Saturday, 21 December 2013

ફિલ્મ પ્રિવ્યુઃ ‘સેવિંગ મિસ્ટર બૅન્ક્સ’ ફિલ્મની પડદા પાછળની કથા

ટોમ હેન્ક્સ (ફિલાડેલ્ફિયા અને ફોરેસ્ટ ગમ્પ) અને એમા થોમ્પસન (હોવાર્ડ્સ એન્ડ અને સેન્સ એન્ડ સેન્સિબિલિટી) જેવા ઓસ્કાર વિજેતા મહારથી કલાકારો ભેગા થાય અને ક્લાસિક કહી શકાય એવી ફિલ્મ બને શક્ય નથી. ‘સેવિંગ મિસ્ટર બૅન્ક્સસાચા અર્થમાં ક્લાસિક બની છે.


ફિલ્મની વાર્તા સત્યઘટના પર આધારિત છે અને સાઈઠના દાયકાની શરૂઆતમાં આકાર લે છે. પામેલા ટ્રેવર્સ (એમા થોમ્પસન) નામની લેખિકાએ ૧૯૩૪માં મેરી પોપિન્સ નામની એક જાદુઈ સ્ત્રીની વાર્તા કહેતી નવલકથા લખી હતી. મેરી પાસે એક છત્રી હોય છે જે ખોલીને તે હવામાં ઉડી શકતી હોય છે. નવલકથા(અને તેની સિક્વલરૂપે ૧૯૮૮ સુધી લખાયેલા પુસ્તકો)ને ખૂબ સફળતા મળી હતી. ૧૯૬૧માં વૉલ્ટ ડિઝની કંપનીના સ્થાપક વૉલ્ટ ડિઝની(ટોમ હેન્ક્સ)ને મેરી પોપિન્સના પ્રથમ પુસ્તક પર આધારિત ફિલ્મ બનાવવાની ઈચ્છા થઈ. નવલકથાના હકો મેળવવા માટે તેમણે પામેલા ટ્રેવર્સનો સંપર્ક કર્યો. તેમના પુસ્તકનો ફિલ્મી પડદે ડાટ વાળી દેવામાં આવશે ડરે પામેલાએ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. વૉલ્ટે પોતાની દીકરીઓને વચન આપ્યું હતું કે તેમના મનપસંદ કાલ્પનિક પાત્ર મેરી પોપિન્સ પરથી તેઓ ફિલ્મ બનાવીને રહેશે. પોતાનું વચન પૂરું કરવા માટે તેઓ રીતસર પામેલાની પાછળ પડી જાય છે અને તેને ડિઝનીલૅન્ડની મુલાકાત લેવાનું આમંત્રણ આપે છે. પામેલા ડિઝનીલૅન્ડ જાય છે અને નવલકથાના હકો મેળવવા માટે વૉલ્ટ તેને રિઝવવાના શક્ય તમામ પ્રયત્નો આદરે છે. મેરી પોપિન્સ ફિલ્મ સંપૂર્ણ રીતે મૂળ પુસ્તકને વફાદાર રહેશે એવી ખાતરી વૉલ્ટ આપે છે, છતાં પામેલા ટસની મસ નથી થતી. મરણિયા બનીને છેવટે વૉલ્ટ પામેલાની દુખતી નસ દબાવવાનું નક્કી કરે છે. પામેલાના બાળપણ સાથે સંકળાયેલી કડવી યાદોને હથિયાર બનાવી તે આખરી દાવ રમે છે. રસપ્રદ દાવ શું છે જાણવા માટે ફિલ્મ જોવી રહી.

૧૯૬૪માં બનેલી ફિલ્મમેરી પોપિન્સ ખૂબ સફળ થઈ હતી. જુલી એન્ડ્રુઝે એમાં ટાઇટલ રોલ ભજવ્યો હતો. પુસ્તક ઉપરથી ૧૯૮૪માં રશિયામાં એક સંગીતમય ટીવી સિરિયલ પણ બની હતી અને ૨૦૦૬માં બ્રોડ-વે ડ્રામા પણ ભજવાયો હતો જેને મૂળ ફિલ્મ જેવી ભવ્ય સફળતા મળી હતી. જોકે ડ્રામા માટેના હકો વેચવા બાબતે પણ શરૂઆતમાં પામેલા ઉત્સાહિત નહોતા કેમ કે મેરી પોપિન્સ પરથી બનેલી ફિલ્મ તેમને નહોતી ગમી.  


આપણે ત્યાં આમિર ખાન માટે એવી છાપ છે કે હોય એટલે ફિલ્મ કંઈક વિશિષ્ઠ હોય. હોલિવૂડમાં આવું ટોમ હેન્ક્સ માટે કહેવાય છે. ફિલાડેલ્ફિયા, ફોરેસ્ટ ગમ્પ, સેવિંગ પ્રાઇવેટ રાયન, કાસ્ટ અવે, કેચ મી ઇફ યુ કેન, યુ હેવ ગોટ મેઇલ, ધી ટર્મિનલ, ગ્રીન માઇલ, દા વિન્ચી કોડ, એન્જલ્સ એન્ડ ડેમન્સ જેવી કેટલીયે અફલાતૂન ફિલ્મો ટોમે આપી છે. એક સામાન્ય ફિલ્મને પણ ટોમ પોતાની મેથડ એક્ટિંગથી એક અલગ ઊંચાઈ પર લઈ જાય છે. ‘સેવિંગ મિસ્ટર બૅન્ક્સમાં પણ તેણે અદ્ભુત અભિનય કર્યો છે. અન્ય કલાકારો પર રીતસર છવાઈ જનારા લિવિંગ લેજેન્ડ જોકે ફિલ્મમાં સહેજ બેકફૂટ પર આવી જાય છે કેમ કે પામેલા ટ્રેવર્સના રોલમાં એમા થોમ્પસન મેદાન મારી ગઈ છે. વિવેચકો વયસ્ક અભિનેત્રીના અભિનય પર ઓળઘોળ થઈ ગયા છે. ફિલ્મની એકે-એક ફ્રેમને એમાએ જીવી બતાવી છે. સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો વર્ષનો ઓસ્કાર એવોર્ડ એમાને મળશે એવી આગાહી જાણકારો કરી રહ્યા છે. જાણીને નવાઈ લાગશે કે પામેલાની ભૂમિકાને આટલો સરસ ન્યાય આપનાર એમા ફિલ્મસર્જકોની પહેલી પસંદ નહોતી. ધરખમ અભિનેત્રી મેરિલ સ્ટ્રીપે ના પાડ્યા પછી પાત્ર માટે એમાનો નંબર લાગ્યો હતો. એમાના મતે વિક્ષિપ્ત બાળપણનો ભોગ બનેલી પામેલાનો રોલ તેની સમગ્ર કારકિર્દીનો સૌથી મુશ્કેલ રોલ હતો. લેખિકાનું વ્યક્તિત્વ આત્મસાત કરવા માટે એમાએ તેમના બોલવા-ચાલવાના ઢંગનો ખાસ અભ્યાસ કર્યો હતો. તેણે નકલી વિગ વાપરવાને બદલે પોતાના વાળને લેખિકાની હેરસ્ટાઇલ પ્રમાણે સેટ કર્યાં હતાં.

વૉલ્ટ ડિઝની જેવા સામ્રાજ્યસર્જક ફિલ્મનિર્માતાનો રોલ મળે પછી ટોમ પણ કંઈ પાછળ રહે! વૉલ્ટના ખોળિયામાં પ્રવેશવા માટે તેમણે વૉલ્ટના સગાં અને સહકર્મીઓની મુલાકાત લીધી હતી જેથી વૉલ્ટ વિશે શક્ય એટલી વધુ માહિતી ભેગી કરી શકાય. વૉલ્ટના અનેક વીડિયો જોવા-સાંભળવા ઉપરાંત તેમણે વૉલ્ટને હતી અદ્દલ એવી મૂછ પણ ઉગાડી હતી. કલાકારોનું પોતાના કામ પ્રતિ આટલું સમર્પણ હોય પછી ફિલ્મને ચાર ચાંદ લાગે ને!

અભિનય ઉપરાંત પણ ફિલ્મ અનેક મોરચે વિજેતા સાબિત થાય છે. દિગ્દર્શન, મેક-અપ, કોસ્ચ્યુમ્સ, આર્ટ ડિરેક્શન, સિનેમેટોગ્રાફીબધું શ્રેષ્ઠ છે. સેટ બનાવવાને બદલે ડિઝનીલૅન્ડના દૃશ્યો અસલી ડિઝનીલૅન્ડમાં ફિલ્માવવામાં આવ્યા છે. જોકે ૧૯૬૦નો જમાનો દેખાડવાનો હોવાથી ડિઝનીલૅન્ડમાં સમય પછી બનાવવામાં આવેલી રાઇડ્સ અને મહેલો ફિલ્મમાં દેખાય માટેની પૂરી ચીવટ રાખવામાં આવી છે. દૃશ્યોમાં દેખાતા એક્સ્ટ્રા કલાકારો ખરેખર તો ડિઝનીલૅન્ડમાં કામ કરનારા કર્મચારીઓ છે.  

સેવિંગ મિસ્ટર બૅન્ક્સના દિગ્દર્શક જ્હોન લી હેનકોક છે જેમણે રૂકીઅને બ્લાઇન્ડ સાઇટ’ (જેના માટે સાન્ડ્રા બુલોકે બેસ્ટ એકટ્રેસનો ઓસ્કાર જીત્યો હતો) જેવી સફળ ફિલ્મો આપી ચૂક્યા છે. ફિલ્મ ૨૦ ડિસેમ્બરે ભારતમાં રિલિઝ થઈ રહી છે.

નોંધઃ ૨૦ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ફિલ્મ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment