Saturday, 4 January 2014

સત્યઘટના પર આધારિત ફેન્ટસી-એક્શન ફિલ્મ ‘૪૭ રોનિન’

દર બીજે-ત્રીજે અઠવાડિયે રજૂ થઈ રહેલી લાર્જર ધેન લાઇફ ફેન્ટસી ફિલ્મોના લિસ્ટમાં લેટેસ્ટ ઉમેરો છે ૪૭ રોનિનનો. પ્રકારની મોટાભાગની ફિલ્મો કાલ્પનિક હોય છે પરંતુ ૪૭ રોનિનની વિશેષતા છે કે એની થીમ સત્યઘટનાત્મક છે. ૧૮મી સદીની શરૂઆતમાં જાપાનમાં ઘટેલી ઘટના પરથી બનેલી ફિલ્મની વાર્તા કંઈક આવી છે

શોગન રાજ્યના એક ઉચ્ચ અધિકારી કિરા(તાદાનોબુ અસાનો)ના ષડયંત્રનો ભોગ બનેલા પ્રમાણિક સમુરાઇ યોદ્ધા અસાનો(મિન તનાકા)ને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવે છે. આત્મહત્યાની પદ્ધતિમાં જાપાની યોદ્ધા ઘૂંટણભેર બેસીને એક ધારદાર છરી પોતાના પેઢુમાં ઘુસાવીને પોતાના આંતરડા કાપી નાખવા માટે છરીને ડાબેથી જમણે ઘુમાવે છે. સેપ્પકુ કહેવાતી આત્મહનનની રસમ દ્વારા સમુરાઇ યોદ્ધા સન્માનપૂર્વક જીવનનો અંત આણતા હોય છે

અસાનોની સજાના અમલ બાદ તેના ૩૨૦ સમુરાઇ શિષ્યોને સમુરાઇના સન્માનનીય હોદ્દાને બદલે રોનિન કહેવાતો નીચલો દરજ્જો આપવામાં આવે છે. અપમાનજનક જીવન જીવવા કરતા અસાનોના શિષ્યો પણ સેપ્પકુની સ્વૈચ્છિક સજા સ્વીકારી આત્મહત્યા કરે છે. ૪૬ શિષ્યો આત્મહત્યા કરવાને બદલે કિરાની હત્યા કરીને ગુરુની મોતનો બદલો લેવાના સોગંધ લે છે. ગરીબ જાપાની મહિલા અને બ્રિટિશ સાગરખેડૂના અનૌરસ સંતાન કાઇ(કિઆનુ રિવ્ઝ)ને ન્યાતબહાર મૂકવામાં આવ્યો હોય છે. રાજ્ય દ્વારા તેને થયેલા અપમાનનો બદલો લેવા તે પણ ફૌજની સાથે ૪૭મા રોનિન તરીકે જોડાય છે.


રોનિન ગ્રુપથી ડરીને કિરા પોતાની સલામતી વ્યવસ્થા વધારી દે છે. સતત અંગરક્ષકોથી ઘેરાયેલા રહેતા કિરાના ઘરની સુરક્ષા માટે હજારો સૈનિકો ખડેપગે હાજર રહે છે. અભેદ્ય કિલ્લાસમી સુરક્ષા વ્યવસ્થાને ધ્વસ્ત કરવા બધા રોનિન ભેગા મળીને વિશેષ પ્લાન બનાવે છે. તેઓ શહેરથી દૂર અજ્ઞાતવાસમાં જતા રહે છે અને કોઈપણ હુમલો કરતા નથી જેથી કિરા પોતાની સલામતી બાબતે થોડો બેદરકાર બને. થોડા સમય બાદ તેઓ મજૂર અને વેપારીના વેશમાં શહેરમાં ઘૂસે છે. એક રોનિન તો બનાવટી ઓળખ ઊભી કરી કિરાના કુટુંબની એક યુવતી સાથે લગ્ન પણ કરી લે છે. તેનું લક્ષ્ય કિરાના મહેલ સમા ઘરના ખૂણેખૂણાનો નકશો તૈયાર કરવાનું હોય છે જેથી તેના ઘર પર હુમલો કરતી વખતે તેના સાથીઓને તેના ઘર વિશે જાણ હોય.

લાંબી તૈયારીઓ બાદ એક રાતે કિરાના ઘર પર હુમલો કરવામાં આવે છે. રોનિન યોદ્ધાઓ જીવ પર આવીને લડે છે અને કિરાના અંગરક્ષકોનો સફાયો કરી દે છે. સન્માનપૂર્વક મોતને ભેટી શકે માટે કિરાને સેપ્પકુ સ્વીકારવાનું કહેવામાં આવે છે જેનો તે ઇન્કાર કરે છે. છેવટે કાઇ તેનો શિરચ્છેદ કરીને તેનો અંત આણે છે.
જીવનના એકમાત્ર લક્ષ્યને મેળવી લીધા બાદ રોનિન ટોળકી ધરપકડ વહોરી લે છે. રાજા તેમને સેપ્પકુની સજા સંભળાવે છે અને તમામ રોનિન (જેમાં એક તો ફક્ત સોળ વર્ષનો છોકરો હોય છે) એકી સાથે હસતા મુખે પ્રાણત્યાગ કરે છે.      

આટલી વાર્તા જેમની તેમ રાખીને કેટલાક ફિલ્મી મસાલા પણ ભભરાવવામાં આવ્યા છે. ફિલ્મ એડવેન્ચર ફેન્ટસી હોવાથી આગ ઓકતા ડ્રેગન, રૂપ બદલતી ડાકણ અને વિશાળકાય રાક્ષસો ઉમેરવામાં આવ્યા છે જે મોટાભાગના વિવેચકોને પસંદ આવ્યું નથી. તેમના મતે બિનજરૂરી પાત્રો અને સબપ્લૉટ્સ ઘુસાડીને એક ક્લાસિક કથાનું કચુંબર બનાવી દેવામાં આવ્યું છે. ક્રાઉચિંગ ટાઇગર હિડન ડ્રેગન, ગ્લૅડિએટર અને લોર્ડ ઓફ ધી રિંગ્સ જેવી માઇલસ્ટોન ફિલ્મોની ફિલ્મ ઉપર સ્પષ્ટ છાપ વર્તાય છે તો ફિલ્મનું ટ્રેલર જોઈને ખબર પડી જાય છે.     

ફિલ્મના હીરો કિઆનુ રિવ્ઝનો પરિચય કોઈને આપવો પડે એમ નથી કેમ કે સુપરસ્ટાર છે અને ભારતમાં પણ ખૂબ લોકપ્રિય છે. ૧૯૯૪માં આવેલી થ્રિલરસ્પીડથી એની કેરિયરે સ્પીડ પકડી અને પછી તો ચેઇન રિએક્શન, ડેવિલ્સ એડ્વોકેટ, મેટ્રિક્સ ટ્રાયોલોજિ, કોન્સ્ટેન્ટિન, સમથિંગ્સ ગોટ્ટા ગિવ અને ગિફ્ટ જેવી અનેક સફળ ફિલ્મોની તેણે લાઇન લગાવી દીધી. સ્વભાવે અલગારી એવો કિઆનુ કરોડો કમાતો હોવા છતાં વર્ષો સુધી તેણે કોઈ ઘર ખરીદ્યુ નહોતું. છેક ૨૦૦૩માં તેણે લોસ એન્જેલસના બેવર્લી હિલ્સ ખાતે ઘર લીધું હતું જ્યાં હાલ તે એકાંકી જીવન ગાળે છે.   

૪૭ રોનિનની અત્યંત લોકપ્રિય શૌર્યગાથા પરથી આજ સુધી અનેક વાર્તાઓ, નવલકથાઓ, કાવ્યો, નાટકો, ટીવી સિરિયલો અને ફિલ્મો બની ચૂકી છે. સ્વાભાવિક છે કે હોલિવૂડનું પ્રોડક્શન હોવાથી લેટેસ્ટ ફિલ્મ સૌથી વધુ ભવ્ય અને ખર્ચાળ બની છે. લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાના તોતિંગ બજેટમાં બનેલી ફિલ્મના તમામ ટેકનિકલ પાસા ઉત્કૃષ્ટ છે. આર્ટ ડિરેક્શન અને કોસ્ચ્યુમ્સ વખાણવા લાયક છે, તો કમ્પ્યુટર ગ્રાફિક્સ પણ લાજવાબ છે.

ગુરુના મોતનો બદલો લેવા માટે જાનની બાજી લગાવી દેનાર તમામ રોનિનને તેમના ગુરુની કબરની આસપાસ દફનાવવામાં આવ્યા હતા. પાછળથી સ્થળને બૌદ્ધ મંદિરમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ટોકિયો શહેર નજીકના મિનાટો પરાં ખાતે આવેલું શેંગાકુ-જીમંદિર ૧૮મી સદીથી લઈને આજદિન સુધી જાપાનીઓ માટે યાત્રાસ્થળ બની ચૂક્યું છે.   

અમેરિકામાં જાણીતા હોય એવા જાપાની અદાકારોને લેવાને બદલે ફિલ્મમાં ઓછા જાણીતા સ્થાનિક કલાકારોને લેવામાં આવ્યા છે. દૄશ્યોનું શૂટિંગ પહેલા જાપાની ભાષામાં અને પછી ઇંગ્લિશમાં કરવામાં આવ્યું હતું. કોઈ ને કોઈ કારણસર ફિલ્મનું શૂટિંગ વારંવાર ઘોંચમાં પડતું રહ્યું હતું. વચ્ચે લંડન ઓલિમ્પિક ૨૦૧૨ને લીધે પણ ફિલ્મનું લંડન ખાતેનું શિડ્યુલ ખોરવાયું હતું જેને લીધે ફિલ્મ ઓવર બજેટ થઈ ગઈ હતી. મૂળ તો ફિલ્મ નવેમ્બર ૨૦૧૨માં રજૂ થવાની હતી. રિલીઝ ડેટ ઠેલાઈને ફેબ્રુઆરી ૨૦૧૩ અને છેલ્લે ડિસેમ્બર ૨૦૧૩ થઈ. ભારતમાં ફિલ્મ નવા વર્ષની પહેલી રિલીઝ છે. જાપાનના ઈતિહાસમાં રાષ્ટ્રીય હીરોનું સન્માન મેળવનાર ૪૭ રોનિનની કહાની ફિલ્મી પડદે જોવી રહી.


નોંધઃ ૩જાન્યુઆરી૨૦૧૩ના રોજ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ફિલ્મ ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment