Wednesday, 28 January 2015

સાઉદી અરેબિયામાં રાજાના ભાઈ જ શાસક બને છે!



અમેરિકન પ્રમુખ બરાક ઓબામાની ભારત મુલાકાતના પડઘમ હેઠળ એક નોંધપાત્ર સમાચાર દબાઈ ગયા. ૨૩ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સાઉદી અરેબિયાના રાજા કિંગ અબ્દુલ્લાનું મૃત્યુ થયું. ફેફસાંના ઇન્ફેક્શનને લીધે ૯૦ વર્ષની વયે જીવનલીલા સંકેલી લેનાર તેઓ દુનિયાના સૌથી વયસ્ક સમ્રાટ હતા. (હવે આ રેકોર્ડ ઇંગ્લેન્ડના મહારાણી ક્વીન એલિઝાબેથને નામે છે.) ૨૦૦૫માં પોતાના સાવકા ભાઈ કિંગ ફહદના મોત પછી સાઉદી અરબની રાજગાદીને બેઠેલા કિંગ અબ્દુલ્લા ઘણા લોકપ્રિય નેતા હતા.

બરાક ઓબામા, નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ નેશન્સના મહામંત્રી બાન કી મૂન સહિત વિશ્વભરના મહાનુભાવોએ કિંગ અબ્દુલ્લાને શ્રદ્ધાંજલિ આપતાં તેમને પ્રગતિશીલ અભિગમ ધરાવતા નેતા ગણાવ્યા હતા. સાઉદી અરેબિયા જેવા રૂઢિચુસ્ત મુસ્લિમ દેશના દાયકાઓ જૂના અમાનવીય કાયદાઓમાં તેમણે ખાસ્સા સુધારા કર્યા હોવાનાં ગાણાં મોટાભાગના નેતાઓએ ગાયા હતા. જોકે, મીડિયા અને માનવ હકો માટે કાર્યરત સંસ્થાઓનો કિંગ અબ્દુલ્લા પ્રત્યેનો મત ઘણો અલગ છે. એમના મતે કિંગ અબ્દુલ્લાએ કરેલાકહેવાતાસુધારા ક્યાં તો માત્ર કાગળ પર હતા ક્યાં તો માત્ર ઉપરછલ્લા હતા. તેમણે સુધારવાદી કાયદા જરૂર ઘડ્યા હતા પણ દાયકાઓથીઆંખને બદલે આંખની નીતિ અપનાવનારા દેશમાં એ સુધારાઓનો અમલ ભાગ્યે જ થતો હતો.

કિંગ અબ્દુલ્લાએ જે નિયમો લાગુ પાડ્યા હતા એમાંનો એક એ કે, રાજવી પરિવારના તમામ સભ્યોએ પોતાના મોબાઈલ ફોન બિલનો ખર્ચ જાતે ઉઠાવવો. આ ખર્ચ અગાઉ દેશના કરદાતાઓના ગજવામાંથી ચૂકવવામાં આવતો હતો. તેમણે લાગુ પાડેલો એક નોંધપાત્ર સુધારો એ હતો કે, તેમણે દેશના રાજકારભાર પર નજર રાખવા રચાયેલી સલાહકાર સમિતિમાં ૩૦ મહિલાઓનો સમાવેશ કર્યો હતો. તેમણે મહિલાઓને ડ્રાઇવિંગ કરવાનો હક પણ આપ્યો હતો. જોકે, એનો વાસ્તવિક અમલ આજ સુધી તો નથી થઈ શક્યો. તેમના શાસનમાં મીડિયાને સ્વતંત્રતા મળી હતી, પણ ન્યુઝને સેન્સર કરવા માટે માધ્યમો પર સરકાર દ્વારા નિમાયેલા એડિટર્સ તો હતાં જ! સાઉદી પ્રજા પોતાની લાગણીઓને વાચા આપી શકે એ માટે અબ્દુલ્લાએ ફેસબુક, યુ-ટ્યુબ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સના વપરાશની પણ છૂટ આપી હતી, જેનો કટ્ટરવાદીઓ સતત વિરોધ કરતા રહ્યા છે


મહિલાઓના હકો બાબતે જાગૃત કિંગ અબ્દુલ્લાહના કેસમાં દીવા તળે જ અંધારુંપ્રકારનો જ એક કિસ્સો જાણવા જેવો છે. તેમના પર પોતાની પુત્રીઓને છેલ્લા એક દાયકા કરતા પણ વધારે સમયથી બંધક બનાવી રાખવાનો આરોપ હતો. આ આરોપ બીજા કોઈએ નહીં પણ ખુદ અબ્દુલ્લાહની ભૂતપૂર્વ પત્ની અલનાઉદ અલ-ફએઝે લગાવ્યો હતો. લંડનમાં રહેતી અલનાઉદે કિંગ અબ્દુલ્લા દ્વારા કથિત રીતે બંધક બનાવાયેલી પોતાની પુત્રીઓને મુક્ત કરાવવા સંયુક્ત રાષ્ટ્રને તથા બરાક ઓબામાને પત્ર લખી મદદ માગી હતી. અલનાઉદના મતે અબદુલ્લાએ તેની ચાર પુત્રીઓને તેમની ઈચ્છા વિરુદ્ધ સાઉદીના રાજવી મહેલમાં નજરકેદ કરી રાખી છે. ૧૫ વર્ષની વયે કિંગ અબ્દુલ્લાહ સાથે પરણેલી અલનાઉદના જણાવ્યા મુજબ પ્રારંભમાં ચારેય પુત્રીઓની જિંદગી કોઈ પરીકથા જેવી હતી. છોકરીઓ માટે આલ્પ્સનાં પર્વતમાં પ્રવાસ ગોઠવાતો અને તેઓ અઢળક શોપિંગ કરતી. ૨૦૦૩માં અલનાઉદે છૂટાછેડા લીધા બાદ અબ્દુલ્લાએ ચારેય પુત્રીઓને મહેલમાં કેદ કરી દીધી હતી. દીકરીઓને મુક્ત જિંદગી મળે એ માટે અલનાઉદે ભરચક કોશિશો કરી હતી પણ એમાં તે સફળ નહોતી થઈ. પોતાના શાસનના વિરોધીઓને જેલભેગા કરી દેવા માટે પણ કિંગ અબ્દુલ્લા જાણીતા હતા. 

આમ તો કિંગ અબ્દુલ્લા ૨૦૦૫માં સત્તાવાર રાજા બન્યા હતા, પણ તેના દસ વર્ષ અગાઉથી જ તેઓ દેશની ધૂરા સંભાળતા આવ્યા હતા કેમ કે, તેમના પુરોગામી રાજા કિંગ ફહદ બીમારીને લીધે ઝાઝું હલનચલન નહોતા કરી શકતા. દુનિયાના સૌથી અમીર મુસ્લિમ ગણાયેલા કિંગ અબ્દુલ્લાની અમીરી અને દરિયાદિલીના કિસ્સા પણ બહુ જાણીતા છે. પોતાની પુત્રીના લગ્નમાં તેમણે સોનાનો ડ્રેસ અને સોનાનું ટોલેટ ભેટપ્યુંતું! અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે અબ્દુલ્લાને સારા સબંધ હતા. આટલા વર્ષો દરમિયાન તેમણે ઓબામા પરિવારને લગભગ ૧ કરોડ ૩૭ લાખ રૂપિયાથી વધુની ભેટસોગાદો આપી હતી, જેમાં સોના-હીરાના ઘરેણાં અને દુર્લભ પુસ્તકોનો સમાવેશ થાય છે. તેઓ ઓબામાના સ્ટાફને પણ કિમતી ઘડિયાળ, બ્રેસલેટ અને પેન જેવી ભેટોપતા
  
સાઉદી અરેબિયામાં રાજાનો દીકરો રાજગાદીનો વારસ નથી બનતો. રાજાના ભાઈ જ એક પછી એક રાજા બનતા રહે છે. આનું કારણ જાણવા જેવું છે. આધુનિક સાઉદી અરેબિયાની સ્થાપના ઈ.. ૧૯૩૨માં ઇબ્ન સાઉદ(સાચુ નામ કિંગ અબ્દુલ્લાઝિઝ)એ કરી હતી. તેમની ૨૨ પત્નીઓ હતી અને ૪૫ દીકરા હતા. દીકરીઓ તો અલગ! માટે અત્યાર સુધી ઇબ્ન સાઉદના દીકરાઓ જ રાજગાદી સંભાળતા રહ્યા છે. કિંગ બનવા માટેનું વેઇટિંગ લિસ્ટ એટલું લાંબું છે કે રાજા બનતા બનતા મોટાભાગના વયોવૃદ્ધ થઈ જાય છે. કિંગ અબ્દુલ્લા પોતે પણ ૮૦ વર્ષે રાજા બન્યા હતા! નવા કિંગ સલમાન પણ ૭૯ વર્ષના છે.

મહિલાઓ પરના અમાનવીય પ્રતિબંધોને લીધે દુનિયાભરમાં બદનામ સાઉદી અરેબિયામાં બિન-મુસ્લિમો માટેય પોતાનો ધર્મ પાળવો આસાન નથી. ધંધાર્થે અહીં વસેલા વિદેશીઓ પૈકી દસ લાખ જેટલા લોકો ખ્રિસ્તી છે, પણ તેમના માટે દેશમાં ક્યાંય ચર્ચ નથી. ઇસ્લામ સિવાયના કોઈપણ ધર્મનું જાહેર પ્રદર્શન અહીં ગંભીર ગુનો બને છે. મુસ્લિમોનું ધર્માંતરણ અને ઇસ્લામ વિરુદ્ધના આચરણની સજા મોત છે. 

ક્રુડ ઓઇલની મબલખ આવક છતાં સાઉદી અરેબિયામાં બેકારીની સમસ્યા છે. દેશની અડધી વસતી ૨૫ વર્ષથી ઓછી વયની છે પણ યુવા પેઢી માટે પૂરતી નોકરીઓ નથી. દેશની સરહદો સંવેદનશીલ છે. તેની ઉત્તરમાં આવેલા સિરિયા અને ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ નામનો રાક્ષસ બેઠો છે અને દક્ષિણમાં આવેલા દેશ યમનમાં અલ-કાયદા નામનું ભૂત ધૂણે છે. વિદેશી આતંકવાદીઓની ઘૂસણખોરી રોજની ઉપાધિ છે, જેને રોકવા સાઉદી અરેબિયા ઈરાક સાથેની સરહદ પર ૯૬૬ કિમી લાંબી દીવાલ બનાવી રહ્યું છે. ઉપરાંત ઘરઆંગણે થતા રહેતા શિયા-સુન્નીના ગજગ્રાહો તો ખરાં જ!

અમેરિકા, ઇંગ્લેન્ડ સહિતના પશ્ચિમી દેશો સાઉદી અરેબિયાને પોખે છે એનું કારણ એ જ છે કે અહીં ખનીજ તેલના અફાટ ભંડારો છે. મિડલ ઇસ્ટના આતંકવાદી સંગઠનોને કાબૂમાં રાખવા પણ મૂડીવાદી દેશોને સાઉદીની ભૂમિની ગરજ છે. લાલો કંઈ લાભ વગર લોટે ખરો?

