મર્ડર
મિસ્ટ્રી. ફિલ્મ નામની કળામાં બહુ
જ ગમતો જોનર(પ્રકાર).
ભારતમાં
પેમલાપેમલીના ટાંયલા, ઓવરએક્ટિંગથી
છલોછલ (મોટાભાગની વાહિયાત જ)
કોમેડી
અને અવાસ્તવિક એક્શનથી ભરપૂર ફિલ્મોનો ફાલ જેટલો ઉતરે છે એટલો હોરર,
થ્રિલર
કે મર્ડર મિસ્ટ્રીનો નથી ઉતરતો. કારણ
એ નથી કે, દર્શકો આવી ફિલ્મો ઓછી
પસંદ કરે છે, કારણ
એ
છે કે આવા જોનરમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ અને સસ્પેન્સથી ભરપૂર પ્લોટ હોવો જોઈએ અને એ
લખવા-લખાવવા માટે બુદ્ધિ ચલાવવી પડે જે આપણા મોટાભાગના સિનેસર્જકોમાં
છે જ નહીં. ભારતની જનતાજનાર્દન પણ
ઘીસીપીટી ફોર્મ્યુલા ફિલ્મોની બોક્સઓફિસ છલકાવી દેતી હોય ત્યારે મેકર્સ પણ મસાલા એન્ટરટેઇન્મેન્ટની
ડિમાન્ડને નામે એ જ પીરસતા રહે છે જે વર્ષોથી પીરસાતું આવ્યું છે.
એવામાં
રણમાં મીઠી વીરડીસમી કો’ક મજેદાર
થ્રિલર આવી જાય તો મારા જેવાને જલસા પડી જાય. ‘ઈત્તેફાક’માં
એવો જ જલસો પડ્યો.
આ નવી
‘ઈત્તેફાક’ને ૧૯૬૯માં
આવેલી જૂની ‘ઈત્તેફાક’ની
રિમેક તરીકે પ્રમોટ કરાતી આવી છે, પણ આ
નવી જોયા બાદ સમજાયું કે નવી એ જૂનીની
રિમેક નથી જ નથી. નવી
‘ઈત્તેફાક’ જૂની
‘ઈત્તેફાક’થી પ્રેરિત
છે એટલું જ, બાકી બંનેના પ્લોટ પણ
અલગ છે અને ટ્રિટમેન્ટ પણ, અને
એ તો આ નવીનું ટ્રેલર જોયા પરથી
જ ખબર પડી જાય છે.
બહુ
જ અદ્ભુત એવી ૧૯૬૯ની
‘ઈત્તેફાક’માં
વાર્તા એવી હતી કે, રેખા(નંદા)
નામની
મહિલા એના બંગલામાં એકલી હોય છે. દિલિપ(રાજેશ
ખન્ના) નામનો એક જેલ તોડીને ભાગેલો
કેદી પોલિસથી બચવા માટે એક વરસાદી
રાતે રેખાના ઘરમાં ઘૂસી જાય છે અને પછી... પછી
મળે છે એક લાશ. કોની?
કોણે
કર્યું એનું મર્ડર? કેવી
રીતે થયું મર્ડર? એ બધાં
પ્રશ્નો પછી રસપ્રદ રહસ્યકથામાં પરિણમે છે. બોક્સઓફિસ
પર સફળ રહેલી એ ગીતવિહોણી ફિલ્મના ચુસ્ત નિર્દેશન માટે યશ ચોપરાને બેસ્ટ ડિરેક્ટરનો
ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
૨૦૧૭ની
આ નવી ‘ઈત્તેફાક’માં
પણ ઉપર વર્ણવી એ જ સિચ્યુએશન છે. એક તોફાની
રાતે પોલિસથી પીછો છોડાવવા ભાગતો બેસ્ટસેલિંગ નવલકથાઓનો લેખક વિક્રમ
(સિદ્ધાર્થ મલહોત્રા) ‘ઈત્તેફાક’થી
ઘરમાં
એકલી માયા (સોનાક્ષી સિંહા)ના
એપાર્ટમેન્ટમાં ઘૂસી જાય છે અને પછી થાય છે એક હત્યા...
હત્યા
કોણે કરી? કઈ રીતે કરી?
પોલિસ તપાસમાં બંને પાત્રો, વિક્રમ અને માયા, કહે છે કે, પોતે નિર્દોષ છે અને
હત્યા પેલા/પેલીએ કરી છે. બે કહાની. એક સાચી. એક જૂઠી. કે પછી બંને સાચી? બની શકે
કે, હત્યા કો’ક ત્રીજી જ વ્યક્તિએ કરી છે, જે હજુ પિક્ચરમાં આવી જ નથી! શક્ય છે કે
બંને કહાની જૂઠી હોય અને પોલીસને ગુમરાહ કરવા માટે અવાસ્તવિક ઘટનાઓની જાળ બિછાવાઈ
છે... શક્યતાઓ અનેક છે. શબ્દોના ખેલ આબાદ ખેલાય છે. પ્રશ્નો.
