Saturday, 4 January 2014

૨૦૧૩ની ટોપ-ટેન હોલિવૂડ મૂવીઝ

વર્ષ પૂરું થાય એટલે વિષયવાર ફલાણા-ઢીંકણા ટોપ ટેન સરવૈયા તૈયાર થઈ જાય છે. લોકોને પણ એ જાણવું ગમે છે કે, કોણે કેવું તીર માર્યું અને કોણ નિશાન ચૂકી ગયું. સી.એન.એન. જેવી પ્રતિષ્ઠિત ચેનલે વીતેલા વર્ષમાં હોલિવૂડની ફિલ્મો વિશે એક સર્વે કરાવ્યો હતો, જેમાં લોકોએ તેમને સૌથી વધુ ગમેલી ફિલ્મો માટે વોટિંગ કર્યું હતું. આ લિસ્ટમાં કેટલીક બહુ જાણીતી ફિલ્મોની એન્ટ્રી સાથે કેટલીક નવાઈ લાગે એવી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. ચલો તો ફીર, જસ્ટ હેવ અ લૂક.  

૧૦. ટ્વેલ્વ યર્સ અ સ્લેવ.
ઓગણીસમી સદીમાં અમેરિકામાં વ્યાપ્ત ગુલામી પ્રથા પર આધારિત આ ફિલ્મ બોક્સઓફિસ પર ભારે સફળતાને તો વરી જ છે, પણ વિવેચકોએ પણ ફિલ્મના ખૂબ વખાણ કર્યાં છે. પોણા બસ્સો વર્ષ જૂના જમાનાને આબેહુબ તાદૃશ્ય કરતી આ ફિલ્મમાં દર્શાવાયેલી ક્રૂરતા દર્શકોને વિચલીત કરી દે છે. સ્ટિવ મૅક્વીનના સચોટ દિગ્દર્શન તથા માઇકલ ફેસબેન્ડર, ચેવિટેલ જ્યોફર અને લુપિટા યોન્ગોના અદ્ભુત અભિનયથી ઓપતી આ ફિલ્મ આ વર્ષના ઓસ્કાર એવોર્ડ્સની અનેક કેટેગરીમાં નામાંકિત થવાની શક્યતા ધરાવે છે.   

. મોન્સ્ટર્સ યુનિવર્સિટી.
૨૦૦૧ની સુપરહિટમોન્સ્ટર્સ ઇન્ક.’ની આ પ્રિક્વલ તેના ચાહકોને બહુ લાંબી રાહ જોવડાવ્યા બાદ ૨૦૧૩માં રજૂ થઈ અને રજૂ થતાં જ એણે બોક્સઓફિસ પર સપાટો બોલાવી દીધો. આ કોમેડી એનિમેશન ફિલ્મની વાર્તાના કેન્દ્રસ્થાને મોન્સ્ટર્સ યુનિવર્સિટી છે જે મોન્સ્ટર્સને લોકો અને પ્રાણીઓને કઈ રીતે ડરાવવું એની તાલીમ આપતી હોય છે. આ ફિલ્મનો વકરો ૪૪૦૦ કરોડનો રહ્યો હતો!

. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ, ભાગઃ ૬.
આ ફિલ્મ તાજેતરમાં મૃત્યુ પામેલા સ્ટાર એક્ટર પોલ વૉકરની છેલ્લી રિલીઝ હતી. ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસફિલ્મ સિરિઝની આ છઠ્ઠી ફિલ્મમાં એજન્ટ હોબ્સ(ડ્વૅઇન જ્હૉન્સન, ધ રોક) ડૉમ(વિન ડિઝલ) અને બ્રાયન(પોલ વૉકર)ને તેમની આખી ટીમ સાથે એક ખાસ મિશન માટે લંડન બોલાવે છે જ્યાં તેઓ લંડનના ખૂંખાર માફિયા સામે બાથ ભીડે છે. દિલધડક એક્શન દૃશ્યોથી ભરપૂર આ ફિલ્મ વિશ્વભરમાં ૪૭૦૦ કરોડથી વધુ કમાણી કરી ચૂકી છે.
. મેન ઓફ સ્ટીલ.
ચુંબકીય વ્યક્તિત્વ ધરાવતા હેન્રી કેવિલને સુપરમેન તરીકે ચમકાવતી આ ધમાકેદાર એક્શન ફિલ્મ પણ અન્ય સુપરહિરો ફિલ્મોની માફક સારા વિરુદ્ધ ખરાબની વાર્તા માંડે છે. ૩૯૦૦ કરોડ કમાઈને ફિલ્મે બોક્સઓફિસ પર રીતસરનો તડાકો પાડ્યો હતો.

. ડિસ્પીકેબલ મી, ભાગઃ ૨.
૨૦૧૦માં આવેલી ડિસ્પીકેબલ મીની સિક્વલ આ લિસ્ટની બીજી એનિમેશન ફિલ્મ છે. રાંક પ્રાણીઓને માંસભક્ષી રાક્ષસમાં ફેરવી નાખે એવા દ્રવ્યની રહસ્યમય ચોરી થઈ જતા તેને શોધવાનું કામ બાહોશ ગ્રુ(સ્ટિવ કેરેલ)ને સોંપવામાં આવે છે. કેટલાક વિવેચકોને નબળી લાગી હોવા છતાં દર્શકોએ આ થ્રીડી ફિલ્મને વધાવી લીધી હતી. કમાણીમાં પણ આ ફિલ્મ ૫૫૦૦ કરોડનો વકરો કરીને નંબર ટુ પર રહી હતી!  

. થોરઃ ધી ડાર્ક વર્લ્ડ.

મારવેલ કોમિક્સનીથોરસિરિઝની આ બીજી સુપરહિરો ફિલ્મની વાર્તાના છેડા ઓલટાઇમ બ્લૉકબસ્ટર્સ ફિલ્મોના લિસ્ટમાં ત્રીજા સ્થાને બીરાજતીએવેન્જર્સસુધી લંબાય છે. સમાંતર વિશ્વો વચ્ચે થનારા યુદ્ધને રોકવા મેદાને પડતા થોરને આ ફિલ્મમાં પહેલી ફિલ્મ કરતાંય વધુ વાહવાહી મળી છે. તેનું બોક્સઓફિસ રિઝલ્ટ- ૩૭૦૦ કરોડ રહ્યું હતું



. આયર્નમેન, ભાગ ૩.

આ ફિલ્મમાં તો અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરનો ચાર્મ જ હતો જેણે આ ફિલ્મની શાખ બચાવી લીધી હતી. અગાઉની બે ફિલ્મો સામે સહેજ ઝાંખી પડતી હોવા છતાં આ ફિલ્મે ૭૨૦૦ કરોડની રોકડી કરીને આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં પહેલું સ્થાન મેળવ્યું છે.  






. ગ્રેવિટી.

આ ફિલ્મ માટે તો બે જ શબ્દો વાપરી શકાય, અદ્ભુત અને અવિસ્મરણીય! સાયન્સ ફિક્શન ફિલ્મો તો અનેક બની છે પરંતુ તેના મેકિંગ અને ગ્રાફિક્સને લીધે ગયા વર્ષે ગ્રેવિટી લાજવાબ હતી. માત્ર બે જ પાત્રો હોવા છતાં સતત જકડી રાખતી આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ્સમાં અન્ય ફિલ્મોને તગડી સ્પર્ધા પૂરી પાડશે એ વાત નક્કી છે.   
. સ્ટારટ્રેક ઇન ટુ ડાર્કનેસ.

ભારતમાં નહીં ચાલેલી આ ફિલ્મનું નામ વાંચીને આશ્ચર્ય થયું હોય તો જાણી લો કે આ ફિલ્મે આખી દુનિયામાં કુલ ૨૮૦૦ કરોડ જેટલી કમાણી કરી છે. અવકાશમાં ખેલાતા લેસર યુદ્ધોના દૃશ્યોથી ભરપૂર આ ફિલ્મ ક્લાસિક સાયન્સ ફિક્શન ફિલ્મોના બીબાંમાં બંધબેસતી આવે છે અને એટલે જ આ લિસ્ટમાં બીજા ક્રમાંકે બીરાજે છે.

. ધી હન્ગર ગેમ્સઃ કેચિંગ ફાયર.

ફૂટડી જેનિફર લોરેન્સની આ ફિલ્મ ૨૦૧૨ની સુપરડુપર હિટ 'ધી હન્ગર ગેમ્સ'ની સિક્વલ છે. વાર્તામાં કશીય નવીનતા ન હોવા છતાં આ ફિલ્મ મારફાડ એક્શન સિકવન્સને સહારે ૪૬૦૦ કરોડથી વધારે કમાણી કરી ચૂકી છે.  

No comments:

Post a Comment