નવા વર્ષની શરૂઆત થતાં
જ સિનેરસિકોને ૨૦૧૪માં કઈ-કઈ ફિલ્મો રિલીઝ
થઈ રહી છે એ જાણવાની તાલાવેલી લાગે એ સ્વાભાવિક છે. હોલિવૂડની
ફિલ્મોના અઠંગ શોખિનો માટે હાજર છે આગામી વર્ષમાં ફિલ્મી પડદે ધૂમ મચાવવા આવી રહેલી
રસપ્રદ ફિલ્મોની યાદી. સિક્વલોની ભરમાર અને સુપરહિરોઝની ધમાલ
સાથે સાયન્સ ફિક્શન અને હિસ્ટોરીકલ ડ્રામાનો ડોઝ પણ ખરો. હેવ
અ લૂક.
ધી
અમેઝિંગ સ્પાઇડરમેન ૨
સ્પાઇડરમેનને એકને બદલે
ત્રણ ખૂંખાર વિલનનો સામનો કરતો જોવા માટે આ ફિલ્મ જોવી જ રહી.
જૂના અને જાણીતા ગોબ્લિન ઉપરાંત ઇલેક્ટ્રો અને ર્હાઇનો આ ફિલ્મમાં સ્પાઇડરમેનને એક્શનનો ઓવરટાઇમ કરાવશે. ફિલ્મના ટ્રેલરને યુ-ટ્યુબ પર સવા બે કરોડ હિટ્સ મળી છે!
એક્સમેનઃ
ડેઝ ઓફ ફ્યુચર પાસ્ટ
એક્સમેન સિરિઝની સાતમી
ફિલ્મ. અન્ય સુપરહિરો ફિલ્મોથી એક્સમેન ફિલ્મો એ રીતે
અલગ પડે છે કે અહીં એક ને બદલે એક-એકથી ચડિયાતા સુપરપાવર ધરાવતા
ઢગલાબંધ પાત્રો હોય છે. જૂના જોગી સમા મ્યુટન્ટ સાથે બીજાની શક્તિઓ
શોષી લેનાર બિશપ, સૂર્ય જેવી ઉષ્ણતા ધરાવનાર સનસ્પોટ અને પલક
ઝપકાવતાં જ અહીંથી તહીં પહોંચી જનાર બ્લિંક જેવા નવા મ્યુટન્ટનો ઉમેરો થયો છે.
વાર્તા સિત્તેરના દાયકામાં આકાર લેતી હોવાથી ફિલ્મને એક અલગ જ રેટ્રો
ફિલ મળી છે.
ધી
મોન્યુમેન્ટ્સ મેન
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન
હિટલરની નાઝી સેનાએ યુરોપમાંથી કળાના બહુમૂલ્ય નમૂનાઓ ચોરીને સગેવગે કરી દીધા હતા.
એ ખજાનાને શોધવા માટે મેદાને પડેલા સાત બાહોશ નરબંકાઓની વાર્તા કહેતી
આ ફિલ્મના તમામ સિનેમેટિક પાસાં જબરજસ્ત મજબૂત છે. જ્યોર્જ ક્લૂનીએ
અભિનય ઉપરાંત દિગ્દર્શન, લેખન અને નિર્માણની જવાબદારી પણ ઉપાડી
છે. મેટ ડેમન અને કેટ બ્લૅનચેટ ફિલ્મના અન્ય સ્ટાર અદાકારો છે.
ટ્રાન્સેન્ડન્સ
જીવલેણ હુમલાનો ભોગ બનેલો
વિજ્ઞાની મરી જાય એ પહેલા તેના મગજનો ડેટા કમ્પ્યુટરમાં શિફ્ટ કરી લેવામાં આવે છે.
વિજ્ઞાની તો મરી જાય છે પરંતુ તેના અમાપ જ્ઞાનથી સમૃદ્ધ થયેલું કમ્પ્યુટર
હવે પોતાની રીતે વિચારવા લાગે છે. સુપરપાવર બનીને તેને વિશ્વ
પર રાજ કરવાની મહેચ્છા જાગે છે જે પૃથ્વીને વિનાશ તરફ દોરી જાય છે. અદ્ભુત સ્ટોરીલાઇન ધરાવતી આ સાયન્સ ફિક્શન થ્રીલરમાં
મુખ્ય પાત્ર નીભાવે છે સુપરસ્ટાર જ્હોની ડેપ. તો આ ફિલ્મ જોવા
માટે અન્ય કોઈ કારણની જરૂર ખરી?
ફાસ્ટ
એન્ડ ફ્યુરિઅસ ૭
છઠ્ઠા ભાગમાં વિન ડિઝલે
લંડનના માફિયા લુક ઇવાન્સને ખતમ કર્યો હતો એનો બદલો લેવા લુકનો ભાઇ જેસન સ્ટેધામ વિન
ડિઝલ એન્ડ કંપનીની પાછળ પડે છે. એક્શન સ્ટાર
જેસનની એન્ટ્રીથી ફિલ્મનું વજન બેશક વધ્યું છે પણ દર્શકો માટે મુખ્ય આકર્ષણ તો સ્વર્ગિય
પોલ વૉકર જ રહેશે.
ધી હન્ગર ગૅમ્સઃ મોકિંગ જે
હન્ગર ગૅમ્સ ટ્રાયોલોજીના આ ત્રીજા ભાગમાં હિરોઇન જેનિફર લોરેન્સ પાનેમ રાજ્યને તેના તાનાશાહી શાસકોના તાબામાંથી મુક્ત કરાવવા બળવો કરશે. મૂળ નવલકથાનો ત્રીજો ભાગ બે ભાગમાં વહેંચીને બે ફિલ્મો બનાવવામાં આવી છે.
ધી હોબિટઃ ધેર એન્ડ બેક અગેઇન
આ ફિલ્મ વામન બિલ્બો બેગિન્સની કહાનીનો આખરી અંક છે. આગ ઓકતા દૈત્યાકાર ડ્રેગનને મારીને હોબિટ્સને પોતાનો ખજાનો મેળવવામાં અનેક નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ ફિલ્મ પણ અગાઉના બે ભાગની જેમ ૪૮ ફ્રેમ પ્રતિ સેકન્ડમાં ફિલ્માંકિત થઈ છે.
ઇન્ટરસ્ટેલર
ગ્લૉબલ વોર્મિંગને લીધે
અસંતુલીત થઈ ગયેલા પર્યાવરણને લીધે ધરતી પર અનાજની અછત સર્જાય છે,
અને બ્રહ્માંડના કોઈ ખૂણે પૃથ્વી જેવા ઉપજાઉ ગ્રહને શોધવા માટે સંશોધકો
ખોજ આદરે છે એવી વાર્તા ધરાવતી આ સાઇ-ફાઇ ફિલ્મના દિગ્દર્શક જિનિયસ
ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલાન હોવાથી આ ફિલ્મે સિનેરસિકોમાં ભારે ઉત્તેજના જગાવી છે.
ટ્રાન્સફોર્મર્સ ૪- એજ ઓફ એક્સ્ટિંક્શન
ટ્રાન્સફોર્મર્સ સિરિઝની ત્રણ ફિલ્મોમાં ધરતીને ધમરોળનારા વિશાળકાય ટ્રાન્સફોર્મર્સ(રૂપ બદલતા રોબોટ્સ) અચાનક અદૃશ્ય થઈ ગયા હોય છે. એક સંશોધકને અનાયાસે જ એક રોબોટ જમીનમાં દટાયેલો મળી આવે છે અને ફરીવાર ટ્રાન્સફોર્મર્સની આખી જમાત ઊભી કરવામાં આવે છે. અગાઉની ફિલ્મોમાંથી એક પણ કલાકારને આ ચોથા ભાગમાં લેવામાં આવ્યો નથી. માર્ક વૉલબર્ગ જેવા સ્ટાર અભિનેતા, એક્શન ફિલ્મોના માસ્ટર ડિરેક્ટર માઇકલ બે અને સ્ટિવન સ્પિલબર્ગ સરીખા લૅજેન્ડરી પ્રોડ્યુસરની ત્રિપુટી કંઈક નવું આપશે એવી આશા રાખી શકાય.
૩૦૦:
રાઇઝ ઓફ એન એમ્પાયર
પર્સિયાના રાજા ‘ગોડ કિંગ’ ઝેર્ક્સિની સેના કેરિયા સામ્રાજ્ય પર ચડાઈ
કરે છે અને ભીષણ યુદ્ધ છેડાય છે એવી વાર્તા ધરાવતી આ ફિલ્મ ૨૦૦૭માં રજૂ થયેલા તેના
પહેલા ભાગ જેવી જ રસ્ટિક ઇફેક્ટ્સથી ભરપૂર છે. ફિલ્મના કેન્દ્રસ્થાને
રહેલો હિંસાત્મક અને લોહિયાળ જંગ જ તેનું જમાપાસું છે.
નોંધઃ ૧ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'ગુડબાય ૨૦૧૩ વેલકમ ૨૦૧૪'માં પ્રસિદ્ધ થયો છે.
No comments:
Post a Comment