Wednesday, 18 December 2013

એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ નામે ઓળખાતી જોખમી રમતોની ઘેલછા

સાહસિક રમતોનાં અઠંગ શોખીનો સતત નવી નવી રમતોની શોધ કરતા રહે છે અને એમની એવી ઘેલછાને પરિણામે એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ નામે ઓળખાતી વધુ જોખમી રમતો શોધાતી રહે છે. આવી જ કેટલીક એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સથી આજે પરિચિત થઈએ. 


સ્કાઇ સર્ફિંગ - દરિયાનાં મોજા પર થતા સર્ફિંગથી તો આપણે  બધાં જ પરિચિત છીએ પરંતુ હવામાં થતા સર્ફિંગ વિશે મોટાભાગનાં લોકો અજાણ છે. અત્યંત જોખમકારક એવી આ રમતમાં સર્ફર પ્લેનમાં બેસીને હજારો ફીટ ઊંચે જાય છે અને પછી એક પાતળું સર્ફબોર્ડ લઈને પ્લૅનમાંથી નીચે કૂદી પડે છે. સર્ફબોર્ડ ઉપર ઊભા રહીને તેણે શરીરનું સંતુલન જાળવી હવા પર સવારી કરવાની હોય છે. આ રમતનાં ખાં હોય એ લૂપ, રોલ અને હેલિકૉપ્ટર સ્પિન જેવા ખતરનાક સ્ટંટ પણ કરતા હોય છે. સર્ફબોર્ડને હવાનાં અનુપાતમાં યોગ્ય ખૂણે જાળવી રાખવું ઘણું કપરું હોય છે કેમ કે સર્ફર કલાકનાં ૨૨૫ કિલોમીટરની ઝડપે ધરતી તરફ ધસમસતો હોય છે. લૅન્ડિંગ વખતે સર્ફબોર્ડને પગમાંથી કાઢી શરીર પર ચોક્કસ જગ્યાએ બાંધીને પછી પીઠ પર બાંધેલ પેરાશૂટ ખોલી દેવામાં આવે છે. બે સર્ફર એકી સાથે સ્કાઇ સર્ફિંગ કરતા હોય ત્યારે બન્નેનાં શરીર પર રહેલા કેમેરા એકબીજાનું શૂટિંગ કરતા હોય છે. આ રીતે તૈયાર કરાયેલા વિડિઓની ખરી મજા એ છે કે એમાં સર્ફરની દેમાર ઝડપનો ખ્યાલ નથી આવતો અને એવું લાગે છે કે જાણે સર્ફર હવાનાં અદ્રશ્ય મોજાં ઉપર હળવે હળવે હિલોળા લઈ રહ્યો છે. ૧૯૮૬માં ડોમિનિક જેક અને જૉન-પાસ્કલ ઓરોન નામના બે ફ્રેંચ સાહસવીરોએ સ્કાઇ સર્ફિંગની શરૂઆત કરી હતી. ૯૦નાં દાયકામાં પૅપ્સિ, કોકાકોલા અને રિબોક કંપનીઓએ તેમના ઉત્પાદનોની જાહેરાતમાં સ્કાઇ સર્ફિંગ કરતા સાહસિકોને બતાવ્યા ત્યારથી આ રમતને ભારે લોકચાહના મળવા માંડી. અમેરિકા અને યુરોપમાં સ્કાઇ સર્ફિંગની સ્પર્ધા થાય છે જેમાં મસમોટા ઈનામોની લહાણી કરવામાં આવે છે. 


