Saturday 21 December 2013

ડાબોડી-જમણેરીની ભાંજગડ

દુનિયામાં દરરોજ જાતજાતના સંશોધનો થતાં રહે છે અને પશ્ચિમના દેશોમાં થતાં કેટલાક સંશોધનો તો એટલા વિચિત્ર વિષયના હોય છે કે આપણેઅહો, આશ્ચર્યમ્‍!’ થઈ જઈએ. તાજેતરમાં ડાબોડી હોય એવા લોકોને રોજબરોજની ક્રિયામાં પડતી તકલીફો વિશે એક સંશોધન થયું હતું. ડાબોડી હોવું વ્યક્તિના જનીન પર આધારિત હોય છે. PCSK6 નામના જનીનમાં થતાં મ્યુટેશન (રંગસૂત્ર પરિવર્તન)ને લીધે માતાના ગર્ભમાં હોય ત્યારે બાળક ડાબોડી કે જમણેરી બનશે નક્કી થઈ જાય છે. તાજેતર સંશોધનો એવું સાબિત કરે છે કે જનીન ઉપરાંત સામાજિક માન્યતાઓ અને વ્યવહારો પણ બાબતમાં કારણભૂત બને છે. ‘ધી લોપસાઇડેડ એપનામના પુસ્તકમાં લેખક માઇકલ કોર્બેલિસ જણાવે છે કે પ્રાણીઓની કોઈપણ પ્રજાતિમાં કદી ડાબોડી-જામણેરી એવો ભેદ હોતો નથી કેમ કે તેમની ઉપર ડાબો હાથ વાપરવાને લઈને કદી મનોવૈજ્ઞાનિક દબાણ નથી હોતું. તેમના મતે ડાબોડી હોવા માટે ફક્ત જનીનો જવાબદાર હોત તો પ્રાણીઓમાં પણ ડાબોડી હોત. માણસ એકમાત્ર પ્રાણી છે જે ખુદ પોતાના અંગ પ્રત્યે ભેદભાવપૂર્ણ વર્તન રાખે છે. વિષય પરધી લેફ્ટ-હેન્ડર સિન્ડ્રોમઅનેધી પઝલ ઓફ લેફ્ટહેન્ડેડનેસનામના રસપ્રદ પુસ્તકો લખાયા છે
   

વિશ્વની લગભગ તમામ સંસ્કૃતિઓમાં જમણા હાથને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં ડાબા હાથને અશુભ ગણવામાં આવ્યો હોવાની માન્યતા છે જેને લીધે ધાર્મિક રીતરિવાજોમાં ડાબા હાથનો ઉપયોગ વર્જ્ય ગણાયો છે. હકીકતમાં શાસ્ત્રોમાં ધાર્મિક રીતરિવાજો વખતે સંપૂર્ણ શરીરની સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ડાબો હાથ હાજતને લગતી ક્રિયાઓમાં વપરાતો હોવાથી તેને અમસ્તુ અશુભનું લેબલ ચોંટાડી દેવામાં આવ્યું છે. ડાબોડી બાળકોને નાનપણથી ટોકવામાં આવે છે જેને લીધે તેમનામાં લઘુતાગ્રંથિ ઘર કરી જતી જોવા મળે છે અને તેઓ અભ્યાસમાં પણ પાછળ પડી જતાં જોવા મળે છે. ડાબા હાથે જમતા લોકોને જોઈ ઘણાને સૂગ ચડતી હોય છે.   

ડાબા હાથ પ્રત્યેનો આવો અણગમો કફ્ત ભારતમાં જોવા મળે છે એવું નથી. લેટિન ભાષામાં જમણામાટે શબ્દ છેડેક્સ્ટરજેના પરથી અંગ્રેજી શબ્દ રચાયોડેક્સ્ટરસજેનો અર્થ થાય પ્રવિણ કે હોંશિયાર. લેટિનમાંડાબામાટે શબ્દ છેસિનિસ્ટ્રા’, જેના પરથી રચાયેલા અંગ્રેજી શબ્દસિનિસ્ટરનો મતલબ થાય શેતાની કે અપશુકનિયાળ! અંગ્રેજી ભાષા ડાબા પ્રતિ અન્યાયી હોવાની વધુ સાબિતી છે. અહીં ઓકવર્ડ (awkward) શબ્દ માટે two left feet અને કટાક્ષ માટે left-handed compliment એવો શબ્દસમૂહ પણ છે. સ્કોટલૅન્ડમાં તો દરિદ્ર અને ગંભીર બીમારીનો કાયમી ભોગ બનનાર માટે એવું કહેવાય છે કે ચોક્કસ એનું બાપ્ટિઝમ (ખ્રિસ્તી બાળકોની ધાર્મિક શુદ્ધિ માટે કરવામાં આવતી વિધિ) કોઈ ડાબોડી પાદરીએ કર્યું હશે! ઈંગ્લૅન્ડમાં વિક્ટોરિયન યુગમાં શાળામાં ડાબોડી વિદ્યાર્થીઓનો ડાબો હાથ પીઠ પાછળ રીતસર બાંધી દેવામાં આવતો હતો જેથી તેઓ જમણા હાથથી લખવાની ટેવ પાડે. રમૂજ પમાડે એવી વાત હતી કે ખુદ ઇંગ્લૅન્ડની રાણી વિક્ટોરિયા પણ ડાબોડી હતી! કોઈને રાણીનો હાથ પીઠ પાછળ બાંધવાનો વિચાર નહિ આવ્યો હોય? દુનિયાના અનેક મહાન ચિત્રકારોએ તેમના ચિત્રોમાં શેતાનને ડાબોડી દેખાડ્યો હોવાથી પણ ડાબા હાથને અશુભ માનવામાં આવે છે.

