના આદેશ મુજબ તેરમાની વિધિ પતે પછી એમનું વસિયતનામું જાહેર કરવાનું હતું. સીલબંધ વસિયતનામું લઈને વકીલ બ્રીજનાથ પહેલા માળે આવેલા મીટિંગ રૂમમાં દાખલ થયા ત્યારે વિવાન, રુદ્રપ્રતાપ, પદ્માવતી અને જોસરકાકા ગુમસૂમ બેઠાં હતાં. વિવાન સિવાય સૌને વસિયતમાં શું હશે જાણવાની તીવ્ર ઉત્કંઠા હતી.

એક ઊંડો શ્વાસ લઈને બ્રીજનાથે હાથમાં રહેલું વસિયતનામું વાંચવાનું શરૂ કર્યું. ‘અહીં હાજર છે એમાંના કોઈ આપણા કુટુંબની આર્થિક હાલતથી અપરિચિત નથી. રાજમહેલ અને અન્ય તમામ સંપત્તિ હું મારા દીકરા રુદ્રપ્રતાપસિંહ જાડેજા, વહુ પદ્માવતી જાડેજા અને પૌત્ર વિવાનસિંહ જાડેજાને નામે કરું છું. ઉપરાંત મારી પાસેથી કોઈ મોટા ખજાનાની અપેક્ષા રાખવામાં આવી હોય તો વાજબી છે. પરિવારની આર્થિક વિટંબણાઓનો અંત આવે એટલું તો હું છોડી જાઉં છું, પણ મેળવવા માટે પરિશ્રમ કરવો અનિવાર્ય છે. મારી અમુક શરતોને આધીન મારા અસ્થિ મેં સૂચવેલાં સ્થળોએ વહાવ્યા પછી આપ ખજાનો હસ્તગત કરી શકશો.’

બ્રીજનાથે અટકીને વારાફરતી રુદ્રપ્રતાપ અને પદ્માવતી તરફ નજર નાખી. બંનેના કપાળે રેખાઓ અંકિત થયેલી હતી. ‘શરતોશબ્દે એમનો ઉચાટ વધારી દીધો હતો.

બ્રીજનાથે આગળ વાંચવાનું શરૂ કર્યું, ‘દેશની ચાર દિશાઓમાં આવેલા ચાર પવિત્ર સ્થળો-પૂર્વમાં બંગાળના ઉપસાગર, પશ્ચિમમાં દ્વારકા, ઉત્તરમાં ગંગા અને દક્ષિણમાં રામેશ્વરમ- મારા અસ્થિ વિસર્જિત કરવા. કાર્ય ફક્ત અને ફક્ત વિવાન કરશે અને પણ એકલપંડે. ઉપરોક્ત તમામ સ્થળોએ એકલા જઈ મારું તર્પણ કરશે તો અને તો મારી ખાનગી સંપત્તિ આપના નામે થશે. નહીંતર તમામ સંપત્તિનું દાન કરી દેવામાં આવશે.’

પ્રતાપસિંહનું ટૂંકું વસિયતનામું વાંચવાનું પૂરું કરી બ્રીજનાથે જાડેજા પરિવારનાં સદસ્યો તરફ વારાફરતી દૃષ્ટિપાત કર્યો. વિવાનનો ચહેરો લગભગ ભાવશૂન્ય હતો જ્યારે રુદ્રપ્રતાપ અને પદ્માવતી વસિયતનામાનું છેલ્લું વાક્ય સાંભળી અસ્વસ્થ થઈ ગયાં હતાં. બંને સ્તબ્ધ બનીને બ્રીજનાથના હાથમાં રહેલા કાગળને તાકી રહ્યાં.                                                                                                             
 (ક્રમશઃ

નોંધઃ ૨ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ આ પ્રકરણ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ટ્રાવેલ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયું છે.