તાજેતરમાં સમાચાર આવ્યા કે નાગાલેન્ડમાં લોકટોળાએ એક કથિત બળાત્કારીને જેલમાંથી બહાર ખેંચી કાઢી તેને બેરહમીપૂર્વક માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
કોઈ વ્યક્તિને આ રીતે જાહેરમાં,
ગેરકાયદે મોતને ઘાટ ઉતારવામાં આવે તેને અંગ્રેજીમાં ‘લિન્ચિંગ’
કહેવાય છે. ભારતમાં આ પ્રકારની ઘટનાઓ ખાસ બનતી નથી એનું કારણ કદાચ આપણી પ્રજાની સહિષ્ણુતા હોઈ શકે પણ પશ્ચિમી દેશોમાં લિન્ચિંગની દુર્ઘટનાઓનો લાંબો ઈતિહાસ છે.
ખાસ કરીને અમેરિકામાં,
જ્યાં સદીઓથી પ્રવર્તમાન રંગભેદી નીતિઓ આજે ૨૧મી સદીમાં પણ છાસવારે પોત પ્રકાશતી રહે છે.
વધુ દૂરના ભૂતકાળમાં જઈએ એ પહેલાં ગત વર્ષે ઘટેલી એક ઘટના પર નજર નાંખીએ.
મિસૂરી રાજ્યના ફર્ગ્યુસન શહેરમાં માઇકલ બ્રાઉન નામનો ૧૮ વર્ષનો એક અશ્વેત યુવાન પોલીસની ગોળી ખાઈને મોતને ભેટ્યો હતો. માઇકલ એક સ્ટોરમાંથી અમુક ચીજો ચોરીને ભાગી રહ્યો હતો ત્યારે ડેરેન વિલ્સન નામનો એક શ્વેત પોલીસ ઓફિસરે તેને સામે મળ્યો હતો. ડેરેનની ગનમાંથી નીકળેલી ગોળીથી માઇકલનું મૃત્યુ થયું. ૯ ઓગસ્ટ,
૨૦૧૪ના રોજ બનેલી આ ઘટનાના અમેરિકામાં અત્યંત આકરા પ્રત્યાઘાત પડ્યા હતા.
ગોરો અફસર રંગભેદમાં માનતો હોવાથી તેણે હથિયારવિહોણા માઇકલને શૂટ કર્યો હતો એવું માનતા અશ્વેત લોકો શેરીઓમાં ઉતરી આવ્યા હતા,
આગચંપી, લૂંટફાંટ અને તોડફોડના બનાવો બન્યા હતા,
સરકાર સામે વિરોધ પ્રદર્શન થયા હતા અને ન્યાયની માગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટે ડેરેનને એમ કહીને નિર્દોષ જાહેર કર્યો કે, ડેરેને ફક્ત પોતાની ફરજ અદા કરી હતી; માઇકલે ચોરી કર્યા બાદ પોલીસ સામે શરણાગતિ સ્વીકારવાને બદલે પ્રતિકાર કર્યો હતો માટે ડેરેને ગોળી ચલાવવી પડી હતી.
બહુ ગાજેલા આ વિવાદ બાદ અમેરિકા ફરી એકવાર રંગભેદના મુદ્દાએ માથું ઊંચક્યું છે.
એન્થની પિચ નામના એક ઈતિહાસવિદ અને લેખક અમેરિકાના
‘લીન્ચિંગ ઈતિહાસ’
વિશે એક પુસ્તક લખી રહ્યા છે, જે અન્વયે ભૂતકાળમાં બનેલા એક બનાવ અંગેની માહિતી મેળવવા તેમણે અમેરિકન સરકારને એક RTI (રાઇટ ટુ ઇન્ફોર્મેશન) અરજી કરી હતી.
અરજીમાં તેમણે જે કેસ સંબંધિત ડોક્યુમેન્ટ્સની માગણી કરી હતી તે હતો કુખ્યાત ‘૧૯૪૬ જ્યોર્જિયા લીન્ચિંગ કેસ’.
સરકારી ખાતા તરફથી એન્થની પિચને જણાવવામાં આવ્યું કે કેસ બહુ જૂનો હોવાથી તેને લગતા તમામ ડોક્યુમેન્ટ્સ વર્ષો અગાઉ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.