બોક્સઃ સાઉદી અરેબિયામાં મહિલાઓ પર મૂકાયેલા અમાનવીય પ્રતિબંધો

સાઉદી અરેબિયામાં મહિલાઓ પતિની મંજૂરી વગર બેંક એકાઉન્ટ ખોલાવી શકતી નથી. અપરિણીત મહિલાઓ માટે તો બેંક એકાઉન્ટ ખોલાવવાની જ મનાઈ છે. કટ્ટરપંથીઓ માને છે કે, એકલી મહિલા પાસે રૂપિયા હશે તો તે ગુના કરશે! મહિલા ઘરની બહાર નીકળે તો તેની સાથે એક પુરુષ સંબંધી હોવો ફરજિયાત છે, નહીં તો તેની ધરપકડ કરવામાં આવે છે. કટ્ટરપંથીઓનું માનવું છે કે એકલી ફરનારી મહિલા વ્યભિચારી થઈ જવાની શક્યતા છે! એક ઘટનામાં એક મહિલા પર રેપ થયો તો રેપિસ્ટ કરતા તેને વધુ કોરડા ફટકારવામાં આવ્યા હતા, કેમકે તે એકલી ઘરની બહાર નીકળી હતી. મહિલા ડ્રાઈવિંગ ન કરી શકે એવો કોઈ ઓફિશિયલ કાયદો તો નથી, પરંતુ કટ્ટરપંથી રિવાજ મહિલાઓને ડ્રાઈવિંગ કરતા રોકે છે. ડ્રાઈવ કરનારી મહિલા સામાજિક મૂલ્યોની અવમાન્યા કરે છે, એવી સામાજિક માન્યતા છે. દુનિયામાં સાઉદી અરેબિયા જ એકમાત્ર એવો દેશ છે જ્યાં આજ સુધી મહિલાઓએ મત આપવાનો હક નથી મળ્યો. મહિલાઓના સ્વિમિંગ કરવા પર પણ પ્રતિબંધ છે. એટલું જ નહીં, તે પૂલમાં નહાતા પુરુષો તરફ જોઈ પણ શકતી નથી. મહિલાઓ શોપિંગ દરમિયાન કપડાંની ટ્રાયલ લઈ શકતી નથી, કેમ કે ધર્મ તેમને ઘરની બહાર નિર્વસ્ત્ર થવાની મંજૂરી નથી આપતો. મહિલાઓ અંડરગારમેન્ટ્સની શોપમાં કામ નથી કરી શકતી. મહિલાઓના અંડરગારમેન્ટ્સ બનાવતી ફેક્ટરીઓ અને શોપ્સમાં પુરુષો જ કામ કરે છે. મહિલાઓ અન-સેન્સર્ડ ફેશન મેગેઝિન વાંચી ન શકે, કેમ કે તેમાં છપાયેલી તસવીરો ઈસ્લામની માન્યતાઓ સાથે મેળ ખાતી નથી. પરંતુ પુરુષ તે વાંચી શકે છે. મહિલાઓ બાર્બી ડોલ ખરીદી શકતી નથી. સાઉદી અરેબિયામાં બાર્બીને યહૂદી રમકડું ગણાવીને તેના કપડાંને બિન-ઈસ્લામી જાહેર કરાયાં છે. 

ઉપરોક્ત નિયમનું ઉલ્લંઘન કરનાર મહિલાને જે તે સ્થળે જ દંડિત કરવા વિશેષ પોલીસ દળની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દળમાં લાંબી દાઢીવાળા પુરુષ અને આખા હિજાબમાં મહિલા સુરક્ષાકર્મી હોય છે. ગુનેગાર મહિલાને સ્થળ પર જ કોરડા ફટકારવામાં આવે છે. કોર્ટની કાર્યવાહી તો પછી થાય છે. સાઉદી અરેબિયાની ભણેલી મહિલાઓ હવે આવા અન્યાયી પ્રતિબંધોથી મુક્તિ મેળવવા માટે સરકાર પર દબાણ લાવી રહી છે. નવા કિંગ સલમાન સામે દેશની મહિલાઓને તેમના અપાવવાનો પડકાર રહેશે. મહિલાઓ પર લાદેલા પ્રતિબંધો હળવા કરી રૂઢિચુસ્ત જમાતને નારાજ કરવાનું કિંગ સલમાનને પાલવે એમ નથી. તેમના રાજ પર રૂઢિચુસ્તોની એક અદૃશ્ય લગામ તો રહેશે જ એમ કહી શકાય.

નોંધઃ ૨૮ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.


     

No comments:

Post a Comment