એક્રો પેરાગ્લાઇડિંગ – પરંપરાગત પેરાગ્લાઇડિંગમાં કૅનોપી ઉપર હોય અને સાહસિક નીચે અને એ જ સ્થિતિમાં પેરાગ્લાઇડિંગ પૂરું થતું હોય છે. એક્રો પેરાગ્લાઇડિંગ એવી રમત છે જેમાં સાહસિક કૅનોપી સહિત હવામાં ગલોટિયા ખાય છે. કૅનોપી સાથે બંધાયેલા તારને ચોક્કસ રીતે ખેંચીને સાહસિક વર્ટિકલ્ (ઊભી) અને હૉરિઝૉન્ટલ (આડી) દિશામાં ઝડપથી ચક્કર લગાવવા લાગે છે. દરમ્યાન તે પોતાની ઊંચાઈ પણ ગુમાવતો જાય છે અને છેલ્લી ઘડીએ લૅન્ડિંગ માટે જરૂરી એવું બૅલેન્સ પણ મેળવી લે છે. આ રમતમાં મહારત મેળવવા માટે ખૂબ પ્રૅક્ટિસ (અભ્યાસ) કરવી પડે છે. મોટાભાગનાં પેરાગ્લાઇડર એક્રો પેરાગ્લાઇડિંગ કરવામાં અસફળ જાય છે કેમ કે હવામાં ફૂલ સ્પીડે ફરતી કૅનોપીને નિયંત્રિત કરવી સરળ નથી હોતું.


કેવ ડાઇવિંગ - દુનિયામાં સૌથી ઓછી ખેડાયેલા કુદરતી સ્થળો હોય તો એ પાણીની અંદર આવેલી ગુફાઓ છે અને આવી ગુફાઓમાં ડુબકી લગાવવાનાં સાહસને કેવ ડાઇવિંગ કહેવાય છે. ઓક્સિજન ટેંક, બોડીસૂટ, માસ્ક અને ફિન્સ જેવા સ્કુબા ડાઇવિંગ માટે વપરાતા ઉપકરણો જ કેવ ડાઇવિંગમાં પણ વપરાય છે. જો કે દરિયાનાં તળિયે ફેલાયેલી જીવસૃષ્ટિ કરતા ક્યાંય વધુ જીવવૈવિધ્ય અન્ડરવોટર ગુફાઓમાં જોવા મળી શકે છે. કેટલાક જીવો તો એવા છે કે જે ફક્ત આવી ગુફાનાં અંધારિયા જગતમાં જ અસ્તિત્વ ધરાવે છે. આટલું વાંચતા જ કેવ ડાઇવિંગ કરવાની ચટપટી થવા માંડી હોય તો એ પણ જાણી લો કે આ રમતમાં જીવનું જોખમ ઘણું વધારે છે. અંધકારમાં ડૂબેલી ગુફાઓમાં દિશા શોધવાનું મુશ્કેલ હોય છે. સાહસિકનો ઓક્સિજન પૂરવઠો મર્યાદિત હોવાથી તેણે નક્કી કરેલા સમયે પાછા વળી જવું પડે છે. જો એમ ન થાય તો એવું બને કે ઓક્સિજન પૂરો થઈ જવા છતાં સાહસિક પાણીની બહાર ન આવી શકે અને તેનું મૃત્યુ થઈ જાય. અન્ડરવોટર ગુફાને દિવાલો પણ હોય અને છત પણ, મતલબ કે ચાર તરફથી બંધ ગુફામાંથી કટોકટીનાં સમયે તાત્કાલિક બહાર નીકળી શકાતું નથી. પાણી બર્ફિલું હોય તો ઓર મુસીબત. ઉપરાંત ઝેરી જળચરોનો ખતરો તો ખરો જ. આટઆટલી અડચણોને લીધે કેવ ડાયવિંગ માટે કડક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. દુનિયાનાં લાખો ડાઇવર્સમાંથી એક ટકા કરતા પણ ઓછા ડાઇવર્સ કેવ ડાઇવિંગ માટેની મંજૂરી મેળવી શક્યા છે. બેલિઝની લાઇટહાઉસ રીફ, ફ્લોરિડાની મિલ પોન્ડ, બ્રાઝિલની અનુમાસ કેવ અને મેક્સિકોની બ્લુ એબિસ આ સાહસ માટે જાણીતી જગ્યાઓ છે. કેવ ડાઇવિંગ અને તેના જોખમો (હોલિવુડની ફિલ્મ હોય તો જોખમ તો હોય જ ને!) વિશે ૨૦૧૧માં સેંક્ટમ નામની એક રોમાંચક ફિલ્મ બની છે. 

ક્લિફ ડાઇવિંગ – ઓલિમ્પીક રમતોત્સવમાં ડાઇવિંગ નામની જે રમત આપણે જોઈ છે તેનું જ એક વધુ જોખમી વર્ઝન એટલે ક્લિફ ડાઇવિંગ. આ રમતમાં ઊંચા પહાડની ધાર પરથી નીચે પાણીમાં કૂદવાનું હોય છે. વિજ્ઞાનનો નિયમ છે કે ૬ મીટરની ઊંચાઈ પરથી પાણીમાં ભૂસકો મારતી વખતે વ્યક્તિની ઝડપ ૪૦ કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય છે. યોગ્ય રીતે પાણીમાં લૅન્ડિંગ ન થાય તો હાડકાં પણ ભાંગી શકે અને કરોડરજ્જુ પણ. એટલા માટે જ આ રમતને દુનિયાની સૌથી જોખમી રમતોમાં ગણવામાં આવી છે. અન્ય સાહસિક રમતોની જેમ ક્લિફ ડાઇવિંગ માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ એમનું પાલન બધે કરવામાં આવતું નથી. પાણીની ઊંડાઈને અનુરૂપ જ કૂદકાની ઊંચાઈ નક્કી કરવામાં આવે છે પરંતુ એ નિયમની ઐસીતૈસી કરીને સાહસિકો આંધળુકિયા કરતા હોય છે અને જીવ ગુમાવતા હોય છે. છેક ૧૭૭૦માં હવાઈ ટાપુમાં ત્યાંના રાજાના મનોરંજન માટે ક્લિફ ડાઇવિંગની શરૂઆત થઈ હતી. ભારતમાં ઋષિકેશ (ઉત્તરાખંડ), હમ્પી (કર્ણાટક) અને બેડાઘાટ (જબલપુર, મધ્યપ્રદેશ) ખાતે ક્લિફ ડાઇવિંગની સગવડ ઉપલબ્ધ છે.


સ્નો બોર્ડિંગ -  દરિયાની સપાટી પર તરાપા જેવા એક બોર્ડ પર સરકતાં સરકતાં જે રીતે સર્ફિંગ થાય છે એ રીતે જ બરફાચ્છાદિત પર્વતો પર બરફ ઉપર સરકવાની રમતને સ્નો બોર્ડિંગ કહેવાય છે. આ રમતમાં સ્લેડિંગ, સર્ફિંગ અને સ્કીંઈંગ જેવી રમતોનું મિશ્રણ જોવા મળે છે. શિયાળુ ઓલિમ્પિક રમતોત્સવની રમતો પૈકીની એક એવી સ્નો બોર્ડિંગની શરૂઆત અમેરિકામાં ૬૦નાં દાયકામાં થઈ હતી. અમેરિકા, કેનેડા અને યુરોપમાં આ અડ્વેન્ચર સ્પોર્ટ્સનો આનંદ માણી શકાય છે. 


વોલ્કેનો બોર્ડિંગસ્નો બોર્ડિંગમાં જ્યાં બરફાચ્છાદિત પહાડોનાં ઢોળાવ પરથી સરકતાં સરકતાં નીચે આવવાનું હોય છે ત્યાં વોલ્કેનો બોર્ડિંગ નામના લૅટેસ્ટ અડ્વેન્ચર સ્પૉર્ટમાં જ્વાળામુખીની ટોચ પરથી મેટલ અથવા પ્લાયવૂડ બોર્ડ પર ઊભા રહીને કે બેસીને નીચે સરકવાનું હોય છે. હેલ્મેટ, ગૉગલ્સ, જમ્પસુટ અને ની-પેડ જેવા સુરક્ષાસાધનો પહેર્યાં હોવા છતાં આ રમતમાં સાહસિકો ખૂબ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થતાં હોય છે કેમ કે જ્વાળામુખીની રાખનાં કણો સામાન્ય રાખનાં કણો કરતાં વધુ ખરબચડા અને પરિણામે વધુ જોખમકારક હોય છે. મધ્ય અમેરિકી દેશ નિકારાગુઆમાં આવેલ કેરો-નેગ્રો જ્વાળામુખી વોલ્કેનો બોર્ડિંગ માટે જાણીતું સ્થળ છે. 


ક્રોકોડાઈલ બન્જી જમ્પિંગ - પગે મજબૂત, સ્થિતિસ્થાપક દોરડું બાંધીને ઊંચાઈએથી કૂદકો મારવાની રમત એટલે બન્જી જમ્પિંગ. ભારે રોમાંચક એવી આ રમતમાં રોમાંચનું વધુ એક તત્વ ઉમેરવાનાં ઈરાદે ક્રોકોડાઈલ બન્જી જમ્પિંગની શોધ કરવામાં આવી છે. આ રમતમાં સાહસિક પોતાને બન્જી સાથે બાંધીને ઊંચાઈ પરથી નીચે (મગરથી ભરેલા) નદી કે તળાવમાં ભૂસકો મારે છે અને ઝટકા સાથે પાણીની સપાટીથી અમુક અંતરે હવામાં લટકતો રહે છે. તેણે મોં ફાડીને પડેલા મગરને થાપ આપીને પોતાનો જીવ બચાવવાનો હોય છે. જો તે એમ કરી શકે તો થ્રીલ નહીં તો કિલ! આવું જીવસટોસટનું સાહસ કરવામાં આજ સુધી ઘણા સાહસિકો મગરનો કોળિયો બની ચુક્યા છે. ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા ક્રોકોડાઈલ બન્જી જમ્પિંગ માટેના હોટસ્પોટ છે.


પાવરબ્લોકિંગ – સ્પ્રીંગ જડેલા, લવચીક પદાર્થમાંથી બનેલા સ્ટિલ્ટ પહેરીને ઝડપથી દોડવા કે કાંગારુની જેમ ઉછળવાની રમતને પાવરબ્લોકિંગ કહે છે. એકવાર આવા સ્ટિલ્ટ પહેર્યા બાદ બહુ જ આસાનીથી દોડી અને કૂદી શકાય છે. સાહસિક ૩ થી ૫ ફીટ ઊંચો કૂદકો મારી શકે છે અને ૯ ફીટ લાંબી ફર્લાંગ ભરી શકે છે. દોડવાનો વેગ ૨૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે પરંતુ જો આ ઝડપ કાબૂમાં લેતા ન આવડતું હોય તો અકસ્માત થવાની સંભાવના રહે છે. પાવરબ્લોકિંગની મજા માણવા જતા લકવાગ્રસ્ત થયેલા લોકોનું લિસ્ટ બહુ લાંબુ છે તેમ છતાં સાહસિકો પીછેહટ કરવા તૈયાર નથી. દેખાવમાં સામ્યતા હોવા છતાં પાવર બ્લોકિંગના સ્ટિલ્ટ અને બ્લૅડ રનર તરીકે વિખ્યાત (અને હવે ગર્લ ફ્રેન્ડની હત્યા બદલ કુખ્યાત) થયેલા દક્ષિણ આફ્રિકાના દોડવીર ઓસ્કાર પિક્ટોરિયસ જે પ્રોસ્થેટિક લેગ્સ વાપરે છે તેમાં ફરક છે.     

એર કિકિંગ - એર કિકિંગમાં સ્વિમિંગ પૂલના એક છેડે ગિલોલ જેવું એક યંત્ર હોય છે જેના ઉપર સાહસિકે સવાર થવાનું હોય છે. યંત્રમાં ૬૦ લીટર જેટલા પાણીનું પ્રેશર ઊભું કરીને સાહસિકને જોરથી ધક્કો મારવામાં આવે છે અને તે સ્વિમિંગ પૂલનાં પાણીમાં ૨૫ થી ૩૦ ફીટ દૂર ફેંકાઈ જાય છે. પ્રમાણમાં ઓછી જોખમી એવા આ વોટર સ્પૉર્ટ માટે વ્યક્તિને તરતા આવડતું હોય એ જરૂરી છે. યુરોપ, અમેરિકામાં આ રમતે લોકોને ઘેલું લગાડ્યું છે. તેઓ એર કિકિંગ માટે ખાસ પાર્ટીઓ યોજે છે. 