વિશ્વની કુલ વસ્તીના ફક્ત દસ ટકા લોકો ડાબોડી હોવાથી મોટાભાગની વસ્તુઓ (કન્ઝ્યુમર ગુડ્) જમણેરી લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. સ્વાભાવિક છે કે આવી વસ્તુઓ વાપરવામાં ડાબોડી લોકોને અગવડ પડે. સ્પાઇરલ બાઇન્ડિંગવાળી નોટબુક્સમાં લખવામાં, કાતર વાપરવામાં, મૂવેબલ રાઇટિંગ પેડ ધરાવતી ખુરશી વાપરવામાં, ગોલ્ફ રમવામાં અને કમ્પ્યુટર કિ-બોર્ડ પર જમણી બાજુ આવેલ હોવાથી નંબર પેડ વાપરવામાં ડાબોડી લોકોને તકલીફ પડે છે. ઉપરાંત પણ ઘણી એવી ચીજો છે જેને ઉપયોગમાં લેતી વખતે તેમને નાની-મોટી મુશ્કેલીઓ પડતી હોય છે. કારણસર ફેક્ટરીઓમાં વપરાતા યંત્રો પર કામ કરતી વખતે મોટેભાગે ડાબોડીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે.

પશ્ચિમી દેશોમાં તો ડાબોડી માણસોની સુવિધા માટે તેમને અનુકૂળ આવે એવા સાધનો બનાવીને વેચવામાં આવે છે. અમેરિકામાંલેફ્ટિઝઅને ઇંગ્લૅન્ડમાંએનિથિંગ લૅફ્ટ હેન્ડેડઆવા સાધનો વેચતા સ્ટોર્સ છે. કાતર અને સ્ક્રૂ ડ્રાઇવરથી લઈને હોમ એપ્લાયન્સીસના ખાસ ડાબોડી લોકો માટે ડિઝાઇન કરેલા સાધનો અહીં મળે છે. પૂના ખાતેએસોસિયેશન ઓફ લેફ્ટ હેન્ડર્સનામની એક સંસ્થા આવેલી છે, જેના સ્થાપક બિપિનચંદ્ર ચૌગુલે વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે કે ભારતમાં પણ પ્રકારની વસ્તુઓ મળતી થાય. જોકે ડાબોડીઓની ઓછી સંખ્યાને ધ્યાનમાં લેતા આવી વસ્તુઓનું ઉત્પાદન ઓછી સંખ્યામાં કરવું પડે અને એમ કરતાં ઉત્પાદન ખર્ચ વધી જાય જે ગ્રાહકને પરવડી શકે.

ડાબોડી હોવાને કોઈ વ્યક્તિની સફળતા કે નિષ્ફળતા સાથે કંઈ સંબંધ નથી. ઈતિહાસ એવા વ્યક્તિઓથી ભરપૂર છે કે જેઓ ડાબોડી હોવા છતાં અત્યંત સફળતાને વર્યા છે. નામો વાંચીને નવાઈ લાગે તો કહેજો. જોન ઓફ આર્ક, જુલિયસ સિઝર, એલેક્ઝાન્ડર ગ્રેટ, માઇકલ એન્જેલો, નેપોલિયન બોનાપાર્ટ, ફિડેલ કાસ્ટ્રો, હેન્રી ફોર્ડ. લિસ્ટ અહીં પૂરું નથી થતું. રોનાલ્ડ રેગન, હેરી ટ્રુમેન, બિલ ક્લિન્ટન અને બરાક ઓબામા જેવા અમેરિકન પ્રમુખો પણ ડાબોડી હતા. શો-બિઝ તો કરોડોમાં આળોટતા ડાબોડીઓથી છલોછલ છે. બિટલ્સ ફેમ સંગીતકાર પૌલ મેક્કાર્ટની, ચાર્લી ચેપ્લિન, ટોમ ક્રૂઝ, રોબર્ટ ડી નીરો, ગ્રેટા ગાર્બો, નિકોલ કિડમેન, એન્જેલિના જોલી, કિઆનુ રિવ્ઝ, જુલિયા રોબર્ટ્, બ્રુસ વિલિસ, બ્યુટિક્વિન મેરલિન મનરો, મહાનાયક અમિતાભ બચ્ચનયાદી અનંત છે.


