ફિલ્મ રિવ્યૂઃ ‘મોમ’
શ્રીદેવી કેમ સુપરસ્ટાર હતી
એની વધુ એક સાબિતી…
રિવ્યૂ બાયઃ મયૂર
પટેલ (આ પોસ્ટ ફક્ત
ફિલ્મ રિવ્યૂ નથી. શ્રી-અદ્ભુત-દેવીને અપાયેલી
આદરાંજલિ છે. ધીરજપૂર્વક વાંચજો,
બહુ માહિતીપ્રદ છે આ શ્રીદેવી-પુરાણ. ફક્ત ફિલ્મનો
રિવ્યૂ જ વાંચવો હોય
તો કૂદકો મારો છેલ્લા
૪ પેરેગ્રાફ પર)
શ્રીદેવી. લાઇફનો પહેલો ક્રશ.
પહેલા પહેલા પ્યાર. કોઈપણ
પ્રકારના લૈંગિક આકર્ષણ વિનાનો
શુદ્ધ-સાત્વિક-દૈવી પ્રેમ. શ્રીદેવીનો
ઉદય એટલે ૧૯૮૦ના દાયકાનો
મધ્ય ભાગ. હું ત્યારે
ટાબરિયો. સ્કૂલના શરૂઆતના વર્ષો. દૂરદર્શની માયામાં
ભારત ઓલરેડી લપેટાયેલું હતું
એવામાં વીડિયો કેસેટનું વાવાઝોડું
ફૂંકાયું અને સિનેમા હોલ
ખાલી જવા લાગેલા એ
વર્ષો. મારાથી ૨૦ વર્ષ
મોટા કઝિને શરૂ કરેલી
વીડિયો લાયબ્રેરી વલસાડમાં ધમધોકાર ચાલવા માંડેલી એમાં
અમારા ૨૨-૨૫ જણાના
સંયુક્ત કુટુંબને જલસો પડી ગયેલો.
બપોરે સ્કૂલથી ઘરે પાછો ફરું
ત્યારે કોઈ ને કોઈ
ફિલ્મ ચાલતી જ હોય
એટલે દફતર પડતું મૂકીને
સીધ્ધા ટીવી-વીસીઆરની સામે
ખાબકવાનું. બચ્ચનબાબુની ફિલ્મો ડચકાં ખાવા
લાગી એ પછી એક્શનને
નામે જે એકથી એક
ચઢિયાતી વાહિયાત ફિલ્મો ૫-૭
વર્ષોમાં બનેલી એ જ
અરસામાં બોલિવુડ સાથે મારો પરિચય
કેળવાયો.(મારા વાર્તા-લેખનમાં
ક્લિયર વિઝ્યુઅલની સચોટતા આવી તે
આ ફિલ્મો જોવાના ગાંડા
શોખને લીધે.) આજની પેઢી
કદાચ નહીં માને પણ
એ સમયે ફિલ્મના રિવ્યૂ
આપનારને પૂછવામાં આવતું, ‘ફિલ્મમાં કેટલી ફાઇટ છે?’
કે પછી ‘કેટલા ગાઇન
છે?’ બોલો..! ફિલ્મ નામની કળા
બોલિવુડમાં એટલી પછાત અવસ્થામાં
આવી ગયેલી કે કોઈ
ફિલ્મની લાયકાતનો ક્રાઇટેરિયા આવા તુચ્છ સવાલો
થઈ ગયેલા. વિકૃત દિમાગના
પુરુષો તો દાઢમાં એમેય
પૂછી લેતાં કે, ‘રેપ
સીન છે કે નીં?’
અને એમની ઈચ્છાપૂર્તિ માટે
બોલિવુડે રણજિતો ને શક્તિ
કપૂરો ને રઝા મુરાદો
ને ગુલશન ગ્રોવરોને પૂરી
અનુકૂળતા કરી આપી હતી.