ફ્રી સોલોઈંગ – શરીરે દોરડું બાંધીને પહાડ ચડવાનું હોય એ રમત કહેવાય પણ ઊંચા પહાડો ચઢતી વખતે દોરડાં જેવી કોઈપણ પ્રકારની સલામતી ન રાખવામાં આવે તો તેને પાગલપણું જ કહેવાય. હોંશેહોંશે આવું પાગલપણું કરનારા અનેક સાહસિકો દુનિયામાં ભર્યા પડ્યા છે. ફ્રી સોલોઈંગ કહેવાતી આ રમતમાં કોઈ પણ આધાર વગર માત્ર પહેરેલ લૂગડે ઊંચા પહાડ પર સીધું ચઢાણ ચઢવાનું હોય છે. આ રમતમાં મૃત્યુદર ખૂબ ઊંચો હોવા છતાં શૂરવીરોની એના પ્રતિ ઘેલછા ઓછી નથી થતી. જો કે આ રમતમાં જોખમનું સ્તર ઘટાડવા અને રોમાંચનું તત્વ ઉમેરવા માટે તેની સાથે બેઝ જમ્પીંગનું કોમ્બીનેશન કરવામાં આવે છે. આમાં સાહસિક ફ્રી સોલોઈંગ કરતી વખતે પોતાની પીઠ ઉપર પેરાશૂટ બાંધી રાખે છે અને નક્કી કરેલ ઊંચાઈએ પહોંચ્યા બાદ નીચે ભૂસકો મારીને પેરાશૂટ ખોલી દે છે. ઉપર ચડતી વખતે જ જો સાહસિક સંતુલન ગુમાવીને નીચે પડે તો આ પેરાશૂટ તેનો જીવ બચાવી શકે છે.  


વિંગસૂટ ફ્લાઈંગ રમતમાં એક ચોક્કસ પ્રકારનો જમ્પસૂટ પહેરીને ઊંચાઈ પરથી પડતું મૂકવાનું હોય છે. આખા શરીરને આવરી લેતા જમ્પસૂટ નીચે હવા ભરાતા સાહસિકને તારક બળ મળે છે અને તેથી તે પંખીની જેમ આકાશમાં વિહરવા માંડે છે. સૂટમાં પેરાશૂટ પણ જોડેલું હોય છે અને સાહસિક જમીનની નજીક પહોંચે ત્યારે તેણે પેરાશૂટની સ્વિચ દબાવીને એ ખુલ્લું મૂકવાનું હોય છે જેથી એ પેરાશૂટ દ્વારા સરળતાથી જમીન પર ઊતરી શકે. વિંગસૂટ ફ્લાઈંગને બીજા ત્રણ નામથી પણ ઓળખવામાં આવે છે. સાહસિક પક્ષીની જેમ ઉડી શકતો હોવાથી તેને બર્ડમેન સૂટ ફ્લાઈંગ, એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર હનુમાન છાપ કૂદકા મારતી ખિસકોલી પરથી ફ્લાઈંગ-સ્ક્વિરલ સૂટ ફ્લાઈંગ અને સૂટને લીધે સાહસિકનો દેખાવ ચામાચિડીયા જેવો લાગતો હોવાથી બૅટ સૂટ ફ્લાઈંગ પણ કહેવામાં આવે છે. વિંગસૂટ ફ્લાઈંગ શીખવા માટે ખાસ તાલીમ લેવી પડે છે.

ફ્રેંચ સ્કાઇડાઈવર પેટ્રીક ગયાર્ડે ૧૯૯૭માં વિંગસૂટ ફ્લાઈંગની શરૂઆત કરીને સનસનાટી મચાવી દીધી હતી કેમ કે આ રમતમાં માણસની પક્ષીની જેમ ઊંચા ગગનમાં વિહરવાની સદીઓ જૂની ઈચ્છા પૂરી થતી હતી. કમનસીબે બીજા જ વર્ષે વિંગસૂટ ફ્લાઈંગ કરતી વખતે તેમના સૂટમાં કંઈક ગરબડ સર્જાતા તેમને અકસ્માત નડ્યો અને તેમનું મૃત્યુ થઈ ગયું. આ દુર્ઘટનાને લીધે સાહસિકોના ઉત્સાહમાં કોઈ ફરક ના પડ્યો અને વિંગસૂટ ફ્લાઈંગની લોકપ્રિયતા વધતી જ ગઈ. ૨૦૧૩નાં મે મહિનામાં જાપાનના વિંગસૂટ ફ્લાયર શિન ઇટોએ ૯૮૦૦ મીટરની ઊંચાઈથી કૂદકો મારીને ફક્ત પાંચ જ મિનિટમાં હવામાં ૨૩ કિલોમીટરનું અંતર કાપવાનો વિશ્વરેકોર્ડ બનાવ્યો હતો.  

આઈસ વોટર સ્વિમિંગ ચીન અને રશિયામાં દાયકાઓથી જે રમત પરંપરાગત ચાલી આવી છે એ આઈસ વોટર સ્વિમિંગના ચાહકો હવે દુનિયાભરમાં જોવા મળે છે. લગભગ બરફ થઈ ગયેલી નદીના પાણીમાં તરવાની આ રમતમાં ભલભલાના ગાત્રો થીજી જાય છે. રમત દરમ્યાન સાહસિક બેહોશ થઈ ગયા હોય, હ્રદયરોગનો હુમલો થયો હોય અને નર્વ્સ સિસ્ટમ બગડી ગઈ હોય એવા અનેક બનાવો બન્યા છે. ટાઢા પાણીમાં છલાંગ લગાવતાં પહેલાં શરીરને કેળવવું પડે છે અને એના માટે તાલીમ લેવી પડે છે નહીંતર સાહસિકને જીવનું જોખમ થઈ શકે છે. ઈન્ટરનેશનલ આઈસ સ્વિમિંગ એસોસિયેશન દર વર્ષે શિયાળામાં આઈસ વોટર સ્વિમિંગની સ્પર્ધા રાખે છે  જેમાં ૬૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લે છે. આઈસમેન તરીકે ઓળખાતા નેધરલૅન્ડના વિમ હોફે વર્ષ ૨૦૦૦માં બર્ફિલી નદીની થીજેલી સપાટી નીચે ૫૭.૫ મીટર જેટલું અંતર કાપીને વિશ્વરેકોર્ડ બનાવ્યો હતો. શરીરનું તાપમાન જાળવી રાખવા માટે તેમણે તુમ્મો મેડિટેશન કહેવાતી ટિબેટની કળાનો ઉપયોગ કર્યો હતો. ધ્યાન દ્વારા શરીરનું તાપમાન જાળવી રાખવાની આ અદ્ભુત કળાને વિજ્ઞાનનું પણ સમર્થન મળ્યું છે.       


સ્લેકલાઇનિંગ – બે ઊંચા પોઇન્ટ સાથે બાંધેલા દોરડાં ઉપર સંતુલન જાળવીને ચાલવાની આ રમત અન્ય સાહસિક રમતોની સરખામણીમાં સરળ લાગતી હોય તો ક્યારેક એમ કરવાની કોશિશ કરી જોજો. આપણે ત્યાં નટબજાણિયાઓ દ્વારા શેરીઓમાં દોરડાં પર ચાલવાનો જે ખેલ કરવામાં આવે છે એમાં દોરડું એકદમ તંગ રાખવામાં આવે છે અને ચાલીને કાપવાનું અંતર પણ બાર-પંદર ફીટ કરતાં વધારે હોતું નથી. સ્લેકલાઇનિંગમાં દોરડું તંગ રાખવાને બદલે થોડું ઢીલું રાખવામાં આવે છે જેને લીધે સાહસિકને બાઉન્સી ઇફેક્ટ મળે છે જે તેને સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. બીજું આ રમતમાં બે અંત્યબિંદુ વચ્ચે ખાસ્સું અંતર રાખવામાં આવે છે. ડેરડેવિલ સાહસોમાં માનનારાઓ તો સ્લેકલાઇનિંગ કરીને પહાડી ખીણ પણ પાર કરતા હોય છે! સ્લેકલાઇનિંગ કરનારને સ્લેકર કહેવાય છે. વર્ષ ૨૦૦૬માં ક્રિસ્ચિયન શૌ નામના સ્લેકરે નોર્વેમાં જમીનથી અધધધ કહી શકાય એવી ૧૦૦૦ મીટરની (૧ કિલોમીટર, પેરિસના એફિલ ટાવર કરતાં ત્રણ ગણી) ઊંચાઈ પર સફળતાપૂર્વક સ્લેકલાઇનિંગ કરીને વિશ્વને દંગ કરી દીધું હતું.              

નોંધઃ ૧૨ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ટ્રાવેલ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.        


No comments:

Post a Comment