સોરોનની રાક્ષસી સેના અને આગ ઓકતા વિકરાળ ડ્રેગનને હરાવવાના દુષ્કર કાર્યો પાર પાડવા ડ્વાર્ફ ગેંગ, માનવો અને વામન દેવો સાથે હાથ મિલાવે છે
હોલિવુડના ફિલ્મરસિયા હોબિટ અને મિડલ-અર્થની ફિલ્મોથી સહેજ પણ અપરિચિત નથી.
જે.આર.આર. ટોલ્કિન નામના લેખકે પચાસના દાયકામાં લખેલી ‘ધી હોબિટ’
અને ‘ધી લોર્ડ ઓફ ધી રિંગ્સ’ શ્રેણીની નવલકથાઓ એટલી તો ભવ્યાતિભવ્ય હતી કે એમાં દર્શાવાયેલી મિડલ-અર્થની સંકલ્પના ફિલ્મી પડદે આબેહુબ દર્શાવવાનું સાહસ (યોગ્ય વિઝન અને ધારદાર કમ્પ્યુટર ગ્રાફિક્સના આવિષ્કારના અભાવે)
પચાસ વર્ષો સુધી કોઈ કરી શક્યું નહોતું.
છેવટે માસ્ટર ક્રાફટ્સમેન ગણાયેલા દિગ્દર્શક પીટર જેક્સને આ મુશ્કેલ જણાતું બીડું ઝડપ્યું અને એક પછી એક એવી ઉચ્ચ કક્ષાની ફિલ્મો બનાવી કે દુનિયા દંગ રહી ગઈ. ૨૦૦૧માં ‘ધી લોર્ડ ઓફ ધી રિંગ્સઃ ધી ફેલોશિપ ઓફ ધી રિંગ’, ૨૦૦૨માં ‘ધી લોર્ડ ઓફ ધી રિંગ્સઃ ધી ટુ ટાવર્સ’, ૨૦૦૩માં ‘ધી લોર્ડ ઓફ ધી રિંગ્સઃ ધી રિટર્ન ઓફ ધી કિંગ’, ૨૦૧૨માં ‘ધી હોબિટઃ એન અનએક્સ્પેક્ટેડ જર્ની’
અને ૨૦૧૩માં ‘ધી હોબિટઃ ધી ડિસોલેશન ઓફ સ્મૉગ’ બનાવ્યા બાદ પીટર હવે ધી હોબિટ શ્રેણીનું ફાઇનલ ચેપ્ટર ‘ધી હોબિટઃ ધી બેટલ ઓફ ધી ફાઇવ આર્મીઝ’
લઈને આવ્યા છે.
ફિલ્મની કથા જાણવા પહેલા અગાઉના બે ભાગમાં વહી ગયેલી વાર્તા પર એક નજર નાંખીએ.
મિડલ-અર્થમાં ‘ડેલ’
નામના નગરમાં ડ્વાર્ફ નામે ઓળખાતી વામન કદની દેખાવે માનવ જેવી પ્રજાતિ વસતી હોય છે. સ્મૉગ નામનો આગ ઓકતો અને બોલી શકતો ડ્રેગન ડેલ પર હુમલો કરી આખા નગરને ભસ્મીભૂત કરી દે છે.
ડ્વાર્ફ રાજ્યનો તમામ ખજાનો ચોરીને સ્મૉગ પલાયન થઈ જાય છે. ડેલની બરબાદીનો બદલો લેવા આતુર કેટલાક હોબિટ્સ એક જૂથ બનાવી સ્મૉગની શોધમાં નીકળી પડે છે. રસ્તામાં તેમને જાતજાતની મુસીબતોનો સામનો કરવો પડે છે,
જેમાં ટ્રોલ કહેવાતા દૈત્યાકાર રાક્ષસો અને વિકરાળ વરુઓનો સમાવેશ થાય છે.
તમામ મુસીબતો પાર કરતા કરતા ડ્વાર્ફ-સંઘ લોન્લી માઉન્ટેન સુધી પહોંચે છે.
આ પહાડની અંદર બનેલી વિશાળ ગુફામાં સ્મૉગ છુપાઈ બેઠો હોય છે.
અને એ ગુફામાં જ ડેલનો સુવર્ણ ખજાનો પણ પડ્યો હોય છે.
સ્મૉગને માર્યા બાદ જ એ ખજાનો હાથ લાગે એમ હોવાથી હોબિટ્સ એન્ડ ગેંગ મહાભયાનક ડ્રેગનને હંફાવવા યુદ્ધે ચડે છે.
પહેલા બે ભાગમાં વાર્તા અહીં સુધી ચાલી હતી,
હવે આગળ થાય છે એવું કે, ડ્વાર્ફ ગેંગ લોન્લી માઉન્ટેન પર સશસ્ત્ર હલ્લો બોલાવી ડ્રેગન (બેનેડિક્ટ કમ્બરબેચ)ને ગુફામાંથી મારી હટાવે છે.
તેઓ ડ્રેગનને મારી નાંખે એ પહેલાં ડ્રેગન ત્યાંથી પલાયન થઈ જાય છે. ખજાનો હાથ લાગતા ડ્વાર્ફ કિંગ થોરિન
(રિચાર્ડ આર્મીટ્રેજ)નો વ્યવહાર બદલાઈ જાય છે.
મિત્રોની અવગણના કરી તે એકલો ખજાનો હડપી લેવા માટેના કાવતરાં આદરે છે.
ડ્વાર્ફ ગેંગમાં આ વિષય પર અંટસ પડી જાય છે.
બીજી બાજુ ગિન્નાયેલો ડ્રેગન પોતાનો ગુસ્સો નિર્દોષ પ્રજાજનો પર ઉતારે છે. લબલબતી આગ ઓકી તે આખા ને આખા ગામડાંઓને ભસ્મીભૂત કરી નાંખે છે.
હવે ડ્રેગનનો હંમેશ માટે ખાતમો બોલાવવાનું કામ ડ્વાર્ફ ગેંગ હાથમાં લે છે. હોબિટ્સનો સફાયો કરી તેમનો ખજાનો આંચકી લેવા માટે ગેન્ડાલ્ફ (ઇયાન મેક્લેન)નો જૂનો દુશ્મન સોરોન (બેનેડિક્ટ કમ્બરબેચ-
ડબલ રોલમાં) પણ રાક્ષસોની વિશાળ સેના મોકલે છે. બબ્બે મોરચે લડવાનું હોવાથી હોબિટ્સ, માનવો અને વામન દેવો સાથે હાથ મિલાવે છે.
સોરોનની સેનાને હરાવવાના અને વિકરાળ ડ્રેગનને મોતને ઘાટ ઉતારવાના દુષ્કર કાર્યોમાં તેમને કઈ રીતે અને કેવીક સફળતા મળે છે એ જાણવા માટે ‘ધી હોબિટઃ ધી બેટલ ઓફ ધી ફાઇવ આર્મીઝ’
જોવી રહી.
હોબિટ સિરીઝ અગાઉ બે ભાગમાં બનવાની હતી અને બીજા ભાગનું નામ ‘ધી હોબિટઃ ધેર એન્ડ બેક અગેઇન’
રાખવામાં આવ્યું હતું. પાછળથી ફિલ્મને ત્રણ ભાગમાં બનાવવામાં આવી અને બીજા ભાગ ‘ધી હોબિટઃ ધી ડિસોલેશન ઓફ સ્મૉગ’માં જ ‘ધેર એન્ડ બેક અગેઇન’ની ઘટના બની ગઈ હોવાથી ત્રીજા ભાગને ‘ધી હોબિટઃ ધી બેટલ ઓફ ધી ફાઇવ આર્મીઝ’
એવું નામ આપવામાં આવ્યું હતું.
ફિલ્મમાં પાંચ સૈન્યો વચ્ચે જે ઘમાસાણ યુદ્ધ દર્શાવાયું છે એ જોઈને આ નવું ટાઇટલ એકદમ યોગ્ય જણાય છે.
હોબિટ શ્રેણીની ફિલ્મો ગમે એટલી રસપ્રદ હોય પણ ઘણા દર્શકોને એવી ફરિયાદ હતી કે પહેલા બંને ભાગ બહુ લાંબા (પોણા ત્રણ કલાક લાંબા!)
હતા, જેને લીધે એ બંને ફિલ્મો થોડી ધીમી લાગતી હતી. આ બાબતને ધ્યાનમાં રાખી પીટરે આ ત્રીજો ભાગ ટૂંકો બને એની કાળજી લીધી છે.
આ ફિલ્મ પહેલા બંને ભાગ કરતાં ૨૦ મિનિટ ટૂંકી છે. મિડલ-અર્થમાં આકાર પામેલી અગાઉની પાંચેય ફિલ્મોએ સર્જેલી ઉત્સુક્તા અને અપેક્ષાઓ પર
‘ધી હોબિટઃ ધી બેટલ ઓફ ધી ફાઇવ આર્મીઝ’ સાંગોપાંગ પાર ઉતરે છે.
અગાઉની ફિલ્મોમાં વાર્તા બિલ્બો બેગિન્સની આસપાસ ફરતી હતી જ્યારે આ ફિલ્મમાં વધુ મહત્ત્વ થોરિનના પાત્રને આપવામાં આવ્યું છે.
દિગ્દર્શકે ફિલ્મના હીરોને બદલે સહાયક કલાકાર પર વધુ ફોકસ કર્યું હોવાની વાત ઘણા દર્શકોને ગમી નથી.
જોકે, અભિનયમાં થોરિનના નકારાત્મક પાત્રમાં અભિનેતા રિચાર્ડ આર્મીટ્રેજએ રંગ રાખ્યો છે.
ગેન્ડાલ્ફના રોલમાં વરિષ્ઠ અદાકાર ઇયાન મેક્લેન પડદા પર ઓછા દેખાતા હોવા છતાં તેઓ હંમેશ મુજબ હુકમના એક્કા સાબિત થાય છે.
અત્યાર સુધી મિડલ-અર્થ પર આધારિત છ-છ ફિલ્મો બનાવી હોવા છતાં દિગ્દર્શક પીટર જેક્સન આ સિરીઝ બનાવવાથી કંટાળ્યા નથી.
જે.આર.આર. ટોલ્કિનની નવલકથાઓનું તમામ વાર્તાતત્વ ફિલ્મી પડદે અવતરી ચૂક્યું હોવા છતાં પીટર જૂના પાત્રોને લઈને નવી કથા કંડારવા બદલ ઉત્સાહી છે. અને કેમ ના હોય?
મિડલ-અર્થ સિરીઝ મબલખ નાણાં કમાવી આપતી હોય પછી તેનો વીંટો વાળી દેવાનું કોઈને શા માટે સૂઝે?
કદાચ તાત્કાલિક નહીં પણ અમુક વર્ષો પછી આ જાદુઈ સિરીઝને આગળ ધપાવવાના સંકેત પીટર આપી ચૂક્યા છે.
મિડલ-અર્થ ફિલ્મોના રસિયાઓ માટે આનાથી સારા સમાચાર બીજા શું હોઈ શકે?
નોંધઃ ૧૨ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ફિલ્મ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.
No comments:
Post a Comment