Wednesday 18 February 2015

કેજરીવાલે કઈ રીતે દિલ્હીમાં મેદાન માર્યું?

પોતાને નસીબદાર અને કેજરીવાલને બદનસીબ ગણાવી મોદીએ જનતાનું મન ખાટું કર્યું. દિલ્હીની ચૂંટણીમાં ભાજપને કેજરીવાલે નુકશાન પહોંચાડ્યું એના કરતા ક્યાંય વધુ નુકશાન ખુદ ભાજપની નીતિઓ, વચનો અને નેતાઓએ પહોંચાડ્યું હતું

 દિલ્હી વિધાનસભા ૨૦૧૫ના ચૂંટણી પરિણામો અભૂતપૂર્વ હતા. ભૂતકાળમાં કોઈ પાર્ટીને ના મળ્યો હોય એવો બહુમતઆમ આદમી પાર્ટીને મળ્યો જેના પાયામાં હતા અરવિંદ કેજરીવાલ. ભાજપ કેન્દ્ર સરકારમાં આવીને આઠ મહિના થયા હોવા છતાં દિલ્હીએ વિકાસનો વ પણ નહોતો દીઠો. જનતાની ધીરજ ખૂટી, તેમને વિકલ્પની તલાશ હતી જે કેજરીવાલમાં પૂરી થઈ. મનમોહન સિંહ વડપ્રધાન હતા ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ તેલના ભાવ બેરલ દીઠ ૧૦૦ અમેરિકન ડોલર હતા. હાલમાં એ ઘટીને ૫૮ ડોલર થયા છે છતાં દિલ્હીમાં શાકભાજી અને દૂધ જેવી પાયાની જરૂરિયાતોના ભાવ જેમના તેમ છે! ‘અચ્છે દિનઆવવાની રાહ જોતી દિલ્હીને ભાજપરાજ ઘણેબધે અંશે કોંગ્રેસરાજ સમું જ લાગ્યું અને જનતાનો રોષ ભાજપ વિરુદ્ધ વોટિંગમાં દેખાયો.

કેન્દ્ર સરકારની ધૂરા સંભાળ્યાને ફક્ત નવ જ મહિનામાં દિલ્હીમાં ભાજપને આટલો મોટો ફટકો પડ્યો એના ઘણા કારણો છે, જેમાંનું સૌથી મોટું કારણ છે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં ધૂંઆધાર સફળતા મેળવ્યા બાદ સત્તાનશીન બનેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહમાં થયેલો અહંકાર અને ઓવર-કોન્ફિડન્સનો સંચાર. દિલ્હીની ચૂંટણીને એક સામાન્ય ચૂંટણી તરીકે લેવાને બદલે ભાજપે તેને પ્રેસ્ટિજ ઇસ્યુ બનાવી દીધો હતો. જરૂર કરતાં વધુ નેતાઓ પ્રચારમાં ઉતાર્યા, મબલખ નાણાં વેર્યા, કાર્યકરોની ફોજ ખડકી દીધી, કેજરીવાલ માટે અસભ્ય અને બિભત્સ કહી શકાય એવા શબ્દોનો મારો ચલાવી પોતાનું જ અવમૂલ્યન કર્યું હતું.
હિન્દીમાં એક મસ્ત કહેવત છે કે, ‘જબ ગિદડ કી મૌત આતી હૈ તો વો શહેર કી તરફ ભાગતા હૈ’. ભાજપે એક પછી એક ભૂલોની લંગાર લગાવી એ કહેવતને ચરિતાર્થ કરી. ડૉ. હર્ષવર્ધનને પાછલી પાટલીએ ધકેલી સતિષ ઉપાધ્યાય જેવા નોન-સ્ટારરને દિલ્હી ભાજપના પ્રમુખ બનાવ્યા. પક્ષમાં એક એકથી ચઢિયાતા નેતાઓ હોવા છતાંઇમ્પોર્ટેડકિરણ બેદીને કેજરીવાલ સામે ઉતાર્યા. એને પરિણામે પક્ષમાં ફેલાયેલી અસંતોષની લાગણીઓ જનતા સામે આવતા વાર ન લાગી. કિરણ બેદીના કિરણો કંઈ ખાસ ઉજળા ન લાગતા ખુદ નરેન્દ્ર મોદીએ મેદાને ઉતરવું પડ્યું. દિલ્હીના અખબારોમાં આખા પાનાંની જાહેરાતો છપાઈ જેમાં લખ્યું હતું, ‘મોદીને દિલ્હીના વિકાસપથ પર લઈ જવા દો.’ જનતા એ જ સમજી ના શકી કે એમણે કિરણ બેદીને ચૂંટવાની છે કે નરેન્દ્ર મોદીને! દિલ્હીની ચૂંટણી ભાજપના હાથમાંથી કદાચ ત્યારે જ સરકી ગઈ હતી. મતદાન પહેલા જ રિઝલ્ટ આવી ગયું હતું. તમામ પોલ્સમાં પણ કેજરીવાલને સ્પષ્ટ વિજેતા જાહેર કરાયા હતા.

ભ્રષ્ટાચાર હટાવવાના મસમોટા વચનો આપીને કેન્દ્ર કબજે કરનારો ભાજપ પક્ષ સત્તામાં આવ્યા બાદ જાણે કે ભૂલી જ ગયો હતો કે ભષ્ટ્રાચાર કિસ ચિડિયા કા નામ હૈ. કેજરીવાલે દિલ્હીમાં ભ્રષ્ટાચાર નાબૂદીને મુદ્દો બનાવ્યો પણ ભાજપ એ બાબતે મૌન હતી. ‘આપને મળેલા ૨ કરોડના ચૂંટણીભંડોળ પર સવાલ ઊઠાવવાની ભૂલ પણ ભાજપે કરી. જે પક્ષ પોતે કરોડો-કરોડોના ચૂંટણીભંડોળના બળે કેન્દ્રસ્થ થયો હોય એ આ પ્રકારના મુદ્દે હરીફ પક્ષ પાસે ખુલાસા માગે એ તોડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ આપેએવી વાત થઈ. ‘આપને નાનીનાની અને નગણ્ય બાબતે દોષિત ઠેરાવવાની લ્હાયમાં ભાજપ એ ભૂલી ગયું કે એવા જ બધા દોષોને એનકેશ કરીને એણે કેન્દ્રમાં અને અન્ય રાજ્યોમાં સત્તા મેળવી છે.
૪૯ દિવસના રાજ બદલ કેજરીવાલ વિશે ‘AK 49’થી લઈનેમફલરમેન’, ‘જોકર’, ‘પાખંડીઅનેભગૌડાજેવા હિણપતભર્યા શબ્દો વાપરવામાં આવ્યા હતા. લોકસભાના ઇલેક્શન અગાઉ કોંગ્રેસે મોદી વિશેચાવાળોઅનેમોત કે સૌદાગરજેવા શબ્દો વાપરી દેશની જનતામાં મોદી વિરુદ્ધ સહાનુભૂતિ જન્માવી હતી. કોંગ્રેસના આ આત્મઘાતી પગલાંનું જ પુનરાવર્તન ભાજપે દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં કર્યું. કેજરીવાલને જનતાની સહાનુભૂતિ સાથે મબલખ મત મળ્યા અને ભાજપને મળ્યું શકોરું!
પોતાને નસીબદાર અને કેજરીવાલને બદનસીબ ગણાવી મોદીએ જનતાનું મન ખાટું કર્યું. કેજરીવાલની જ્ઞાતિને ઉપદ્રવી ગણાવી તેમણે ખુદ પોતાના પક્ષના મતોમાં મોટું ગાબડું પાડ્યું. દિલ્હીની ચૂંટણીમાં ભાજપને કેજરીવાલે નુકશાન પહોંચાડ્યું એના કરતા ક્યાંય વધુ નુકશાન ખુદ ભાજપની નીતિઓ, વચનો અને નેતાઓએ પહોંચાડ્યું હતું

વિદેશોમાં રહેલું કાળું નાણું ભારત લાવી દેશના પ્રત્યેક નાગરિકના બેંક એકાઉન્ટમાં ૧૫ લાખ રૂપિયા જમા કરાવવાની દિવસ્વપ્ન સમાન જાહેરાત કરનાર ભાજપને આ બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે અમિત શાહે બેશરમીપૂર્વક જવાબ આપ્યો હતો કે, એ તો ફક્તચુનાવી જુમલોહતો અને એને ગંભીરતાથી લેવાની જરૂર નથી. દેશની જનતા સાથે આ ક્રૂર મજાક હતી. આ જ મુદ્દે ભાજપે એમ પણ કહ્યું હતું કે સ્વીસ બેંકોમાં રહેલું ભારતીય નાણું કાળું છે એની પૂરતા પુરાવા નથી એટલે એ ખાતાધારકો સામે કાયદાકીય પગલાં ના લઈ શકાય.