સતત માથે મરાતી
ડી-ગ્રેડ ફિલ્મોના એ
જમાનામાં ચેન્નઈથી ઊડીને આવી એક
પરી- શ્રીદેવી. આહાહા… શું એનું
રૂપ ને શું એનું
વ્યક્તિત્વ..! ‘હિમ્મતવાલા’માં જમ્પિંગ જેક
જીતુભાઈ સાથે એણે એવા
તો ઠુમકા લગાવ્યા કે
લોકો ફિદા-ફિદા થઈ
ગયા. સિનેપ્રેમીઓ માની જ નહોતા
શકતા કે આ એ
જ શ્રીદેવી જે મોટા-ભદ્દા
નાક સાથે થોડા વર્ષો
અગાઉ ‘જુલી’માં હિરોઇનની
નાની બહેન તરીકે દેખાયેલી.
શ્રીદેવીનું ધાંયધાંય રૂપ જોયા પછી
મારા બાળમાનસમાં સજ્જડ છપાઈ ગયેલું
કે ખૂબસૂરતી કોને કહેવાય અને
સ્ત્રી કેવી હોવી જોઈએ..!
શ્રીદેવી સાથે જ એન્ટ્રી
મારેલી સાઉથની બીજી બ્યૂટી
જયા પ્રદાએ. બંને વચ્ચેની દુશ્મનાવટ
એક આખું પ્રકરણ રચી
શકાય એટલી ગહેરી હતી(એવું જ શ્રી-માધુરીનું). રાજેશ ખન્ના અને
જીતેન્દ્ર સાથે કુલા મટકાવી-મટકાવી નાચવાની સ્પર્ધામાં
બંને લગોલગ રહી પણ
નંબર વન બનવાનું સૌભાગ્ય
તો એક ને જ
મળે ને. રેખાનો સૂર્ય
આમેય અસ્તાચળે હતો. બોલિવુડ ફિમેલ
સુપરસ્ટારના ઉદયની રાહ જોતું
ટાંપીને બેઠું હતું. જનતાએ
દેવી-જયા બંનેને તક
આપી, પણ કટ્ટર હરિફાઈને
અંતે બાજી મારી ગઈ
શ્રી. ૧૯૮૬માં આવેલી સુપરહિટ ‘નગીના’માં એણે ઈચ્છાધારી
નાગણનું રૂપ એવું તો
ધર્યું કે ‘નાગિન’ની
નાગણ રીના રોય પણ
ઝાંખી પડી જાય. ૧૯૮૭ની
‘મિસ્ટર ઇન્ડિયા’એ આ હવાહવાઈને
આસમાનની બુલંદીઓ પર બેસાડી દીધી.
૧૯૮૯ની ‘ચાંદની’ અને ‘ચાલબાઝ’ની
સુપરડુપર સક્સેસનો શ્રેય પણ શ્રી
જ લઈ ગઈ.
માનવામાં ન આવે એવી
એક હકીકત એ છે
કે એ જમાનામાં ફિલ્મ
દીઠ ૫૦ લાખ ચાર્જ
કરતી શ્રીદેવીનો દબદબો એવો હતો
કે પ્રોડ્યુસરે તેને પ્રતિદિન ૩૦૦૦
રૂપિયા ‘ફૂડ એન્ટ ફ્યુલ
ચાર્જ’ પેટે અલગથી આપવા
પડતા. આવી સાહ્યબી તો
ભઈ બચ્ચનસા’બનેય નસીબ નહોતી
થઈ. ‘શ્રીદેવી એટલે સુપરહિટ’નું
ગણિત એટલું સજ્જડ બની
ગયું હતું કે પ્રોડ્યુસર
શ્રીને રાજી રાખવા નાણાંની
કોથળી ખુશીખુશી ખોલી આપતાં. એ
જમાનામાં મારા બાપાની માસિક
આવક રોકડા ૨૦૦૦ રૂપિયા
હતા. એટલામાં ઘર હો ચાલી
જતું ને બચત હો
થતી. એટલે વિચારી જોજો
કે શ્રીના ડેઇલી ૩૦૦૦
રૂપરડીનો એક્સ્ટ્રા ચાર્જ (કે વગર
બંદૂકની ઊઘરાણી!) સસ્તાઈના એ જમાનામાં કેટલો
મોટો ગણાય!
