Thursday, 12 February 2015

એ ૨૬ રહસ્યમય પાનાંમાં શું લખાયેલું છે?

અમેરિકામાં કારાવાસ ભોગવતા આતંકવાદી મૌસુઈએ 9/11ના હુમલા પાછળ સાઉદી અરેબિયાની સરકાર અને રોયલ ફેમિલીનો હાથ હોવાનો ઘટસ્ફોટ કરી ખળભળાટ મચાવી દીધો છે. મામલે ખુદ અમેરિકન સરકારની ભૂમિકા સંદિગ્ધ જણાઈ રહી છે
 


9 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકા પર થયેલા આતંકવાદી હુમલાને ૧૩ વર્ષના વહાણા વાઈ ચૂક્યા છે ત્યારે તાજેતરમાં વિષયમાં એક નવો ફણગો ફૂટ્યો છે. અમેરિકામાં કોલોરાડો ખાતે જેલવાસ ભોગવતા અલ-કાયદાના ભૂતપૂર્વ આતંકવાદી ઝકરિયાસ મૌસુઈએ એવું નિવેદન આપ્યું છે કે, 9/11ના હુમલા પાછળ સાઉદી અરેબિયાની સરકાર અને રોયલ ફેમિલીનો હાથ હતો. મૌસુઈ પોતે પણ હુમલાઓ માટે ઘડાયેલા કાવતરામાં સામેલ હોવાથી હોવાથી તેણે જે કહ્યું એને ગંભીરતાથી લેવામાં આવ્યું છે. નિવેદનથી અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. સાઉદી સરકારે આરોપોનું ખંડન કરતા કહ્યું છે કે, મૌસુઈના નિવેદન પાયાવિહોણા છે. 9/11 કેસ બાબતે જેટલી તપાસો થઈ છે એટલી તપાસો દુનિયાના અન્ય કોઈ કેસમાં નથી થઈ. એમાં સાઉદી સરકારની સંડોવણી હોત તો તે ખુલ્લી પડ્યા વિના ના રહેત. મૌસુઈ જાણે છે કે, તેની જિંદગી જેલમાં જવાની છે માટે તે આવા આરોપો ઘડી પોતાની હતાશા વ્યક્ત કરી રહ્યો છે

બળતામાં ઘી ત્યારે હોમાયું જ્યારે અમેરિકાના એક નેતા સ્ટીફન લીન્ચે મૌસુઈના કથનને સમર્થન આપતા વિસ્ફોટક માહિતી આપી હતી કે, પ્રજાજોગ જાહેર કરાયેલા 9/11 હુમલાના રિપોર્ટમાંથી જ્યોર્જ બુશ સરકાર દ્વારા ૨૮ સંવેદનશીલ પાનાં ગાયબ કરી દેવાયાં હતાં. પાનાં હવે જાહેર કરવાની માગ તેમણે ઓબામા સરકાર સામે મૂકી છે.
  
હોલિવુડની કોઈ થ્રિલર ફિલ્મને ટક્કર મારે એવા ઘટનાક્રમના મૂળમાં જઈએ તો, 9/11ના હુમલાને દિવસે અમેરિકન પ્રમુખના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં પ્લેન ક્રેશ કરવાનો પ્લાન હતો. વિમાનનું સંચાલન પોતે કરવાનો હતો એવો દાવો મૌસુઈએ કર્યો છે. તેના જણાવ્યા મુજબ છેક ૧૯૯૦ના દાયકાથી સાઉદી અરેબિયાના રાજવી પરિવારના અમુક સભ્યો અલ-કાયદાને મદદ કરતા આવ્યા છે. ૯૦ના દાયકામાં બિલ ક્લિન્ટન પ્રમુખ હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરવાનો પ્લાન બનાવાઈ રહ્યો હતો. અલ-કાયદાની મંશા બિલ ક્લિન્ટન એર ફોર્સ વનમાં ઉડતા હોય ત્યારે તેમના પ્લેનને ફૂંકી મારવાની હતી અને કાવતરું અમેરિકાના પાટનગર વોશિંગ્ટન સ્થિત સાઉદી અરેબિયાની એલચી કચેરીમાં ઘડવામાં આવ્યું હતું