રમત-ગમત એક એવું ક્ષેત્ર છે જેમાં ડાબોડી હોવું વિશેષ લાભકારક સાબિત થાય છે. કોઈપણ રમતમાં ખેલાડીનું મુખ્ય લક્ષ્ય હરીફ પર જીત મેળવવાનું હોય છે. મોટાભાગના ખેલાડીઓ જમણેરી હરીફ સામે મુકાબલો કરવા માટે ટેવાયેલા હોવાથી સામે જ્યારે ડાબોડી હરીફ આવે ત્યારે તેમના માટે મૂંઝવણ પેદા થતી હોય છે. ક્રિકેટમાં એટલા માટે ઓપનિંગ જોડીમાં મોટેભાગે એક ખેલાડી જમણેરી અને બીજો ડાબોડી હોય છે જેથી હરીફ ટીમના બોલર અને ફિલ્ડરનું કામ મુશ્કેલ બને. ડાબા હાથે બેટિંગનો જાદુ ચલાવનારા ક્રિકેટરોમાં એલન બોર્ડર, ગેરી સોબર્સથી લઈને બ્રાયન લારા, યુવરાજ સિંહ સુધી અનેક નામો મળી આવશે. બોલર્સમાં આવા ડાબોડી કલાબાજો છે બ્રુસ રીડ, બિશન સિંઘ બેદી, વસીમ અકરમ, ઝહિર ખાન. જમણેરી બેટ્સમેન હોવા છતાં સચિન તેંડુલકર ડાબા હાથે લખે અને જમે છે. જ્યારે સૌરવ ગાંગુલીનું એનાથી ઉલટું છે. અન્ય તમામ કામ જમણા હાથે કરતો હોવા છતાં તે બેટિંગ ડાબા હાથે કરતો.      

ડાબા હાથે ઓલિમ્પિક ગોલ્ડ અને ૧૩ જેટલા ગ્રાન્ડ સ્લેમ જીતવાની સિદ્ધિ મેળવનાર વર્તમાન વિશ્વ નંબર વન ટેનિસ ખેલાડી સ્પેનના રાફેલ નડાલનું પણ સૌરવ ગાંગુલી જેવું છે. તે મૂળ તો જમણેરી છે. તે નાનો હતો ત્યારથી તેના કાકા અને કોચ ટોની નડાલે તેને ડાબા હાથે ટેનિસ રમવાની ટેવ પાડી હતી કેમ કે ટેનિસમાં પણ જમણેરી ખેલાડીની સરખામણીમાં ડાબોડી ખેલાડીનેએડ્વાન્ટેજમળે છે. રોડ લેવર, જીમી કોનર્સ, માર્ટિના નવરાતિલોવા, મોનિકા સેલેસ જેવા ઘણાં ટેનિસ પ્લેયર્સ છે જેમણે ડાબા હાથને સહારે તેમની કારકિર્દીમાં ઝંઝાવાતી સફળતા મેળવી છે. અન્ય એક રમત બોક્સિંગ છે જેમાં ડાબોડી હોવું ફાયદાકારક સાબિત થાય છે.

મૂક-બધિર અને અંધ એવા હેલન કેલરે ડાબા હાથના સહારે વિશ્વના અનેક વિકલાંગોને જીવન જીવવાની નવી કેડી કંડારી બતાવી હતી. લિયોનાર્દો--વિન્ચીનો ડાબો હાથ હતો જેણે મોનાલિસા જેવા માસ્ટરપીસનું સર્જન કર્યું હતું. ડાબો હાથ કુખ્યાત અમેરિકન સાયકો જેક- રિપર પાસે હરોળબંધ હત્યા કરાવે છે તો પારલૌકિક શક્તિઓના સ્વામી યુરી ગેલર પાસે હેરતઅંગેજ પ્રયોગો પણ કરાવે! અને ડાબો હાથ એચ. જી. વેલ્સ પાસે સદાબહાર સાયન્સ ફિક્શનની કલ્પનાતીત દુનિયાનું સર્જન પણ કરાવે.

૧૯૯૬થી વિશ્વભરમાં ૧૩ ઓગસ્ટનો દિવસ ડાબોડી લોકોના દિવસ તરીકે ઊજવાય છે. દિવસે ડાબોડી લોકોને નડતી વિવિધ મુશ્કેલીઓ (અંગત અને સામાજિક) વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે. આપણી આસપાસના ડાબોડી લોકો પ્રતિ કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ દાખવીને આપણે પણ આપણી સામાજિક ફરજ અદા કરીએ ઈષ્ટ છે.  

નોંધઃ ૨૨ ડિસેમ્બર૨૦૧૩ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'સન્ડે ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.   

No comments:

Post a Comment