પ્રકરણ–૩ – તર્પણયાત્રા – દ્વારકા તરફ પ્રયાણ
જાડેજા પેલેસમાં રિસામણા-મનામણાનો દોર
જારી રહ્યો. રુદ્રપ્રતાપ અને વિવાન વારંવાર પદ્માવતીને સમજાવવાની કોશિશ કરતાં
રહ્યા પણ પદ્માવતી ટસના મસ ન થયાં તે ન જ થયાં. કંટાળીને વિવાન હોસ્ટેલ પાછો જતો
રહ્યો. ત્યાં ગયાને ચાર દિવસ બાદ તેના પર રુદ્રપ્રતાપનો ફોન આવ્યો કે સતત સમજાવટને
અંતે પદ્માવતી વિવાનને એકલો યાત્રાએ મોકલવા તૈયાર થઈ ગયાં હતાં. રુદ્રપ્રતાપ અને
જોસરકાકાની વારંવારની સમજાવટ છેવટે રંગ લાવી હતી. વિવાન માટે એ સમાચાર આશ્ચર્યજનક
હતા. કોલેજમાંથી રજા મંજૂર કરાવી તે તાત્કાલિક ઘરે પહોંચ્યો.
જોસરકાકાએ વિવાનની યાત્રાનું વ્યવસ્થિત
પ્લાનિંગ કર્યું. તત્કાલમાં તેના માટે દ્વારકા જતી ટ્રેનમાં એસી સ્લીપર ક્લાસની
ટિકિટ બુક કરાવવામાં આવી. યાત્રા દરમિયાન વિવાનને કોઈ હાલાકી ન પડે એ માટે
પદ્માવતીનો આગ્રહ હતો કે વિવાન ટ્રેનમાં એસી ક્લાસમાં જ ટ્રાવેલ કરે અને જે તે
સ્થળોએ સૌથી આરામદાયક હોટેલોમાં રોકાય. દ્વારકાની સૌથી મોંઘી ફોર સ્ટાર હોટેલમાં
વિવાનનું બુકિંગ કરવામાં આવ્યું ત્યારે વિવાને અણગમો વ્યક્ત કર્યો કે, તેણે
હોટેલમાં ફક્ત રાત ગુજારવાની છે માટે બેઝિક સગવડ ધરાવતી મધ્યમ કક્ષાની હોટેલમાં
બુકિંગ કરાવી તેના પ્રવાસખર્ચ પર કાપ મૂકવો જોઈએ. જોકે પદ્માવતી એની વાત સાથે સંમત
નહોતાં. રાજાસાહેબનો ખજાનો હાથ આવવાનો હતો પછી ખર્ચાની કોને ચિંતા?
પદ્માવતી તો શરૂઆતથી અંત સુધીના પ્રવાસનું
પ્લાનિંગ કરાવવા માગતાં હતાં, પણ એમ કરવામાં વિવાને સતત દોડાદોડ કરતાં રહેવું
પડે એમ હતું. જો એકાદ ટ્રેન ચૂકી જવાય તો તેનું આખું શિડ્યુલ ખોરવાય માટે ફક્ત
રતલામથી દ્વારકા અને દ્વારકાથી દિલ્હી સુધીની યાત્રા પ્લાન કરવામાં આવી. પ્રવાસ
આગળ વધતો જાય એમ વિવાન જોસરકાકાને જણાવતો જાય અને જોસરકાકા ઇન્ટરનેટના માધ્યમથી
વિવાન માટે બુકિંગ કરાવતા જાય, એવું નક્કી કરવામાં આવ્યું. જોકે પદ્માવતી નચિંત
બને અને તેમને વિરોધ કરવાનું કોઈ કારણ ન મળે એ માટે તેમને એમ કહેવામાં આવ્યું કે
૧૫ દિવસ ચાલનારી સમગ્ર યાત્રાનું આગોતરું આયોજન થઈ ગયું છે.
પદ્માવતીએ જાતે ઈન્દોર જઈ વિવાન માટે
જરૂરી સામાનની ખરીદી કરી: ગ્લુકોન ડી, ટોઇલેટ પેપર, બામ-વિક્સ
અને સેરિડોન જેવી બેઝિક દવાઓ, ઇનરવેર્સ, સોક્સ,
ટોવેલ, પેપર સોપ, હેન્ડ
સેનિટાઇઝર, પરફ્યુમ, શૂઝ અને જેકેટ. બ્રાન્ડેડ સનગ્લાસિસ અને
મોંઘો કેમેરા તો વિવાન પાસે હતો જ. પ્રતાપસિંહના અસ્થિ ચાર મધ્યમ કદના તાંબાના
લોટામાં વ્યવસ્થિત પેક કરવામાં આવ્યા. વિવાન જે બેગપેક પીઠ પર ભેરવવાનો હતો એમાં
બધી વસ્તુઓ ભરીને પદ્માવતીએ ચેક પણ કરી લીધું.