લેખકને આ વાત ગળે ના ઉતરતા તેમણે જાહેરમાં આ બાબતે અસંતોષ વ્યક્ત કર્યો અને વાત છાપરે ચઢી.
અમેરિકન ઈતિહાસમાં ખૂબ સંવેદનશીલ ગણાયેલો
‘૧૯૪૬ જ્યોર્જિયા લીન્ચિંગ કેસ’ શું છે એ જાણીએ.
૧૯૪૬માં વિશ્વયુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું અને અમેરિકા ઠરીઠામ થઈ રહ્યું હતું.
જ્યોર્જિયા રાજ્યના વૉટ્સન કાઉન્ટી ખાતે રહેતા લોય હેરિસન નામનો એક ખેડૂત રહેતો હતો. ખેતરોની દેખરેખ માટે તેણે જ્યોર્જ ડોર્સી અને રોજર મેલ્કમ નામના બે અશ્વેત પુરુષોને નોકરીએ રાખ્યા હતા.
જ્યોર્જ તો અમેરિકા વતી વિશ્વયુદ્ધમાં લડી ચૂક્યો હતો. તેની પત્ની મે ગર્ભવતી હતી.
૧૧ જુલાઈના રોજ બાર્નેટ હેસ્ટર નામના શ્વેત પુરુષ પર ચાકૂ વડે જીવલેણ હુમલો કરવાના આરોપસર રોજર મેલ્કમની ધરપકડ કરવામાં આવી.
રોજરે પોતાને નિર્દોષ ગણાવ્યો, છતાં તેણે મુન્રો ખાતે આવેલી જેલમાં જવું પડ્યું.
૨૫ જુલાઈના દીવસે હેરિસન જેલ ગયો અને રોજરના જામીન આપી તેને છોડાવી લાવ્યો.
તેઓ હેરિસનની કારમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની સાથે રોજરની પત્ની ડોરોથી અને ડોર્સી દંપતિ પણ હતું.
મુન્રોથી વૉટ્કિન્સ્વિલે જતા રસ્તામાં એક પુલ આવ્યો. કાર પુલ વચ્ચે પહોંચી ત્યાં જ પુલની બંને તરફથી લોકોના ટોળા ધસી આવ્યા. તમામ લોકો શ્વેત હતા.
તેમની પાસે હથિયાર હતા. તેમણે રોજર અને જ્યોર્જને કારમાંથી ખેંચી કાઢ્યા. તેમની પત્નીઓએ વિરોધ કરતા તેમણે પણ ધીબેડી નાંખી.
બંને અશ્વેત દંપતિને નજીકમાં ઊભેલા ઓકના વૃક્ષ તરફ ઘસડી જવામાં આવ્યા.
ચારેયને વૃક્ષના થડ સાથે બાંધી લેવામાં આવ્યા.
ઉશ્કેરાયેલા ટોળાએ તેમને બર્બરતાથી ફટકાર્યા અને ત્યારબાદ ગોળીઓની રમઝટ ચલાવી.
એક, બે નહીં પણ પૂરી ૬૦ ગોળી વરસાવી તેમણે એ ચારેયના શરીર ચારણી કરી દીધા.
છેલ્લે એક વિકૃત માણસે તો જ્યોર્જની ગર્ભવતી પત્ની મે-નું પેટ ચીરી સાત મહિનાનો ગર્ભ બહાર ખેંચી કાંઢ્યો! એક શ્વેત પુરુષ પર એક અશ્વેત પુરુષ દ્વારા કરવામાં આવેલા કહેવાતા હુમલાનો એ જવાબ હતો. કોર્ટે રોજરને ગુનેગાર ઠરાવ્યો પણ નહોતો અને તેમને સજા-એ-મોત મળી ગઈ.
આખા અમેરિકામાં આ હત્યાકાંડથી દેકારો મચી ગયો. પ્રમુખ હેરી ટ્રુમેને જાતે દરમિયાનગીરી કરી લીન્ચિંગની ઘટનામાં સંડોવાયેલાઓને સજા મળે એવી તપાસ કરાવડાવી,
પણ બધું ફોગટ નીવડ્યું. છ મહિનાની તપાસ દરમિયાન ૩૦૦૦ લોકોની પૂછપરછ કરવામાં આવી,
પણ અમેરિકન કાયદો કોઈને કસૂરવાર ન ઠેરવી શક્યો કેમકે,
વૉટ્સન કાઉન્ટીના તમામ રહેવાસીઓના મોંમાં એક જ જવાબ હતો,
‘આઇ ડોન્ટ નો!’
હું જાણતો નથી!
સાચી માહિતી આપવા બદલ દસ હજાર ડોલર્સના સરકારી ઈનામની જાહેરાત છતાં કોઈ કંઈ બોલવા જ તૈયાર ન થયું. જાણે કે આખો સમાજ એકસંપ થઈ ગયો હતો.
અશ્વેતોના પક્ષમાં કોણ જુબાન આપે? સબૂતોને અભાવે કેસ બંધ કરી દેવામાં આવ્યો. અસલી ગુનેગારો કદી પકડમાં ન આવ્યા.
અમેરિકાની તો સ્થાપના જ સામૂહિક હત્યાકાંડોના સિલસિલા બાર થઈ હતી.
મૂળ યુરોપિયન પ્રજા મરીમસાલાથી ભરપૂર ભારતને શોધવા આડે રસ્તે ગઈ અને
‘નવી દુનિયા’ ગણાયેલો વિશાળ અમેરિકા ખંડ મળી આવ્યો હતો.
વાત ૧૪૯૨ની છે જ્યારે અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન્સ કહેવાતા આદિવાસીઓ હતા. ધોળિયા પરદેશીઓએ એવી તો કત્લેઆમ ચલાવી કે અંદાજે ૧ કરોડથી વધુની વસતી ધરાવતા રેડ ઇન્ડિયન્સની સંખ્યા ૧૯મી સદી સુધીમાં અમુક હજાર સુધી પહોંચી ગઈ હતી. આમ, જઘન્ય હત્યાકાંડો અમેરિકા માટે કોઈ નવીનવાઈની વાત નથી.
રંગભેદને આધારે આચરાયેલા લીન્ચિંગ પ્રસંગો જોઈએ તો અમેરિકન ગૃહ યુદ્ધ બાદ ૧૮૭૭થી લઈને ૧૯૫૦ સુધીમાં ૩૯૫૯ અશ્વેતોની હત્યા કરાઈ હતી એવું સરકારી ચોપડા બોલે છે. સાચો આંકડો તો એના કરતા ક્યાંય વધુ મોટો હશે એમાં શંકાને સ્થાન નથી, કેમકે જનતાને ખોટા આંકડા પીરસવા એ એકલી ભારત સરકારનો ઈજારો નથી જ.
અહીં જે આંકડો આપ્યો છે એ ફક્ત દક્ષિણના ૧૨ રાજ્યો(અલાબામા, અરકાન્સાસ,
ફ્લોરિડા, જ્યોર્જિયા, કેન્ટુકી,
લ્યુસિયાના, મિસિસિપ્પી, ઉત્તર કેરોલિના, દક્ષિણ કેરોલિના, ટેનેસી,
ટેક્સાસ અને વર્જિનિયા)માં નોંધાયેલી હત્યાઓનો છે. અશ્વેતો વિરુદ્ધ એવી તો સામાજિક નફરત પ્રવર્તતી હતી કે તેમણે જીવ બચાવવા ઉત્તરના રાજ્યો તરફ ઉચાળા ભરી જવું પડતું.
‘૧૯૪૬ જ્યોર્જિયા લીન્ચિંગ’ કરતાંય વધુ ક્રૂર લીન્ચિંગ ઘટનાઓ અમેરિકામાં ઘટી છે. જાહેરમાં શૂળીએ ચડાવી દેતા પહેલા અશ્વેતોને ઢોર માર મારવામાં આવતો.
નાક, કાન ઉપરાંત જનનાંગો છેદી નાખવા, નગ્ન શરીર પર ધગધગતો ડામર ચોપડવો અને જીવતા સળગાવી મૂકવા જેવી અત્યંત ઘાતકી અને જુગુપ્સાપ્રેરક ઉત્પીડન રીતો અજમાવવામાં આવતી. આશ્ચર્ય એ વાતનું કે લીન્ચિંગના આવા પ્રસંગો મહિલાઓ અને બાળકોની હાજરીમાં યોજવામાં આવતા જેથી નવી પેઢીમાં પણ અશ્વેતો વિરુદ્ધની નફરત ફાલતીફૂલતી રહે.