ગૂંચવણો.
જૂઠાણા.
અને
છલ. છલછલોછલ. ૧૦૭ મિનિટની સોંગલેસ ફિલ્મમાં
રહસ્યના તાણાવાણા એટલા જબરજસ્ત વણાયા છે કે પૂછો મત.
જૂની
‘ઈત્તેફાક’ સાથે આ નવી ‘ઈત્તેફાક’
કરતાં તો રામગોપાલ વર્માએ ૧૯૯૯માં બનાવેલી ‘કૌન’ વધુ નજીક છે. પોતાની જાતને
બિઝનેસમેન તરીકે ઓળખાવતો મનોજ બાજપાઈ એક બપોરે એકલી-અબળા નારી ઉર્મિલા માતોંડકરના
ઘરમાં ઘૂસી આવે છે અને પછી સર્જાય છે ૯૦ મિનિટની એક સોલ્લિડ સાયકોલોજિકલ થ્રિલર.
બાજપાઈ અને ઉર્મિલાએ એમાં જોરદાર અભિનય કરેલો. આમેય ડરવાનો અભિનય તો ભારતવર્ષમાં ઉર્મિલા
જેટલો આજદિન લગી કોઈ એક્ટર નથી કરી શક્યું. (આ વિધાન ઓવરસ્ટેટમેન્ટ લાગ્યું હોય તો
ઉર્મિલાની ‘જંગલ’, ‘એક હસીના થી’, ‘નૈના’ અને ખાસ તો એના કરિયરની શિરમોરસમી ‘ભૂત’
જોઈ લેવી.)
વિશ્વસિનેમાની
સરખામણીમાં હિન્દીમાં
બનતી રહસ્યરંગી ફિલ્મોનું
પ્રમાણ હંમેશથી ઓછું જ રહ્યું છે. ભૂતકાળ રિવાઇન્ડ કરીએ તો ‘તીસરી મંઝિલ’, ‘બીસ
સાલ બાદ’, ‘ધૂંદ’, ‘ગુમનામ’, ‘હત્યા’, ‘ખિલાડી’, ‘ગુપ્ત’, ‘મનોરમા સિક્સ ફિટ અન્ડર’
અને ગયા વર્ષે આવેલી ‘દૃશ્યમ’ જેવી ફિલ્મો ટોપ મિસ્ટ્રી થ્રિલર્સ ગણી શકાય. (મારી
ઓલ ટાઇમ ફેવરિટ તો જોકે ‘ગુમનામ’ જ છે. ‘વેરાન ટાપુ પર અટવાઈ જતાં ૮ અજાણ્યા એક
પછી એક કરીને મોતને ભેટવા લાગે...’ એવી મૂળ તો લેજેન્ડ્રી આગાથા ક્રિસ્ટીની નવલકથા
‘એન્ડ ધેન ધેર વેર નન’ પરથી ‘ગુમનામ’ સહિત અનેક ફિલ્મો બની. હજુય બનતી જ જાય છે. આ
કથા એટલી તો અદ્ભુત છે કે, ક્રિસ્ટીમે’મની બૂક આજ સુધી સૌથી વધુ વેચાયેલી મર્ડર
મિસ્ટ્રી બૂકનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. એના પરથી બનેલી અનેક અંગ્રેજી ફિલ્મો અને
સિરિયલો જોઈ નાંખી છે, તોય હજુ મન ધરાતું નથી. એમ થાય કે હજુ એક વર્ઝન આવવું જોઈએ.)
આપણે ત્યાં બનતી સસ્પેન્સ ફિલ્મો પૈકીની મોટાભાગની ઇન્ટરવલ પછી લડખડાઈ જતી હોય છે;
ક્યાં તો ફિલ્મ દર્શક પરની પકડ ગુમાવી દે છે અથવા તો ધીમી પડીને ધારણા મુજબના
ક્લાઇમેક્સમાં સમેટાઈ જતી હોય છે. ‘ઈત્તેફાક’માં
આવી કોઈ અધૂરપ નથી. ન તો ફિલ્મ ઇન્ટરવલ બાદ ઢીલી પડે છે, ન તો દર્શકે વિચારી
રાખેલો ચુકાદો સાચો પડે છે. ઇન ફેક્ટ અહીં ફિલ્મ ઇન્ટરવલ પછી ઓર પેચીદી, વધુ સસ્પેન્સફૂલ
બને છે; અને સસ્પેન્સ પણ એટલું ગહેરાઇભર્યું છે, મર્ડર એટલું વેલ પ્લાન્ડ છે, કે દર્શક
છેવટ સુધી તમામેતમામ પાસાં સાચી ઢબે ગોઠવી જ નથી શકતો. અને એટલે જ આ ફિલ્મ વિનર
સાબિત થાય છે. ફિલ્મની છેલ્લી પાંચ મિનિટમાં થતાં રહસ્યસ્ફોટ ચોંકાવી દે, ‘વાઉ’
બોલવા મજબૂર કરી દે એટલા સબળ છે.
અભિનયમાં
અક્ષય ખન્ના એક્કો સાબિત થાય છે. મર્ડર ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તરીકે ખન્નો બરાબર
ખીલ્યો છે. (કમનસીબે બોલિવુડમાં તેની કરિયર ક્યારેય સ્ટેબલ થઈ જ નહીં બાકી બંદામાં
કેટલો અભિનય-દમ છે એ તો એણે ‘બોર્ડર’થી લઈને ‘હમરાઝ’, ‘દિવાનગી’, ‘દિલ ચાહતા હૈ’
અને ‘મોમ’ સુધી સાબિત કરી જ આપ્યું છે) એના ધાણીફૂટ ડાયલોગ્સ ગંભીર કથાને હળવી
બનાવતા રહે છે. પોલિસબેડામાં અંદરોઅંદર થતી રહેતી નોંકઝોંક પણ રસપ્રદ છે. સિદ્ધાર્થ
અને સોનાક્ષી બંને પાત્રોચિત અભિનય કરી ગયા છે. ખાસ કરીને એક એક્ટર તરીકે સિદ્ધાર્થનું
આ બેસ્ટ પર્ફોર્મન્સ ગણી શકાય. અન્ય કલાકારો પણ પિચ-પરફેક્ટ.
બેકગ્રાઉન્ડ
મ્યુઝિક હજુ સારું બની શક્યું હોત. ગાના-બજાના નથી એ મોટી રાહત. ફિલ્મને આડીઅવડી ન
ભટકાવી સીધીદોર ચલાવવા બદલ ડિરેક્ટર અભય ચોપરાને ફૂલ માર્ક્સ આપવા પડે. (આ અભયભાઈ
રવિ ચોપરાના સુપુત્ર. એ જ રવિ ચોપરા જેમણે ‘ધ બર્નિંગ ટ્રેન’ અને ‘બાગબાન’ જેવી
ફિલ્મો અને ‘મહાભારત’ જેવી મેગા ટીવી સિરિયલ બનાવી હતી. રવિના પિતા પાછા
બી.આર.ચોપરા જેમણે જૂની ‘ઇત્તેફાક’ પ્રોડ્યુસ કરી હતી. મોરના ઈંડા...) ફિલ્મની
રાઇટિંગ ટીમે ઊડીને આંખે વળગે એવી મહેનત સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ બંનેમાં કરી છે.
વાર્તામાં ઉમેરાતા નવા નવા પાત્રો સતત નવી નવી ગુત્થી સર્જતા રહે છે અને ડિટેક્ટિવ-દર્શકે
ધારેલો સંભવિત ક્લાઇમેક્સ ખારીજ થતો રહે છે, એ બહુ મજા કરાવે એવું છે.
શાહરૂખ
ખાન અને કરણ જોહરની નિર્માણ સંસ્થા દ્વારા નિર્મિત આ ધાંસૂ થ્રિલર ‘ઈત્તેફાક’ને
હું આપીશ, પાંચમાંથી ૩.૫ સ્ટાર્સ. જોઈ જ આવો. ગમશે જ. ગેરંટી.
નોંધઃ
ફિલ્મ રિવ્યૂમાં સીધું જે-તે ફિલ્મ વિશે લખી દેવાને બદલે એ ફિલ્મને સંલગ્ન
દેશ-દુનિયાની ફિલ્મો અને પુસ્તકોની માહિતી પીરસવાનું મને ગમે છે. આમ કરવાનો હેતુ
મારું જ્ઞાન કેટલું વિશાળ છે એ દર્શાવવાનો હરગિઝ નથી, બલકે જેમણે જૂની ફિલ્મો નથી
જોઈ તેમને સિમિલર ફિલ્મોનો પરિચય મળી રહે એટલો જ હોય છે. સિનેમા અને સાહિત્યની
સેવા/ફેલાવો જેટલો થશે એટલો હું કરીશ, કેમકે આજે હું સારું લખી શકતો લેખક બની
શક્યો છું એમાં આ બંને માધ્યમોનો ડાયનોસોર-ફાળો છે.
No comments:
Post a Comment