રૂપિયા ૧૫૦૦ કરોડમાં બનેલી આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અધધધ કહી શકાય એવી ૧૫૦૦ નંગ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિનેમાના ઈતિહાસમાં આ એક રેકોર્ડ છે
દૂઝણી ગાય કહો કે સોનાના ઈંડા આપતી મરઘી, હોલિવુડની અમુક ફિલ્મ ફ્રેન્ચાઇઝી તેના નિર્માતાઓને માલામાલ કરી દેતી હોય છે. ધમાકેદાર એક્શન ફિલ્મો લઈને આવતી ‘ધ ફાસ્ટ એન્ડ ધ ફ્યુરિયસ’ આવી જ એક ફેન્ચાઇઝી છે. અગાઉ રજૂ થયેલા તમામ ૬ ભાગોએ દુનિયાભરમાં સફળતાના વાવટા લહેરાવ્યા છે અને સિરીઝની સાતમી ફિલ્મ ‘ફ્યુરિયસ ૭’ આજ રોજ અમેરિકા સાથે ભારતમાંય રિલીઝ થવા જઈ રહી છે.
‘ફ્યુરિયસ ૭’ની કહાની ૨૦૦૬માં આવેલી ‘ધ ફાસ્ટ એન્ડ ધ ફ્યુરિયસઃ ટોકિયો ડ્રિફ્ટ’થી આગળ વધે છે. (વચ્ચેના વર્ષોમાં રજૂ થયેલી ત્રણ ફિલ્મો ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’(૨૦૦૯),
ફાસ્ટ ફાઇવ(૨૦૧૧)
અને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ૬(૨૦૧૩)ની કથા સ્વતંત્ર હતી. એમને પ્રિક્વલ્સ સાથે કોઈ લેવાદેવા નહોતી.) ટોકિયોમાં ઓવેન શૉ(લ્યુક ઇવાન્સ) અને તેની ગુંડા ગેંગનો ખાત્મો બોલાવી ડોમિનિક ટોરેટો(વિન ડીઝલ) અને બ્રાયન
ઓ’કોનર(પોલ વોકર) તેમના સાથીઓ સાથે અમેરિકા પાછા ફરે છે. પોલીસથી બચવા તમામ સભ્યો અલગઅલગ શહેરમાં વિખેરાઈ જાય છે, પણ તેમને ખબર નથી કે ઓવેનના મોતનો બદલો લેવા માટે તેનો મોટો ભાઈ ડેકાર્ડ શૉ(જેસન સ્ટેધામ) મેદાને પડ્યો છે અને તેમના પર બાજ નજર રાખીને બેઠો છે. ડોમિનિકના એક સાથી હાન(સુંગ કાંગ)ની હત્યા કરી ડેકાર્ડ તેના અન્ય સાથીઓમાં ગભરાટ ફેલાવી દે છે. ડોમિનિકના ઘરમાં પ્રચંડ બૉમ્બ ધડાકો કરી ડેકાર્ડ તેના ઘરના ફૂરચાં ઉડાવી દે છે. તે વધુ હત્યાઓ કરે અને વધુ નુકસાન કરે એ પહેલાં એને ઝબ્બે કરવા ડોમિનિક એન્ડ ગેંગ ફરીથી એકત્ર થાય છે અને ડેકાર્ડ નામના શિકારીનો શિકાર કરવાની પેરવી ઘડે છે. એ પછી શરૂ થાય છે ફ્રેન્ચાઇઝીના ટ્રેડમાર્ક સમાન મારફાડ એક્શન સિક્વન્સીસ, ધડાધડી બોલાવતી ગન્સ, શ્વાસ થંભાવી
દેતા સ્ટંટ્સ અને રુંવાટા ઊભા કરી દેતા કારચેઝના દૃશ્યો.
‘ફ્યુરિયસ ૭’ અગાઉ જૂન, ૨૦૧૪માં રજૂ થવાની હતી પણ ૩૦ નવેમ્બર, ૨૦૧૩ના રોજ અભિનેતા પોલ વોકરના થયેલા આકસ્મિક મૃત્યુથી ફિલ્મનું નિર્માણ ખોરંભે ચડ્યું હતું. પોલનું મત્યુ થયું ત્યારે ફિલ્મનું ઘણું શૂટિંગ બાકી હતું. પહેલાં તો પોલના પાત્રને ફિલ્મમાં અકસ્માતે મૃત્યુ પામતું બતાવવાનું વિચારાયું હતું. જોકે,
પછી તેની ભૂમિકાને જીવંત રાખી એનું બાકીનું શૂટિંગ પોલના ભાઈઓ કોડી વોકર અને સેલેબ વોકરને લઈને પૂરું કરવામાં આવ્યું હતું. આ ટ્રિક કેટલી હદે કામયાબ રહી હશે એ તો ફિલ્મ જોયે જ ખબર પડશે.
દિગ્દર્શક જેમ્સ વાન ચીની અને મલેશિયન મૂળના છે. હોરર ફિલ્મો
બનાવવામાં માસ્ટરી ધરાવતા
જેમ્સની તમામ ફિલ્મોએ બોક્સઑફિસ ગજવી છે. સૉ,
ડેડ સાયલન્સ, ઇન્સિડ્યુઅસ(ભાગ ૧ અને ૨), ધ કન્જ્યુરિંગ જેવી હાંજા ગગડાવી દેતી હોરર ફિલ્મો તેમણે બનાવી છે. ‘ફ્યુરિયસ ૭’ જેવી એક્શન ફિલ્મ બનાવવાનો આ તેમનો પહેલો અનુભવ છે.
‘ફ્યુરિયસ ૭’માં સિરીઝની અગાઉની ફિલ્મોમાં જોવા મળેલા કલાકારો ઉપરાંત અમુક નવા એક્ટર્સનો શંભુમેળો જામ્યો છે, જેમાં વિન ડીઝલ, પોલ વોકર, ડ્વેઇન જ્હોનસન ‘ધ રોક’, મિશેલ રોડ્રિગ્સ, જેસન સ્ટેધામ, કર્ટ રસેલ અને જિમોન હોન્સુ મુખ્ય છે. ફિલ્મમાં કર્ટ રસેલે જે રોલ કર્યો છે એ રોલ પહેલાં ઓસ્કાર વિજેતા અભિનેતા ડેન્ઝલ વૉશિંગ્ટનને ઓફર કરવામાં આવ્યો હતો, પણ રોલ બહુ ટૂંકો હોવાથી ડેન્ઝલે રસ નહોતો બતાવ્યો.
નિર્માતાઓ ફિલ્મમાં મેગનના
પાત્ર માટે બોલિવુડની કોઈ અભિનેત્રીને લેવા ઈચ્છતા હતા. સોનમ કપૂર, કંગના રનૌત અને ચિત્રાંગદા સિંઘના નામ વિચારણા હેઠળ હતા, પણ પછી એ રોલ માટે દીપિકા પાદુકોણેનું નામ ફાઇનલ થયું હતું. દીપિકા પણ એ રોલ કરવા બાબતે ઉત્સાહિત હતી પણ ફિલ્મના શૂટિંગ માટે જે તારીખો તેણે આપવી પડે એ તારીખો તેણે ફરાહ ખાનની ફિલ્મ ‘હેપી ન્યુ યર’ માટે ફાળવી દીધી હોવાથી તે ‘ફ્યુરિયસ ૭’ સ્વીકારી નહોતી શકી. પછી મેગનના
રોલ માટે બ્રિટિશ અભિનેત્રી નતાલી ઇમેન્યુઅલને સાઇન કરવામાં આવી હતી.
દીપિકા કે અન્ય કોઈ ભારતીય અભિનેત્રી તો ‘ફ્યુરિયસ ૭’નો ભાગ નથી બની શકી, પણ ભારતનો
એક ઓછો જાણીતો કલાકાર આ ફિલ્મમાં ચોક્કસ જોવા મળશે. ‘બોબી જાસૂસ’માં વિદ્યા બાલનની સામે ચમકેલો અભિનેતા અલી ફઝલ ‘ફ્યુરિયસ ૭’માં દેખાશે. એ વાત અલગ છે કે એનો રોલ ફક્ત ૩ સીન લાંબો(કે ટૂંકો!) છે. ફિલ્મમાં તેણે કાર રેસિંગના શોખીન આરબ યુવાનની ભૂમિકા ભજવી છે.
આમ પણ ‘ફાસ્ટ એન્ડ ધ ફ્યુરિયસ’ સિરીઝની ફિલ્મોને દુનિયાભરમાં ખૂબ પસંદ કરવામાં આવી છે. કમાણી પણ એટલી કે સિરીઝની છઠ્ઠી ફિલ્મ રજૂ થાય અને બોક્સઑફિસ રિઝલ્ટ આવે એ પહેલાં જ સાતમા ભાગની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. એમાંય પોલ વોકરના મૃત્યુને લીધે ‘ફ્યુરિયસ ૭’ ફિલ્મે તો બેહદ ઈંતેજારી ઊભી કરી છે. ફિલ્મ તો સારી હશે જ પણ પોલની છેલ્લી ફિલ્મ હોવાથી વિશ્વભરમાં તેના ચાહકો બૉક્સઓફિસ છલકાવી દેશે એમ ચોક્કસપણે કહી શકાય. બૉક્સઑફિસ છલકે એ જરૂરી પણ છે કેમકે, ‘ફ્યુરિયસ ૭’ આ સિરીઝની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. ફિલ્મનું બજેટ ૨૫૦ મિલિયન યુએસ ડોલર્સ(લગભગ ૧૫૦૦ કરોડ રૂપિયા!) છે.
ફિલ્મના શૂટિંગ દરમિયાન અધધધ કહી શકાય એવી ૧૫૦૦(જી,
હાં, પૂરી પંદરસો!) નંગ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિનેમાના ઈતિહાસમાં કોઈપણ ફિલ્મમાં આટલી બધી કાર નથી વપરાઈ. તો ડોમિનિક એન્ડ કું. સાથે એક થ્રિલિંગ જોય રાઇડ પર જવા માટે તૈયાર થઈ જાવ…
નોંધઃ ૩ એપ્રિલ ૨૦૧૫ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ફિલ્મ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો
છે
No comments:
Post a Comment