અમેરિકામાં લીન્ચિંગ શ્વેત પ્રજા માટે સદીઓ સુધી મનોરંજનનું માધ્યમ મનાતું હતું. કોઈ અશ્વેત પુરુષ આકસ્મિક રીતે કોઈ શ્વેત સ્ત્રીને અડી જાય તો પણ તે લીન્ચિંગનો ભોગ બનતો.
૧૯૧૬માં ટ્રેન પકડવા માટે દોડી રહેલો જેફ બ્રાઉન અજાણતામાં એક ગોરી યુવતી સાથે અથડાવાના ‘ગુના’સર મોતને ભેટ્યો હતો. શ્વેત પુરુષને
‘મિસ્ટર’નું માનવાચક સંબોધન ન કરવા બદલ પણ અશ્વેતો લીન્ચિંગનો શિકાર બન્યો હોવાના કિસ્સા નોંધાયેલા છે! આવા ‘અક્ષમ્ય’
ગુના બદલ ૧૯૪૦માં લીન્ચિંગની ભેટ મેળવનાર કમભાગી હતો અલાબામાનો વતની જેસી થોર્નટન.
ગયા વર્ષે થયેલી માઇકલ બ્રાઉનની હત્યા અને તાજેતરમાં એન્થની પિચના પુસ્તકથી અમેરિકામાં રંગભેદનો સાપ ફરીથી સળવળી રહ્યો છે.
અમેરિકાના ઈતિહાસમાંથી લીન્ચિંગની ઘટનાઓને ઈરાદાપૂર્વક કોરાણે મૂકી દેવામાં આવી છે.
ગૃહ યુદ્ધમાં શહીદ થયેલા અમેરિકનોના સ્ટેચ્યુ દક્ષિણના રાજ્યોમાં ઠેર ઠેર જોવા મળે છે,
પણ લીન્ચિંગ અને અશ્વેતોની ગુલામીના દીર્ઘકાળના સાક્ષી બનેલા એ જ રાજ્યોમાં મૃત્યુ પામેલા અશ્વેતોને શ્રદ્ધાંજલિ આપતું એક પણ મોન્યુમેન્ટ નથી. અમેરિકાના ઈતિહાસમાં એ ઘટનાઓને પણ સામેલ કરવામાં આવે એ માટે હવે લીન્ચિંગ મેમોરિયલ અને સ્લેવ માર્કેટ મેમોરિયલ બનાવવાની માગ ઊઠી રહી છે.
જે તે રાજ્યની સરકાર આ બાબતે ઉત્સાહિ નથી, અને ના હોય એ સ્વાભાવિક પણ છે. જુઓ, દુનિયાવાલો,
આ સ્થળે અમે આટલા અશ્વેતોની નિર્મમ હત્યા કરી હતી…
એવું કહેવામાં ગોરાઓને શરમ તો આવેને?
‘૧૯૪૬ જ્યોર્જિયા લીન્ચિંગ’ સમયે ૯-૧૦ વર્ષના હતા એ બાળકો પણ હવે ૮૦ વર્ષની આસપાસના છે. એમાંના ઘણાની પૂછપરછ થઈ રહી છે પણ સૌનો જવાબ એ જ છે જે ૧૯૪૬માં હતો. આઇ ડોન્ટ નો! વૉટ્સન કાઉન્ટીના લોકો તો એ કેસની પુનઃતપાસ આદરવા માટે અમેરિકન સરકારની ટીકા કરી રહી છે. ગુનો આચરનાર પૈકી કોઈ હવે જીવતું હોય એની શક્યતા બહુ પાંખી છે,
તેમ છતાં આ કેસમાં મોડેમોડે પણ કોઈ ન્યાય તોળાશે તો અશ્વેતોને આશ્વાસન મળી રહેશે.
નોંધઃ ૧૧ માર્ચ
૨૦૧૫ના રોજ આ લેખ 'ગુજરાત
ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક
ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.
No comments:
Post a Comment