આખરે ૬ જૂનનો એ દિવસ આવી ગયો. દાદાજીની
આદમકદની તસવીરને પગે લાગી વિવાને ઘર છોડ્યું. છેક છેલ્લી ઘડીએ પણ તેની બેગ
જોસરકાકાએ જાતે તપાસી, એ જોવા કે ના પાડવામાં આવી હતી એવી કોઈ વસ્તુ તો
એ સાથે નથી લઈ જઈ રહ્યોને! એવી કોઈ વસ્તુ વિવાનના બેગપેકમાંથી ન નીકળી.
રુદ્રપ્રતાપ, પદ્માવતી
અને જોસરકાકા વિવાનને રતલામ રેલવે સ્ટેશન સુધી મૂકવા ગયાં. સવારે ૧૧:૦૫ વાગ્યાની
ગોરખપુર ઓખા એક્સપ્રેસ તેને વહેલી સવારે ૩:૨૭ કલાકે દ્વારકા ઉતારવાની હતી. સ્ટેશન
પર છેલ્લી ક્ષણોમાં પદ્માવતીએ વિવાન સામે એ જ ટેપ ફરી વગાડી જે પાછલા બે દિવસોમાં
તેઓ અનેકવાર વગાડી ચૂક્યાં હતાં: ‘આચરકુચર ન ખાતો. સ્ટ્રીટફૂડ તરફ જોવાનું પણ નહીં.
ફક્ત મિનરલ વોટર જ પીજે. ગ્લુકોન-ડી લેવાનું ન ભૂલતો. દરરોજ કપડાં લોન્ડ્રીમાં
ધોવડાવતો રહેજે. અજાણ્યાઓ સાથે ઝાઝી વાતો ન કરતો. સૂર્યાસ્ત પછી હોટેલની બહાર ન
નીકળતો. ટ્રેન પહોંચે એટલે સીધો હોટેલ જજે અને...’
વિવાનને લાગ્યું કે તેની યાત્રા પૂરી થઈ
જશે પણ મમ્મીની સૂચનાઓનો અંત નહીં આવે. તેનાથી હસી પડાયું. ‘મમ્મી,
આ બધું જ મેં યાદ કરી લીધું છે. હું તેં કહ્યું એમ જ કરીશ, બસ!’
ટ્રેન ઉપડવાનો સમય થયો એટલે વિવાને
વડીલોના ચરણસ્પર્શ કર્યા. પદ્માવતીએ દીકરાને ગળે લગાડી દીધો. મમ્મીના ગાલ પર બચી
ભરીને વિવાન ટ્રેનમાં ચડી ગયો. તે પોતાની બર્થ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં એક
યુવાન તેની રાહ જોતો ઊભો હતો. વિવાને તેના તરફ સ્મિત રેલાવ્યું એટલે પેલાએ પોતાના
હાથમાં રહેલું બોક્સ વિવાનને આપ્યું.
‘સબ ઠીક હૈ ના ઇસમેં?’ બોક્સ
તરફ ઈશારો કરતાં વિવાને પૂછ્યું. પેલાએ ડોકું હકારમાં ધુણાવ્યું. વિવાને બેગમાંથી
રૂપિયા ભરેલું એક કવર કાઢી પેલાને પકડાવ્યું એટલે એણે ચાલતી પકડી. વિવાને બોક્સ
ઝડપથી બેકપેકમાં સેરવ્યું. કાચની બારીમાંથી તેના મમ્મી-પપ્પા કે જોસરકાકા એ બોક્સ
જોઈ લે તો આફત આવી જાય એમ હતું. ટ્રેન સરકવા લાગી એટલે તેણે બારીની બહાર જોઈ
સ્વજનો તરફ હાથ હલાવી સસ્મિત ગુડબાય કર્યું. લાંબી યાત્રા પર એકલો પહેલી વાર જઈ
રહ્યો હોવાથી તે થોડો નર્વસ હતો, તો ભારતભ્રમણ કરવા મળશે એ વિચારે ખુશ પણ હતો.
ટ્રેન સ્ટેશનની બહાર નીકળી કે તરત તેણે
પેલું બોક્સ ખોલ્યું. અંદર જે વસ્તુ હતી એ જોઈ તેની આંખોમાં ચમક આવી. લેટેસ્ટ
મોડેલનો નવો-નક્કોર ટચ સ્ક્રીન મોબાઇલ! ફોન હાથમાં લઈ તેણે મચડવા માંડ્યો.
પ્રવાસમાં તેને મોબાઇલ લઈ જવાની મનાઈ હતી, પણ આજના યુવાનને મોબાઇલ વગર કઈ રીતે ચાલે?
ટ્રેનમાં ટાઇમપાસ કઈ રીતે થશે એ વિચારે વિવાને તેના ઘરના લોકોથી
છુપાવીને એક મોબાઇલ ખરીદવાનું નક્કી કર્યું હતું. પોતાની જરૂરતના તમામ
ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ તે રતલામના એક શો-રૂમમાંથી ખરીદતો. શો-રૂમના માલિક તેને
મહેરગઢના રાજકુંવર તરીકે ઓળખતા હતા. વિવાને તેમને ફોન કરીને પોતાની પસંદનો મોબાઇલ
ઓર્ડર કર્યો હતો અને મોબાઇલની ડિલિવરી તેને રતલામ સ્ટેશને ખાનગીમાં મળે એવી માગ
કરી હતી. તેણે અગાઉથી જ પોતાનો કમ્પાર્ટ્મેન્ટ અને સીટ નંબર જણાવી દીધો હતો જેથી
ડિલિવરી બોય તેની સીટ પાસે તેની રાહ જોઈ રહ્યો હતો. વિવાનના કહ્યા મુજબની
એપ્લિકેશન્સ, ગેમ્સ, મ્યુઝિક અને મૂવિઝ મોબાઇલમાં લોડ કરી
દેવામાં આવ્યાં હતાં. ઇન્ટરનેટની ફેસિલિટી પણ ખરી. મોબાઇલ મેળવીને વિવાન ખુશ હતો.
પોતાની બર્થ પર આડા પડી તેણે સૌથી પહેલા મોબાઇલમાં ફેસબુક ખોલ્યું. ફેસબુક પર તેણે
માત્ર બીજાના સ્ટેટસ અને ફોટોગ્રાફ્સ ચેક કર્યાં. ભૂલથી પણ કોઈ કમેન્ટ કે લાઇક ન
થઈ જાય એ બદલ તે સજાગ હતો. જોસરકાકા અને બ્રિજનાથ તો ફેસબુક નહોતા વાપરતા પણ એમના
પરિવારના યુવા સદસ્યો વિવાનના ફ્રેન્ડ લિસ્ટમાં હતાં એટલે વિવાને ચેટ પણ ટર્ન ઓફ
રાખ્યું. રખેને કોઈને ખબર પડી જાય કે તેની પાસે મોબાઇલ છે. પંદરેક મિનિટ ફેસબુકમાં
ગોથાં ખાધા બાદ તે ‘કેન્ડી ક્રશ’ ગેમમાં
ગુલતાન થઈ ગયો. આસપાસ બેઠેલા પ્રવાસીઓ પ્રત્યે તેણે ઝાઝુ ધ્યાન ન આપ્યું.
થોડી જ વારમાં સ્ટુઅર્ડ લંચનો ઓર્ડર લેવા
આવ્યો. ઘરેથી ભારે નાસ્તો કરીને નીકળ્યો હોઈ વિવાનને જમવાની ઈચ્છા નહોતી.
સ્ટુઅર્ડને ના કહી વિવાન ફરીથી મોબાઇલમાં ઘૂસી ગયો.
બપોરે સાડા ત્રણ વાગ્યે ટ્રેન વડોદરા
સ્ટેશને પહોંચી અને વિવાનની આસપાસની બર્થ ખાલી થઈ. બે-ત્રણ મિનિટમાં ચાર
વ્યક્તિનું કુટુંબ એ બર્થ પર આવીને ગોઠવાયું. આધેડ વયના પતિ-પત્ની અને તેમની બે
યુવાન દીકરીઓ. ટીનેજ છોકરીઓ જોડિયા હોવાથી વિવાનનું ધ્યાન એમની તરફ સવિશેષ
દોરાયું. પેલી બંનેએ એનો ભળતો જ અર્થ લીધો અને ખુશ થઈ ગઈ. વિવાનની બરાબર સામેની
બર્થ પર બંને ગોઠવાઈ. દંપતી એમનો સામાન ગોઠવવામાં પડ્યું જ્યારે ટ્વિન સિસ્ટર્સ
એકબીજીને અડીને બેઠી અને તેમના મોબાઇલમાં કંઈક જોવા લાગી. બંનેનું ધ્યાન ફોનમાં
ઓછું અને વિવાન પર વધું હતું. આંખના ખૂણેથી બંને વારંવાર વિવાનને જોઈ લેતી.
શરૂઆતમાં વિવાનને સારું લાગ્યું. યુવાન છોકરી ભાવ આપે, ફરી
ફરીને જુએ એ કોઈપણ છોકરાને ગમે, પણ થોડી જ વારમાં તે કંટાળ્યો. પેલી બંને
દેખાવમાં એવી કંઈ ખાસ ન હોવાથી તેને ઝાઝો રસ ન પડ્યો. થોડીવાર ઊંઘ ખેંચી લેવાને
ઈરાદે તે ઊંધું ઘાલીને સૂઈ ગયો પણ ઊંઘ ન આવી. મોબાઇલમાં ગીતો સાંભળતા તે આંખો
મીંચીને પડ્યો રહ્યો.
છોકરીઓના મામલે વિવાન આમ પણ કાચો હતો.
તેના પરિવારના પરિચિત લોકોમાં અનેક સુંદર છોકરીઓને તે ઓળખતો હતો. વારે-તહેવારે અને
પાર્ટીઓમાં છોકરીઓને મળવાનું થતું, પણ એમની સાથે ઔપચારિકતા નિભાવવા સિવાય તે કદી આગળ
નહોતો વધ્યો. એવું નહોતું કે દેખાવડી છોકરીઓ તેને ગમતી નહોતી. તેના પરિવારના
સ્ટેટસને શોભે એવી છોકરીને તે ગર્લફ્રેન્ડ બનાવે એમાં તેના માતા-પિતાને કોઈ વાંધો
નહોતો, પણ વિવાન પોતે જ છોકરીઓની બાબતમાં નિરસ હતો.
શારીરિક આકર્ષણ ચોક્કસ થતું પણ પ્રેમ કઈ બલાનું નામ છે એનાથી તે અજાણ હતો. તે
માનતો કે પ્રેમમાં પડવા માટે તે હજુ નાનો હતો.
ટ્રેન અમદાવાદ પહોંચી એટલે પગ છૂટા પાડવા
માટે તે પ્લેટફોર્મ પર ઉતર્યો. દ્વારકા સ્ટેશન આવે ત્યાં સુધી ટ્રેનમાંથી નીચે ન
ઉતરવાની મમ્મીની સલાહ તેને યાદ આવી અને તે મલકાઈ ઊઠ્યો. બહાર નીકળતાં જ તેને ભાન
થયું કે વાતાવરણમાં ખાસ્સી ગરમી હતી. સાંજ પડી ગઈ હોવા છતાં હવામાં ઉકળાટ હતો.
ફૂડસ્ટોલ પરથી ફ્રૂટી લઈ તેણે પીધું. થોડીવાર પ્લેટફોર્મ પર આંટા મારીને તે પોતાની
બર્થ પર આવી ગયો.
ટ્વીન સિસ્ટર્સના નખરાં ચાલુ રહ્યાં.
વિવાનનું ધ્યાન દોરવા બંને મોટેમોટેથી વાતો કરતી હતી. ક્યારેક ખિખિયાટા કરતી તો
ક્યારેક ખોટેખોટું ઝઘડી પડતી. એમની હરકતો બીજાને ખલેલ પહોંચાડતી હતી એની એમને કે
એમના મા-બાપને કંઈ પડી નહોતી. કોઈને ટોકવું એ વિવાનના સ્વભાવમાં જ નહોતું એટલે
કમને તેણે સહન કર્યા કર્યું.
થોડીવારમાં સ્ટુઅર્ડ ડિનરનો ઓર્ડર લેવા
આવ્યો. જે ઝડપથી ફક્ત દસ-બાર સેકન્ડમાં તે ગોખેલું મેનુ સડસડાટ બોલી ગયો એ જોઈ
વિવાનને આશ્ચર્ય થયું. મમ્મીએ બહાર નોનવેજ ખાવાની ના પાડી હોવાથી તેણે વેજ-પુલાવ
અને રાયતાનો ઓર્ડર કર્યો. પેલી કાબરોના કલબલાટથી બચવા તેણે કાનમાં ઇયર પ્લગ્સ
ભરાવ્યા અને મોબાઇલમાં મૂવી જોવા લાગ્યો. દ્વારકા ૩:૨૭ કલાકે ઉતરવાનું હોવાથી સવા
ત્રણ વાગ્યાનું એલાર્મ મૂક્યું. તેણે વિચાર્યું કે, મોબાઇલ
લીધો એ સારું થયું નહીંતર એકલો એકલો કંટાળી જાત! આવું વિચારતી વખતે તેને ખબર નહોતી
કે ચોરીછૂપે મોબાઇલ ખરીદીને તેણે યાત્રાના એક મહત્ત્વના નિયમનું ઉલ્લંઘન કર્યું
હતું, જેની સજા તેને મળી શકે એમ હતી. તેના મગજમાં ન બેસે એવું એક સરપ્રાઇઝ
પણ દ્વારકામાં તેની રાહ જોઈ રહ્યું હતું.
(ક્રમશઃ)
નોંધઃ ૧૬ ઓક્ટોબર
૨૦૧૪ના રોજ આ પ્રકરણ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ટ્રાવેલ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયું છે.
No comments:
Post a Comment