મોદી-ઓબામાની મુલાકાતથી દેશ ભલે ઉત્સાહમાં હતો પણ દિલ્હીવાસીઓને એ ભાઈચારો પ્લાસ્ટિકિયો લાગ્યો હતો. ‘માય ફ્રેન્ડ ઓબામાનું સંબોધન ઉપરછલ્લું હતું. અમેરિકન પ્રમુખને પ્રભાવિત કરવા માટે પહેરાયેલો ગોલ્ડન સૂટ પણ આઘાતજનક દેખાડો હતો.

દિલ્હીનું મુખ્યમંત્રીપદ ગજવે ઘાલવાની ભાજપી-ચેષ્ટામાં શહેરીવિકાસના વેણ તો ક્યાંય સંભળાતા જ નહોતા. જે સંભળાતું હતું એ હતું હરીફોની બદબોઈ અને અહંકારયુક્ત વાણીવિલાસ. જનતાને આ કાદવઉછાળ રમત પસંદ ના આવી અને એ ચૂંટણી પરિણામોમાં દેખાઈ આવ્યું.    

દિલ્હીમાં ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણી વખતે કેજરીવાલે વોટ મેળવવા જે આયુધો વાપર્યા હતા એમાં હકારાત્મક ફેરફાર કરીને તેઓ આ વખતે મેદાનમાં ઉતર્યા હતા. મોદી એન્ડ કું. દ્વારા પોતાના માટે વપરાયેલી અનેક નકારાત્મક ટિપ્પણીઓને નજરઅંદાજ કરીને તેઓ માત્ર વિકાસના એજન્ડા વિશે બોલ્યા. દિલ્હીની જનતાને એમાં તેમની ખાનદાની અને સંસ્કાર દેખાયા હોય કે કેમ, પણ ભાજપે કેજરીવાલ વિરુદ્ધ બોલબોલ કરીને તેમને વધુ ઉજળા અને પોતાને વધુ નિમ્ન સાબિત કર્યા હતા.

સામે પક્ષે કેજરીવાલે દિલ્હીવાસીઓના અંતરમન વાંચી લઈ તે મુજબ રણનીતિ ઘડી. કોમન મેન જેવો તેમનો સાદો દેખાવ પણ મતદાતાઓને અપીલ કરી ગયો. જ્યારે સતત ડિઝાઇનર વસ્ત્રો પહેરી મહાલતા મોદી કમસેકમ દિલ્હીના લોઅર મિડલ ક્લાસથી તો અછૂતા જ રહી ગયા.

કેજરીવાલ મોદી વિરુદ્ધ બોલવાથી દૂર રહ્યા. એવું કરીને તેમણેઆમ આદમી પાર્ટીડર્ટી પોલિટિક્સથી દૂર છે એવો સંદેશ જનતા સુધી સફળતાપૂર્વક પહોંચાડ્યો. ‘આપના કાર્યકરોએ ચૂંટણી દરમિયાન એવી હવા ઊભી કરી હતી કે દિલ્હીના મુખ્યપ્રધાન બની કેજરીવાલ કેન્દ્ર સરકારના સહયોગથી દિલ્હીમાં કાર્ય કરશે. મતદાતાઓને એમની અરજ હતી કે, મોદીનેપીએમરહેવા દો અને મનેસીએમબનાવો. ‘ટૂંકમાં આપએ હરીફની લીટીને નાની કરવાને બદલે પોતાની લીટી મોટી કરી પોતાની યોગ્યતા સાબિત કરી. વડાપ્રધાનના ખર્ચાળ વિદેશપ્રવાસોથી લઈને અમુક ઉદ્યોગપતિઓ પ્રત્યે તેમની વધુ પડતી કૂણી લાગણીઓને કેજરીવાલ મુદ્દો બનાવી શક્યા હોત પણ તેમણે એમ ન કરી ફક્ત હકારાત્મક રાજનીતિ અપનાવી. આ બાબત જનતાને સ્પર્શી ગઈ.      

ગરીબો, દલિતો અને મુસ્લિમોના વોટ્સ તોઆપને પક્ષે જ જમા હતા. ધર્મ અને જાતિને પણ તેમણે કેન્દ્રબિંદુ ન બનાવી જેને લીધે તેઓ સર્વધર્મ-જાતિ પ્રિય થયા. ટીવી ચેનલો અને પ્રિન્ટ મીડિયાને બદલે પ્રચારના પ્રથમ દોરમાં તેમણે સોશિયલ નેટવર્કિંગ મીડિયાનો સહારો લીધો જેને લીધે દિલ્હીનું યુવાધન તેમના તરફ આકર્ષાયું. વીજળી, પાણી અને એજ્યુકેશન લોન જેવા પાયાના મુદ્દે તેમણે વાસ્તવિક લાગતાં વચનો આપ્યાં

છપ્પનની છાતીજેવા સુપરહીરો દાવાઓ કરવાને બદલે કેજરીવાલે વાસ્તવિક લાગે એવા વચનો આપ્યા. એસી રૂમમાં બેસી રાજકીય રણનીતિઓ ઘડવાને બદલે તેમણે સ્થાનિક પ્રજાજનો વચ્ચે જઈ દિલ્હીની સમસ્યાઓ વિશે માહિતી મેળવી. દિલ્હીની ગાદી છોડવા બદલ જનતાને નતમસ્તક થઈ માફીય માગી. તેમની સહજતા, સરળતા અને પ્રામાણિકતા દિલ્હીવાસીઓને સ્પર્શી ગઈ. આ બધા વચ્ચે ગ્રાસરૂટ પર કાર્ય કરતાઆપના કાર્યકરોની મહેનત ઊગી નીકળી.        

કેજરીવાલનેકાનમાં ગણગણતું મચ્છરગણાવતા ભાજપે હવેઆપને ગંભીરતાથી લેવી જ પડશે કારણ કે એ પક્ષ જનતા સાથે અનુસંધાન સાધવામાં સક્ષમ છે એ વાત સાબિત થઈ ચૂકી છે. રાજકીય ત્રાજવે નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીનું પલ્લું ખાસ્સું હળવું છે. લોકશાહી દેશમાં ત્રાજવું એક તરફ નમી જાય એ ના ચાલે. દેશનું રાજકીય ત્રાજવું સમતોલ કરવા માટે દેશને એક નવો અને મજબૂત વિકલ્પ જોઈતો હતો, જે કેજરીવાલમાં મળી ગયો. થેંક્સ ટુ ધી પીપલ ઓફ દિલ્હી.

દિલ્હી ચૂંટણીના પરિણામો એ મોદી સરકારને વાગેલો એક હળવો ધક્કો છે અને એનાથી ભાજપની કેન્દ્ર સરકારના પાયા ડામાડોળ નથી થઈ જવાના. છતાં એ ધક્કાનું મહત્ત્વ છે. સત્તાધારી પક્ષને પણ ખ્યાલ આવવો જોઈએ કે રાજકારણમાં ભલે ગમે એટલો બહુમત મળે, કોઈ પક્ષ અમરપટો લખાવીને ગાદીએ નથી બેસતો. જનતાની અપેક્ષા મુજબ કામ નહીં કરીશું તો તેમને ફગાવી દેવામાં આવશે. નરેન્દ્ર મોદીનો સક્રિય સહયોગ હોવા છતાં ભાજપના ગઢમાં ગાબડું પાડી શકાય છે એ કેજરીવાલે સાબિત કરી આપ્યું છે અને આ હકીકત ભવિષ્યમાં અન્ય પાર્ટીઓ માટે પણ સાયકોલોજિકલ એડવાન્ટેજ સાબિત થઈ શકે છે.    

દિલ્હી બાદ પંજાબ, બિહાર અને યુપીને ટાર્ગેટ કરી રહેલા કેજરીવાલ યુવાન હોવાથી તેમની પાસે લાંબી રાજકીય કારકિર્દી સંભવ છે. દિલ્હીમાં બતાવ્યો એવો જ જોશ અને કાર્યક્ષમતા અન્યત્ર બતાવશે તો તેમનીઆમ આદમી પાર્ટીભાજપ સામે સૌથી મોટી ચેલેન્જ બની શકશે.  

No comments:

Post a Comment