આ વાંચનાર પૈકી ઘણાને તો ખબર જ નહીં હોય કે ‘તુંબાડ’ જેવી કોઈ
ફિલ્મ થિયેટર્સમાં ચાલી પણ રહી છે, જેને ખબર હશે એનેય એમ થશે કે, સાલુ આવું તે કેવું
નામ ‘તુંબાડ’? ફિલ્મની વાર્તા ૧૯૧૮થી શરૂ થઈને ૧૯૪૭ સુધીના મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં
સ્થિત નાનકડા ગામ ‘તુંબાડ’માં આકાર લે છે, માટે ‘તુંબાડ’. સિમ્પલ. કંઈક ગેબી રહસ્ય
ધરબીને બેઠેલું કોંકણસ્થ બ્રાહ્મણ કુટુંબ… સોનું મેળવવાની લાલચમાં ફનાફાતિયા થઈ જતી
જિંદગીઓ… આસામાનમાંથી સતત વરસતા વરસાદ સાથે ત્રાટકેલો એક ભયંકર શ્રાપ… અને શરીરના અંગેઅંગમાંથી
ડરનું લખલખું દોડી જાય એવી ખૌફનાક પ્રસ્તુતિ… ‘તુંબાડ’ એક અવિસ્મરણીય અને અભૂતપૂર્વ
અનુભવ બની રહે છે.
હિન્દી સિનેમામાં ‘હોરર ફિલ્મ બનાવો એટલે અમુક ટિપિકલ તત્વો
તો નાંખવા જ પડે’ એવી માન્યતા કોણ જાણે ક્યાંથી વળગી ગઈ છે!!! રામસે બ્રધર્સે કબર ફાડીને
બેઠા થતાં ભૂતોનો સિલસિલો શરૂ કરેલો જે ટીવીની વાહિયાત હોરર સિરિયલોમાં આજે પણ જારી
છે. રામ ગોપાલ વર્મા અને પછી વિક્રમ ભટ્ટે વળી મહિલાઓને કેન્દ્રસ્થાને રાખીને હોરર
એલિમેન્ટને એનકેશ કર્યા. હાથમાં મીણબત્તી લઈને થરથર ધ્રૂજવું અને ભૂત પાછળ પડ્યું હોય
તોય ફૂલઓન મેકઅપ કર્યા પછી જ ચીસાચીસ કરવી એ હિરોઇનની બંધારણીય ફરજ. (યાદ આવે છે, ઉર્મિલાઓ
અને બિપાશાઓ??) હોરર હોય એટલે ભૂતે કોઈકના શરીરમાં ઘૂસીને એનો કબજો લઈ લેવું તો ફરજિયાત.
જાદુ-ટોના, કાલાજાદૂ ને ઝાડફૂંક કરવાવાળો કે વાળીની હાજરી પણ અનિવાર્ય. એ ભૂતભગાવો
બાવા/બાવીઓ પાછા ભૂત કરતાંય વધુ ડરામણા ગેટઅપમાં પ્રગટ થઈને અમથીઅમથી ચિલ્લમચિલ્લી
કરતા રહે છે. ક્લાઇમેક્સમાં થોડી નાસભાગ, ચીસાચીસનો ડોઝ તો કેમ ચૂકાય. ભૂત દેખાય કે
ન દેખાય પણ વીજળી તો પડવી જ જોઈએ, ઈલેક્ટ્રિસિટી તો જવી જ જોઈએ, કાચના ઝુમ્મરોનો ભૂક્કો
તો બોલવો જ જોઈએ… ચવાઈને ચુથ્થો થઈ ગયેલા આવા ગતકડાં જોઈ જોઈને આપણે બધાં જ કંટાળી
ગયા છીએ, એવા માહોલમાં ‘તુંબાડ’ એક નવીન પ્રકારની હોરર-ફીલ લઈને આવી છે. એવું તો શું
છે આ ‘તુંબાડ’માં કે જેણે જેણે આ ફિલ્મ જોઈ છે એ એના પર ફિદા ફિદા થઈ ગયા છે? ચલો,
પતા કરતે હૈ…
‘તુંબાડ’માં અંધકાર છે. લગભગ આખી ફિલ્મમાં અંધેરા કાયમ રહે છે…
માનવીની બહારનો અંધકાર અને મનની અંદરનો ગૂઢ અંધકાર… ડરને પ્રેઝન્ટ કરતા ‘કાળા’ કલર,
શૌર્યનું પ્રતિક ‘કેસરી’ રંગ અને મોતનો મેસેજ આપતો ‘લાલ’ રંગ અહીં અફલાતૂન રીતે પ્રયોજાયા
છે. લાંબી લાંબી અંધારી પરસાળો અને ગુફાઓમાં ઝુલતા ફાનસો… એ ફાનસોમાંથી રેલાતું આછું-પાતળું
કેસરી અજવાળું… સદીઓનું રહસ્ય ધરબીને બેઠેલી કથ્થઈ ધૂળ… ખંડેર બની બેઠેલા મહેલો… સતત
વરસતો અપુશકનિયાળ વરસાદ… અંધારામાં ઉછળતી જિસ્માની વાસનાઓ… સુવર્ણ મુદ્રાની કાનને વ્હાલ
કરતી ખનક અને એ ખનકને હાંસિલ કરવા માટે ખેલાતી જાનની બાજી… શેતાન સાથેનો જંગ… મોત સામે
ભીડાતી બાથ… લાલચ, લોભ, હવસ… આ બધાં જ તત્વોનું પરફેક્ટ, કાતિલ કોમ્બિનેશન એટલે ‘તુંબાડ’…
ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ જ એ છે કે આ એક સંપૂર્ણ ભારતીય
ફિલ્મ છે. હોલિવુડની હોરર ફિલ્મોમાંથી ઉછીના લેવાયેલા કોઈ પણ ગિમિક્સ અહીં નથી. શ્રીપાદ નારાયણ પેંડસેની મરાઠી નવલકથા 'તુમ્બાડચે ખોટ' પરથી બનેલી આ ફિલ્મ
પોતીકી એટલા માટે લાગે છે કેમકે અહીં દેવો અને દાનવોની ફેન્ટસી છે, સુવર્ણમુદ્રા માટે
ખેલાતું સાહસ છે, ઈન્ડિયન માયથોલોજીનું અભિન્ન અંગ એવો શ્રાપ પણ છે અને સારા વિરુદ્ધ
નરસાનો જંગ પણ… આપણે બધાં જ આવી લોકકથાઓ, કિસ્સાઓ, વાર્તાઓ વિશે સાંભળીને મોટા થયા
છીએ, માટે ‘તુંબાડ’ ઓરિજિનલ ઇન્ડિયન પ્રોડક્ટ લાગે છે. (હિન્દી હોરર ફિલ્મો જોતી વખતે
થિયેટરમાં હસાહસ થતી હોય છે, કેમ કે ફિલ્મ ડરામણી હોવાને બદલે કોમેડી વધારે હોય છે.
મજાલ છે કે એક પણ દર્શક ‘તુંબાડ’ જોતી વખતે હસે. ભાઈસા’બ, એવી ફાટે છે આ ફિલ્મમાં કે
પેલું મજાકિયું હાસ્ય તો ક્યાંનું ક્યાં ગાયબ થઈ જાય!!)
સલામ મારવી પડે કેમેરામેન પંકજ કુમારને જેના કેમેરા થકી ૧૦૦
વર્ષ જૂનું મહારાષ્ટ્ર સાંગોપાંગ જીવંત થઈ ઊઠ્યું છે. ફિલ્મની એકેએક ફ્રેમ જાણે કે
કોઈ દૈવી ચિત્રકારે અત્યંત કાળજીપૂર્વક ચીતરી હોય એટલી સુંદર. અને જ્યાં હોરર બતાવવાનું
આવ્યું છે ત્યાં પણ (ફિલ્મનું હોરર એલિમેન્ટ ભૂત છે, પ્રેત છે, શેતાન છે, રાક્ષસ છે
કે પછી બીજું કંઈ, એ તમે જ નક્કી કરજો. એ જે છે એ બહુ જ સ્પેશિયલ છે, હિન્દી ફિલ્મોમાં
અગાઉ કદી બતાવાયું નથી, માટે એનો ફોડ ન જ પાડીએ) કેમેરાએ કમાલની વિઝ્યુઅલ ટ્રિટ આપી
છે. હકીકતમાં તો ફિલ્મમાં પેલું ગેબી તત્વ સ્ક્રીન પર આવીને ડરાવે એના કરતા વધુ ડર
તો ફિલ્મમાં બતાવાયેલા વાતાવરણને લીધે સર્જાય છે. ઇન શોર્ટ, હોલિવુડના લેવલની સિનેમેટોગ્રાફી.
ફિલ્મની પ્રોડક્શન વેલ્યૂ માતબર. સેટ ડિઝાઇનિંગ, કોસ્ચ્યુમ્સ,
મેકઅપ… બધું જ સોલિડ. મેકઅપનો વિશેષ ઉલ્લેખ કરવો પડે એમ છે કેમકે અહીં જોઈને હસવું
આવે એવા ચહેરાને બદલે ખરેખર છળી મરાય એવા રાક્ષસી-શેતાની ચહેરાઓ બનાવાયા છે મેકઅપ થકી.
ફક્ત પાંચ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મની વી.એફ.એક્સ. (કમ્પ્યુટર ગ્રાફિક્સ) પણ પ્રભાવશાળી
લાગી. ‘હસ્તર’ના સર્જન પાછળ થોડો વધુ ખર્ચો કર્યો હોત તો ઓર મજા આવત… એમ થયું, પણ એ
પાત્રને લાલ રંગે એ પ્રકારે રંગ્યો છે કે અલ્ટિમેટ રિઝલ્ટ જબરજસ્ત અસરકારક બન્યું છે.
જેસ્પર કિડનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફાડૂ… કેમેરાવર્ક અને મ્યુઝિકનું
કોમ્બિનેશન જ દર્શકની ફેં…ફાડી નાંખે છે, ભૂત તો બાજુ પર રહ્યું. રાહી અનિલ બર્વે અને
આનંદ ગાંધીનું ડિરેક્શન એટલું જબરજસ્ત કે દર્શકને સીટ પરથી સહેજ પણ ચસકવા ન દે. નિર્માતા
આનંદ એલ. રાય અને સોહમ શાહનો આભાર કે આવી ઓફબીટ ફિલ્મ બનાવી આપણી સમક્ષ મૂકી. તમામ
કલાકારો પાત્રોચિત. ‘વિનાયક રાવ’ના મુખ્ય રોલમાં ‘સોહમ શાહ’ અદ્ભુત કામ કરી ગયા છે.
માનવીને સ્પર્શતા ગ્રે શેડને એમણે બખૂબી પડદે દેખાડ્યો છે. વિનાયકની લાલચ, લંપટતા,
જંગલીપણુ એને અત્યંત વાસ્તવિક ઓપ આપે છે. એના પુત્રના રોલમાં નાનકડો મોહમ્મદ સમાદ પણ
એક નંબર.
ઇન્ટરવલ પહેલા ફિલ્મ ઘણા પ્રશ્નો મૂકતી જાય છે અને ઇન્ટરવલ પછી
બધાં પ્રશ્નોના ઉત્તર આપોઆપ મળતા જાય છે. લેખક અને દિગ્દર્શકની ચાલાકી તો જુઓ કે એમણે
પાત્રો પાસે ડાયલોગ બોલીને ‘આમ હતું, ને તેમ થયું’ એવા ખુલાસાઓ આપવાને બદલે દર્શકરાજ્જાના
દિમાગનું દહીં થાય એવી ફિલ્મ બનાવી છે. તમે પોતાની જાતને પૂછતાં જાવ કે ‘આણે આમ કર્યું
એનું શું કારણ હોઈ શકે’ અને ‘ઓ, બાપ રે… પેલા સીનમાં બતાવાયેલું એ તો એક્ચ્યુલી આવું
હતું’… આ એક રમત છે, એક સાયકોલોજિકલ રમત, જે ‘તુંબાડ’ દર્શક સાથે રમે છે. માટે જ આ
ફિલ્મ ફક્ત ‘હોરર ફિલ્મ’ ન બની રહેતા ‘સાયકોલોજિકલ’ બની જાય છે. શેતાન છે, તો કોણ?
જે દેખાય છે, એ કેટલું વાસ્તવિક છે? જેવા પ્રશ્નોના જવાબ (અને ફિલ્મમાં પ્રયોજાયેલા
ઘણા મેટાફોરના મિનિંગ) શોધવા તમારે માનસિક કરસત કરવી પડશે… (આ ફિલ્મ એમ પણ તમને એની
‘અંદર’ ખેંચી લેશે, ‘ડૂબાડી’ દેશે, ‘શોષી’ લેશે, અને એમ થશે તો તમે ‘ડર’ નામના તત્વની
એક નવી ઊંચાઈનો અહેસાસ કરી શકશો. એક એવો અહેસાસ જે આજ સુધી અન્ય કોઈ હિન્દી હોરર ફિલ્મ
કરાવી નથી શકી. હું ફિલ્મના પ્રવાહમાં એવો તણાયો છું કે મારા દિમાગમાં ઘૂસેલો ‘હસ્તર’
હજુ સુધી નીકળ્યો નથી) ‘ઓહ માય ગોડ’ કરાવી દે એવા અનેક સીન્સ વચ્ચે બીજો ભાગ ઉઘડતો
જાય છે અને દર્શકોની હવા ટાઇટ કરી નાંખે છે. ઇન્ટરવલ પોઇન્ટ પણ દિલધડક. ઇન્ટરવલ પછી
રહસ્યમય શેતાન ‘હસ્તર’ની એન્ટ્રી થાય છે. એના ત્રણ જ સીન છે, પણ એ જોઈને ભલભલાના હાંજા
ગગડી જાય એમ છે. ત્રણે સીનમાં પાછી જબ્બર વેરાઇટી. તમને થશે કે હવે ડિરેક્ટર નવું શું
આપશે? ત્યાં કંઈક એવું અણધાર્યું બની જાય છે કે તમે હક્કાબક્કા રહી જાવ. ક્લાયમેક્સ
મેં ધારેલો લગભગ એવો જ આવ્યો(લેખક છું એટલે એટલું તો પકડી જ પાડું ને!), પણ એની પ્રસ્તુતિ
બેમિસાલ લાગી. (આવી જ બેમિસાલ અનુભૂતિ કરવી હોય તો સ્પેનમાં બનેલી ‘પાન્સ લિબરિન્થ’
અને અમેરિકન ફિલ્મ ‘ક્રિમ્સન પીક’ પણ જોઈ જ નાંખજો)
‘તુંબાડ’ એક માઇલસ્ટોન મૂવી છે… ગ્રેટ મૂવી છે… ક્લાસિક મૂવી
છે… અને વિક્રમ ભટ્ટ જેવા અનેકો માટે એક ટેક્સ્ટ બૂકની ગરજ સારી શકે એટલી બળકટ છે.
હોલિવુડની ‘કન્જ્યુરિંગ’ અને જાપાનની ‘ધ રિંગ’ જેવી આઉટ-એન્ડ-આઉટ ક્લાસિક હોરર્સને
ભારતનો જવાબ છે આ કમાલની ફેન્ટસી-હોરર-સાયકોલોજિકલ થ્રિલર ‘તુંબાડ’. જોઈ જ આવજો, વરના
‘હસ્તર આ જાયેગા… મારા તરફથી પાંચમાંથી ૪.૫ સ્ટાર્સ.
આઇસિંગ
ઓન ધ કેક
વર્ષો પછી કોઈ એવી ફિલ્મ આવી જે જોઈને થિયેટરની બહાર નીકળ્યા પછી મન થયું
કે ફરીથી આ ફિલ્મ જોવી છે. (છેલ્લે ક્રિસ્ટોફર નોલાનની ૨૦૧૦માં આવેલી ‘ઇન્સેપ્શન’ એટલી
બધી ગમેલી કે બે વાર થિયેટરમાં જોયેલી. અને એ પહેલા કેમેરોનની ‘ટાઇટેનિક’, છેક ૧૯૯૭માં.)
‘તુંબાડ’ થિયેટરમાં જ જોવી છે અને એકલા જ જોવી છે. ‘તુંબાડ’ની દુનિયામાં ફેલાયેલા ખૌફને
ફરી એક વાર માણવો છે, હસ્તરને જોઈને ફરી એકવાર ડરવું છે. ક્યૂં કી ઐસી ફિલ્મેં બાર
બાર નહીં બનતી, મેરે દોસ્ત…
No comments:
Post a Comment