ક્વિન ઓફ બોલિવુડનો
દરજ્જો મળ્યા બાદ શ્રી
એટલી સાવધ થઈ ગઈ
કે ફિલ્મની કહાની એની ઈર્દગિર્દ
ઘૂમતી હોય તો જ
ફિલ્મ સ્વીકારે. એનો સૌથી મોટો
લોસ સિનેપ્રેમીઓને એ થયો કે
બચ્ચનસા’બ સાથેને ફિલ્મોય
એ સતત નકારતી રહી.
કરિયરની શરૂઆતમાં તેણે બીગ બી
સાથે ‘ઇન્સાનિયત’ અને ‘આખરી રાસ્તા’
કરેલી પણ પછીની તમામ
ઓફરને ‘ઇલ્લે’ કરી દેતી
કેમ કે બીગ બી
હોય પછી હિરોઈનને ફાળે
શોભાની પૂતળી બનવા સિવાય
કંઈ જ કરવાનું ન
આવે. શ્રીએ રિજેક્ટ કરેલી
ફિલ્મો પછી પ્રદાઓ, શેષાદ્રીઓ
અને અમૃતા સિંઘોને ફાળે
જતી, ને એ બધીઓને
મળતી સ્ક્રીનસ્પેસ જોઈને શ્રીના રિજેક્શન
બદલ માન થતું. બચ્ચનબાબુ
ખુદ શ્રી સાથે કામ
કરવા ઈચ્છતા હોવા છતાં
આ દેવી એમના પર
પ્રસન્ન નહોતાં થતાં. અને
એનો લાભ બીજા મેલ
એક્ટર્સને થતો. શ્રીદેવીની ફિલ્મો
બોક્સ ઓફિસ પર હિટ
થવાની શક્યતાઓ એટલી ઊજળી રહેતી
કે એ જમાનાના સ્ટાર
અભિનેતાઓ પણ શ્રીની સામે
ઝાંખા પડે એવા રોલ્સ
કરવા તૈયાર થઈ જતાં,
પછી એ જેકી શ્રોફ
હોય, અનિલ કપૂર હોય,
સની દેઓલ, મિથુન કે
ઈવન રજની ‘સર’ હોય.
શ્રી સ્ક્રીન પર ભલભલાને ‘ખાઈ’
જતી. પર્સનાલિટી જ એટલી દમદાર
કે રીતરસ છવાઈ જતી.
‘લમ્હેં’, ‘ગુમરાહ’, ‘લાડલા’, ‘જુદાઈ’… તેના ખાતામાં બોલતી
અગણિત ફિલ્મોનો અસલી ‘હિરો’ શ્રી
જ હતી. અહીં નોંધ
કરી એ તો એની
બહુ જાણીતી ફિલ્મો. બાકી
તેની ફ્લોપ ગયેલી કે
ઓછી ચાલેલી (‘સદમા’, ‘જાગ ઊઠા ઇન્સાન’,
‘આર્મી’) ફિલ્મોમાંય કેન્દ્રસ્થાને તો હંમેશાં એ
જ રહેતી. આને કહેવાય
સ્ટાર પાવર..! એનો દબદબો કહો
તો દબદબો અને એકહથ્થુ
શાસન કહો તો એકહથ્થુ
શાસન, પણ એ નિર્વિવાદ
હકીકત છે કે શ્રીની
પહેલા કે પછી એવી
કોઈ અભિનેત્રી બોલિવુડમાં નથી આવી જેને
મેઇન લીડમાં રાખીને આટાઆટલી
ફિલ્મો બની હોય. (બચ્ચનસા’બ સાથે શ્રીએ
મોડે મોડે ૧૯૯૩માં ‘ખુદા
ગવાહ’ કરેલી, પણ એય
પોતાની શરતે. શરૂઆતમાં વાર્તામાં
તેના માટે ફક્ત બીગ
બીની પત્નીનો રોલ હતો પણ
શ્રીની ડિમાન્ડ પર એને ડબલ
રોલ ફાળવાયો અને શ્રીની દીકરી
પણ શ્રી જ બની.)