9/11નો હુમલો થયો ત્યારે અમેરિકામાં રિપબ્લિક પાર્ટીનું શાસન હતું. સ્ટીફન લીન્ચ સમયે વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય હતા. હુમલાની તપાસ માટે નિમાયેલા પંચે તૈયાર કરેલા રિપોર્ટની અનસેન્સર્ડ કોપી પોતે વાંચી હોવાનો લીન્ચે દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ‘લગભગ ૮૦ હજાર પાનાં લાંબા રિપોર્ટમાંથી ૨૮ રહસ્યમય પાનાં તત્કાલીન બુશ સરકાર દ્વારા ઈરાદાપૂર્વક સેન્સર કરી દેવાયા હતા. મૌસુઈના નિવેદનમાં રહેલી બાબતો પાનાંમાં લખેલી છે. હુમલામાં પ્રત્યક્ષપણે ભાગ લેનારી વ્યક્તિઓ ઉપરાંત પડદા પાછળથી દોરીસંચાર કરનારાઓની નામાવલિ અને તેમની વચ્ચે થયેલી નાણાંની લેવડદેવડ વિશે રજેરજની માહિતી પાનાંમાં છે.’  

હુમલાની વિગતવાર તપાસ કરનાર તપાસપંચે વર્ષ ૨૦૦૪માં રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 9/11ના હુમલામાં સાઉદી અરેબિયા સરકારની સંડોવણી સાબિત થાય એવા કોઈ પુરાવા તેમને મળ્યા નહોતા. તેમના મતે જાહેર કરાયેલા ડોક્યુમેન્ટ્સમાં એવું કંઈ ખાસ કે રહસ્યમય નથી જે અમેરિકાના લોકોને જણાવવું પડે. અમેરિકન સરકારને છાવરતા તેના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘હુમલાખોરોને અલ-કાયદાનો ટેકો હતો. સાઉદી અરેબિયાના માલેતુજારો અલ-કાયદાને નાણાંકીય સહાય આપતા હતા, પણ એવા લોકોમાં સાઉદી સરકાર કે રોયલ ફેમિલીના માણસો હોવાની કોઈ સાબિતી નથી મળી.’

પ્રતિદલીલમાં લીન્ચે ગુગલી ફેંકી હતી કે, જો કશું ખાસ કે રહસ્યમય ના હોય તો એને જાહેર કરવામાં કેમ અખાડા કરવામાં આવી રહ્યા છે. અમેરિકાની પ્રજા લીન્ચના સમર્થનમાં છે. હુમલામાં મૃત્યુ પામેલાઓના પરિજનોએ અમેરિકન સરકાર પાસે બાબતે ખુલાસો માગ્યો છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં પ્રોપર્ટી ગુમાવનાર લોકો, સંસ્થાઓ અને બેંકોએ પણ વળતર માટે સાઉદી અરેબિયા સરકાર પર કાનૂની દાવો માંડવાની માગ કરી છે.  
અમેરિકાના સાઉદી અરેબિયા સાથેના સંબંધો ખોરાં થાય માટે અમેરિકન સરકાર રિપોર્ટની અનસેન્સર્ડ માહિતી રજૂ કરવાથી કતરાઈ રહી છે એવો નિષ્ણાતોનો મત છે. અમેરિકન લાલો મામલે સાઉદી અરેબિયાને ખટાવી રહ્યો છે એના બે કારણો છે, જે જગજાહેર છે. પહેલું તો કે, સાઉદી અરેબિયા પાસે ખનીજ તેલનો મબલખ ભંડાર પડ્યો છે. સૌથી વધુ માત્રામાં ક્રુડ ઓઇલ નિર્યાત કરતા દુનિયાના ગણ્યાગાંઠ્યા દેશો પૈકીનો એક દેશ સાઉદી અરેબિયા છે. અમેરિકન ઇકોનોમી ફ્યુઅલ પર ટકેલી હોવાથી તેને સાઉદી અરેબિયાની ગરજ છે. બીજું કારણ છે સાઉદી અરેબિયાનું ભૌગોલિક સ્થાન. ગલ્ફ કન્ટ્રીઝના તમામ દેશો પર અદૃશ્ય લગામ રાખવા માટે અમેરિકન સેનાને જે વ્યૂહાત્મક જમીની ટુકડાની જરૂર છે તેને સાઉદી અરેબિયા પૂરો પાડે છે. (ISISનો ખાતમો બોલાવવા, યમનમાં ક્રાંતિને નામે મચેલા ઉત્પાત પર કાબૂ રાખવા અને ઇરાનની અણુ-મહત્વાકાંક્ષાઓ પર ચાંપતી નજર રાખવા અમેરિકાને સાઉદી અરેબિયાના સહકારની જરૂર છે.) આવા કારણોસર અમેરિકા, સાઉદી અરેબિયા સાથે સારાસારી જાળવી રાખવા માગે છે. માનવહકો બાબતે દુનિયા આખીને સલાહસૂચનો આપતા રહેતા અમેરિકાએ સાઉદી અરેબિયાને તેનાઆંખને બદલે આંખપ્રકારના અમાનવીય કાયદાઓ અને મહિલાઓની બદહાલી બાબતે કદી ઠપકો પણ આપ્યાનું જાણમાં નથી. તાજેતરમાં થયેલા કિંગ અબ્દુલ્લાના અવસાનને લીધે અમેરિકન પ્રમુખ બરાક ઓબામા ભારતની ત્રણ દિવસની યાત્રા ટૂંકાવીને (તાજમહાલ જોવાની બહુ લાંબા સમયની ઈચ્છાને ભોગે) સાઉદી અરેબિયાની અનપ્લાન્ડ મુલાકાતે નીકળી ગયા હતા. વાત પરથી સાબિત થાય છે કે, સાઉદી અરેબિયા તેમના માટે કેટલું સ્પેશિયલ છે. પુરોગામી અમેરિકન પ્રમુખોની જેમ ઓબામાને પણ કિંગ અબ્દુલ્લા સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. ચર્ચા કરવી પડે એવી મોંઘી ભેટસોગાદોની આપ-લે પણ તેમની વચ્ચે થતી. હવે જ્યારે સાઉદી અરેબિયામાં નવા રાજા સલમાન સત્તારૂઢ થયા છે ત્યારે ઓબામા એમની સાથે સોહાર્દપૂર્ણ ટ્યુનિંગ રચવાની ફિરાકમાં હશે. 9/11ને મુદ્દે તેમનો ઉધડો લેવાનું ઓબામા પસંદ નહીં કરે એવી ગણતરી માંડી શકાય.

મૌસુઈએ જણાવ્યું હતું કે, ‘સાઉદી સરકાર બે મોઢાવાળો સાપ છે. 9/11ના હુમલા અગાઉ સાઉદી અરેબિયા ડબલ ગેમ રમતું હતું. દુનિયાને બતાવવા તે ઓસામા બિન લાદેન અને અલ-કાયદાના વિરોધમાં હોવાનું નાટક કરતું હતું, પણ અંદરખાને તેમને મદદ કરતું હતું. આમ કરવાનું કારણ કે, સાઉદી અરેબિયામાં સરકાર ચલાવવી હોય તો રૂઢિચુસ્ત ઉગ્રવાદીઓને રાજી રાખવા પડે.’  

હુમલાની તપાસને અંતે હકીકત સામે આવી હતી કે, પ્લેન હાઇજેકર્સ પૈકીના બે આતંકવાદીઓ(નવાફ અલ-હાસમી અને ખાલિદ અલ-મિહ્ધર) ગલ્ફના કોઈ દેશમાં આતંકવાદી કેમ્પનો હિસ્સો બન્યાના દસ દિવસો બાદ અમેરિકા પહોંચી ગયા હતા. બંનેએ આતંકી હુમલાઓની આગેવાની લીધી હતી. અમેરિકામાં રહેતા સાઉદી સરકારના એક એજન્ટ, ઓમર અલ-બાયોમીએ તેમને મદદ કરી હતી. કાગળ પર ઓમર સાઉદી અરેબિયાની એક કંપનીનો કર્મચારી હતો. ટેક્નિકલી ઓમરનેઘોસ્ટ એમ્પ્લોઇગણાવી શકાય કેમ કે કોઈપણ પ્રકારના દેખીતા કામ વગર તેને પગાર મળતો હતો. નવાફ અને ખાલિદને જરૂરી દોરવણી આપવાનું કામ આટોપી તે 9/11ના હુમલો થાય એના સાત અઠવાડિયા પહેલા અમેરિકા છોડી ગયો હતો. તપાસમાં પણ ખુલ્યું હતું કે, સાઉદી અરેબિયાનીઅલ રાઝી બેંકના માલિકો પૈકીના અમુક અલ-કાયદાને નાણાં પૂરા પાડતા હતા. આવા અનેક ધનપતિ ફાયનાન્સરોને ઓસામા બિન લાદેનગોલ્ડન ચેઇનતરીકે ઓળખાવતો

અમેરિકામાં રહેતો મૌસુઈ 9/11ના હુમલા અગાઉ મિનેસોટા ખાતેની વિમાન ઉડ્ડયન શીખવતી સંસ્થામાં ગયો હતો. ત્યાં જઈ તેણે બોઇંગ ૭૪૭ જેવા મસમોટા પ્લેનને ચલાવતા શીખવાની માગ કરી હતી. તેની પાસે પાઇલટ બનવા માટેનું કોઈ લાયસન્સ હોવાથી તે શંકાના ઘેરામાં આવ્યો હતો અને ઇમિગ્રેશન ચાર્જ લગાવી તેની ધરપકડ કરવામાં આવી હતી. 9/11ના હુમલો થયો સમયે તે કસ્ટડીમાં હતો અને એપ્રિલ, ૨૦૦૫માં તેને હુમલાખોરોનો સાગરીત ઠરાવી જેલભેગો કરવામાં આવ્યો હતો. તેના વકીલે સાબિત કરી આપ્યું કે, મૌસુઈ સ્કિઝોફ્રેનિયા નામની માનસિક બીમારીથી પીડાતો હોઈ તેના તરફ રહેમ દાખવવામાં આવે, પરિણામે કોર્ટે તેને મૃત્યુદંડને બદલે આજીવન કારાવાસની સજા કરી હતી.

9/11ના હુમલામાં સંડોવાયેલા ૧૯ આતંકવાદીઓને કોનું પીઠબળ મળ્યું હતું પ્રશ્ન હજી અનુત્તર રહ્યો છે. આત્મઘાતી આતંકવાદીઓ પૈકીના મોટાભાગના અમેરિકામાં કદી રહ્યા નહોતા. તેમને અંગ્રેજી ભાષાનું પણ જ્ઞાન નહોતું. આવા બિનઅનુભવી લોકો સ્વબળે આટલા મોટા હુમલાને અંજામ આપી શકે માનવામાં આવે એમ નથી. અમેરિકાને નફરત કરતા ઉગ્રવાદી સંગઠનોનો ગલ્ફના દેશોમાં પાર નથી. સાઉદી સરકાર જો આવા સંગઠનોને સહાય કરતી હોય તો તેઓ નવા આત્મઘાતી આતંકવાદીઓ તૈયાર કરી ભવિષ્યમાં અમેરિકા પર ફરીથી હુમલો કરાવી શકે


વિવાદને લીધે અમેરિકામાં માગ ઊઠી છે કે, 9/11 હુમલાઓની તપાસ માટે નવું તપાસપંચ નીમાય, જે ખૂટતી કડીઓની ભાળ મેળવી નિષ્પક્ષ રિપોર્ટ રજૂ કરી અમેરિકાની પ્રજાને સત્યથી રૂબરૂ કરે. દરમિયાન અમેરિકન ફાઇલ્સમાંક્લાસિફાઇડટેગ હેઠળ દબાઈ રહેલું રહસ્ય અનલોક થશે ખરું, પ્રશ્ન યથાવત છે

નોંધઃ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ આ લેખ 'ગુજરાત ગાર્ડિયન'ની પૂર્તિ 'મિડવીક ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment