યુવાન યુગલ વચ્ચે સર્જાતા વિસ્ફોટક,
આક્રમક, અસામાન્ય શારીરિક સંબંધોની કથા માંડતી ફિલ્મ એ જ નામની બહુચર્ચિત અને અતિસફળ નવલકથા પર આધારિત છે
વર્ષ ૨૦૧૧માં પ્રકાશિત થઈ એક નવલકથા.
ટાઇટલ હતું ‘ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે’. પ્રકાશિત થતાં જ એ નવલકથાએ પોતાના કથાતંતુથી દુનિયાભરમાં સપાટો બોલાવી દીધો હતો.
એવું તો શું હતું એ નવલકથામાં? એક નજર નાંખીએ નવલકથાની વાર્તા પર.
એનાસ્ટેસિયા સ્ટીલે ઉર્ફે એના
(ડેકોટા જ્હોનસન) વીસીમાં વીહરતી એક કોલેજ કન્યા છે. સીએટલમાં રહેતી એના એક દિવસ કોલેજના પ્રોજેક્ટના અનુસંધાનમાં એક અતિશ્રીમંત,
યુવાન બિઝનેસમેન ક્રિશ્ચન ગ્રે (જેમી ડોર્નન)નો ઇન્ટરવ્યુ લેવા જાય છે.
પહેલી જ મુલાકાતમાં બંનેને એકબીજા પ્રતિ આકર્ષણ જન્મે છે.
ઇન્ટરવ્યુ દરમિયાન મોટાભાગની જરૂરી વાતો થઈ જવા છતાં બંને ફરી મળવાના વચન સાથે છૂટા પડે છે.
મુલાકાતો વધતી જાય છે અને સાથે જ વધતું જાય છે આકર્ષણ. એકબીજાને પામવાની લાલસા બંનેને ક્રિશ્ચનના બેડરૂમ સુધી ખેંચી જાય છે.
બે યુવા હૈયાઓ વચ્ચે લગ્ન વગર શારીરિક સંબંધ કેળવાય એ અમેરિકામાં બહુ સહજ લેખાય. માલેતુજાર પ્રેમી મેળવી એના અત્યંત ખુશ હોય છે.
અહીં સુધી તો બધું ઠીક જાય છે,
પણ…
એના ક્રિશ્ચનના પ્રેમમાં પડે છે પણ ક્રિશ્ચનની લાગણીઓ સંદિગ્ધ હોય છે. સપાટી પર નોર્મલ લાગતો આ સંબંધ એક અસામાન્ય વળાંક ત્યારે લે છે જ્યારે ક્રિશ્ચન એક દિવસ એનાને તેના છૂપા એપાર્ટમેન્ટમાં લઈ જાય છે. આ એપાર્ટમેન્ટમાં ક્રિશ્ચન પોતાની શારીરિક ભૂખ સંતોષવા માટે ખતરનાક રીતરસમો અજમાવતો હોય છે. એના એ એપાર્ટમેન્ટમાં રહેલી ચીજ-વસ્તુઓ જોઈ ચોંકી જાય છે. ક્રિશ્ચન એ વસ્તુઓનો ઉપયોગ કરવાની દરખાસ્ત મૂકે છે અને તેને નારાજ કરવા ન માગતી એના ગૂંચવાયેલા મને હા ભણે છે.
પછી શરૂ થાય છે વિસ્ફોટક,
આક્રમક, અસામાન્ય શારીરિક સંબંધોનો દોર જે ક્રિશ્ચનને તો અનહદ આનંદ આપે છે પણ એનાનું જીવન આઘાત, ડર, અસલામતી અને અનિશ્ચિતતાથી ભરી દે છે. આગળ શું થાય છે એ જાણવા
‘ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે’ જોવી રહી.
લેખિકા ઇ.એલ.જેમ્સે
‘ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે’ લખવા માટે અન્ય એક અતિ સફળ નવલકથા ‘ટ્વાઇલાઇટ’નો આધાર લીધો હતો. ટ્વાઇલાઇટમાં એક યુવતીને વેમ્પાયર યુવાન સાથે પ્રેમમાં પડતી બતાવાઈ હતી.
‘ફિફ્ટી…’માં વેમ્પાયર તત્વને દૂર કરી પ્રેમી યુવાનને આવેગપૂર્ણ સંબંધોમાં રસ ધરાવતો બિઝનેસમેન બતાવવામાં આવ્યો છે. ‘ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે’ની ધૂંઆધાર સફળતા બાદ તેની બે સિક્વલ
‘ફિસ્ટી શેડ્સ ઓફ ડાર્કર’ અને ‘ફિફ્ટી શેડ્સ ઓફ ફ્રીડ’ પણ લખાઈ છે. ત્રણે નવલકથાઓની દુનિયાભરમાં ૭ કરોડથી વધુ કોપી વેચાઈ ચૂકી છે.
પુસ્તકોના વિશ્વની ૫૨ ભાષામાં અનુવાદ થયા છે.
‘ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે’
નવલકથા એટલી લોકપ્રિય થઈ હતી કે એના પરથી ફિલ્મ બનાવવા માટે હોલિવુડ સ્ટુડિયો વચ્ચે જાણે કે હોડ લાગી હતી.
સુપરસ્ટાર અભિનેતા માર્ક વૉલબર્ગની હોમ પ્રોડક્શન કંપનીને પણ ના પોષાય એટલી મસમોટી રકમ લેખિકાએ માગી. છેવટે યુનિવર્સલ સ્ટુડિયો સાથે ડીલ ફાઇનલ થઈ. નવલકથાનું ફિલ્મી અવતરણ ઝાઝા ફેરફારો વિના થાય એ માટેની શરત લેખિકાએ મૂકી હતી. પ્રોડક્શન પર કન્ટ્રોલ રહે એ માટે તે ફિલ્મની સહ-નિર્માત્રી બની છે.
ફિલ્મનું દિગ્દર્શન કરવામાં એન્જેલિના જોલીએ રસ બતાવ્યો હતો.
ફિલ્મનું સુકાન
‘નોવ્હેર બોય’ની મહિલા દિગ્દર્શન સેમ ટેલર-જ્હોનસનને સોંપાયું. સેમ અને ઇ.એલ.જેમ્સ વચ્ચે ફિલ્મ બનતી હતી એ દરમિયાન અનેક વખત ક્રિએટિવ કોન્ફ્લિક્ટ સર્જાયા હતા.
ઇ.એલ.જેમ્સની ઈચ્છા હતી કે
‘ટ્વાઇલાઇટ’ના સ્ટાર અભિનેતા રોબર્ટ પેટિન્સન ફિલ્મમાં હીરોનું પાત્ર નિભાવે. ડેવિડ ગેન્ડી જેવા સુપર મોડેલ અને ચાર્લી હનામ જેવા અભિનેતાએ નકાર્યા બાદ અભિનેતા જેમી ડોર્નનને આ રોલ મળ્યો હતો. ફિલ્મમાં એનાનું પાત્ર ભજવતી અભિનેત્રી ડેકોટા જ્હોનસન જાણીતી અભિનેત્રી મેલેની ગ્રિફિથની દીકરી છે. ફિલ્મના મુખ્ય પાત્રો માટે જેમી અને ડેકોટાના નામની જાહેરાત થઈ હતી ત્યારે નવલકથાને પસંદ કરનારા ઘણા લોકોએ તેમને નાપસંદ કર્યા હતા. ફિલ્મ રજૂ થવા જઈ રહી છે ત્યારે પણ ઘણા લોકો જેમી અને ડેકોટાની પસંદગી બદલ નારાજગી દર્શાવી રહ્યા છે.
મૂળ નવલકથામાં વાર્તા અમેરિકાના સીએટલ શહેરમાં આકાર લે છે. શૂટિંગની અનુકૂળતા માટે ફિલ્મ કેનેડાના વાનકુંવર શહેરમાં ફિલ્માવાઈ છે, જેને સીએટલ તરીકે દર્શાવાયું છે. નવલકથામાં દર્શાવાયેલા સીએટલના સ્થળોની મુલાકાતે આવતા હજારો પ્રવાસીઓથી સીએટલના પ્રવાસન ઉદ્યોગને ખૂબ ફાયદો થયો છે.
નવલકથામાં હીરો ક્રિશ્ચન ગ્રેને સંપૂર્ણ નગ્ન આલેખવામાં આવ્યો છે. અભિનેતા જેમી ડોર્મને ફિલ્મ સાઇન કરતા પહેલા કોન્ટ્રાક્ટમાં સાફ લખાવી દીધું હતું કે, તે ન્યૂડ સીન નહીં કરે. નવલકથા સેક્સના દૃશ્યોથી ભરપૂર હોવાથી ફિલ્મમાં પણ એવા અનેક દૃશ્યો છે, માટે સ્વાભાવિક છે કે ફિલ્મ ફક્ત પુખ્ત વયના લોકો માટે છે. જોકે નવલકથામાં જે પ્રકારે પાનેપાનાં ભરીને શૃંગારીક દૃશ્યોને બહેલાવવામાં આવ્યા છે એ રીતના લાંબા સેક્સ સીન્સ ફિલ્મમાં નહીં જોવા મળે.
મીડિયામાં ચર્ચા છે કે,
ફિલ્મના મુખ્ય અદાકારો જેમી ડોર્નન અને ડેકોટા જ્હોનસનને એકબીજા સાથે સહેજ પણ બનતું નથી. જો એમ હોય તો કહેવું પડે કે બંને ઘણા સારા કલાકારો છે કેમ કે ફિલ્મમાં બંને વચ્ચેની કેમેસ્ટ્રી જબરજસ્ત રંગ લાવી છે.
જુલાઈ ૨૦૧૪માં ઇન્ટરનેટ પર મૂકાયેલા ‘ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે’ના પહેલા ટ્રેલરને ફક્ત એક જ અઠવાડિયામાં ૧૦ કરોડ હિટ્સ મળી હતી!
આ આંકડો સાબિત કરે છે કે ફિલ્મ બાબતે લોકોમાં કેટલી ઉત્સુકતા છે. ૧૩ ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં વિશ્વભરમાં એની ૨૭ લાખ ટિકિટોનું એડવાન્સ બુકિંગ થયું છે!
આ એક રેકોર્ડ છે. ૨૬૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ નિર્માણમાં રોકેલા નાણાંથી ઓછામાં ઓછું દસ ગણા નાણાં મેળવશે એવી ગણતરી છે.
‘ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે’
નવલકથા અત્યંત સફળ થઈ હોવા છતાં તેના પર માછલાં ધોનારાઓનોય તોટો નથી. સાવ સામાન્ય જણાતા કથાતંતુને સેમી પોર્નના ઓવરડોઝથી સજાવી પ્રકાશિત કરવામાં આવ્યો હોવાનું પુસ્તક સમીક્ષકોએ જણાવ્યું હતું.
ફિલ્મને પણ વિવેચકોએ ખાસ કંઈ નથી વખાણી.
ડેકોટા જ્હોનસનના અભિનયને વખાણવામાં આવ્યો છે પણ જેમી ડોર્નનના પાત્રને અધકચરું ગણાવવામાં આવ્યું છે. આમ છતાં જે પ્રકારની હાઇપ ફિલ્મને મળી છે એ જોતાં ફિલ્મના બ્લોકબસ્ટર બનવાની ઘણી શક્યતા છે.
‘ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે’ની બંને સિક્વલ બનાવવાની તૈયારી પણ શરૂ થઈ ચૂકી છે. બંને ફિલ્મોમાં જેમી અને ડેકોટા જ મુખ્ય ભૂમિકાઓમાં ચમકશે. આપણા દેશમાંય
‘ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે’ નવલકથા બેસ્ટ સેલર બની હોવાથી એના ફિલ્મી સંસ્કરણને સારો આવકાર મળશે એવી શક્યતા ખરી.
આમેય ફિલ્મ ‘વેલેન્ટાઇન ડે’ નિમિત્તે રજૂ થઈ રહી છે એટલે પ્રેમી-પંખીડાઓ એને વધાવી જ લેશે.
નોંધઃ ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની
પૂર્તિ 'ફિલ્મ ગાર્ડિયન'માં
પ્રસિદ્ધ થયો છે
No comments:
Post a Comment