બીજું, અભિનયની જે
રેન્જ શ્રીએ બતાવી, જે
વૈવિધ્યપૂર્ણ રોલ્સ એણે ભજવી
બતાવ્યા એ પણ અભૂતપૂર્વ
ગણાય. દુનિયાના કોઈપણ ખૂણે, કોઈપણ
લેવલે અભિનય કરનાર વ્યક્તિ
એક બ્રહ્મોક્તિ સાથે સંમત થશે
કે, ‘અભિનયમાં કોમેડી જેવું અઘરું
કામ બીજું એકેય નથી.(કોમેડી ઇઝ અ
સિરિયસ બિઝનેસ).’ અને શ્રી આ
સિરિયસ બિઝનેસમાં ‘એક્કી’ હતી. ‘ગુરુદેવ’
જેવા એના ઓછા જાણીતા
કોમિક પરફોર્મન્સ બાજુ પર મૂકો
અને ફક્ત ‘મિસ્ટર ઇન્ડિયા’
અને ‘ચાલબાઝ’ને યાદ
કરો તોય એક જુઓ
ને એક ભૂલો એવા
કોમેડી સીન્સની ધમાચકડી બોલાવી હતી એણે.
‘ચાલબાઝ’ના ‘કિસીકે હાથ
ના આયેગી યે લડકી…’
જેવા સોંગમાં તો એનો ડાન્સ
પણ કોમિક હતો. ડાન્સમાંય
કોમેડી કરવી એ તો
લેજેન્ડનું જ કામ. (હું
ખુદ એકથી વધુ ‘શેરી
નાટક’ કરી ચૂક્યો છું
અને એકથી વધુ વાર
કોમેડી કેરેક્ટર્સ ભજવ્યા છે, એટલે
ખબર તો મનેય પડે
કે દર્શકને હસાવવા કેટલા મુશ્કેલ
છે.) શ્રીની કોમિક ટાઇમિંગ
અત્યંત પરફેક્ટ હતી. (બીજે નંબરે
જુહી ચાવલા આવે. અને
એ બેથી સારી કોમેડી
કોઈ કરતાં કોઈ અભિનેત્રી
નથી કરી શકી. ન
એમના પહેલા, ન એમના
પછી.)
શ્રી જેના માટે
બહુ જાણીતી થયેલી એ
‘ચુલબુલાપણુ’ હિન્દી ફિલ્મોમાં સૌપ્રથમ
ગીતા બાલી લાવેલી. મુમતાઝે
એને ઓર નીખાર્યું. હેમા
માલિની અને રેખાએ એ
પરંપરા જાળવી રાખી, અને
શ્રીદેવી એને એની ચરમસીમા
પર લઈ ગઈ. ‘બબલીનેસ’ને એણે એટલી
બખૂબી એનકેશ કરી કે
એના પ્રભાવમાં આવી, એની કોપી
કરી કરીને કંઈકેટલી કરિશ્મા
કપૂરો, શિલ્પા શેટ્ટીઓ અને
ઉર્મિલા માતોંડકરો સ્ટાર બની ગઈ.
૧૯૯૭માં ‘જુદાઈ’ આપીને શ્રી
બોલિવુડથી ‘જુદી’ થઈ ગઈ
અને એને ‘મિસ’ કરવાનો
લાંબો સમય શરૂ થયો.
ખાલીપાના એ દોરમાં ‘મનીષા
કોઈરાલા’, ‘રાની મુખરજી’ અને
‘વિદ્યા બાલન’ના ગંભીર
અભિનયને ગમાડ્યો, પણ સિલ્વર સ્ક્રીનને
ઝળાંહળાં કરી મૂકતી એ
દૈવી પ્રતિભા તો શ્રી સિવાય
કોણ લાવી શકે. શ્રી
‘જેવી’ દેખાતી હોવાથી જ
પ્રિયંકા ચોપરા ગમતી થઈ.
શ્રી જેવો ચહેરો રોજિંદી
લાઇફમાં, ભીડમાં ક્યાંક દેખાઈ
જાય તોય જડ બનીને
એ ચહેરાને તાકી રહેવાય, એટલી
હદે શ્રી-ભક્તિ જળવાઈ
રહી.
૧૫ વર્ષોનો વનવાસ
આખરે ત્યારે પૂરો થયો
જ્યારે શ્રીએ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’થી કમબેક કર્યું.
(લાંબા સ્વૈચ્છિક વેકેશેન દરમિયાન એણે પેઇન્ટિંગનો શોખ
કેળવ્યો અને એક્ટિંગની જેમ
એ સબ્જેક્ટમાંય અવ્વલ રહી. શ્રી
ઉપરાંત સલ્લુ મિયાં અને
રાઇટર-ડિરેક્ટર સંજય છેલ પણ
બહુ સરસ પેઇન્ટિંગ બનાવે
છે.) ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ને બહુ સરસ
રિવ્યૂ મળ્યા, પણ શ્રી
હોય પછી રિવ્યૂ-ફિવ્યૂની
કોને ફિકર! ફિલ્મ જોઈ
અને લાગ્યું કે આટલા વર્ષોની
જુદાઈની કસર એણે એક
જ ફિલ્મમાં પૂરી કરી દીધી
હતી. કેટલો સહજ અભિનય!
કેટલો સિમ્પલ દેખાવ! છતાં
એટલી જ અસરકારક જેટલી
દાયકાઓ પહેલા હતી.
આવી આ અભિનય-સામ્રાજ્ઞી શ્રીદેવીની તાજી રિલિઝ તે
‘મોમ’. અને ‘મોમ’ જોઈને
ફરી એક વાર માનવું
પડે કે શ્રી ખરેખર
‘ન ભૂતો ન ભવિષ્યતિ’
છે. યુવાનીમાં કદમ મૂકતી દીકરી
આર્યા (સજલ અલી) પર
ગેંગ રેપ થાય અને
સબૂતોને અભાવે આરોપીઓ કોર્ટમાંથી
નિર્દોષ છૂટી જાય, તો
ઘૂંઘવાતી મા(શ્રીદેવી) શું
કરી શકે..? બદલો લેવા
જંગે ચઢે..? હા, જંગે
ચઢે, પણ અહીં કોઈ
ખુલ્લી તલવાર સાથે દુશ્મનને
રહેંસી નાંખવા મેદાને પડેલી,
ચીખતી-ચિલ્લાતી ટિપિકલ ફિલ્મી મધરની
વાત નથી. વાત છે
એક અત્યંત બુદ્ધિશાળી સ્ત્રીને,
જે સાવકી મા હોવા
છતાં પોતાની અપહ્યત દીકરીને
થયેલા અન્યાયનો પ્રતિશોધ લેવા જોરદાર પ્લાનિંગ
સાથે આગળ વધે છે.
પ્લોટ જાણીતો હોવા છતાં
મઝા એ જોવાની છે
કે વેર કઈ રીતે
વળાય છે.
ઇન્ટરવલ પહેલા ઇમોશનલ ફેમિલી
ડ્રામા લાગતી ફિલ્મ સેકન્ડ
હાફમાં થ્રિલરનું રૂપ લે છે.
‘વી ફોર વેન્ડેટા’ને
ન્યાયે યુદ્ધે ચડેલી મા,
એને મદદ કરતો જાસૂસ(નવાઝુદ્દિન સિદ્દીકી) અને કાયદાનું રક્ષણ
કરવા મથતો પોલિસ ઓફિસર(અક્ષય ખન્ના). ત્રણેએ
ધૂંઆધાર એક્ટિંગ કરી છે. કરિના
કપૂરનો સ્પષ્ટ પ્રભાવ ધરાવતી
સજલ અલી(ફ્રોમ પાકિસ્તાન)
અને શ્રીનો પતિ બનતો
અદનાન સિદ્દીકી (અગેઇન ફ્રોમ પાકિસ્તાન)
પણ સરસ. અભિમન્યુ સિંહની
શેતાનીયત જોરદાર. બાકીના કલાકારો પણ
ઇફેક્ટિવ. જોકે, ‘મોમ’ અલ્ટિમેટલી
શ્રીની ફિલ્મ છે. એક
મધરની હેલ્પલેસનેસ એણે જે રીતે
દેખાડી છે એ અભિનયના
એક નવા ચેપ્ટર સમાન
છે. એ ક્રાઇમ કરવા
નીકળી તો છે, પણ
કોઈનું ખૂન કરવું એમ
કંઈ આસાન છે..? સ્કૂલમાં
બાયોલોજી પઢાવતી, સામાજિક કાર્ય કરતી મધ્યવયસ્ક
મહિલા કોઈની હત્યા કરવા
સુધી જઈ શકે..? આ
અવઢવ, આ બેબસી, આ
ઘૂટન, આ ડર શ્રીદેવીએ
અત્યંત બારીકાઈથી દર્શાવ્યા છે, એટલી હદે
કે ક્રાઇમ કરતી વખતે
એની ધ્રૂજારી દર્શક તરીકે તમે
રીતસર ફીલ કરી શકો.
ફિલ્મનો એક્ટિંગ ડિપાર્ટમેન્ટ જેટલો તગડો છે
એટલા જ મજબૂત અન્ય
પાસાં પણ છે. કેમેરાવર્ક
સુપર્બ. ડાયલોગ્સ ફેન્ટાસ્ટિક. ઇન્ટરવલ પછી આવતા ‘કહાની
મેં ટ્વિસ્ટ’ અણધાર્યા ન હોવા છતાં
‘વાઉ’ ફેક્ટરવાળા. રહેમાન ‘સર’નું બેકગ્રાઉન્ડ
મ્યુઝિક સોલ્લિડ. રેપના સીનમાં કંઈ
જ નથી બતાવ્યું. છોકરીને
ઊઠાવીને કારમાં ખેંચી લેવાય
અને પછી… રસ્તા પર
વહી જતી કારનો ટોપ
પોઝ અને રુંવાડા ખડા
કરી દેતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક.
માય ગોડ! એટલો અસરકારક
બન્યો છે એ સીન
કે અહીં વર્ણવી ના
શકાય… એટલો જ ઇફેક્ટિવ
ક્લાઇમેક્સ પણ. પહેલી જ
ફિલ્મ હોવા છતાં ડિરેક્ટર
રવિ ઉદયવારે જે રીતે કલાકારો
પાસે કામ લીધું છે
અને પરિચિત હોવા છતાં
વાર્તાને જે ટ્રિટમેન્ટ આપી
છે એ કાબિલેદાદ છે.
(આજ વાર્તા પરથી રવિના
ટંડન સ્ટારર ‘માતૃ’ થોડા દિવસો
અગાઉ જ આવીને ઊડી
ગઈ. ૧૯૭૮માં રિલિઝ થયેલી ધ્રૂજાવી
દે એવી ‘આઇ સ્પિટ
ઓન યોર ગ્રેવ’[કેટલું
અદ્ભુત ટાઇટલ- ‘હું તારી કબર
પર થૂંકું છું’]ના
પડછાયા પણ ‘મોમ’માં
દેખાય છે.) ઘણા સીન્સમાં
કલાકારોના મોંમા ડાયલોગ્સ મૂકવાને
બદલે એમણે ખામોશીને ‘બોલવા’
દીધી અને એ સીન્સ
ખાસ્સા પ્રભાવક બન્યા છે.
કુલ મળીને ‘મોમ’
સેન્સીટિવ દર્શકો માટે મસ્ટ
સી મૂવી છે. ફક્ત
મનોરંજન માટે ફિલ્મો જોનારાને
કદાચ ગંભીર લાગશે. મારા
તરફથી પાંચમાંથી ૩.૫ સ્ટાર્સ.
‘મિસ્ટર ઇન્ડિયા ૨’ આવે ત્યાં
સુધી શ્રી મે’મને
મિસ કરવાનું જારી રહેશે…
No comments:
Post a Comment